ઉડતા પંજાબને કાતરતા પહલાજ
ક્રિએટીવિટીથી ફાટફાટ થતાં બાપડા અનુરાગ કશ્યપના આજકાલ સારા દિવસો નથી ચાલતા. 'ડેવ ડી' અને 'ગેંગ્સ ઓફ વાસેપુર' જેવી ફિલ્મો બનાવનારા આ ડિરેક્ટરની છેલ્લી ફિલ્મ 'બોમ્બે વેલવેટ' ઉંઘા માથે પટકાયેલી, જેના નિર્માણને લઈને લોકોએ એની એવી તો ઠેકડી ઉડવેલી કે, અનુરાગે ફેસબુક પર દેકારો કરવો પડેલો, 'હું ફરી આવીશ. અને સૌથી શ્રેષ્ઠ ફિલ્મો લઈને આવીશ.' અને દેકારા બાદ હજુ તો નવી ફિલ્મ લઈને આવી જ રહ્યા હતા કે, અધવચ્ચે પહલાજ નિહલાનીએ એમના માર્ગમાં રોડાં નાંખ્યા અને અનુરાગ કશ્યપ લાલઘૂમ થઈ ગયા.
અલબત્ત, 'ઉડતા પંજાબ' ફિલ્મનું ડિરેક્શન અનુરાગ કશ્યપે નથી કર્યું, પણ અનુરાગે ફિલ્મને પ્રોડ્યુસ કરી છે અને પ્રોડ્યુસરને નાતે જ્યારે એમના પણ એક-બે ખોખા ફિલ્મના નિર્માણ પાછળ ખર્ચાયા હોય તો સ્વાભાવિક છે કે, સેન્સર બોર્ડ ફિલ્મમાં અધધધ ક્ટ્સ આપે તો અનુરાગને ચચરે અને તેઓ સેંસર બોર્ડના નિર્ણયને કોર્ટમાં પડકારી બેસે. જોકે આપણે તો પહલાજ સાહેબની વાત કરવી છે, જેઓ આજકાલ મોટ જમાદાર થઈ બેઠા છે અને ફિલ્મોમાંથી ફલાણું કાઢો અને ફિલ્મો પેલું ઉમેરોના હુકમો કરી કરીને લોકોની સર્જનાત્મક્તાની ઐસી કી તૈસી કરી રહ્યા છે.
એક રીતે જોવા જઈએ તો આપણા સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનની હાલત આજકાલ બીસીસીઆઈ જેવી થઈ છે. જેમ બીસીસીઆઈમાં બાપ જિંદગીમાં ક્રિકેટ નહીં રમ્યાં હોય એવા રાજકારણીઓ વહીવટી સત્તાઓ ધરાવે છે એ જ રીતે આપણા સેન્સર બોર્ડમાં પણ લેખકો અને નાટકો સાથે સંકળાયેલા લોકોને ભરી દેવામાં આવ્યા છે. અને આ બધાના આગેવાન એટલે આપણા પહલાજ નિહલાની, જેઓ સંસ્કારનું પૂંછડું પકડીને કોણજાણે કેટલાય અસંસ્કારી કૃત્યો આચરી રહ્યા છે.
આમ તો પહલાજ નિહલાની માટે પણ આપણે સ્પષ્ટ શબ્દોમાં એમ કહેવું હોય તો કહી જ શકીએ કે, એમને ફિલ્મના માધ્યમની યોગ્ય જાણકારી નથી. કારણ કે પહલાજ નિહલાનીએ એમના જીવનમાં એકપણ ફિલ્મ ડિરેક્ટ નથી કરી. વર્ષ 2012માં ગોવિંદા અને સન્ની દેઓલને લઈને 'અવતાર' નામની એક ફિલ્મની શરૂઆત કરી હતી, પરંતુ સરકારની પંચવર્ષીય યોજનાની જેમ ચાર વર્ષ થઈ ગયા હોવા છતાં આ ફિલ્મનું પ્રોડક્શન હજુ પૂરું નથી થયું. અને હવે તો નિહલાની કદાચ આ ફિલ્મ પડતી મૂકવાની ફિરાકમાં હશે કારણ કે, એમની ફિલ્મના લીડ હીરો ગોવિંદા છે અને આ જ ગોવિંદા ભૂતકાળમાં કોંગ્રેસ તરફથી સંસદમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે. જોકે એ વાત અલગ છે કે, સાંસદ તરીકે ગોવિંદાએ કશું ઉકાળ્યું નહોતું!
નિહલાનીએ સોળેક ફિલ્મો પ્રોડ્યુસ કરી છે ખરી, પરંતુ પ્રોડ્યુસર ફિલ્મકળાના વિવિધ પાસાને જાણતા હશે કે કેમ એ બાબતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. એમ તો રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ્સ પણ હિન્દી ફિલ્મોમાં વર્ષે દહાડે અબજો રૂપિયા રોકે છે, પણ એનો અર્થ એ તો નહીં જ થાય કે, અનિલ અંબાણીને ફિલ્મોના ઝીણા ઝીણા પાસાના જાણકાર તરીકે ઓળખવામાં આવે!
ખૈર, 'ઉડતા પંજાબ' ફિલ્મમાં સૂચવાયેલા કટ્સ તરફ નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે, નિહલાની આણી કંપનીએ માત્ર ને માત્ર વડાપ્રધાન મોદી અને એમની સરકારને લાડકા થવા માટે જ કેટલાક ક્ટ્સ કરાવ્યા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી માથે છે અને આમ આદમી પાર્ટી અને અકાલી દળ+ ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર થવાના એંઘાણ છે ત્યારે નિહલાનીજીને એમ થયું હશે, ચાલો આપણે પણ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આપણું કંઈક યોગદાન આપીએ અને પક્ષને કે મોદીજીને વહાલા થઈએ. જોકે આમાં તો કંસાર બનાવવામાં થૂલી થઈ ગઈ અને આટલા બધા કટ્સ આપવાના કારણે અને ફિલ્મની રિલીઝ ડેટ્સ પાછળ લઈ જવાને કારણે વાતનું વતેસર થઈ ગયું અને નિહલાની સહિત મોદી સરકારને માથે માછલા ધોવાયા.
કટ્સની સાથોસાથ નિહલાની આણી કંપનીએ 'ઉડતા પંજાબ' ફિલ્મને એક જોરદાર સલાહ આપી છે. સેન્સર બોર્ડે દિગ્દર્શકને એમ સલાહ આપી કે, ફિલ્મ શરૂ થાય ત્યારે 'આ ફિલ્મ સંપૂર્ણ કાલ્પનિક છે'ની સૂચના સાથે એવું લખવા જણાવ્યું છે કે, 'આ ફિલ્મ ડ્રગ્સના વધતા ચલણ અને યુવાનો પર થતી એની આડઅસરને રોકવાના પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવી છે. અમે એવું માનીએ છીએ કે, ડ્રગ્સનું ચલણ રોકવા માટે સરકાર અને પોલીસ પૂરતા પ્રયાસો કરી રહી છે, પરંતુ લોકોના સહયોગ વિના આ લડાઈ જીતવી અશક્ય છે.'
લો કર લો બાત. એક વાસ્તવિક કથા પર આધારિત ફિલ્મોમાં હવે આવી સ્પષ્ટતાઓ પણ કરવી પડશે? આ તો હદ થઈ ગઈ કહેવાય. અને ભાઈ, ફિલ્મકારો આ બધી સ્પષ્ટતાઓ જ કરતા રહેશે તો પડદા પર ફિલ્મ ક્યારે રજૂ થશે? જોકે ફિલ્મ સેન્સર બોર્ડને આવી વિપરીત બુદ્ધિ કેમ સૂઝી રહી છે એનો ખ્યાલ નથી આવતો. શું વિનાશકાળ નજીક હશે? અને વિનાશકાળ કોનો?
આ પહેલા પણ નિહલાની વિવિધ વિવાદોમાં સપડાતા રહ્યા છે, પરંતુ આ વખતે વિવાદ વધુ વકર્યો છે અને સેન્સર બોર્ડની તર્ક વિહોણી માગણીઓ સામાન્ય લોકોની સમક્ષ છતી થઈ ગઈ છે. સામાન્ય લોકો પણ એ જાણતા થઈ ગયા છે કે, સરકરની ગુડબુકમાં નામ રાખવા માટે સરકાર દ્વારા નિમાયેલા લોકો કઈ હદે જઈ શકે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર