ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન
આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ સુધી રિયો શહેરમાં યોજાઈ રહેલી ઑલિમ્પિક્સ રમતોમાં ભારતને સમ ખાવા પૂરતો મેડલ નથી મળ્યો ત્યારે આ સપ્તાહે મેદાનની બહારના ખેલાડીઓ ઑલિમ્પિક્સ ખેલાડીઓનું મોરલ ડાઉન થાય અને દેશનું નામ બદનામ થાય એવી કરતૂત કરી રહ્યા છે. પહેલા લેખિકા શૉભા ડે એ ટ્વિટર પર ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલા રમતવીરો માટે બકવાસ કર્યો. અને ત્યારબાદ ખેલમંત્રી વિજય ગોયલ એમના કથિત અભદ્ર વર્તનને લઈને સમાચારોમાં ઝળક્યા.
શૉભા ડેને તો જોકે લોકોએ ટ્વિટર પર જ એમની બકવાસનો જવાબ મળ્યો અને રહેલીસહેલી કસર ફેસબુક યુઝર્સે પૂરી કરીને શૉભા ડેને એમની જવાબદારીનું ભાન કરાવાયું. પરંતુ વિજય ગોયલ સંર્દભના જે સમાચાર આવી રહ્યા છે એ અત્યંત ગંભીર છે. રિયોથી સમાચાર એવા આવી રહ્યા છે કે, ભારત સરકારના ખેલ મંત્રી વિજય ગોયલ એમની સાથે એમના હજુરિયાઓને પણ સાથે બ્રાઝિલ લઈ ગયા છે અને ત્યાં કેટલીક પ્રતિબંધિત જગ્યાઓએ હજુરિયાઓને એન્ટ્રી અપાવવાનો આગ્રહ કરી રહ્યા છે.
ખેલ મંત્રી તરીકે વિજય ગોયલને તો રિયો ઑલિમ્પિક્સનો પાસ અપાયો છે, પરંતુ એ પાસ પણ અમુક જ વિસ્તારો માટેનો અપાયો છે. જેમકે વિજય ગોયલ એ પાસની મદદથી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી શકે, પરંતુ તેમનાથી ખેલાડીઓના ગ્રીનરૂમમાં કે મેદાન પર જઈ શકાય નહીં. ઑલિમ્પિક્સના આ નિયમો વિશ્વભરમાંથી આવેલા તમામ મહેમાનોને લાગું પડે છે, પરંતુ આપણે ત્યાં પહેલાથી જ આવા નિયમો પાળવાનો સિરસ્તો નહીં હોવાને કારણે મંત્રીજી ત્યાં પણ ભારતમાં થાય એવું જ વર્તન કરવા માંડ્યા, જેને પગલે ઑલિમ્પિક્સની આયોજન સમિતિ મંત્રીથી અત્યંત નારાજ છે અને સમિતિ એ આ માટે લેખિતમાં એક ચેતવણી પણ આપી દીધી છે કે, અમે વિજય ગોયલના વર્તનથી અત્યંત નારાજ છીએ અને હવે પછી જો તેઓ કોઇ અનપેક્ષિત વર્તન કરશે તો ઑલિમ્પિક્સની એમની માન્યતા રદ્દ કરી દેવામાં આવશે.
સમાચાર તો એમ પણ આવી રહ્યા છે કે, રિયોમાં વિજય ગોયલ રમત બાદ મેદાનમાં ઉતરીમાં ભારતીય ખેલાડીઓ સાથે સેલ્ફી પડાવી રહ્યા છે, જે ઑલિમ્પિક્સની આયોજન સમિતિના નિયમની વિરુદ્ધ છે. આ ઉપરાંત વિજય ગોયલના હજુરિયાઓને આયોજન સમિતિ તરફથી કોઈ પાસ ઈશ્યુ કરવામાં આવ્યા નથી. પરંતુ વિજય ગોયલ જ્યાં જાય ત્યાં એમના હજુરિયાઓને પણ લઈ જવાની જીદ કરે છે, જેના કારણે આયોજન સમિતિના અધિકારીઓ સાથે એમની ચડભડ થઈ રહી છે. વળી, એમના હજુરિયાઓ પર તો બાઉન્સર્સ સાથે ધક્કામુક્કી કરવાના પણ આક્ષેપ છે.
આપણે ત્યાં આવા કાર્યક્રમો થતાં હોય ત્યારે સામાન્ય રીતે આવું જ થતું હોય છે પાસ કે પરવાનગી હોય કે ન હોય, પરંતુ સુરક્ષાના તમામ નિયમોને તડકે મૂકીને કેટલાય લોકો નિયમોનો ભંગ કરતા હોય છે. સુરક્ષા વ્યવસ્થામાં આવા છીંડાને પગલે જ ઘણી વખત કોઈ મોટી અનિચ્છનિય હોનારત પણ ઘટી જતી હોય છે. પરંતુ, આપણે ત્યાં એવી ઘટનાઓ વિશે ગંભીરતાથી વિચારવામાં આવતું નથી અને દલા તરવાડીઓને પ્રવેશ અપાતા હોય છે.
જોકે વિદેશમાં એવું હોતું નથી. ત્યાં નિયમોનો કડક અમલ થાય છે અને નિયમ તોડે એ વ્યક્તિ ગમે એટલી મોટી હસ્તી હોય તો પણ એના પર જરૂરી પગલાં લેવાય છે. ત્યાં એવું ક્યારેય નથી જોવાતું કે, ચાલો ભાઈ, આ તો કોંગ્રેસના મોટા નેતા છે કે આ ભાજપ સરકારના મોટા મંત્રી છે. કાયદા કે નીતિની બાબતે વહાલા-દવલાની પ્રથા આપણે ત્યાં જ મોટેભાગે ચલાવી લેવાય છે.
આવે ટાણે આપણા મંત્રી ઑલિમ્પિક્સમાં આવું વર્તન કરીને આવે તો સ્વાભાવિક છે કે, આપણા દેશનું ત્યાં ભૂંડું દેખાય અને વિદેશના લોકો આપણા વિશે ખોટી ધારણાઓ બાંધે. આપણે ત્યાં જે રીતે આ બાબતના સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે એ જ રીતે વિદેશોમાં પણ આ ઘટનાના સમાચારો પ્રકાશિત થઈ રહ્યા હશે, પરંતુ ત્યાંની હેડલાઈનમાં એમ નહીં લખાયું હોય કે, ‘વિજય ગોયલ પર ફલાણા ફલાણા આક્ષેપ…’ ત્યાં એમ જ લખાયું હશે કે, ‘ભારતીય ખેલ મંત્રી પર ફલાણા આક્ષેપ…’ કહેવાનો મતલબ એટલો જ કે જ્યાં આપણે આપણા દેશના પ્રતિનિધિ તરીકે ગયા હોઈએ ત્યારે ભારતમાં આપણે ત્યાં જે સ્વાભાવિક ગણાતું હોય એવા વર્તનથી આપણે દૂર રહેવું અને સતત સતર્ક રહી દેશનું બૂરું દેખાય એવું કંઈક નહીં થાય એની કાળજી રાખવી.
ખૈર, હજુ વિજય ગોયલ ભારત આવ્યા નથી અને ભારતીય મીડિયા સાથે એમનો પનારો પડ્યો નથી. પણ તેઓ ભારત આવશે એટલે આ આખી ઘટના કંઈક જુદો જ રંગ લેશે અને મીડિયા એની રાબેતા મુજબ ઉહાપોહ મચાવશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર