અમારો પગાર વધારો

07 May, 2016
12:05 AM

મમતા અશોક

PC:

નોકરીમાં દર છ મહિને વર્ષે પગાર વધારો થાય એ કોઇ પણ કર્મચારીનું સપનું હોય છે. અને મહેનત કરનાર દરેક વ્યક્તિને એની મહેનત મુજબનું વાજબી વળતર મળવું જ જોઈએ. પણ કેટલાક અસંતોષીઓ એવા હોય છે, જેમને કામ કરતી વખતે મણમણના ભાર થઈ જતાં હોય છે, પણ દર છ મહિને અમસ્તા જ ‘અમારો પગાર વધારો… અમારો પગાર વધારો…’ની બૂમરાણ કરવાની આદત હોય છે.

પગાર વધારાની માગ યોગ્ય હોય કે અયોગ્ય, પણ મોટા ભાગે જ્યારે પણ પગાર વધારાની માગ થાય અને એ માગ નહીં સ્વીકારાય ત્યારે કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતાં હોય છે અથવા હડતાલની ચીમકી આપતા હોય છે. આ કારણે સંસ્થાનું કામ ઠપ પડી જતું હોય છે અને બધું અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે, જેના કારણે સંસ્થા સાથે અન્ય કોઇ રીતે સંકળાયેલા બીજા લોકોએ પણ હાલાકી ભોગવવી પડતી હોય છે.

તમને એમ થતું હશે કે, મે મહિનો આવી ગયો છે એટલે મમતાબેને આજે પગાર વધારાની લપ માંડી હશે. પણ, નહીં પગાર વધારાને લગતી વાત એટલે કરવી પડી કે, તાજેતરમાં આપણા દેશના સેવકોએ એટલે કે, સાંસદોએ એમના પગાર ભથ્થામાં સો ટકાનો વધારો માગ્યો હતો અને આટલે જ નહીં અટકતા આપણા સેવકોએ એમને મળવા પાત્ર અન્ય સેવાઓ જેવી કે, સંસદીય વિસ્તારમાં જવા માટે પ્રતિમાસ મળતું ભથ્થું તેમજ પેશનમાં વધારા માટેની પણ અરજી કરી છે.

પગાર વધારાની વાત તો ચાલો સમજ્યા, પણ સંસદીય વિસ્તારની મુલાકાત માટે એમને પ્રતિમાસ મળતા 45,000 રૂપિયામાં એમણે 90, 000 સુધીનો વધારો માગ્યો એ થોડું અજુગતું લાગે છે. જો આરટીઆઈ દાખલ કરીને સાંસદોની એમના સંસદીય વિસ્તારની મુલાકાતની માહિતી માગવામાં આવે તો અનેક ચોકાવનારી વિગતો બહાર આવી શકે એમ છે. ત્યારે આવા સમયે એમણે આટલો બધો વધારો માગવાની જગ્યાએ સામેથી સરકારને પૈસા આપવા જોઈએ કે, 'લ્યો, અમારે તો અમારા સંસદીય વિસ્તારમાં ઝાઝું જવાનું નથી બનતું અને આવતી ચૂંટણીને તો હજી ઘણી વાર છે એટલે આ રકમનો ક્યાંક બીજે ઉપયોગ કરો!' અલબત્ત, તેઓ આવું નથી કરવાના. પણ તોય યાર જે ગલીઓમાં ક્યારેય જવાના જ નથી તો પછી એના ભથ્થામાં વધારાની માગણી જ શું કામ કરવી?

મજાની વાત એ છે કે, સામાન્ય રીતે દેશને લગતા મહત્ત્વના પ્રશ્ને કે લોકહીત માટેના વિવિધ બીલ પસાર કરતી વખતે જે સાંસદો એકમત નથી થઈ શકતા એ જ સાંસદો પગાર વધારા માટે એકમત છે, જેમની આગેવાની યોગી આદિત્યનાથ કરી રહ્યા છે! આપણા સાંસદો એવા તે કેવા લોકસેવકો છે કે, જેઓ લોકોની સમસ્યાઓ વખતે વિરોધ અને સમર્થન એમ બે ફિરકામાં વહેંચાઈ જતાં હોય છે, પણ પોતાની સમસ્યા વખતે બધાય એકમત થઈ જાય છે!

દિલને ટાઢક વળે એવી વાત એ છે કે, સાંસદોની પગાર વધારાની માગણીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા કરી છે અને આ બાબતે સાંસદોની ઝાટકણી પણ કાઢી કે, ‘તમારા પગારમાં કેટલો વધારો થવો જોઈએ એ પણ તમે જ નક્કી કરશો?’ વડાપ્રધાને આ બાબતે બીજી એક સલાહ એમ પણ આપી કે, સાંસદોના પગાર વધારા માટે પણ એક પે કમિશન હોવું જોઈએ, જે સમયાંતરે મોંઘવારી તેમજ જરૂરિયાતના હિસાબે પગારમાં વધારા સૂચવે!

વડાપ્રધાનનું આ વલણ ખૂબ સરાહનીય છે. તેમજ આ વલણ ખરા અર્થમાં લોકહીતમાં છે એમ કહી શકાય. પણ હવે જ્યારે સાંસદોના માર્ગમાં ખૂબ વડાપ્રધાને જ રોડાં નાંખ્યા છે તો હવે થોડી કલ્પનાઓ કરવાનું મન થાય છે. કલ્પના એમ કરો કે, ધારો કે વડાપ્રધાનની સલાહની ઉપરવટ જઈને સાંસદોએ પગાર વધારાની માગ ચાલું રાખી તો? પગાર વધારો જોઇએ એટલે જોઇએ જ, એની જીદમાં જો એમણે કોઇ પગલાં લેવાનું નક્કી કર્યું તો તેઓ કયા પ્રકારના પગલા લેશે?

વિરોધ પ્રદર્શન માટે એમણે ખરેખર કોઇ નવો, યુનિક આઈડિયા શોધવો પડશે. કારણ કે, જો પગાર વધારો નહીં અપાયો તો તેઓ એમ તો કોઇ કાળે નથી કહી શકવાના કે, અમે સંસદ નહીં ચાલવા દઈએ! કારણ કે, સંસદ તો આમેય નથી ચાલતી, અને ચાલે છે ત્યારે વારેવારે ઠપ થઈ જાય છે. તો આ લોકો એમાં નવું શું કરવાના? જે કામકાજ પહેલાથી ક ઠપ છે એ કામકાજ ઠપ કરવાની ચીમકી કોઇ ગણકારે ખરું? એટલે હડતાલની કે બંધ પાળવાની ચીમકી ઉચ્ચારવાનું એમણે માંડવાળ કરવું જોઈએ.

આ ઉપરાંત તેઓ રાજીનામું મૂકવાની પણ ચીમકી આપી શકે એમ નથી. કારણ કે, સામે છેડે પ્રવણ દા પણ પાણીમાં બેસે એમાંના નથી. રાજીનામાની ચીમકી લઈને જો સાંસદો રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા અને રાષ્ટ્રપતિએ, ‘વાંધો નહીં કાલથી નહીં આવતા’ એમ કહીને ભૂલેચૂકેય રાજીનામું સ્વીકારી લીધું તો સાંસદોને તો બકરું કાઢતામાં ઉંટ પેસી જશે અને એમણે આ ભથ્થું તો ઠીક, પણ બીજા ‘ભથ્થાચાર’માંથી પણ હાથ ધોઈ નાંખવા પડશે.

વળી, નાણાં વિનાનો નાથિયો વાળી કહેવત સત્તાધિશો માટે પણ લાગું પડતી હોય છે એટલે જો સત્તા ગઈ તો ભથ્થાં તો તેલ લેવા ગયા પણ કોઇ પાણીનું પણ નથી પૂછવાનું. અને આ બધા કંઈ સંન્યાસી તો નથી જ કે રાજીનામું સ્વીકારાઇ જાય તો સંન્યાસ લઈ લે. કોઇ પણ પ્રકારનો મોહ ન હોત તો સત્તા સ્થાન સુધી પહોંચવાની મથામણ જ શું કામ કરતે તેઓ?

આ કારણે એમણે પોતાની માગ સંતોષાવા માટે આપણા સાંસદોએ થોડી તકલીફોનો સામનો તો કરવો જ પડવાનો છે. પરતું આશા રાખીએ કે, તેઓ એમના મિશનમાં સફળ રહે. આખરે મોંઘવારી કેટલી છે. આટલી ઓછી આવકમાં તે કંઈ મહિનો ચાલે? બાર સાંધો ત્યાં તેર તૂટતા હોય ત્યાં પગાર વધારો નહીં મળે તો જીવવું જ કેમ? જોકે આ બંને સવાલો સત્તાધિશોના નથી. આ તો મારો સવાલ છે, તમારો સવાલ છે, ખૂબ પસીનો પાડીને નજીવી આવક રળતા દેશના જણેજણનો સવાલ છે. સાથે જ એક સલાહ પણ આપું છું કે, આ સવાલોના જવાબ શોધવાની પળોજણમાં ભૂલેચૂકેય નહીં પડતા. જવાબ તો નહીં જ જડશે પણ પછી તમેય તમને નહીં જડશો… યુદ્ધસ્વ!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.