આવ રે વરસાદ...
સામાન્ય રીતે આપણા ગુજરાતમાં સાતથી દસ જૂન સુધીમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે અઢારમી જૂન થઈ હોવા છતાં હજુ સુધી વરસાદ પડ્યો નથી. એક તો મૂળે છેલ્લા બે-ત્રણ વર્ષથી વરસાદ સારો નથી થતો અને દેશના અનેક રાજ્યો દૂકાળગ્રસ્ત છે ત્યારે ખેડૂતો સહિત દેશના લાખો લોકો વરસાદની રાહ જુએ અને વરસાદ મોડો થાય તો થોડીઘણી ચિંતા કરે એ સ્વાભાવિક છે. પણ બાપા આ મોબાઈલ અને ઈન્ટરનેટની ક્રાંતિ થઈ છે પછી વરસાદની રાહ જોવાવાળો એક નવો વર્ગ ઊભો થયો છે અને એ વર્ગના લોકો એટલે આપણા સેલ્ફી રસિયાઓ, જેઓ પહેલા વરસાદમાં એક સેલ્ફી કે ફોટોગ્રાફ ક્લિક કરવા માટે હંમેશાં આતૂર રહે છે, જેથી લાઈક્સ અને કમેન્ટમાં છબછબિયાં કરી શકાય!
મોર અને ચાતક જેવા વરસાદપ્રેમી પંખીઓ પહેલા વરસાદને લઈને જેટલા ઉત્સુક અને ચિંતિત નહીં હોય એટલી ચિંતા આજકાલ સોશિયલ મીડિયા યુઝર્સ કરી રહ્યા છે કે, ક્યારે પહેલો વરસાદ આવે અને ક્યારે એનો લાભ લઈને સેંકડો લાઈક્સ અને કમેન્ટ્સ મેળવી લઈએ. વરસાદની રાહ જોનારા સોશિયલ મીડિયા યુઝર્સના પણ પાછા કેટલાક પ્રકાર જોવા મળી રહ્યા છે. એક પ્રકારના લોકોને પહેલા વરસાદમાં માત્ર એમના ફોટોગ્રાફ્સ જ પડાવવામાં જ રસ છે. આવા લોકો આજકાલ એમના મોબાઈલની બેટરી ચોવીસ કલાક ફુલ ચાર્જ્ડ રાખે છે અને જો બેટરી ઉતરી જાય એવું લાગે તો પાવરબેંક પણ ગજવામાં ઘાલીને ફરે છે. કારણ કે પહેલા વરસાદનો કંઈ ભરોસો નહીં, એ કંઈ આવતા પહેલા મેઈલ નથી કરવાનો હું ફલાણે દિવસે આ સમયે પડીશ. તમે તૈયાર રહેજો! એ તો એને મન થશે ત્યારે જ ગાજવીજ સાથે તૂટી પડશે. સવારે આકાશ કોરુંધાકોર હોય અને નમતી બપોરે અચાનક વાદળા ઘેરાય અને ઠંડો પવન શરૂ થઈ જાય અને કલાકમાં તો ધોધમાર વરસાદ તૂટી પણ પડે! ન કરે નારાયણ અને એ સમયે જ મોબાઈલની બેટરી લૉ હોય તો પછી આપણા ફોટો કોણ પાડે? એના કરતા બેટરી ચોવીસ કલાક ફુલ ચાર્જ્ડ રાખવી, જેથી ગમે ત્યારે વરસાદ તૂટી પડે તોય વાંધો નહીં આવે.
પહેલા વરસાદમાં પોતાના ફોટોગ્રાફ પડાવીને ફેસબુક પર અપલોડ કરવાવાળાઓનો આશય માત્ર એટલો જ હોય છે કે તેઓ પોતાના એફબી ફ્રેન્ડ્સ એ દેખાડી દેવા માગતા હોય છે કે, ‘જુઓ અમે કેવા હર્યાભર્યા છીએ અને કેવી હેપનિંગ લાઈફ જીવીએ છીએ!’ એટલે પછી આવા હરખપદૂડાઓ પહેલા વરસાદમાં ભીંજાતા હોય અને વરસાદનો આનંદ માણતા હોય એવા આર્ટિફિસિયલ ફોટોગ્રાફ ફેસબુક પર અપલોડ કરે અને સાથે ફીલિંગ હેપી… ફીલિંગ ઑસમ… ફીલિંગ વન્ડરફુલ જેવું કશુંક લખશે!
વરસાદની રાહ જોનારો બીજો વર્ગ એવો હોય છે, જેમને ગળા સુધીની ખાતરી હોય છે કે, ઈન્ટરનેટ પર દેખાવડા લોકોનો ભયંકર દબદબો છે એટલે અમે મથીને મરી જઈશું તોય અમારા ફોટોગ્રાફ્સને બે-પાંચ લાઈક્સથી વધારે લાઈક્સ મળવાની નથી. એટલે આવા લોકો લાઈક્સ-કોમેન્ટ્સ માટેનો નવો કીમિયો શોધી કાઢે છે. એ લોકો જૂન મહિનો બેસે ત્યારથી ઈન્ટરનેટ પર ખાંખાંખોળા કરીને પહેલા વરસાદ પર લખાયેલી ગુજરાતી-હિન્દી કવિતાઓ શોધી કાઢીને તૈયાર રાખે છે અને જેવો વરસાદ ત્રાટકે એટલે તેઓ એ કવિતાઓ અપલોડ કરીને વરસાદનો ફોટોગ્રાફ અપલોડ કરી દે છે. આમેય માહોલ ઘણો રોમેન્ટિક અને તાજગીસભર થઈ ગયો હોય એટલે એનો એમને ઘણો ફાયદો મળે, જેના ભાગરૂપે એમના સ્ટેટ્સ પર સામાન્ય કરતા દસ-પંદર વધુ લાઈક્સનો મારો થાય.
કવિતા અપલોડ કરવાવાળાઓમાં પણ પાછા ત્રણ પેટા પ્રકાર જોવા મળે છે. એક પ્રકારના લોકો એવા હોય છે, જેઓ ઈમાનદારીથી કવિતા સાથે મૂળ કવિનું નામ લખતા હોય છે. બીજા વર્ગવાળા એવા હોય છે, જેઓ કવિના નામને મૂળમાંથી છટકાવે છે અને ત્રીજો વર્ગ થોડો મૌલિક હોય છે અને એમને અન્યોની રચના મૂકવા કરતા સ્વરચિત રચનાઓ મૂકવાનો ભારે શોખ હોય છે. ભજિયાવાળાની જેમ ત્રીજા વર્ગના લોકો વરસાદ પડતા જ કોઇક નવી રચનાનો ઘાણ ઉતારતા હોય છે અને કેટલીક વખત તો એમની સર્જનાત્મકતા એવી ખીલે કે, તેઓ દર કલાકે ફેસબુક પર એક નવી રચના લોન્ચ કરતા હોય છે.
જોકે ત્રીજા વર્ગની સર્જનાત્મક્તાને સોળે કળાએ ખીલવવા માટે કેટલાક અવળચંડાળોનો મોટો ફાળો હોય છે, જેમને પેલા શીઘ્રકવિની કવિતા પસંદ નહીં આવતી હોય તોય એને ચગાવવા માટે જાણીજોઈને એની કવિતાને લાઈક કરતા રહે અને એને પાનો ચડાવવા ‘વાહ… ક્યા બાત..’, ‘અરે… બહોત અચ્છે…’ જેવી કમેન્ટ કરે!
કવિતાઓ અપલોડ કરતા પેટા પ્રકારો બાદ, વરસાદની રાહ જોતાં સોશિયલ મીડિયા યુઝર્સના ત્રીજા મૂળ પ્રકાર પર આવીએ. ત્રીજા પ્રકારના લોકો એવા હોય છે, જેમને પોતે પહેલા વરસાદમાં શું ખાધું એ બતાવવામાં ઘણો રસ હોય! આવા લોકો પણ જૂનના પહેલા મહિનાથી ગોખીને બેઠેલા હોય છે કે પહેલો વરસાદ પડે એટલે ફલાણાની લારી પહોંચીને ભજિયાં ખાવા છે અથવા ઘરે જ કંઈક આવી વાનગી રંધાવવી છે. વરસાદ પડતાની સાથે જ આવા લોકો મારતે ઘોડે જે-તે લારીઓ પર પહોંચે છે અને પછી મેગી, ભજિયાં, લોચો કે ખમણની ડિશ અને ચ્હાના પ્યાલાનો ફોટોગ્રાફ ક્લિક કરી, એને ઈન્ટાગ્રામ પર એડિટ કરીને એને ફેસબુક પર અપલોડ કરે છે.
પણ સાલો આ વરસાદ છે કે એ પડવાનું નામ જ નથી લેતો. આ કારણે કંઈ કેટલાય સોશિયલ મીડિયા યુઝર્સના જીવ બળી રહ્યા છે અને તેઓ ઉતાવળા થઈ રહ્યા છે કે, ક્યારે વરસાદ પડે અને ક્યારે તેઓ ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર એમની મનગમતી પ્રવૃત્તિ કરે. વરસાદના છાંટા કરતા એમને લાઈક્સ-કમેન્ટ્સના છાંટા સાથે જ લેવાદેવા હોય છે. એકવાર પહેલો વરસાદ પડી જાય પછી વરસાદ ન પણ આવે તો એમને ઝાઝો ફરક પડતો નથી કારણ કે એમનું કામ તો પહેલા વરસાદમાં જ પતી જતું હોય છે. પછી આખા ચોમાસામાં કંઈ રોજ થોડી સેલ્ફી કે સ્ટેટસ અપલોડ થાય? જોકે નસીબની બલિહારી જ એ છે કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી વરસાદ પણ આવા હરખપદૂડાઓને રવાડે ચઢીને એ હરખપદૂડાઓ માટે જ પડે છે અને જેને એની ખરેખર જરૂર છે એવા ખેડૂતો અને સામાન્ય લોકો માટે એ આખી સિઝન બરાબર નથી પડતો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર