મેડલ્સ ડેની શોભા
કારણ વિના ડહાપણ કરીએ ત્યારે આપણે ભાગે કેટલું ભોગવવાનું આવે એનું ઉદાહરણ લેખિકા શોભા ડેના કિસ્સા પરથી આપણને પરમ દિવસે મળી ગયું. શોભા ડે ન તો રમતવીર છે કે નથી તેઓ કોઈ સ્પોર્ટ્સ ઓથોરિટી સાથે સંકળાયેલા. વળી, એમની બિહેવિયર પરથી તો એમ પણ કહી શકાય કે, ક્રિકેટ અને પાના (હમણા શ્રાવણ ચાલે છે ખ્યાલ છે ને?) સિવાય એમને કોઈ અન્ય રમત વિશેની જાણકારી પણ નહીં હોય. એમાંય ઑલિમ્પિક્સ રમતોમાં તો જાતજાતની રમતો હોય, જેના નિયમો અને રમતની પદ્ધતિ ભલભલા ચમરબંદીને ય ગોથું ખવડાવી દે એવા હોય છે ત્યાં શોભા ડે જેવા લોકોને તો ઑલિમ્પિક્સ રમતોના નિયમો વિશે શું જાણકારી હોવાની? અને ભાઈ ચાલો આપણે એમ માની પણ લઈએ કે, શોભાબેન ડેને રમતના નિયમો વિશે જાણકારી હોય પણ, પરંતુ એનો અર્થ એ તો નહીં થાય ને કે એમને ટ્વિટર જેવા જાહેર માધ્યમ પર ઑલિમ્પિક્સ ખેલાડીઓ વિશે એલફેલ બોલવાનો પરવાનો મળી ગયો?
બિચારા શોભા ડે એ એમ વિચારીને ટ્વિટ કરી હશે કે, ચાલો આવી કંઈક ટ્વિટ કરીને આપણે પણ દેશમાં કંઈ ચર્ચા છેડીએ અને મારી આ વાત સાથે લોકો પણ સહેમત થશે કે, શોભાબેનની વાત સાચી છે. ઑલિમ્પિક્સમાં પહોંચેલા ખેલાડીઓ ખરેખર કશુંક કરતા નથી અને સેલ્ફી લઈને ભારત ભેગા થઈ જાય છે. પરંતુ શોભા ડેની આ બાબતે ગણતરી સાવ અવળી પડી અને એમણે જે વિચારેલું એનાથી ઉલ્ટુ લોકો એમના પર ચઢી બેઠા કે, આવું લખવાની તમારી હિંમત જ કઈ રીતે થઈ?
લોકોની વાત પણ સાચી છે. ઑલિમ્પિક્સ કંઈ કોઇ ફિલ્મનું પ્રિમિયર કે કોઇ બુક લોન્ચની ઈવેન્ટ નથી કે આમંત્રણ મળે કે ન મળે, પણ આપણે ત્યાં પહોંચી જઈને ફોટો પડાવી આવીએ તો કોઈ આપણને પૂછવા ય નહીં આવે! અહીં તો દુનિયાભરમાંથી એક્કા કહી શકાય એવા ધુરંધર ખેલાડીઓ આવતા હોય છે, જેમની સાથે અત્યંત ટફ કોમ્પિટિશન કરીને ક્વોલિફાય થવું પડે અને પછી ઑલિમ્પિક્સમાં એવા જ ધુરંધરો સાથે મુકાબલો કરવો પડે. આ કંઈ આઈપીએલના મુજરા થોડાં છે કે, થોડા ઠુમકા લગાવ્યા એટલે હોઈસો હોઈસો…! અહીં તો સેકન્ડના સોમાં ભાગને પણ ગણતરીમાં લેવામાં આવે છે અને દરેક ખેલાડીઓ વચ્ચે એક એક મિલી સેકન્ડનો તફાવત હોય, ત્યારે જઈને બ્રોન્ઝ, સિલ્વર કે ગોલ્ડ હાથમાં આવે.
પણ જેમની સાત પેઢીમાં કોઈને ગિલ્લી ડંડા કે છૂપાછૂપી જેવી રમતો સાથે પણ નહાવા-નીચોવવાનો સંબંધ નહીં હોય એવા લોકોને સમયની શું કદર હોય? એવા જ લોકો પછી ટ્વિટર કે અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર આવો લવારો કરે અને પછી લોકોની ગાળ પણ ખાય.
મજાની વાત તો એ છે કે, પરમ દિવસે જ્યારે સાક્ષી અને સિંધુ જેવી દેશની દીકરીઓએ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું ત્યારે એ બંને વિરાંગનાઓને અભિનંદન આપવા કરતા લોકોએ શોભા ડેને વધારે ગાળો દીધી. સહેવાગથી લઈને અમિતાભ બચ્ચન જેવી સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકોએ શોભા ડેને અડફટે લઈને જાતજાતની ટ્વિટ કરી. જેમાં ક્યાંક શોભા ડેની સામે કડક શબ્દોમાં આક્રોશ હતો તો ક્યાંક એમના વિધાનને લઈને હળવી મસ્તી કરવામાં આવી.
એક વાત સૌએ ગાંઠે બાંધી લેવી જોઈએ કે આજના સમયમાં જ્યારે લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પણ અત્યંત એક્ટિવ છે ત્યારે તેઓ ગમે એવો લવારો જરાય ચલાવી લેવાના નથી. વળી, હવે માધ્યમો પણ ઘણા આવી ગયા છે એટલે લોકો તમારી વર્તણૂક પર તરત જ પ્રતિભાવ આપશે અને એ પ્રતિભાવ અંગત નહીં પણ જાહેર માધ્યમમાં જ હશે, જેને કારણે તમારા પર જાહેરમાં માછલાં ધોવાવાની સંભાવનાઓ ઘણી વધી જાય છે. એટલે જે બોલો એટલે માપીતોલીને બોલવું અને ક્યારેય કોઇને ખોટું લાગે કે કોઇનું નીચું દેખાય એવું નહીં બોલવું, આઈમીન લખવું! નહીંતર ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તમને પણ લાગું પડી જશે અને આઘાતના પ્રત્યાઘાત થશે અને એ પણ પાછા વિરુદ્ધ દિશામાં હશે. ભોગવવાનું તમારે ભાગે જ આવશે!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર