તાપનું પડવું ને અમારું બળવું

14 May, 2016
12:03 AM

મમતા અશોક

PC:

નાના હતા ત્યારે સ્કૂલની વાર્ષિક પરીક્ષાઓમાં ‘ગ્રીષ્મની બપોર’નો નિબંધ પૂછાતો ત્યારે પાના ભરી ભરીને ગ્રીષ્મના વખાણ ઢસડેલા. ગ્રીષ્મ એટલે ઉનાળો અને ઉનાળો એટલે વેકેશન. વેકેશન એટલે ગામનું ઘર, દાદા-દાદીનો પ્રેમ અને ઘર પાસેનું લીમડાનું ઝાડ અને ઝાડ પાસે બાંધેલી ગાય. ગાય પાસે નીચું નમેલું બળદગાડું અને એ બળદગાડાની આસપાસ રમતા, એની ઉપર ચડઉતર કરતા અમે બધા! વેકેશનના આવા સુખને કારણે ત્યારે અમે ગ્રીષ્મના ભરપેટ વખાણ કરેલા. પણ ત્યારે લીમડાની છાયા મળવાને કારણે એવું ભાન ન હતું કે, કાલ ઊઠીને સ્કૂલે જવાનું બંધ થશે અને સ્કૂલે જવાનું બંધ થશે એટલે વેકેશન પડવાના પણ બંધ થશે. ત્યારે એવોય ખ્યાલ નહોતો કે, મોટા થયાં પછી સવારે દસ વાગ્યે નોકરું કરવા ઘરની બહાર જવું પડશે, બસ કે રિક્ષામાં ઠાંસી ઠાંસીને લોકોને ભર્યા હશે, એ ભીડને કારણે અસહ્ય બફારો થતો હશે અને વધારામાં માથે સૂરજ મોરની જેમ પાંખો ફેલાવીને થનગટ કરતો હશે!

એવું ભાન ત્યારે નહોતું થયું, પણ હવે થયું છે ત્યારે એમ થાય છે કે, સ્કૂલની પરીક્ષાઓમાં ગ્રીષ્મની તરફેણમાં ઢસડેલા અમારા તમામ નિબંધો રદબાતલ જાહેર કરી દઈએ અને કોઇક પસ્તીવાળાએ એ નિબંધો સાચવી રાખ્યા હોય તો એને કિલો દીઠ દસગણા ભાવ આપીને અમારી પુરવણીઓ ખરીદી લઈએ, જેથી ઉનાળાના વિરોધમાં એ પુરવણીઓની હોળી કરી શકાય.

આજકાલ તાપનો ત્રાસ ખરેખર વધી ગયો છે. ગરમીને કારણે ધરતીનું તાપમાન તો ચાળીસ-બેતાળીસ ડિગ્રી જ રહે છે, પરંતુ અમારું મગજ 105 ડિગ્રીએ પહોંચી ગયું છે, જેના કારણે સ્થિતિ એ થઈ ગઈ છે કે, રસ્તે કોઇની સાથે જરા સરખી વાતે ચડભડ થાય તો યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય જાય છે અને સામેવાળી વ્યક્તિને બરાબરની ખંચેરી કાઢવાનું મન થાય છે. આ તો ભલું થજો લીંબુસોડા અને સિકંજીવાળાઓનું જે બાપડાઓ ભરતાપમાં એમના અમૃતની દુકાન ખોલીને બેઠા હોય છે, જે અમૃત પીને પાંચ-પંદર મિનીટ મગજ શાંત રહે છે. હા માત્ર પાંચદસ મિનીટ જ! લીંબુ શરબતની અસર ઉતરે એટલે ફરી એવા ને એવા!

એમાંય આ વખતનો તાપ તો બધાને ટપે એવો છે. બિહારની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ આર્થિક પેકેજની જાહેરાત કરેલી એમ સૂરજ દાદા પણ રોજ સવાર થાયને, પાંત્રીસ ડિગ્રી કરું… કે સાડત્રીસ ડિગ્રી કરું…? ચાળીસ ડિગ્રી કરું? કે પછી બેતાળીસ ડિગ્રી કરું….? એવા હાકોટા પાડતા હોય એવું ભાસે છે. જોકે સૂરજ દાદાએ પણ આ બાબતે નરેન્દ્ર મોદીને અનુસરવું જોઈએ અને જેમ મોદીજી દર વખતે વાયદા કરીને રાબેતા મુજબ છટકી જાય છે એમ સૂરજ દાદાએ પણ પૃથ્વીવાસીઓને તડકાની લહાણી કરવાની જગ્યાએ ક્યાંક છટકી જવું જોઇએ.

પહેલાના સમયમાં ઉનાળાની બપોર જ ત્રાસદાયક લાગતી. પણ આજકાલ તો સવાર પડે ત્યારથી આપણને ગભરાટ છૂટવા માંડે છે કે, આ હમણા સૂરજ ઉગવાનો અને આ હમણા તડકો પડવાનો. સવારથી શરૂ થતો તડકો સાંજે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી આપણને હેરાન કરે છે અને એમાં પાછી લૂ કોઇના લગનમાં મહાલવા નીકળી હોય એમ આખો દિવસ વાય છે, જેના કારણે મગજ વધુ ફરી જાય છે!

સામાન્ય દિવસોમાં ઓફિસ જતી વખતે ઘરમાંથી નીકળીએ ત્યારે ભગવાનને એમ પ્રાર્થના કરતા ‘હે પ્રભુ, સાજાસમા પાછા ઘરે આણજે…’ પણ છેલ્લા એક મહિનાથી એ પ્રાર્થના પણ બદલાઈ ગઈ છે કે, ‘હે પ્રભુ, અમારા સાજાસમા રહેવાની જવાબદારી અમે પોતે ઉઠાવી લઈશું. તમે માત્ર એટલું ધ્યાન રાખજો કે, બહાર બહુ તડકો નહીં હોય અને લૂ તો લગીરે નહીં હોય. નહીંતર ક્યાંક તમ્મર આવી ગયા તો સાંજે ઘરે આવવાની વાત તો દૂર રહી, ઓફિસ સુધી પણ નહીં પહોંચી શકાશે.’

જોકે આપણું માને એ બીજા, ભગવાન તો હરગિસ નહીં! હજુ તો ઘરની બહાર પગ મૂકીએ ત્યાં દેમાર તડકો આપણી રાહ જોઇને બેઠો હોય અને જેમજેમ આપણે આગળ વધીએ એમ આપણી ગતિની સાથે તડકાનું ટેમ્પ્રેચર પણ વધતું જાય. હજુ અડધે રસ્તે પહોંચ્યા હોઈએ ત્યાં તો આપણો દિદાર ક્યાંક યુદ્ધ લડીને આવ્યા હોય એવો થઈ જાય. એમાં વળી આડે દિવસે માખીઓના ઝૂંડની જેમ ‘ક્યાં જવાના… ક્યાં જવાના…?’ કરતા તમારી આસપાસ મંડરાતા રિક્ષાવાળાય ક્યાંક ગુમ થઈ ગયા હોય એટલે તમને જલદી રિક્ષા નહીં મળે અને તમે ડામરના રસ્તા પર ભરતાપમાં ભડથું થઈ જાઓ છો. આ લખનારને એક દિવસ ભરબજારમાં સવારના અગિયારના સમયે લગભગ પંદરેક મિનીટ સુધી રિક્ષાવાળાઓની રાહ જોવી પડેલી અને એ પંદર મિનીટ દરમિયાન અમને એમ વિચાર આવી ગયેલો કે, હવે આ ધરતી મારગ કાઢી આપે તો બધી માયા-મમતા છોડીને એમાં સમાઈ જવું છે અને દુનિયાના દુખદર્દોથી મુક્ત થઈ જવું છે! આ તે કંઈ જિંદગી છે યાર!

કોઇકવાર વળી રિક્ષા જડી જાય તો ટ્રાફિક ભયંકર જામ થઈ ગયો હોય, જેના કારણે સીધો તડકો ન પડતો હોય તોય રિક્ષાની કાળી છત ગરમ થઈ જાય અને એ છત એનું પોત પ્રકાશી ઊઠે. આવા સમયે એમ વિચાર આવી જાય કે, નગરપાલિકાના બંબાવાળા બંબા ભરી ભરીને પાણી લાવે અને આપણા પણ એ પાણીની છાલક મારે! પણ મૂઆ આપણા એવા નસીબ ક્યાં? સાંજે ઘરે પહોંચીએ ત્યારે એક ડોલ પાણી પણ જેમતેમ નસીબ થાય છે.

આજકાલ તાપને કારણે હું ભયંકર પરેશાન છું પણ કોણ જાણે કેમ આટલા તાપમાં પણ મને રહી રહીને આપણા કવિ ચીનુ મોદી યાદ આવી રહ્યા છે. થોડા વર્ષો પહેલા કવિ ચીનુ મોદીની એક મસ્તમજાની ગઝલ વાંચવા મળેલી. જેની એક પંક્તિ હતી કે,

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

થાકી જવાનું કાયમ તલવાર તાણીતાણી’

મને એમ લાગે છે કે, ચીનુભાઈએ આ ગઝલ જરૂર શિયાળામાં અથવા ચોમાસામાં લખી હશે. જો ઉનાળામાં આ ગઝલ લખાઈ હોત તો છંદ તોડીને પણ એમણે ઉપરની પંક્તિમાં 'સાચ'ની જગ્યાએ 'તાપ' કર્યું હોત અને એમની પંક્તિ કંઈક આવી હોત,

ક્યારેક કાચ સામે ક્યારેક તાપ સામે,

થાકી જવાનું કાયમ તલવાર તાણીતાણી’

સાચું કહો, આજકાલના તાપને કારણે સતત હારી જવાતું હોય એવું લાગે છે કે નહીં?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.