રજા તો પતી, પણ હવે શું?
તહેવારોની મોસમની સાથોસાથ આજકાલ છૂટ્ટીઓની મોસમ પણ ચાલી રહી છે. જોકે હવે ચાર-પાંચ થોકબંધ રજાઓ એકસાથે મળે એવું ઓછું બનવાનું છે, પરંતુ તોય તહેવારો આવતા રહેશે એટલે વીકઑફ સિવાય એકલ-દોકલ રજાઓ તો આવતી જ રહેવાની. વીકઑફ સિવાયની આવી રજાઓ આવતી હોય ત્યારે ખાનગી કે સરકારી નોકરી કરતા કર્મચારીઓ ખૂબ ગેલમાં આવી જતાં હોય છે. કોઈ વખત તો એવું લાગે કે, વીકઑફ સિવાયની રજા મળી જાય ત્યારે સ્કૂલના બાળકો કરતા આ કર્મચારીઓ વધારે આનંદમાં આવી જતાં હોય છે. જોકે એ જ બાબત રજાઓ પૂરી થાય ત્યારે પણ લાગું પડે છે, જ્યાં રજા કે રજાઓ બાદ ફરી ઓફિસ શરૂ થવાની હોય ત્યારે બાપડા કર્મચારીઓ વિલાયેલા ચહેરે ઘરેથી ઓફિસ જતાં હોય છે! આ વખતે પણ તેઓની સ્થિતિ સ્કૂલના બાળકો કરતાય વધુ દયનિય હોય છે.
આજે આ વિષય પર લખવાની ઈચ્છા એટલે થઈ કે, ગયાના ગયા સપ્તાહે લોકોને લોંઓઓઓઓગ વીકેન્ડ મળી ગયેલો એટલે કર્મચારીઓ એ અઠવાડિયાના સોમવારથી એટલે કે, પહેલા દિવસથી ભારે ખુશ હતા કે, આ અઠવાડિયે તો શનિ-રવિ-સોમની રજા! કેટલાકના નસીબ વળી, ઓર સારા હતા એટલે એમને શુક્રવારની રજા પણ મળી ગયેલી! એટલે અનેક લોકો અપડાઉન કરતી વખતે ટ્રેનમાં બસમાં કે ઓફિસની કેન્ટિનમાં જાતજાતના આયોજન કરતા નજરે ચઢેલા. કોઈએ ફલાણી-ઢીકણી જગ્યાએ ફરવા જવાનો પ્લાન તૈયાર કરી દીધેલો તો કોઈએ ઘરે જ નિરાંતે રહીને આવું ખાઈશું, તેવું ખાઈશુંનું આયોજન કરેલું. હવે જેમણે જે આયોજન કરેલા એ મુજબનું એમણે કરેલું જ કે નહીં એ તો ભગવાન જાણે, પરંતુ મંગળવારે જ્યારે એમણે ઓફિસે જવાનું થયું ત્યારે એમના ચહેરા જોવા જેવા થયેલા.
જોકે આ વખતે પણ હજુ તો લોકો પાસે રક્ષાબંધનનું આશ્વાસન હતું કે, ભાઇ ચાલો કાલે રક્ષાબંધનની રજા છે અને ફરી ત્રણ જ દિવસ નોકરીએ આવવાનું છે. પરંતુ એ અઠવાડિયુ પણ પૂરું થયું ત્યારે નોકરિયાતોની હાલત દયનિય થઈ ગયેલી. જાણે કોઇએ કારણ વિના દસ વર્ષની જેલની સજા ફટકારી હોય એવા એમના મોઢાં થઈ ગયેલા અને શરીરમાંનું તમામ બળ હણાઈ ગયેલું!
આવા લોકોની સ્થિતિ વિશે આંખ મીંચીને કલ્પના કરીએ તો સૌથી પહેલા તો આપણને સૌથી પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ઊભેલો અર્જૂન દેખાય. યુદ્ધ શરૂ થાય એ પહેલા અર્જૂન ભગવાન શ્રીકૃષ્ણને કૌરવો અને પાંડવોની સેનાની વચ્ચે પોતાનો રથ લઈ જવા કહે છે. ત્યાં યુદ્ધભૂમિમાં બંને તરફ પોતાના સ્વજનોને જોઈને અર્જૂનના ગાત્રો ઓગળી જાય છે અને એ યુદ્ધ લડવાનું માંડવાળ કરવાનો વિચાર કરે છે. જોકે પછીથી યોગેશ્વર શ્રીકૃષ્ણ અર્જૂનને ગીતા સંભળાવે છે અને અર્જૂનને પોતાના કર્મનું, પોતાના ક્ષાત્રધર્મનું ધ્યાન અપાવે છે. જોકે એ અર્જૂનની મદદ માટે તો ખૂદ ભગવાન હાજર હતા. આ બાપડા અનેક અર્જૂનોનું તો કોઈ બેલી નહીં! સોમવારની સવાર થાય ત્યારે જીવન નામના રણક્ષેત્રમાં એક તરફ છ દિવસનું આખું અઠવાડિયું નાગની જેમ ફણા કાઢીને ઊભું હોય તો બીજી તરફ બોસ, મેનેજર, ટાર્ગેટ, ફાઈલોના ઢગલા ઊભા હોય છે, જે બધુ કામ ડેડલાઈન પહેલા પુરું કરવાનું હોય છે! અને ઘરના કામો, પત્ની-બાળકોની માગણીઓ અને અનેક બીલો ભરવાના બાકી હોય એ વધારાના!
અને આ બાપડા અર્જૂનોએ કોઈ ભગવાન મદદે આવશે એવી કોઇ પણ આશા રાખ્યાં વિના કામે ચઢી જવું પડતું હોય છે. એટલે મોઢાં વિલાયેલા હોય કે, શરીરમાં થાક વર્તાય કે, આંખે ઝાંખપ આવે કે, શરીર દુખતું હોય એવું સ્વાભાવિક રીતે જ બને. આવા કર્મચારીઓ સોમવારની સવારે જ્યારે ઘરેથી નોકરી માટે નીકળે છે ત્યારથી શુક્રવાર કે શનિવારની રાહ જોતાં થઈ જાય છે અને ભારે હૈયે અઠવાડિયાનો એક એક દિવસ પસાર કરે છે. પણ કરે પણ શું? જીના ઈસી કા નામ હૈ... માણસને કામ કરવાનો સહેજ કંટાળો ભલે આવતો હોય, પરંતુ કામ કર્યા વિના માણસને છૂટકો નથી અને માણસ ઝાઝો સમય કામથી દૂર રહી પણ શકતો નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર