કંસાર જ્યારે થૂલી થઈ જાય ત્યારે…
આપણી ગુજરાતી ભાષામાં એક મજેદાર કહેવત છેઃ ‘કંસાર બનાવતા થૂલી થઈ ગઈ…’ જોકે સામાન્ય રીતે આ કહેવતનો અર્થ સમજી શકાય એવા ઉદાહરણો ઘણા ઓછા બનતા હોય છે. એમાંય જ્યારે રાજકીય બાબતોની વાત હોય ત્યારે કંસારની જગ્યાએ થૂલી બનવાના કિસ્સા ઘણા ઓછા બનતા હોય છે, કારણ કે રાજકીય પક્ષો સત્તામાં હોય કે ન હોય, પરંતુ સત્તા તો એમની પાસે જ રહેતી જ હોય છે અને એ સત્તાને જોરે તેઓ પોતાના કાર્યક્રમો કે યોજનાઓમાં કંસારની થૂલી બનવા દેતા નથી. પરંતુ પરમ દિવસે સુરતમાં ભાજપ અને સરકારના એક કાર્યક્રમમાં લાખ પ્રયત્નો પછી પણ ભાજપ કે સરકાર લોકોને અટકાવી નહીં શક્યા અને આખરે કંસારની થૂલી થઈને જ રહી!
પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણી માટેની રણનીતિઓ ઘડવામાં અત્યંત વ્યસ્ત હોવા છતાં અમિત શાહ ખાસ ગુજરાત આવેલા અને સાથે કેટકેટલી અપેક્ષાઓ સાથે લઈ આવેલા કે, ચાલો ભાઈ આ વખતે એક દાવ રમી લઈએ અને પાટીદારોના અસંતોષને આડે પાટે ચઢાવીને ભાજપને એનો ફાયદો કરાવી દઈએ. વળી, એમના મનમાં એવું પણ ખરું કે, આ સન્માન સમારંભમાં એવું ભાષણ કરીશ અને હાર્દિકને એ હદે ઉઘાડો પાડી દઈશ કે, પાટીદારો ફટ દઈને આપણા ખૈમામાં આવી જશે અને આંદોલનનું ગતકડું પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈ જશે.
પણ ધારેલું તો રાજા દશરથનું પણ ક્યાં થયું હતું? એમણેય તે એવું ધારેલું કે, આવતીકાલે સવારે જ્યેષ્ઠ પુત્ર રામને રાજગાદીએ બેસાડીને હું નચિંત થઈ જઈશ. ત્યાં કકૈયીએ દશરથને છેલ્લી ઘડીએ પેલું વરદાન યાદ અપાવ્યું અને રામની જગ્યાએ ભરતના રાજ્યાભિષેકની ગોઠવણ કરી નાંખી! તો આ તો કળિયુગ છે, આ જમાનામાં કંઈ આપણું ધાર્યું થતું હશે? ન જ થાય!
આમ, ભાજપના સ્ટ્રેટેજિસ્ટ અમિત શાહની બધી ગણતરીઓ ઉંધી પડી અને આગળ કહ્યું એમ કંસારની થૂલી થઈ ગઈ. એમના માટે વધારે દુઃખની વાત તો એ હશે કે, એમણે આ ‘પાટીદાર અભિવાદન સમારંભ’ માટે ખાસ તૈયારીઓ કરીને ભાષણ તૈયાર કર્યું હશે અને વિચાર્યું હશે, ‘મારા ભાષણની વાતો ગુજરાતી ન્યૂઝ ચેનલોની પ્રાઈમ ટાઈમ ડિબેટોમાં ચર્ચાશે અને બીજા દિવસના અખબારોની હેડલાઈન બનશે!’ પણ હાર્દિક પટેલના સમર્થકોએ છેલ્લી ઘડીએ ખેલ બગાડી નાંખ્યો અને પોતાના ભાષણની વાતો હેડલાઈન બનવાનું તો દૂર પણ, અખબારોએ ‘લાખના બાર…’ કે ‘ગઢ આલા સિંહ ગેલા…’ જેવી કહેવતો ખાસ શોધીને કાર્યક્રમની નિષ્ફળતાની હેડલાઈન બનાવવી પડી!
ખૈર, આ ઘટના દ્વારા ગુજરાતના સત્તાપક્ષની આંખ ઉઘડે અને મોદીજીના સો કોલ્ડ વિકાસ મોડલવાળા ગુજરાતમાં પોતાની સ્થિતિ શું છે એનો ખ્યાલ આવે તો સારું. અને આ તો માત્ર એક પાટીદાર પ્રશ્ન છે, આ ઉપરાંત પણ છેલ્લા દોઢ દાયકાથી સત્તાએ રહેલા સત્તાપક્ષની સામે અનેક પડકારો આવીને ઊભા છે. જેમાંનો સૌથી મોટો પડકાર છે મોદીજીની કક્ષાનો કોઈ ચહેરો, જે ચહેરા પર લોકો ભરોસો કરી શકે અને ભાજપને મત આપી શકે. કારણ કે, મોદીજીની સામે ગુજરાત ભાજપનો ભલભલો નેતા વામણો સાબિત થાય છે એ વાત સૌ કોઇ જાણે જ છે. આ ઉપરાંત રોજગારી, શિક્ષણવ્યવસ્થા, જમીન કૌભાંડો અને ઉદ્યોગપતિઓ સાથેની વહાલા-દવલાની નીતિઓ જેવા અનેક મુદ્દા છે, જેનાથી ગુજરાતના લોકો કંટાળ્યા છે અને આ કંટાળાનો ઉકેલ આણવા લોકો માટે હવે બીજા વિકલ્પો તરફ નજર દોડાવી રહ્યા છે, જેનાથી ભાજપને નુકસાન થવાની સંભાવનાઓ વધી ગઈ છે.
આ ઉપરાંત કોંગ્રેસ બાપુને પ્રોજેક્ટ કરવાના મૂડમાં છે. એટલે એ વાત અવગણી શકાય નહીં કે, કોંગ્રેસ પાસે પણ હુકમનો એક્કો નથી! અધૂરામાં પૂરું અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં પોતાના મૂળિયાં જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવે સમયે સત્તાપક્ષની કેટલીક રાજકીય ગણતરીઓ કે આયજનો અવળા પડે તો સ્વાભાવિક છે કે સત્તાપક્ષની ઉંઘ હરામ થઈ જાય. જોકે આટલી ગાથા ગાયા પછી પણ અમને તો એક જ પ્રશ્ન છે કે, આ અને આવા અનેક કિસ્સા બાદ પણ સત્તાપક્ષને એવો વિચાર આવ્યો હશે ખરો? કે અમે અજેય નથી… અમને પણ કોઈ હરાવી શકે છે?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર