જહાજો સુદ્ધાં નિવૃત્ત થયાં, નેતાઓ ક્યારે?
બે-ત્રણ દિવસો પહેલા અખબારમાં સમાચાર વાંચવા મળ્યાં કે, ભારતીય નૌકાદળના ‘વીર’ અને ‘નિપત’ નામના બે યુદ્ધ જહાજો એમની સેવામાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. અલબત્ત, આ પ્રકારના સમાચાર પહેલી વખત નથી વાંચ્યા. આ પહેલા પણ વાયુ સેનાના વિમાનો, નૌકાદળના જહાજો કે ભૂમિદળના કોઇ સાધનો કે કૂતરાંની નિવૃત્તિના સમાચાર વાંચ્યા-સાંભળ્યાં છે. પણ આ વખતે એમ વિચાર આવ્યો કે, આ નિર્જીવ જહાજોને સુદ્ધાં એમની વયનો ખ્યાલ રાખીને નિવૃત્ત થાય છે તો આપણા દેશના નેતાઓ કેમ ક્યારેય નિવૃત્તિ નથી લેતાં? આખરે વય તો એમને પણ નડતી જ હશેને?
પણ કોણ જાણે આપણા નેતાઓને એવી તે શું મમત છે કે, તેઓ સાંઠ તો ઠીક પણ સિત્તેર, એંસી કે નેવું વર્ષે પણ રાજકારણ છોડતા નથી અને છેલ્લી ઘડી સુધી સત્તા મેળવવા માટેની મથામણ કરતા રહે છે. વળી, આપણા રાજકારણમાં તો એવા દાખલા પણ છે કે, કેટલાક નેતાઓ સાવ જુદા ક્ષેત્રમાં જિંદગી ખર્ચી આવે અને ત્યાંથી નવરા થઈ જાય પછી તેઓ પચાસ-પંચાવનની ઉંમર પછી રાજકારણની પોતાની કરિયર શરૂ કરે છે. એવા નેતાઓ મારા બેટાઓ પહેલા લોકતાંત્રિત પદ્ધતિથી ચૂંટણીઓ લડી જુએ છે અને ત્યાં એમને સફળતા નહીં લાધે તો પોતાનું નામ વટાવીને રાજ્યસભા વાટે સત્તા સુધી પહોંચે છે. અહીં માત્ર શાસક પક્ષના નેતાઓને જ સત્તા સુધી પહોંચેલા ગણવા નહીં. શાસક પક્ષમાં નહીં હોય એવા નેતાઓ પણ આપણા દેશમાં ઘણી સત્તાઓ ભોગવતા હોય છે.
મને લાગે છે કે, આપણા રાજકારણને આવા લોકો બોડી બામણીનું ખેતર જ સમજે છે. આ કારણે જ ખેતરમાં સત્તાના ફરફર લહેરાતા પાકની લણણી કરવા માટે ફિલ્મ સ્ટાર્સ, ગલીના ભાઈઓ (અરુણ ગવલી યાદ છે ને?), રમતવીરો ઢળતી ઉંમરે રાજકારણમાં ઝૂકાવી દે છે. આ બધામાં કેટલાક અપવાદો પણ હશે. એટલે અપવાદોની આપણે વાત નથી કરતા એવું સમજી લેવું!
આમ જોવા જઈએ તો અમને રાજકારણ અને વૃદ્ધો સાથે સીધી રીતે કોઇ વાંધો નથી. પણ આડકતરી રીતે આપણે આખીય બાબતનું મુલ્યાંકન કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે, આપણે ઘણી બધી રીતે પાછળ પડી જઈએ છીએ એની પાછળ રાજકારણનું વૃદ્ધત્વ કે વૃદ્ધોનું રાજકારણ જવાબદાર હોય એવું લાગે છે. આપણે ઘણી વખત નવી પોલીસીઓ નથી ઘડી શકતા કે પોલીસી ઘડાય તો એનું અમલીકરણ નથી કરી શકતા.
એ વાત સાચી કે, વૃદ્ધોએ જમાનો જોયેલો હોય છે અને તેઓ જમાનાના ખાધેલ હોય છે. પણ આપણા રાજકારણની તો કમનસીબી જ એ રહી છે કે, આટલા બધા જમાનાના ખાધેલોએ, આઈ મીન અનુભવીઓએ સંસદમાં વર્ષો સુધી સ્થાન મેળવ્યું હોવા છતાં વર્ષો સુધી આપણા દેશમાં કરોડો લોકોએ વીજળી, પાણી, સડક કે આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત રહ્યા છે અને લોકોએ આ સુવિધાઓ મેળવવા માટે રીતસરના વલખા મારવા પડ્યા છે.
વળી, આ બધામાં વર્ષો સુધી અબજો રૂપિયા ખવાયા એનું શું? જમાનાના ખાધેલાઓ દેશના પૈસા પણ ખાઈ જાય ત્યારે જ પ્રશ્નો ઊભા થાય છે. પણ આપણી કમનસીબી એ પણ છે કે, પ્રજા તરીકે આપણને પ્રશ્નો પૂછવામાં ક્યારેય રસ જ નથી રહ્યો. અને બાપડાઓ કોઈ સવાલ પૂછવાની હિંમત કરે છે એમનો ક્યાં તો અવાજ દબાવી દેવાય છે અથવા એમને રાજદ્રોહી, વિપક્ષી પક્ષોનો એજન્ટ અથવા એમના મનમાં આવે એ શબ્દોથી નવાજવામાં આવે છે.
જેમ દેશના જુદા જુદા ક્ષેત્રોમાં યુવાનોની ખૂબ જરૂર છે એમ દેશના રાજકારણમાં પણ યુવાનોની ખૂબ જરૂર છે. અમેરિકા કે યુરોપના દેશોની ઉન્નતિની પાછળ આમ ભલે અનેક કારણો જવાબદાર હોય, પરંતુ એ બધામાં એક કારણ એ પણ છે કે, ત્યાંના રાજકારણમાં સાંઠ, સિત્તેર, એંસી કે નેવું વર્ષના રાજકારણીઓ નથી. ત્યાં ચોક્કસ વિઝન ધરાવતા યુવાન નેતા છે, જેમણે દેશના અન્ય યુવાનો સાથે મળીને દેશની સત્તાનું (વિદેશ માટે સત્તા કરતા સર્વિસ શબ્દ યોગ્ય રહેશે કેમ? સત્તા શબ્દ તો આપણે ત્યાં જ શોભે!) સુકાન સંભાળ્યું છે અને દેશને એક નવી દિશા આપી છે.
જોકે આ આખીય વાત માટે હું વૃદ્ધ નેતાઓને જરાય દોષ દેવા માગતી નથી. કારણ કે આપણા બંધારણે કે સરકારોએ નોકરીઓ માટે વયમર્યાદા નક્કી કરી છે, પણ રાજકારણમાં ભાગ લેનારાઓ માટે કોઇ વયબાધ નથી રાખ્યો. એટલે સ્વાભાવિક જ અહીં નારાયણ દત્ત તિવારી કે લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓ જીવનના આઠમાં કે નવમાં દસકામાં પણ ધ્રુજતા હાથ-પગે એમની સેવા(સેવા?) આપતા હોય ત્યારે આપણાથી મોઢાં નહીં વચકોડાય. પણ યુવાનોને રાજકારણમાં જતાં કોણ અટકાવે છે? તેમણે પણ નર્મદની જેમ યા હોમ કરીને કૂદવું જોઈએ ને?
હા, જોકે એક વાત એ પણ સાચી કે, કોઇ પણ રાજકીય પક્ષમાં બહુ જૂજ યુવાનેતાઓ એવા હોય છે, જેમને પોતાની કાર્યદક્ષતા, લાયકાત કે પક્ષમાં એમના યોગદાનના હિસાબે એમને ચૂંટણીઓ લડવાની તક મળતી હોય છે કે વિધાનસભા કે સંસદ સુધી પહોંચવા મળતું હોય છે. બાકી, મોટા ભાગે તો જે યુવાઓ પહોંચ્યા છે એમાંના મોટાભાગના ગાંધીઓ(રાહુલ અને વરુણ બંને!), અબ્દુલ્લાઓ, પાઈલટો, સિંધીયાઓ કે દેવરાઓ હોય છે, જેમને લાયકાત કરતા એમના પરિવારની પહોંચને હિસાબે રાજકારણમાં ટોચ સુધી પહોંચવાની તક પહેલા મળતી હોય છે.
બીજા ક્ષેત્રોની જેમ રાજકારણમાં પણ ટેલન્ટ, ડેડિકેશન કે સ્કીલ્સનું ઝાઝું મૂલ્ય આંકવામાં નથી આવતું. આજથી પચાસેક વર્ષ પહેલા આવી કોઇક બાબત ધ્યાનમાં રાખવામાં આવી હોત તો આપણે એમ તો નહીં તો કહી શકીએ કે, આપણે યુરોપ, અમેરિકાના દેશોની સમકક્ષ હોત. પરંતુ એટલું જરૂર કહી શકાય કે, આપણી આજે જે સ્થિતિ છે એનાથી આપણી સ્થિતિ ઘણી બહેતર હોત. શું કહો છો? વાતમાં જરાતરા પણ સત્યનો અંશ છે? નેતાઓએ પણ અમુક ચોક્કસ વયે નિવૃત્તિ લઈ લેવી જોઈએ, જેથી સત્તામાં એમના મૂળિયાં ઝાઝા ઉંડા ન થાય અને સત્તાનો ક્યારેય દૂરઉપયોગ નહીં કરી શકે. અને વહિવટી તંત્રની રાજા રામ અને પ્રજા સુખી જેવી સ્થિતિ ન થઈ શકે. વિચારવા જેવી વાત છે. વિચારી જોજો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર