ધુમ્મસ માટે જવાબદાર કોણ?
દિલ્હીમાં આજકાલ ભયંકર ધુમ્મસ છવાયું છે એવા સમાચાર આવી રહ્યા છે. વળી, એમ પણ કહેવાઈ રહ્યું છે કે, એ ધુમ્મસમાં પ્રદૂષણની માત્રા પણ ઘણી વધુ છે, જેના કારણે ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હી સરકારને રાજ્યમાં એલર્ટ જાહેર કરવા કહ્યું છે અને સાથે દિલ્હીના બાળકોના સ્વાથ્ય પર અસર નહીં થાય એ માટે શાળાઓમાં રજા જાહેર કરી બાળકોને ઘરની બહાર ન નીકળવા દેવાની પણ સલાહ આપી છે. કહેવાય રહ્યું છે કે પાછલા સત્તર વર્ષોમાં પહેલી વાર દિલ્હીમાં આટલું બધુ પ્રદૂષણ અને ધુમ્મસ જોવા મળ્યું છે, જેને પગલે સામાન્ય માણસોના કામકાજથી લઈ શહેરના ટ્રાફિક સુધીની બાબતોમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.
આ તો એક સમાચાર થયા. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી આ બાબતને લઈને અત્યંત હેરાન છે કે, સાલું છેલ્લા સત્તર વર્ષોમાં આવું નહીં થયું ને હમણાં જ કેમ આમ બન્યું? છેલ્લા સત્તર વર્ષમાં અહીં ભાજપ અને કોંગ્રેસ બંનેની સરકારો હતી ત્યારે નહીં થયું અને છેક હમણા? અમને તો ખબર મળ્યાં છે કે, કોઈ દિલ્હીના મુખ્યમંત્રીના કાનમાં ભંભેરી આવ્યું છે કે, આ ધુમ્મસ અને પ્રદૂષણ કંઈ કુદરતી ઘટના નથી, પરંતુ ભાજપ અને કોંગ્રેસની સહિયારી ચાલ છે, જેથી લોકો તમારા પર પ્રશ્ન ઊઠાવી શકે.
જોકે કેજરીવાલ પણ આઈઆરએસ ઑફિસર હતા, એ કંઈ એમ જ કોઈની વાતમાં આવી જાય એમાંના નથી. એમણે સામો સવાલ એમ પૂછ્યો કે, ધુમ્મસ જેવું ધુમ્મસ થાય એમાં મારા પર શું સવાલ ઉઠાવી શકાય? હું કરી પણ શું શકું? ના ના આ વખતે વિપક્ષની કોઇ ચાલ નથી. અને આ બાબતે જો હું વિપક્ષો પર આક્ષેપ મૂકીશ કે, આ ધુમ્મસનું ગતકડું મોદીજીનું છે કે અજય માકંડનું છે તો લોકો મારી પર ખીખિયાટા કાઢશે. એના કરતા બેટર છે આપણે આ બાબતે ઉહાપોહ મચાવવાનું માંડી જ વાળીએ. આપણી પાસે પૂર્વ સૈનિકની આત્મહત્યાથી લઈ ગુજરાતના પાટીદારો સુધીના ઘણા મુદ્દા છે, એ બધા પર વર્કઆઉટ કરીએ.
કેજરીવાલની વાતમાં આમ તો તથ્ય હતું, પરંતુ પેલા ભંભેરણીવાળા ભાઈએ પણ તંત ન છોડ્યો. એણે ફરી કહ્યું અરે સાહેબ, અહીં જ તો તમે થાપ ખાઈ જાઓ છો. તમે રાજકારણમાં નવા છો એટલે તમને આ બધી રમતો નહીં સમજાય. પણ આવી બાબતોમાં તમને સારી રીતે વગોવી શકાય છે એવું વિપક્ષો સારી રીતે જાણે છે.
'એટલે? ' મુખ્યમંત્રીએ પૂછ્યું.
'એટલે એમ જ કે લોકોને એમ લાગે કે, આ તો કુદરતી ઘટના છે અને આમાં વિપક્ષોનું કોઈ ઈનવોલ્વમેન્ટ નથી. બીજી તરફ તમે અચાનક આવી પડેલી આફત સામે લડવાની કવાયત હાથ ધરો. હવે એ તો સ્વાભાવિક જ છે કે, અચાનક આવી અજાણી આફત આવી પડે તો તમને બધા મોર્ચે લડવામાં અને વ્યવસ્થા ગોઠવવામાં તકલીફ પડે. તમે યોગ્ય રીતે કામ નહીં કરી શકો એટલે સ્વાભાવિક જ દિલ્હીના લોકોને હાલાકી પડવાની. અને એમને હાલાકી પડે એટલે વિપક્ષને ભાવતું હોય અને વૈદ્ય કહે જેવી સ્થિતિ થાય કે, જુઓ આ કેજરીવાલ સરકાર આવી મોટી મુશ્કેલીમાં પણ કશું કરતી નથી.....'
ભંભેરવાવાળો આ વખતે કામિયાબ રહ્યો કારણ કે, કેજરીવાલને એમની ગણતરી સાચી લાગી રહી હતી. એ વાત ગળે ઉતરતા જ કેજરીવાલે મીડિયાને બોલાવી લેવાના આદેશ આપી દીધા અને પછી તો એમણે શું કહ્યું હશે કે એમણે આ ધુમ્મસ માટે કોને જવાબદાર ઠેરવ્યા હશે એ વિશે કંઈ કહેવાની જરૂર છે ખરી?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર