સપનાંની વાવણી

07 May, 2017
12:00 AM

PC: cdn.com

અમારી મિત્રતાને 3 વર્ષ થઈ ચૂક્યા છે અને અમે મિત્રોમાંથી પ્રેમના બંધનમાં ક્યારે બંધાઈ ગયા એની ખબર રહી નહીં. જોકે અમે બંનેએ લગ્ન કરીને સાથે રહેવાનું તો પસંદ કર્યું છે પરંતુ આજે અમારો સંબંધ એક એવી જગ્યા પર આવીને અટકી ગયો છે કે, અમારી એક તરફ ખીણ અને એક તરફ દરિયો હોય એવું અમને લાગી રહ્યું છે. કારણ કે, અમારી લાઈફનો નિર્ણય હવે અમારા વડીલોના હાથમાં આવી ગયો છે. મારી લાઈફને લગતો નિર્ણય મારા વડીલો શું લે છે અને મારા પ્રેમને અને મારી લાઈફને મારા વડીલો કયા દૃષ્ટિકોણથી જૂએ છે અને પ્રેમની બાબતે સહમતી દર્શાવે છે કે નહીં તેની ઉપર મારા જીવનનો આધાર રહેલો છે.

હું જ્યારે 12માં ધોરણમાં ભણતી હતી અને ધોરણ 12 પૂર્ણ થવાની તૈયારીમાં હતું ત્યારે એ મારી નજર સામે વારંવાર આવતો હતો. હું સ્કૂલે બસમાં આવતી અને જતી હતી. ત્યારે એ લગભગ મારી સાથે થઈ જતો. અને સ્કૂલેથી છૂટીને બસ સ્ટોપ પર હું પહોંચું તો એ મારી સામે જ ઊભો હોય. પછી મારી જ બસમાં બેસે અને બને એટલું એ મારી નજીક રહેવાનો પ્રયત્ન કરતો. એક દિવસ એણે બસમાં મારી જગ્યા રોકી અને મને બેસવાનું કહ્યું. શરૂઆતમાં મને એનું વર્તન થોડું વિચિત્ર લાગતું પણ એ દિવસે હું એની પાસે બેઠી પણ ખરી. એણે મને એ દિવસે તો ફક્ત બે જ પ્રશ્ન પૂછ્યા કે ક્યાં રહો છો? અને તમારું નામ શું છે? મેં કહ્યું મારું નામ 'પ્રિયા.'

પછી બસમાં વારંવાર આ જ રીતે થોડી થોડી ઔપચારિક વાતો થતી રહેતી હતી. એનું નામ મિહીર હતું. એ અમારા ગામની બાજુના ગામમાં જ રહેતો હતો. એ કોલેજમાં ભણતો હતો પણ કૉલેજ મીસ કરીને ફક્ત મારા માટે આ રીતે આવતો હતો. એણે એક દિવસ મને ફ્રેન્ડશીપ પ્રપોઝ કર્યું. અને મેં તે સ્વીકારી લીધું. બસ ત્યાર બાદ ત્રણેક મહિના બાદ એણે મારા પ્રત્યેના પ્રેમનો એકરાર કરી લીધો. મિત્રો તરીકે તો વોટ્સએપ પર અમે મળતા જ રહ્યા પછી તો પ્રેમ થઈ જવાને કારણે સતત સાથે રહેવા માંડ્યા અને આખો દિવસ વ્હોટ્સ એપ પર ચેટ કરતા રહ્યા.

પછી એક દિવસ એણે મને સવારે ગાર્ડનમાં મળવાનું કહ્યું. અને હું સ્કૂલમાંથી ગુલ્લી મારીને ગાર્ડનમાં મળવા ગઈ. મારી સ્કૂલ મોર્નિંગ હતી એટલે એ સમયે અમે ખાસ્સો લાંબો સમય એકબીજા સાથે પસાર કર્યો. અમે બંનેને ઘણાબધા લોકોની નજર ચૂકવીને આ રીતે મળવાનું ખૂબ સારું લાગ્યું. પછી તો અમને એકબીજાનો સાથ અને સહવાસ એટલો પસંદ પડતો કે, અમે આ રીતે વારંવાર મળવા લાગ્યા.

મારી ધોરણ 12ની પરીક્ષા પૂરી થઈ ગયેલી ત્યારે મારા માટે પ્રશ્ન એ હતો કે, હવે ઘરની બહાર કેવી રીતે જવું. મિહીરને મળી શકાય એ આશયથી મેં કૉમ્પ્યુટર ક્લાસ જોઈન્ટ કરી લીધા અને મેં મિહીરને મળવાનું ચાલુ રાખેલું. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અમે એકબીજા વગર રહી જ શકતા નથી. અલબત્ત અમારી વચ્ચે ક્યારેક નાના ઝઘડાઓ થાય છે. પણ એક જ દિવસમાં અમે એ ઝઘડો સમાપ્ત કરી દેતા.

એક દિવસ મારા ઘરે ખબર પડી ગઈ કે હું કૉમ્પ્યુટર ક્લાસ મિસ કરું છું. બસ એ દિવસે મારા ઘરમાં ખબર પડી ગઈ કે, 'પ્રિયાની લાઈફમાં કોઈક વ્યક્તિ પણ છે....' મેં એ દિવસે હિંમતપૂર્વક ઘરના સભ્યોને કહી દીધું હતું કે, હું એની સાથે જ લગ્ન કરીશ અને એ વ્યક્તિ પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. એ દિવસે ઘરના સભ્યોએ મને થોડી શિખામણ આપી અને એ વાત ત્યાં પૂરી થઈ ગયેલી.

આ ઘટના બાદ મેં અને મિહીરે થોડો વખત મળવાનું ટાળ્યું અને ત્યારબાદ ફરીથી અમે મળવાનું શરૂ કરી દીધું. પછી હું કૉલેજમાં આવી ગઈ અને પછી તો જાણે મારી લાઈફનો સુવર્ણકાળ જ સમજી લો... બધાથી દૂર મારી એક અલગ જ દુનિયા... હું અને મિહીર... અમારી નિકટતા અને અમારો પ્રેમ... અમે એકબીજાને આપેલા વચનો અને અમે બંનેએ સાથે મળી જોયેલા સ્વપ્નો. મને એવું લાગતું હતું કે, હું તો કંઈક અલગ જ દુનિયામાં વિહરતી હતી.

અમારા આ સંબંધને આશરે ત્રણ વર્ષ પૂરા થયાં અને ચોથું વર્ષ ચાલી રહ્યું છે.... અમારી લાઈફમાં આજે એક વળાંગ આવી ગયો છે...

એક દિવસ અમે દરિયા કિનારે ફરવા ગયા અને અમને કોઈ જોઈ ગયું. બસ, પછી તો મારા ઘરે આ વાતના સમાચાર મળી ગયા અને ઘરમાં ફરી તોફાનનું વાતાવરણ સર્જાઈ ગયું. ઘરના વડીલોએ ભેગા મળીને મને શિખામણ આપી અને થોડો ઠપકો પણ આપ્યો. મેં મિહીર અંગેની પ્રાથમિક માહિતી આપી અને એમને જણાવ્યું કે, અમે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે મારા વડીલોએ આ બાબતે મને ધરાર ના ન પાડી અને એમના તરફથી એક જ જવાબ મળ્યો છે કે, 'હમણાં થોડો સમય થોભી જા. થોડા સમયમાં જ તારા લગ્નનો સમય આવશે ત્યારે આ બાબતે વિચારીશું.'

અને અમે બંને જ્યાં હતા ત્યાં અટકી ગયા છીએ. આખરે અમારો પ્રેમ ભલે ઊંડો પણ એકબીજાની સાથે અમે અમારા પરિવારને પણ ચાહીએ છીએ. એટલે લગ્નની વાતની શરૂઆત થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. અમે વોટ્સએપ પર મળીએ છીએ, પણ રૂબરૂ માળવાનું બંધ કરી દીધું છે. અમે બંને અમારા બંને પક્ષના વડીલોની સહમતીથી આગળ વધવામાં માનીએ છીએ. એટલે અમે બંને વડીલોની વાતને પ્રથમ સ્થાન આપીને મળવાનું બંધ કરી દીધું છું.

હવે મારો સમય બદલાઈ ગયો છે. અત્યારે મારી સાથે કંઈ છે તો એ છે અમે સાથે વીતાવેલા સમયોની યાદો.... અમે એકબીજાને આપેલા વચનો... અમે સાથે જોયેલા સ્વપ્નો.... હું રાહ જોઈ રહી છું એ દિવસની કે ક્યારે લગ્નની વાતની ઘરમાં શરૂઆત થાય એટલે તરત જ મિહીરના લગ્નની વાત મારા માટે આવે અને હું "હા" પાડી દઉં...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.