તો કંઈક આવી છે અમારી લવ સ્ટોરી
તો અમારી લવ સ્ટોરીની વાત અધૂરી હતી. ક્યાં હતા આપણે? ખ્યાલ છે? ચાલો, હવે એના માટે આગલું પ્રકરણ ઉથલાવવાની જરૂર નથી. હું જ કહી દઉં છું. એ દિવસે એની એક્ઝામ હતી, એ એના પરીક્ષા ખંડ સુધી પહોંચવામાં મોડી પડી રહી હતી અને એ પરીક્ષા ખંડમાં સમયસર પહોંચે એના માટે મેં યુટર્ન લઈને એને લિફ્ટ આપી હતી. પછી કાર પૂરપાટ હંકારીને હું એને સમયસર ક્લાસરૂમ સુધી મૂકી આવ્યો. પણ મને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે એ મારી કારમાંથી ઉતરી ત્યારે એણે મને થેંક યુ સુદ્ધાં નહીં કહ્યું.
આ ઘટનાને લીધે છોકરીઓ પ્રત્યેના મારા ગુસ્સામાં ઔર વધારો થયો અને તે દિવસથી મેં નક્કી કરેલું કે, હવે છોકરીઓને લિફ્ટ તો શું આપું પણ એમના તરફ નજર સુદ્ધાં નહીં કરું. પછી તો હું મારા મિત્રો, મારા અભ્યાસ અને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. એ છોકરી વાળી ઘટના હું સદંતર ભૂલી ગયેલો. બીજી તરફ મારી પરીક્ષા નજીક હતી એટલે રોજ રાત્રે હું મોડે સુધી વાંચતો. એવામાં રાત્રે બારેક વાગ્યે મારા પર વ્હોટ્સ એપ આવ્યો.
મને એમ કે મારા કોઈ મિત્રનો ફાલતુ ફોરવર્ડ મેસેજ હશે. એટલે, મેં મેસેજ અવોઈડ કર્યો અને વાંચવાનું ચાલું રાખ્યું. અડધા-પોણા કલાક પછી મારી આંખ ઘેરાવા લાગી ત્યારે મેં વાંચવાનું માંડી વાળ્યું અને મારા મોબાઈલ લઈને મેં બેડમાં લંબાવ્યું. સૂતા પહેલા આમ પણ મોબાઈલ મચેડવાની આદત હતી એટલે મેં વ્હોટ્સ એપ ચેક કર્યું તો એક અન-નોન નંબર પરથી મારા પર વ્હોટ્સ એપ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે,
‘સોરી એ દિવસે હું ગાડીમાંથી ઉતરીને ભાગી ગયેલી. પણ એ દિવસે મારી સાથે એક-બે ઘટનાઓ બહુ ખરાબ બનેલી, જેના કારણે હું ફફડી ઉઠેલી અને હું સાનભાન ભૂલી ગયેલી. અધૂરામાં પૂરું એ દિવસે મારું સૌથી ભારે પેપર હતું એટલે મારા ફફડાટનો પાર ન હતો. પરંતુ તમે મને છેલ્લી ક્ષણે મદદ કરીને મારા પર ઘણો મોટો ઉપકાર કર્યો છે. જે બદલ હું તમારો આભાર માનું છું અને મારા ખરાબ વર્તન માટે હું તમારી માફી પણ માગું છું.’
સાથે એણે નીચે નામ પણ લખ્યું હતું. ઋચા! જોકે એ રાત્રે મેં એ મેસેજને બહુ મહત્ત્વ નહોતું આપ્યું કે ન તો એનો ‘It’s ok’નો ટૂંકો જવાબ આપેલો. ઉંઘ આવતી હતી એટલે એ દિવસે હું ઉંઘી ગયેલો. પણ સવારે ઉઠ્યો ત્યારે મને પહેલો વિચાર એ આવ્યો છે કે પેલી છોકરીના શબ્દોમાં સત્યનો રણકો તો સંભળાય છે. અને કદાચ એ ખરેખર દિલગીર હશે એટલે જ એણે મને મેસેજ પણ કર્યો છે. તો મારે પણ એને માનવતાની દૃષ્ટિએ એક રિપ્લે કરી દેવો જોઈએ.
હું બેડમાંથી નીચે પગ મૂકું એ પહેલા મેં એનો મેસેજ ફરી વાંચ્યો અને એને લખ્યું કે, ‘વાંધો નહીં. ચાલ્યા કરે. ચિંતા નહીં કરવાની.’ મેં એનું ડીપી જોયું તો એણે કોઈ નજીકના સગાના લગ્નમાં સાડી પહેરીને પડાવેલો ફોટો મૂક્યો હતો. મને એ ફોટો ગમ્યો. મેં એનો નંબર ‘ઋચા કૉમર્સ કૉલેજ’ના નામે સેવ કર્યો.
થોડા સમય પછી એનો પણ એક સ્માઈલી સહિત થેંક્સનો મેસેજ આવ્યો. કૉમર્સવાળાની પરીક્ષા પતી ગઈ હતી એટલે એનું તો વેકેશન પડી ગયેલું. બીજી તરફ અમારી પરીક્ષા શરૂ થવાને ચારેક દિવસની વાર હતી એટલે અમારું પણ રીડિંગ વેકેશન હતું. એટલે કૉલેજમાં અમે આમને-સામને થઈ શકીએ એની કોઈ ગુંજાઈશ ન હતી. પરંતુ સવારે દસેક વાગ્યે એ ફરી મારા મનમાં ફરી વળી અને સાથે જ મને વિચાર આવ્યો કે, એ મારો નંબર ક્યાંથી લાવી? જોકે એક જ કેમ્પ્સમાં ભણતા હો તો એકબીજાના નંબર્સ મેળવવા એ કોઈ મોટી વાત નહોતી એટલે મેં એ વાત પર ઝાઝુ વિચારવાનું ટાળ્યું.
પણ અચાનક મારા હાથ મોબાઈલ તરફ ગયા અને મને એને મેસેજ કરવાનું મન થયું. જોકે શું લખવું એ સમજાયું નહીં એટલે મેં એને એક ફોરવર્ડ મેસેજ મોકલ્યો. થોડી જ મિનિટ્સમાં એનું એક સ્માઈલી આવ્યું અને થોડીવાર પછી એણે પણ એકાદ કવિતા જેવું કંઈક મોકલ્યું. સામે મેં પણ સ્માઈલી મૂક્યું.
પછી થોડો સમય મેં અભ્યાસ કર્યો અને કલાકેક પછી ફરીથી મને એની યાદ આવવા માંડી. મેં જાતે જ મારા માથામાં ટપલી મારીને કહ્યું કે, ‘સાલા લંપટ, બહુ હોશિયારી મારતો હતો, તે પડી ગયોને એના પ્રેમમાં? તો જ તને રહી રહીને એની યાદ આવે છે ને?’
વળી, મેં જ એનો ઉત્તર આપ્યો કે, ‘યાર શું કરું? છોકરી છે જ એટલી રૂપાળી તો…?’ જોકે હવે હું અવઢવ અનુભવવા લાગ્યો હતો કે, હવે મેસેજ કરું તો કરું કઈ રીતે? ફોરવર્ડ્સની રમત રમવામાં મને કોઈ રસ નહોતો, અને છોકરી સાથે સામેથી વાતચીત કરતા મેસેજ કરવાની મને આવડત પણ નહોતી અને મારો ઈગો પણ મને નડતો હતો.
હું એ વિશે વિચારતો જ હતો કે, એની સાથે વાતચીત કઈ રીતે કરી શકાય ત્યાં જ મારા મોબાઈલમાં વ્હોટ્સ એપ પિંગ થયું. મેસેજ એનો જ હતો, જ્યાં એણે લખ્યું હતું કે, ‘નાઈસ ડીપી, આ તારા બાળપણનો ફોટો છે?’ હું ભૂલી જ ગયેલો કે એ સમયે મારું વ્હોટ્સ એપ ડીપી શું હતું. એટલે મેં મારું ડીપી જોયું તો વાંદરાનું એક બચ્ચું આઈસક્રીમ ખાતું હોય એવું મારું ડીપી હતું.
હું હસી પડ્યો અને એને પણ, ‘હાહાહા… લખીને લાફિંગ ઈમોજી મોકલ્યું.’ એણે લખ્યું કે, ‘આ તો જસ્ટ મજાક હતી હા, ખોટું નહીં લગાડતા.’ મેં લખ્યું, ‘ઈટ્સ ઓકે યાર. ડોન્ટ વરી. સમજુ છું હું.’
પછી તો અમારું ચેટિંગ જોરદાર ચાલું થયું. છોકરી એટલી બધી સમજુ હતી કે, મારી એક્ઝામને ધ્યાનમાં રાખીને થોડી વાતચીત બાદ એ સામેથી મને ટકોર કરતી કે, ‘બસ આજનો કોટો પૂરો. હમણા વાંચી લો. વાતો તો પછી પણ થયાં કરશે.’ એની આવી વૃત્તિઓને કારણે એ મને વધુ ગમવા માંડી.
મારી એક્ઝામ દરમિયાન હું મોડે સુધી વાંચતો અને મારા પેપર વહેલી સવારના હતા એટલે હું ક્યાંક મોડો નહીં ઊઠું એની બીકે એ પોતે પણ વહેલી ઊઠી પડતી અને મને સમયસર જગાડતી. અમે એકબીજા સાથે એકરાર નહોતો કર્યો પરંતુ અમારી વચ્ચે લાગણી અને પ્રેમ જેવા તત્ત્વનો જન્મ થઈ ચૂક્યો હતો.
હું રોજ પરીક્ષા આપીને આવું પછી એ મને મારા પેપર વિશે પૂછતી અને પછી હું ફરી વાંચવા બેસું ત્યાં સુધી અમે વાતો કરતા. પછી તો મારું પણ વેકેશન પડ્યું. અમે આખો દિવસ અને મોડી રાત સુધી ચેટ કરતા. અમે એકબીજામાં ઓતપ્રોત થઈ રહ્યા હતા અને અમે બેમાંથી એક બની રહ્યા હતા. એ ધીમે ધીમે મારો ઈગો ઓગાળી રહી હતી અને કોઈ પણ વાતે હું ગુસ્સે થઈ જાઉં કે, હું કોઈને ગાળ દઈ બેસું તો એ મને પ્રેમથી સમજાવતી અને કોઈ પણ બાબતમાં પોતાનો અહં વચ્ચે નહીં લાવવો એવું પણ શીખવતી.
એ મને શીખવતી ગઈ અને હું શીખતો ગયો. એ મને બદલતી ગઈ હું બદલાતો ગયો. સાચું કહું તો ધીમેધીમે હું એ છોકરીના પ્રેમમાં ગળાડૂબ થતો ગયો. હવે તો મને એક ક્ષણ પણ એના વિના નથી ચાલતું. કૉલેજમાં કેન્ટીન સિવાય બીજે ક્યાંય નહીં ખાતો હું કૉલેજમાં રોજ એના ઘરેથી એ જે ટિફીન લાવે છે એ જ ખાઉં છું.
હાલમાં અમે અમારું ગ્રેજ્યુએશન પૂરું કરીને માસ્ટર્સ કરી રહ્યા છીએ. અમારા ઘરે હજુ અમારી લવસ્ટોરી વિશે ખબર નથી. પરંતુ અમને વિશ્વાસ છે કે, અમારા પ્રેમમાં કોઈ અડચણ આવે એમ નથી. આફ્ટરઓલ અમારો પ્રેમ બહુ શુદ્ધ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર