એક આધુનિક વાર્તા
જીવનમાં મેં નક્કી કરેલું કે, હું મારી લાઈફમાં બધું કરીશ પરંતુ પ્રેમ કે લગ્ન ક્યારેય નહીં કરું. કારણ કે સમજણી થઈ છું ત્યારથી આ બે બાબતો વિશે મારું માનવું એમ માનવું છે કે, પ્રેમ અને લગ્ન માણસની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી લે છે. એકબીજાને પ્રમાણિક રહેવામાં કે એકબીજા માટે જીવવામાં ક્યારેક વ્યક્તિ પોતાની જાત સાથેનો સંપર્ક ખોઈ બેસે છે અને પોતાની જાત પ્રત્યેની જે જવાબદારીઓ છે એ નિભાવવાનું ભૂલી જાય છે. આ લખી રહી છું ત્યારે પણ આ બંને બાબતો માટે આજે પણ એટલી જ સ્પષ્ટ છું. પણ વાત એમ બની કે, પ્રેમમાં ન પડવાની વાતે મારી જાતને આપેલું વચન તૂટી ગયું છે!
આજે પણ જ્યારે પ્રેમમાં પડવાના મારા નિર્ણય વિશે વિચારું છું ત્યારે હું મારી જાતને પ્રશ્ન પૂછી બેસું છું કે, જીવનના બધા નિર્ણયો પણ અડીખમ રહેવાવાળી અને જીવનની લગભગ બધી બાબતો પ્રત્યે નિર્લેપ રહેનારી હું આખરે એવા તે કયા મોહમાં તણાઈ ગઈ અને આખરે આ પ્રેમમાં એવું તે કયું તત્ત્વ છે, જેણે મારા જેવી નિર્મોહી વ્યક્તિને એના તરફ તાણી અને મારો ભરડો લીધો.
મજાની વાત એ છે કે, હું સાવ સામાન્ય સ્થિતિમાં પ્રેમમાં પડી. મારી પ્રેમકથામાં ન કોઈક રોમાંચક કથા છે કે નથી તો એમાં કોઈ રોમેન્ટીસિઝમ! આડે હાથે ક્યાંક મૂકાઈ ગયેલી કોઈ વસ્તુ અચાનક જડી જાય એમ સાવ અચાનક જ મને યાત્રી જડી ગયો. એનું નામ પણ કેવું સરસ. યાત્રી! અને હવે તો એની યાત્રામાં સહપ્રવાસી તરીકે હું પણ જોડાઈ છું. ભેળા મળીને કરીશું પ્રવાસ અને સાથે માણીશું સુખ-દુખથી છલોછલ આ વસુંધરાની ઉબડખાબડતા!
યાત્રી ઉંમરમાં મારા કરતા એક-બે વર્ષ નહીં પણ પૂરા નવ વર્ષ નાનો. આમ તો એ મારો વિદ્યાર્થી, પણ જિંદગીથી અત્યંત છલોછલ. એ જીવનને કંઈક અલગ દૃષ્ટિકોણથી જુએ છે એટલે જ એ મને ગમે છે. યાત્રી મારાથી સાવ વિરુદ્ધ પ્રકૃતિનો છે એટલે પણ એ મને ગમે છે. હું નાનીનાની વાતોએ અત્યંત ચીવટવાળી તો યાત્રી એ બાબતે સાવ લઘરવઘર સાબિત થાય. ન એના પુસ્તકોના કોઈ ઠેકાણા હોય કે, ન એની ફાઈલો કે કપડાંના વ્યવસ્થિત હોય. હું સાવ નાંખી દેવા જેવી બાબતોએ ઉકળી ઉઠું અથવા એવી જ નાનીનાની બાબતોનું મને ટેન્શન થઈ જાય. તો યાત્રી એના પી.એચડીના વાઈવાને આગલે દિવસે પણ મોઢાંમાં સિગારેટ ખોસીને ચ્હાની ટપરી પર નિરાંતે બેઠો હોય. હું મારા પહેરવેશ કે મારા બૂટ-ચપ્પલથી લઈને પરફ્યુમ્સ સુધી અને મારી હેર સ્ટાઈલથી લઈને મારા હાથ-ગળાના ઘરેણાં સુધીની બાબતોમાં અત્યંત ચૂસ્ત. મને બધુ હાઈફાઈ અને અપટુડેટ જોઈએ. તો યાત્રી બે દિવસની વધેલી દાઢી, ચોળાયેલો કૂર્તો, અઠવાડિયાથી નહીં ધોયેલું એનું પ્રિય બ્લ્યુ જીન્સ અને પગમાં લોફર્સ પહેરીને કૉલેજમાં મસ્તમૌલા થઈને રખડતો હોય. વળી, કૉલેજ આવવામાં મોડું થયેલું હોય તો ઉતાવળમાં માથામાં કાંસકો ફેરવવાનું પણ કાયદેસર ભૂલી ગયો હોય!
આવા અવ્યવસ્થિત માણસો સાથે હું બે ઘડી પણ નથી રહી શકતી. પણ કોણ જાણે કેમ મને યાત્રી સાથે ફાવી ગયું. પી.એચડી પતાવીને મેં કૉલેજમાં લેક્ચરર તરીકેની નોકરી શરૂ કરી ત્યારે યાત્રી થર્ડયરમાં ભણતો. પહેલા વર્ષે હું એમના ક્લાસના પ્રેક્ટિલ્સ લેતી. તો એણે માસ્ટર્સ શરૂ કર્યું ત્યારે એના માસ્ટર્સના બંને વર્ષ મારે એમના ક્લાસ લેવાના આવ્યાં. એનામાં એવું કશું અસામાન્ય ન હતું કે, પચાસ વિદ્યાર્થીઓના ક્લાસમાં એ મારા ધ્યાનમાં આવે. પણ મેં એમના ક્લાસ શરૂ કર્યાં એના એક અઠવાડિયામાં જ એ મારા ધ્યાને ચઢી ગયો. એની આદત એવી કે, વર્ગની હાજરી પૂરાય કે એને તરત ક્લાસના પાછલા દરવાજેથી બહાર ભાગવા જોઈએ. અને જો એ ક્લાસમાં બેસે તો આજુબાજુવાળા સાથે બેસીને દુનિયા આખીની એને વાતો કરવા જોઈએ. આ કારણે ક્લાસમાં મને એનો ભારે ત્રાસ થઈ ગયેલો. શરૂઆતમાં તો મેં એને ટાળ્યો પણ એનો ઉત્પાત શમતો ન હતો અને વિદ્યાર્થીઓની આવી હરકતો મને લગીરે પસંદ ન હતી.
એટલે ફ્રી ક્લાસમાં મેં એને સ્ટાફરૂમમાં બોલાવ્યો. નસીબજોગે સ્ટાફરૂમમાં બીજી કોઈ ફેકલ્ટી હાજર ન હતી. સ્ટાફરૂમમાં પણ એ સાવ બેફિકરાઈથી આવ્યો, જાણે એને કંઈ પડી જ ન હોય. અસ્તવ્યસ્ત વાળ અને સાવ લઘરવઘર દેખાવ. નજીક આવીને ઊભો રહ્યો તો મોઢાંમાંથી સિગારેટની વાસ આવી રહી હતી.
'મેમ તમે મને કેમ બોલાવ્યો?' આવીને સીધો સવાલ.
'ક્લાસમાં તમે આટલી બધી વાતો કેમ કરો છો? અને તમે હાજરી પૂરાવીને પાછલા દરવાજેથી ભાગો છો એ સારી વાત છે? આવું શોભે તમને? હવે તો તમે મોટા થયાં? આવી છોકરમત ક્યાં સુધી કર્યે રાખશો?' મેં કહ્યું.
'યુ નો વોટ મેમ?'
'હમમમ?'
'તમે ભયંકર બોરિંગ ક્લાસ લો છો. તમે ક્લાસમાં આવો ત્યારથી જાઓ ત્યાર સુધીની પંચાવન મિનિટ્સ માત્ર બે પૂઢાં વચ્ચેની જ વાત. તમારા ક્લાસમાં તો એવું લાગે જાણે બહાર કોઈ દુનિયા છે જ નહીં. આવી સ્થિતિમાં મને કંટાળો આવે. એટલે સૌથી પહેલા હું બહાર ભાગવાનો જ પ્રયત્ન કરું અને જો તક ન મળે તો હું ક્લાસમાં બેઠો બેઠો ગપ્પાં લડાવું. આ તો ઈન્ટરનલ માર્ક્સમાં હાજરીની મગજમારી છે એટલે. બાકી, તમે જો મારી હાજરી પૂરી દેતા હો તો ક્લાસમાં તમને ડિસ્ટર્બ કરવા નહીં આવું.'
એની વાત સાંભળીને પહેલી ક્ષણે તો હું સડક જ થઈ ગઈ. આવો સીધો સટ જવાબ મેં ક્યારેય સાંભળ્યો ન હતો. એની વાત સાંભળીને સૌથી પહેલા તો મને એના પર દાઝ જ ચઢી કે, એક વિદ્યાર્થી એના લેક્ચરર સાથે આટલી બેશરમીથી કઈ રીતે વર્તી શકે? પરંતુ બીજી ક્ષણે મને એની સરળતા પર માન થઈ આવ્યું. વળી એની વાત પણ સાચી હતી. ક્લાસમાં મને ન તો અભ્યાસક્રમની બહારની વાતો કરવાનું ગમતું કે ન હું ક્લાસમાં વિદ્યાર્થીઓને આમતેમની વાતો કરવા દેતી.
એ સમયે એને શું જવાબ આપવો એની મને ગમ નહીં પડી એટલે મેં એને કહ્યું, 'ઠીક છે. બીજી વાર ક્લાસમાં નાહકની વાતો કરીને મને કે ક્લાસને ડિસ્ટર્બ નહીં કરતો.' એ દિવસે ક્યાંય સુધી એણે મારા મન પર કબજો જમાવી રાખ્યો. એ પણ જાણે મારું માન રાખતો હોય એમ બીજા દિવસથી મારા ક્લાસમાં શાંતિથી બેસવાનો બને એટલો પ્રયત્ન કરતો. જોકે મૂળે એ અલગારી જીવ એટલે કોઈક વાર તો ક્લાસ પૂરો થવાને દસેક મિનિટ પણ બાકી હોય અને એને કંટાળો આવતો હોય તો એ કોઈનીય પરવા કર્યા વિના પાછલા દરવાજેથી ચાલતી પકડે. એના પર નજર રાખીને હું બ્લેકબોર્ડ પર કંઈક લખવા જાઉં અને પાછળ ફરીને વિદ્યાર્થીઓ તરફ જોઉં તો યાત્રી એની બેન્ચ પર ગેરહાજર હોય અને એ એની ચ્હાની ટપરી તરફની યાત્રાએ નીકળી ગયો હોય!
માસ્ટર્સના એના બંને વર્ષ કંઈક આ રીતે જ વીત્યાં. જોકે એના માસ્ટર્સના બીજા વર્ષ સુધીમાં અમારી મૈત્રી ઘણે અંશે કેળવાઈ ગયેલી. મારા જીવનમાં ઝાઝા મિત્રો ન હતા અને કૉલેજમાં પણ અન્ય સ્ટાફ મેમ્બર્સ સાથે મારું બોલવા-ચાલવાનું ઓછું થતું. મારા ફ્રી લેકચર્સમાં હું મોટેભાગે લાઈબ્રેરીમાં બેસતી અને યાત્રી પણ મારી સાથે આવીને બેસતો. અમારા બંનેના રસનો વિષય હતા ટૂંકી વાર્તાઓ અને થોડીઘણી નવલકથાઓ. બીજા લોકો નવલકથાઓ પાછળ ઘેલા હતા ત્યારે અમે ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજીની ટૂંકી વાર્તાઓ વાંચતા અને અમે વાંચેલી વાર્તાઓ એકબીજા સાથે શેર કરતા.
ટૂંકી વાર્તા ઉપરાંત એને ફિલ્મોનો પણ જબરો શોખ. જોકે ફિલ્મો વિશે એનો ટેસ્ટ જરા જુદો હતો. એ ચીલાચાલુ બોલિવુડ કે હોલિવુડ ફિલ્મો ભાગ્યે જ જોતો. એને ઈરાનિયન અને જાપાનિઝ ફિલ્મો સૌથી વધુ ગમતી. એના આવા બધા યુનિક શોખ અને તેની આદતો મને એની તરફ વધુને વધુ તાણતી જતી. જોકે એ સમયે હું એના પ્રેમમાં નહોતી પરંતુ કંઈક અંશે એનો સહવાસ ઝંખતી. મને એની કંપની ગમતી.
પછી તો હું એના ફ્લેટ પર પણ જતી, જ્યાં એ એકલો જ રહેતો. ફ્લેટમાં જ્યાં જુઓ ત્યાં પુસ્તકો, બોડી સ્પ્રે, આમતેમ રઝળતા કપડાં, બૂટ-ચપ્પલ તેમજ ફિલ્મોની ડીવીડી પથરાયેલી હતી. પહેલી વખત તો એના ઘરે બેસવા માટે મારે રીતસરની સાફસફાઈ કરીને બેસવાની જગ્યા કરવી પડેલી! જોકે મારા કરતા સાવ વિરુદ્ધ પ્રકૃતિનો અને અસ્તવ્યસ્ત માણસ હોવા છતાં મને એને ત્યાં જવાનું કે કલાકો સુધી એની સાથે વાતો કરવાનું ગમતું.
કોઈ વાર કૉલેજથી છૂટીને અમે સીધા એના ઘરે જતાં અને કલાકો સુધી વાતો કરતા. એની સાથે રહી રહીને મને પણ સિગારેટ અને વોડકા પીવાની આદત પડી ગયેલી. એને વ્હિસ્કી ભાવે તો મને ભાવે વોડકા અથવા બિયર! અઠવાડિયામાં ત્રણેક દિવસ અમે વ્હિસ્કી અને વોડકાના જામ ભરતા અને સાથે બેસીને એને ગમતી કોઈ ઈરાનિયન અથવા જાપાનિઝ ફિલ્મ જોતાં. ક્યારેક વળી એ ગેલમાં હોય તો જોરજોરથી હરિવંશરાય બચ્ચન કે દુષ્યંત કુમારની કવિતાઓ વાંચે અને હું એ કવિતાઓના જામ પણ ગટગટાવતી જતી.
આમને આમ અમે અત્યંત નજીક આવી ગયા. અમને એકબીજાની લત લાગી ગઈ હતી. એવામાં એનું માસ્ટર પણ પૂરું થઈ ગયું અને થોડા સમય બાદ એણે અમારી જ કૉલેજના એક અધ્યાપકના હાથ નીચે પી.એચડી શરૂ કર્યું.
અમે એકબીજાના પ્રેમમાં હતા કે નહીં એ તો અમને પણ નહોતી ખબર પરંતુ અમે એકબીજાના સહવાસને અત્યંત ચાહતા હતા. અમારી દુનિયા અત્યંત સીમિત હતી. અમારા શોખ સીમિત હતા, અમારી પસંદગીઓ સીમિત હતી. અમારા સંબંધોની પ્યોરીટી એટલી હતી કે અમે મોડી રાત સુધી એકબીજા સાથે રહેતા હોવા છતાં અમે ક્યારેય એકબીજા સાથે ફિઝિકલ ન થયાં. અમને બંનેને ક્યારેક એ બાબતે આશ્ચર્ય થઈ આવતું કે, 'આપણે ભરયુવાનીમાં છીએ, એકબીજાની નિકટ છીએ અને આ ફ્લેટમાં એકલા જ છીએ. તો પણ આપણને ફિઝિકલ થવાનું મન કેમ નથી થતું?'
યાત્રી તો આમ પણ સાવ મોફાટ માણસ એટલે મને ક્યારેક પૂછી બેસતો કે, 'યાર, તું લેસ્બિયન તો નથી ને?' તો હું પણ સામે એને પ્રશ્ન પૂછતી કે, 'મને તો તારા હોમોસેક્સયુઅલ હોવા પર ભ્રમ જાય છે! તો જ તું મારા જેવી સુંદર યુવતિને હાથ સુદ્ધાં નથી અડાડતો.'
આવી વાતો કરીને અમે પેટ પકડીને હસતા અને ક્યારેક એના ઘરના ઓશિકા કે પાસે પડેલા નેપ્કિનથી એકબીજાને ખૂબ ઝૂડતા. આમને આમ અમે પ્રેમમાં પડી ગયા. અમે એવા કોઈ સામાજિકપ્રાણીઓ તો છીએ નહીં કે, અમને ઉંમરનો કોઈ બાધ નડે. હું એના કરતા લગભગ એક દાયકો મોટી છું કે એ મારા કરતા નાનો છે કે એ મારો વિદ્યાર્થી છે એ વાત પહેલા અમારી આડે ક્યારેય ન આવી તો હવે શું કામ અમારે આડે આવે? હજુ સુધી અમે લગ્ન કરવાનો વિચાર નથી કર્યો. કદાચ લગ્ન ન પણ કરીએ! લગ્ન કરીને એકબીજા સાથે, એકબીજા માટે બંધાવામાં અમને કોઈ રસ નથી. અમે બંને એક વાત તો સ્પષ્ટપણે માનીએ છીએ કે, કોઈ એક જ માણસને આજીવન લોયલ રહી શકાતું નથી. અને એક જ માણસ સાથે જિંદગી વીતાવી દેવાનો કોઈ અર્થ પણ નથી. કાલ ઉઠીને એમ પણ બને કે અમે એકબીજાથી કંટાળી જઈએ અથવા અમને એકબીજાનો ત્રાસ થવા માંડે. કાલે ઉઠીને, આ જીવન યાત્રામાં અમને કોઈક બીજું મળી ગયું અથવા કોઈક બીજા સાથે અમને રહેવાનું મન થયું તો? આ કારણે જ અમે માત્ર એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું છે. મન થશે ત્યાં સુધી એકબીજાની કંપની માણવાની અને જે ઘડીએ સંબંધ ભારરૂપ લાગવા માંડે એ દિવસે હસતાં મોઢે અલવિદા કહીને છૂટાં પડી જવાનું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર