એક સીધી-સરળ લવ સ્ટોરી
પ્રેમ વિશે લખવાનું આવે ત્યારે પાણી પાણી થઈ જવાય છે. એક તો પ્રેમ વિશે લખવા બેસીએ ત્યારે અંતરમાંની લાગણીઓ એટલી બધી ધસમસી આવે છે કે, ન પૂછો વાત અને અધૂરામાં પૂરું આ વિષય પર લખવા બેસીએ એટલે અમસ્તો જ ગભરાટ થઈ આવે. એટલે જ પહેલા લખ્યું કે, પ્રેમ વિશે લખવા બેસીએ ત્યારે પાણી પાણી થઈ જવાય છે! ખૈર, અમારી લવ સ્ટોરી બહુ ખાસ નથી. એટલે કે, અમારો પ્રેમ તો ખાસ છે અને અમારા જીવનમાં એ પ્રેમનું મુલ્ય પણ ઘણું છે. એ પ્રેમને કારણે જ અમારી દુનિયા ઘણી સુંદર બની છે. પરંતુ અમારી લવ સ્ટોરીમાં એવા કોઈ ચઢાવ-ઉતાર આવ્યાં નથી તેમજ આ લવ સ્ટોરીમાં બધુ સમુંસૂથરું જ ચાલ્યું છે.
હું અને ગોપાલ એક જ કૉલેજમાં અભ્યાસ કરતા હતા. જોકે અમારા ભણતરના વર્ષો જુદાં જુદાં હતા. એટલે કે, ગોપાલ એસવાયમાં ભણતો હતો અને હું એફવાયમાં અભ્યાસ કરતી હતી. વર્ષ 2007-2008ની વાત હશે, જ્યારે અમારી કૉલેજની પ્રથમ માસિક પરીક્ષામાં અમારા બંનેનો નંબર આજુબાજુમાં આવેલો. એટલે ચાલું પરીક્ષાએ અમારી વચ્ચે થોડીઘણી વાતો થયાં કરતી. ચાલું પરીક્ષાએ પ્રોફેસરને પજવવા માટે અમે થોડીઘણી મસ્તી પણ કરી લેતા, અમને એકબીજાના સ્વભાવ પણ પસંદ આવ્યા, જેના કારણે અમારી વચ્ચે દોસ્તી થઈ ગઈ.
એ દોસ્તીના કારણે અમે બંને ક્યારેક સાથે બંક મારીને કૉલેજની કેન્ટીનમાં બેસતા તો ક્યારેક અમે કોઈક ફિલ્મ જોવા નીકળી જતાં. ત્યારે તો ટેક્સ મેસેજનો જમાનો હતો એટલે કૉલેજ સિવાયના સમયમાં એકબીજા સાથે કલાકો સુધી ચેટિંગ પણ કરતા રહેતા. અરે, ક્યારેક તો અમે આખીને આખી રાત પણ ચેટિંગ કર્યું છે! આ બધી બાબતોને કારણે અમે એકબીજાને અત્યંત ઉંડાણથી ઓળખતા થયાં. આમ પણ અમે એકબીજાની કંપની તો પસંદ કરતા જ હતા, એટલે અમને બંનેને એકબીજા સાથે ક્યારે પ્રેમ થઈ ગયો એની અમને જાણ પણ નહીં થઈ.
કૉલેજના બે વર્ષો અમે ખૂબ મજા કરી અને એકબીજાની સાથે બેસ્ટ ટાઈમ સ્પેન્ડ કર્યો. એનું થર્ડ યર સમાપ્ત થઈ ગયા પછી પણ એ કૉલેજમાં આવતો રહ્યો. ક્યારેક એ મને કૉલેજ મૂકી જતો, તો ક્યારેક એ મને લેવા માટે આવતો. એવામાં અમારું શહેર પણ નાનું એટલે શહેરના તમામ લોકોને અમારી ગતિવિધિની જાણ થઈ ગયેલી, જેમાં અમારા બંનેના માતા-પિતા અને ભાઈ-બહેન પણ સામેલ હતા. અમને એમ હતું કે, અમારી જ્ઞાતિ અલગ હોવાથી અમારા માતા-પિતા શરૂઆતમાં અમારા સંબંધને લઈને આનાકાની કરશે અને અમારે એમને સમજાવવા પડશે.
પરંતુ અમારા સંબંધ વિશે જાણતા મારા માતા-પિતાએ મને સામેથી જ કહ્યું કે, 'તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે. તારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો અમને કહી દે, નહીંતર અમે કોઈ સારો છોકરો શોધવા માંડીએ.' સાથે જ એમણે મને એમ પણ ઈશારો કર્યો કે, 'આપણને જ્ઞાતિના કોઈ બંધન નથી, એટલે તું યોગ્ય નિર્ણય લઈને અમને કહેજે.' મેં ગોપાલ સાથે આ બાબતની ચર્ચા કરી અને એને તેના માતા-પિતા સાથે પણ આ વાત કરવાનું કહ્યું.
બીજા દિવસે એણે એના માતા-પિતા સાથે અમારા સંબંધ વિશે વાત કરી તો એના માતા-પિતાએ પણ અમારા લગ્નને લઈને કોઈ એતરાજ નહીં દર્શાવ્યો. એટલે મેં મારા માતા-પિતાને ગોપાલ વિશેની વાત કરી અને એમને જણાવ્યું કે, 'હું ગોપાલને જ પરણવા ઈચ્છું છું.' એટલે થોડા દિવસો બાદ સારો દિવસ જોઈને મારા માતા-પિતાએ ગોપાલને ત્યાં ઓફિસિયલ માગુ મૂક્યું અને બધા વડીલોએ ભેગા મળીને અમારા એન્ગેજમેન્ટ અને લગ્નની તારીખો નક્કી કરી.
આમ બધું યોગ્ય રીતે અને સાવ સરળતાથી પાર પડ્યું અને વર્ષ 2011ના ઉનાળામાં અમારા લગ્ન પણ થઈ ગયા. હવે તો ભગવાને અમને એક પરી જેવી દીકરીની ભેટ પણ ઘરી છે અને ચાર વર્ષથી અમારું લગ્ન જીવન અત્યંત સુખરૂપ ચાલી રહ્યું છે. પ્રેમની બાબતે અમે બંને અમારી જાતને નસીબદાર માનીએ છીએ કે, અમારે પ્રેમમાં ક્યારેય કોઈ પ્રકારનો સંઘર્ષ કરવો નથી પડ્યો અને અમારા સંબંધમાં બધુ સુખરૂપ ચાલતું રહ્યું છે. આ કારણે જ અમે ઈશ્વરનો આભાર માનીએ એટલો ઓછો છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર