એક ટચુકડી લવ સ્ટોરી

16 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

ફિલ્મો કે નવલકથાઓની વાત હોય ત્યાં સુધી ઠીક છે કે, કોઈ પણ વાર્તા કે પ્રેમ કહાણીનો અંત સુખદ આવે. પરંતુ વાસ્તવિક જીવનમાં એવું ભાગ્યે જ બનતું હોય છે અને મારી લવ સ્ટોરીમાં કંઈક આવું જ બન્યું છે. મારી લવ સ્ટોરીનો અંત તો સુખદ આવ્યો છે પરંતુ સરવાળે મારા હાથમાં કશું બચ્યું નથી. જો કંઈ બચ્યું છે તો એ છે થોડી યાદો જ બસ. અને છૂટાં પડ્યાં હોવા છતાં પણ અમારી લવ સ્ટોરી સુખદ એટલે કહી શકાય કે, અમે પ્રેમથી છૂટાં પડ્યાં છીએ, બધુ સમજી વિચારીને છૂટા પડ્યાં છીએ. નથી તો અમારા મનમાં એકબીજા પ્રત્યે કોઈ ખાટાશ કે નથી અમને એકબીજા પ્રત્યે કોઈ અસંતોષ. આજે મને જ્યારે પણ એની યાદ આવે છે ત્યારે મને એના માટે માન જ થાય છે અને ગર્વથી મારી છાતી ફૂલી જાય છે કે, ‘મેં આવી છોકરીને પ્રેમ કર્યો હતો.’ હું શ્યોર છું કે, એને પણ મારી યાદ આવતી હશે ત્યારે એ પણ એવું જ કંઈક વિચારતી હશે.

અમારી લવ સ્ટોરી કંઈક આ રીતે શરૂ થયેલી. અમે એક જ જ્ઞાતિના હતા અને એક જ કંપનીમાં સાથે કામ કરતા. એ HR ડિપાર્ટમેન્ટમાં કામ કરતી અને હું કામ કરતો અન્ય વિભાગમાં. મને તો બહુ પાછળથી ખબર પડેલી કે, એ પણ મારી જ જ્ઞાતિની છે. પરંતુ HRમાં હોવાને કારણે મારો તો આખો બાયોડેટા જ એની પાસે હતો. હું મૂળે કામગરા સ્વભાવનો અને મને છોકરીઓની પાછળ ફરવું કે, એમને સતત તાકતા રહેવું, જેવી હરકતો ફાવે નહીં. કવિતાઓમાં રસ હોવાને કારણે પહેલેથી એક ઈચ્છા હતી કે, જીવનમાં એક વાર તો પ્રેમ કરવો જ છે. પરંતુ પ્રેમ કરતા પહેલા તમારે છોકરીને તમારા પ્રત્યે આકર્ષિત કરવું અત્યંત જરૂરી હતું અને એવી કોઈ કળામાં હું પારંગત નહોતો. આજે પણ નથી!

અમે બંનેએ લગભગ દોઢ વર્ષ સુધી સાથે કામ કર્યું. પરંતુ એ દોઢ વર્ષ સુધી હું મારી જાતમાં અને મારા કામમાં જ રમમાણ રહ્યો. લંચ ટાઈમ દરમિયાન ઓફિસના બધા ડિપાર્ટમેન્ટ્સના કર્મચારીઓ સાથે જ જમવા જતાં. જોકે બધા બેસતા પોતપોતાના ગ્રુપમાં. પરંતુ ઘણી વાર એવું બનતું કે, અમે સામસામે જમવા બેસતા. એ ક્યારેક મને તાકી રહેતી પરંતુ મારી વાતોમાં મશગૂલ હું એના તરફ નજર સુદ્ધાં નહીં કરતો. પરંતુ તમે ભોટ હો તોય તમારી આસપાસના લોકો તો થોડા ભોટ હોવાનાં? મારા કલિગ્સ કમ મિત્રોએ આ વાત પકડી અને તેમણે મને જાણ કરી કે, ‘અલા, પેલી તો તારા તરફ જુએ છે. છોકરી સારી છે ચાન્સ છોડતો નહીં.’ આપણને મૂળે આ બધામાં રસ નહીં અને મેં પહેલાથી જ જ્ઞાતિનું પૂંછડું પકડેલું એટલે ત્યારે તો મેં ધરાર ના પાડી દીધી કે, ‘ભાઈ, આપણે ભળતી જાતમાં નહીં પડીએ. આપણને તો આપણી જ્ઞાતિની જ છોકરી જોઈએ.’ પણ મારા બેટા મારા કલિગ્સ એ વાતની ભાળ પણ મેળવી લાવ્યા કે, ‘ભાઈ એ છોકરી તારી જ્ઞાતિની જ છે અને જો એ તારા તરફ જોતી હોય તો તક જવા દેતો નહીં.

મિત્રોની એ વાત સાંભળીને મન મોર બનીને થનગટ કરવા તો નહોતુ માંડ્યું, પરંતુ દિલમાં કંઈક ટહુકા તો પડેલા કે, ‘બોસ જ્ઞાતિની જ હોય તો એકાદ દાવ ખેલી કાઢવામાં બહુ નુકશાન નથી.’ પણ શરૂઆત કરે કોણ? અને મિત્રોની સામે મેં પાછો એવો ડોળ કરેલો કે, ‘એ મારી જ્ઞાતિની હોય કે, એ મારી તરફ જોતી હોય તો શું થયું? મને એનામાં કોઈ રસ નથી.’ બિલકુલ એ જ દિવસોમાં મને અન્ય એક કંપનીમાંથી સામેથી જૉબ ઓફર આવી. જ્યાંથી ઓફર આવી હતી ત્યાંથી પગારની ઓફર પણ સારી હતી એટલે મેં મારી કંપનીમાં રાજીનામુ આપવાનું નક્કી કર્યું. જોકે નવી કંપનીમાંથી ઓફર આવવાથી લઈને ત્યાં જઈ આવી ઈન્ટરવ્યુ આપવા કે બધુ ફાઈનલ કરતામાં અઠવાડિયા ઉપરનો સમય નીકળી ગયો. અને આ સમય દરમિયાન મારા મનમાં મારી કરિયર સિવાય બીજી કોઈ જ વાતના વિચાર આવતા ન હતા. પેલી છોકરીના પણ નહીં!

નવી કંપનીમાં બધુ પાકે પાયે ગોઠવાઈ જતાં જ મેં મારી જૂની કંપનીમાં રાજીનામુ આપ્યું અને એ છોકરી HR ડિપાર્ટમેન્ટમાં હોવાને કારણે મારા રાજીનામાનો કાગળ એની પાસે પહોંચ્યો. એણે મને કંપની તરફથી રિલિવિંગ લેટર આપવાનો હતો અને મારે એની પાસે લેટર લેવા જવાનો હતો. એ દરમિયાન મારી અને એની દોઢ વર્ષના ગાળામાં પહેલીવાર વાત થઈ. વાતો ઉપરછલ્લી જ હતી. ‘હવે ક્યાં જાઓ છો? અને કેમ જાઓ છો?’ એ જ વાતો. પણ HR ડિપાર્ટમેન્ટમાંથી જતાજતા મેં એની આંખમાં એક વિશેષ ભાવ જોયો અને જીવનમાં પહેલીવાર મને પણ કંઈક વિશિષ્ટ લાગણી થઈ. મને કંઈક ગજબના વાઈબ્રેશન્સ મળ્યાં અને મને થયું કે, હું આ છોકરીના ગળાડૂબ પ્રેમમાં છું. મને થયું હું જેને ચાહવાની ખ્વાહિશ કરતો હતો એ આ જ છે! આમેય મને લાંબા વાળવાળી ઈન્ડિયન આઉટફિટ્સમાં રહેતી છોકરીઓ જ વધુ ગમતી અને લાંબા વાળવાળી આ છોકરીને મેં બહુ ઓછીવાર વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોઈ હતી!

મને એના નામની ખબર પડી ગઈ હતી. મેં તરત જ મારા ડિપાર્ટમેન્ટમાં જઈને ફેસબુક પર એના નામનું સર્ચ કર્યું. પરંતુ ત્યારે એ મને ફેસબુક પર નહીં મળી એ નહીં જ મળી. ઓફિસમાં જ મારી જ્ઞાતિના મારા કલિગ મિત્રને મેં એ છોકરીની વાત કરીને ગમે એમ કરીને એ છોકરીને ફેસબુક પર શોધવા કહ્યું. મારા સવાયા દોસ્તે એને ફેસબુક પર શોધી પણ કાઢી અને મેં તરત જ એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. એ પણ જાણે મારી કાગડોળે રાહ જોઈને બેઠી હોય એમ તેણે તરત જ મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને બસ, આમ મારા જીવનનો નવો અને યાદગાર અધ્યાય શરૂ થયો. આ હતા જાન્યુઆરી 2015ના અંતિમ દિવસો. એક તરફ જૂની નોકરીમાં મારી પાસે સિલકમાં ચાર-પાંચ દિવસો જ રહ્યા હતા અને બીજી તરફ મેં સપનેય નહોતું વિચાર્યું એવા સમયે મને પ્રેમ થઈ ગયો.

ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા બાદ પહેલા એક કલાક સુધી તો અમારી વચ્ચે કોઈ જ વાત નહીં થઈ. બોથડ જેવો હું એક કલાક સુધી એના મેસેજની કે એના તરફથી થતી પહેલની રાહ જોતો રહ્યો. પરંતુ અચાનક મને જ્ઞાન લાધ્યું કે, પ્રેમમાં માદા તમને ઈશારત કરીને એની લાગણીઓનું સિગ્નલ આપી શકે પરંતુ એ ક્યારેય પહેલ તો નહીં કરે. પહેલ તો નરે જ કરવી પડે! એટલે મેં મારા હથિયાર બરાબર ચમકાવ્યા અને તેને ‘થેંક યુ’નો મેસેજ કર્યો. સામે એણે મને સ્માઈલી મોકલ્યું. પણ પછી વાત શું કરવી? જોકે મેં આગળ કહ્યું એમ પ્રેમમાં માત્ર પહેલ જ નરે કરવાની હોય. પછીનું સંભાળવા માટે માદા બેઠી જ હોય છે! એણે તરત જ અમારી વાતનો દોર હાથમાં લઈ લીધો અને ટિપિકલ છોકરીની અદામાં એણે મને મારા શોખ અને મારી આવડતો વિશે પૂછી લીધું. એને બોર ન થાય એ માટે મેં પણ એને કેટલાક પ્રશ્નો કર્યાં. મને એની લાગણીઓ વિશે ખબર હોવા છતાં મેં એને તે દિવસે પ્રેમ વિશેની વાત નહીં કરી.

અમારા એ પહેલા (વર્ચ્યુઅલ) મિલનની રાતે અમે કેઝ્યુઅલ વાતો જ કરી. અમે એક બીજાને મિત્રતાના વાયદા પણ નહીં કર્યાં કે નહીં અમે એકબીજાના મોબાઈલ નંબર્સ એક્સચેન્જ કર્યાં. બસ એમ જ વાત કરી જેમ ટ્રેનમાં કોઈ બે પ્રવાસીઓ મળી જાય એમ. જોકે એ રાત દિવાસ્વપ્નોની રાત હતી. મને ક્યાંય સુધી ઉંઘ આવી ન હતી. પણ બીજા દિવસે ઉઠતાની સાથે મેં નક્કી કર્યું કે મારે આજે એને પ્રપોઝ કરવું છે. કારણ કે કાયદેસર એ દિવસ મારી નોકરીનો છેલ્લો દિવસ હતો અને પછી હું ત્રણ દિવસની રજા પર હતો. સવારે ઉઠીને મેં એનું ફેસબુક મેસેન્જર ચેક કર્યું તો એ પંદર મિનિટ પહેલા એક્ટિવ હતી એવું નોટીફિકેશન હતું. એનો મતલબ એ જ કે એ ઊઠી ગઈ છે અને તે મારા મેસેજની રાહ જોઈ રહી છે. મેં તરત જ એને ‘ગુડ મોર્નિંગ’નો મેસેજ કર્યું. એનો પણ સામો રિપ્લે આવ્યો. મેં નક્કી કર્યું કે એને મારે હમણા જ પ્રપોઝ કરવું છે. આજે ઓફિસમાં મારે એના પ્રેમી તરીકે જવું હતું. પણ પ્રપોઝ કરું કયા શબ્દોમાં? એવામાં મને જય વસાવડાનો એક વેલેનટાઈન ડે સ્પેશિયલ લેખ યાદ આવ્યો, જેમાં પ્રેમીએ એની પ્રેમિકાને જરા યુનિકરીતે પ્રપોઝ કરેલું. મેં પણ એ જ રીત અપનાવી.

‘ગઈકાલે રાત્રે તારા પગ દુખેલા?’ મેં ફેસબુક મેસેન્જરમાં લખ્યું.

‘ના જરાય નહીં. કેમ અચાનક છેક આવો સવાલ?’ એણે કહ્યું.

‘ઓહહહહ’ મેં ઉદાસીવાળુ ઈમોજી મોકલ્યું.

‘પણ કેમ?’ એણે ફરી પૂછયું.

‘ના, એમ તો કંઈ નહીં પરંતુ ગઈકાલે તું આખી રાત મારા મનમાં દોડાદોડી કરતી હતી. એટલે મને થયું કે આજે કદાચ તારા પગ દુખતા હશે…’

 

(ક્રમશઃ)

 

       

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.