એક કિસ્સા પ્યાર કા...
લગ્ન પ્રસંગમાં જવાનું થાય એટલે સ્વાભાવિક રીતે જ આપણે બરોબર તૈયાર થઈને જઈએ અને એમાંય યુવાન હોઈએ એટલે આપણા મિત્રોના ટોળામાં આખો દિવસ લગ્નમાં મોજમસ્તી કરીએ અને અમસ્તા જ આમથી તેમ આટાં મારતા હોઈએ. હું કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે એક લગ્નમાં મેં એને પહેલી જ વાર જોયેલી. એને જોતાં જ એ મને ગમી ગયેલી... એ ખરેખર ખૂબ સુંદર હતી. એટલે જ તો એ ગમી ગયેલી! લગ્ન પ્રસંગ દરમિયાન મારી નજર એની ઉપર વારંવાર જતી હતી. એક વાર મારી વર્તણૂક નોટિસ કર્યા બાદ એ પણ મારી તરફ જોતી હતી. અને જેમ જેમ એ મને જોતી ગઈ એમ એ મને વધુને વધુ ગમતી ગઈ. એ અજાણી છોકરી અમસ્તા જ મને પોતીકી લાગતી ગઈ.
આપણે તો પાછા દેવ આનંદ જેવા રોમેન્ટીક માણસ એટલે એ મને ગમી એટલે તરત જ મેં એની સાથેના મારા ભવિષ્યના સપનાં જોવા માંડેલા. હું તો જાણે રીતસર એના વિચારોમાં ખોવાઈ ગયો. મને એટલી ખબર હતી કે, એ છોકરી અમારી સાથે જાનમાં તો નહોતી જ આવી. એટલે એ વાત નક્કી હતી કે, જે ગામમાં જાન ગઈ હતી એ ગામની જ એ છોકરી હશે. અથવા જે કુટુંબમાં લગ્ન હતા તે કુટુંબના કોઈક સગા-સંબંધીમાં થતી હશે.
એ વાતને લગભગ બે મહિના વિતી ગયા અને અચાનક એક દિવસ એ મને બસસ્ટેન્ડ પર દેખાઈ. તક મળતા જ મેં મારી બાઈક ધીરી કરી. સાથે જ બાઈક ઊભી રાખવાની ઈચ્છા પણ થઈ, પરંતુ એમ કરવાની હિંમત ચાલી નહીં. પણ એ પરથી મેં અનુમાન લગાવ્યું કે, તે રોજ આ સમયે અહીં આવતી હશે. એટલે મેં એ જ સમયે રોજ ત્યાંથી પસાર થવાનું શરૂ કરી દીધું.
એકાદ અઠવાડિયા પછી મેં એને સ્માઈલ આપવાનું શરૂ કર્યું. મને આવું કરતી વખતે ગભરાટ તો થતો હતો. પરંતુ મારા નસિબ સારા હતા કે, એણે પણ સામે સ્માઈલ કર્યું. અને એ દિવસથી હું એના વિચારોમાં એવો ખોવાયો કે આજ દિન સુધી એ વિચારોમાંથી બહાર નિકળી શક્યો નથી...
એવામાં ફરી અવઢવ શરૂ થઈ કે, હવે એને પ્રપોઝ કેવી રીતે કરવું. ત્યારે મેં ગાંડપણ તો એવું કરેલું કે, રોજ સવારે લગ્નમાં જવાનું હોય એ રીતે તૈયાર થઈને નીકળવાનું, રોજ એક ગુલાબનું ફૂલ ખરીદવાનું એ બસસ્ટેન્ડ પાસેથી પસાર થવાનું. આયોજન એવું કરેલું કે, જો એ એકલી હોય તો ફૂલ સાથે એને પ્રપોઝ કરવાનું. જોકે ઘણા લાંબા સમય સુધી એ એકલી ન હતી અને રોજ એ ફૂલ મારી સાથે આંટો મારીને પાછું મારા ઘરે આવે. લોકો માટે કદાચ 13નો આંકડો ભલે કદાચ અપશુકનિયાળ હોય, પણ મારા માટે તો એ સારો છે. મેં જ્યારે 13મી વખત ફૂલ ખરીદ્યું ત્યારે 13મી જૂન 2014 હતી. તે દિવસે હું બસસ્ટેન્ડ પાસેથી પસાર થયો ત્યારે એ રાબેતા મુજબ બસસ્ટેન્ડ પર ઊભી હતી અને આશ્ચર્યની વાત એ હતી કે, એ એકલી જ હતી. હિંમત કરીને મેં તકનો લાભ લઈ લીધો અને એ ફૂલ એને આપીને મેં કહ્યું, ‘આઈ લવ યુ...’
ફૂલ તો એણે લઈ લીધું. પણ એણે ફક્ત એટલું જ કહ્યું, ‘થેંક્યૂ...’ આથી વિશેષ કશું જ નહીં. થોડા સમય સુધી એ મૌન રહી અને પછી અમારી વચ્ચે થોડી ઔપચારિક વાતો થઈ. એ દિવસે મને એના નામની ખબર પડી એનું નામ હતું, 'શ્વેતા...' વાહ શું નામ છે! એવું મને એ નામ સાંભળીને લાગેલું. ત્યારે મને ખબર પડી કે, એ કોલેજના પ્રથમ વર્ષમાં હતી. જોકે એ મારી કોલેજમાં નહીં પરંતુ બીજી કોલેજમાં હતી અને રોજ બસમાં જતી-આવતી હતી.
પછી તો મારી જાણે કોલેજ બદલાઈ ગઈ. મારી કોલેજમાં હાજરી પૂરાઈ જાય એટલે હું સીધો એની કોલેજ ઉપર પહોંચી જાઉં. એ પણ એના લેકચર્સ મિસ કરીને આવે અને પછી અમે પહોંચીએ એમની કૉલેજની કેન્ટીનમાં.
એક દિવસ મેં એને પૂછ્યું, 'મેં તને આઈ લવ યૂ કહ્યું તો તેં મને એના જવાબમાં કેમ કંઈ કહ્યું નહીં...?'
તો કહે, 'આપણે કોઈને નફરત કરીએ તો એને કહીએ છીએ કે, હું તને નફરત કરું છું? સામેની વ્યક્તિને આપણા વર્તન પરથી ખબર પડી જ જાય કે આ મને નફરત કરે છે. બસ એ જ રીતે કોઈ પ્રેમ કરતા હોઈએ તો કહેવાની જરૂર નથી પડતી, આપણે જેને પ્રેમ કરતા હોઈએ એને ખબર પડી જ જાય કે, આ વ્યક્તિ મને પ્રેમ કરે છે... આ બહુ સિમ્પલ વાત છે. એમાં જતાવાનું શું હોય?'
પછી તો કોલેજ, ગાર્ડન, નદી કિનારો, દરિયા કિનારો, ટોકિઝ, મોલ, મોલના પાર્કિંગ એવી તમામ જગ્યાઓએ અમે એક પણ તક ચૂક્યા વગર મળતા રહ્યા. એ મુલાકાતો દરમિયાન અમારો પ્રેમ વધતો જ ગયો. એક દિવસ મેં શ્વેતાને કહ્યું, 'હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ.' તો એ મને કહે, 'હું પણ લગ્ન તો તારી સાથે જ કરીશ. જ્યારથી તું મને મળ્યો છે ત્યારથી મારી તો આખી દુનિયા જ બદલાઈ ગઈ છે.'
એકવાર એવું બન્યું કે, મેં મારી કોલેજ પરથી એને ફોન કર્યો કે હું આવું છું. એને એમ કે મને ત્યાં પહોંચતા વાર લાગશે. પરંતુ હું તો થોડી જ મિનિટોમાં ત્યાં પહોંચી ગયો. મને એમ કે એ મને જોઈને ખુશ થઈ જશે. પરંતુ થયું ઉંઘુ અને એ મારી ઉપર ગુસ્સે થઈ ગઈ. એની આંખોમાં આંસુ પણ આવી ગયા અને કહેવા લાગી, 'તે કેટલી ઝડપથી બાઈક ચલાવી? શું ઉતાવળ હતી એટલી બધી? હું ક્યાં નાસી જવાની હતી? કોઈ અકસ્માત થઈ ગયો હોત તો...?'
પછી એણે એક હાથથી મારો કોલર પકડીને મને એની નજીક ખેંચીને કહ્યું, ‘સંદીપ, મારી એક વાત લાઈફ ટાઈમ યાદ રાખજે, મારો અડધો જીવ તારી અંદર ધબકે છે...’ એની આ વાત સાંભળીને હું તો રીતસરનો ડઘાઈ ગયો અને ત્યારથી મનમાં ગાંઠ વાળી કે, હવે શ્વેતાને નહીં ગમે એવું એક પણ કામ નથી કરવું.
અમે બંને એકબીજાને મેળવીને ખૂબ ખુશ છીએ. અમારી લાઈફનો જાણે સુવર્ણકાળ ચાલી રહ્યો છે. આ દુનિયા એની રીતે ગતિ કરે છે અને અમે અમારી દુનિયામાં મસ્ત હોઈએ છીએ. WhatsApp પર અમે દરેક પળ સાથે જ હોઈએ છીએ. હમણા ભલે ડિજિટલી સાથે હોઈએ, પણ થોડા દિવસો પછી એકસાથે જિંદગી જીવીશું.
અમારી જ્ઞાતિ તો એક છે પરંતુ પેટાજ્ઞાતિ અલગ છે. એટલે ઘરનાં વડીલો પાસે થોડું કોમ્પ્રોમાઈસ કરાવવું પડશે... એમને થોડા સમજાવવા પડશે અને અમારે થોડી જીદ કરવી પડશે. હાલ તો અમારી લાઈફની આ સુંદર પળોને અમે ખૂબ સરસ રીતે માણી રહ્યા છીએ. અમને બંનેને વિશ્વાસ છે કે, અમારો પ્રેમ જીતશે જ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર