રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી…

30 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

આને લવ સ્ટોરી કહેવી કે કેમ એ તમે જ નક્કી કરો. કારણ કે અમારું મળવાનું એરેન્જ મેરેજ માટે થયેલું. હું ઠેઠ કેનેડામાં રહું અને એ અહીં અમદાવાદ. અમારા એનઆરઆઈ લોકોના મેરેજ અત્યંત ઈન્ટ્રેસ્ટિંગલી થતાં હોય છે. વિદેશમાં જ ક્યાંક પ્રેમમાં પડી ગયા હોય તો બહુ વાંધો નહીં આવે અને ગ્રીનકાર્ડની ઝંઝટ પણ મટી જાય. પરંતુ ઈન્ડિયા અને કલ્ચર અને ફ્યુચર જેવી બાબતોના પૂંછડા પકડ્યાં હોય તો ભારે પળોજણ સર્જાય. કારણ કે સાત સમંદર પાર અમારી સાથે પરણવા કોઈ ઝડપથી તૈયાર નહીં થાય અને જે પરણવા તૈયાર થાય એમાંની મોટાભાગની છોકરીઓના પોતાના કેટલાક ઍમ્બિશન્સ પૂરા કરવા વિદેશ આવતી હોય અથવા કોઈને સંસાર વસાવવા કરતા વિદેશમાં જીવવામાં કે પોતાના પિયરીયાઓને આર્થિક મદદ પહોંચાડવામાં વધુ રસ હોય છે. એટલે અમારા જેવા વિદેશમાં રહીને પણ ગોરીઓના પ્રેમમાં નહીં પડતા કે કલ્ચરને વળગી રહેવામાં માનતા ‘મુરતિયાવ’ જ્યારે સ્પેશિયલ પરણવા માટે ઈન્ડિયા આવતા હોય ત્યારે અમારે બટર મિલ્ક પણ ફૂંકી ફૂંકીને પીવું પડે.

ચાલો બેક ટુ અવર એરેન્જ કમ લવ સ્ટોરી પર. શ્વેતા પટેલ એનું નામ અને એનું કુટુંબ અમદાવાદમાં ભારે પંકાયેલું હતું. એટલે ઈન ધિસ કેસ, મારે પેલી પૈસાનો લોભ કરતી છોકરીયુંવાળી ચિંતા કરવાની ન હતી. વળી મારા મોમ-ડેડે ઈન્ડિયામાં રહેતા એમના બ્રધર-સિસ્ટર્સ પાસે તપાસ કરાવી તો અમને જાણવા મળ્યું કે, છોકરી ડૉક્ટર થઈ છે પણ એને એમ કોઈ એવા ઝાઝા ઍમ્બિશન્સ નથી. લાઈક, થોડી ઘણી પ્રેક્ટિસ કરવા મળે તોય એ હેપ્પી રહેવાની હતી. અમારા કોઈ મીડિયેટર અંકલે અમારા બંનેની વાત ચલાવેલી. બંને પક્ષે થોડીઘણી વાતચીત થયાં બાદ મારે એક ડિસેમ્બરમાં વિથ ફેમિલી એ છોકરીને મળવા એમના ઘરે જવાનું હતું. કેનેડામાં રહીને અમે થોડા સ્માર્ટ તો થઈ જ ગયેલા એટલે અમે બીજી બે-ત્રણ જગ્યાએ પણ વાત ચલાવી રાખેલી, જેથી શ્વેતા સાથે મેળ નહીં પડે તો મારે અનુક્રમે પ્લાન બી, સી અને ડી પર વિચાર કરવાનો હતો. જોકે મારી પ્રાયોરિટી તો શ્વેતા જ હતી. કારણ કે, મેં સમ ઑફ હર ફોટોગ્રાફ્સ જોયેલા અને ફોટોગ્રાફ્સમાં શી વૉઝ લૂકિંગ વેરી પ્રિટી. એના ગાલમાં ખંજન પણ પડતા હતા. યુ સી?

એ ડિસેમ્બરમાં ઈન્ડિયા આવ્યા પછી સૌથી પહેલા તો અમે અમારા કૂળદેવી ઉમિયા માતાના દર્શને ઉંઝા ગયા. ત્યાં મારી મોમે મને માતાજીને પગે લગાડ્યો અને વિશ માગી કે, ‘હે મા આ વખતે મારા સનને સજોડે કેનેડા મોકલજે…’ સને પણ આ વખતે તો નક્કી જ કરી લીધું હતું કે, ધીસ ટાઈમ તો એણે ઈન્ડિયન ગર્લ સાથે પરણવું છે જ એટલે છે જ! માતાજી પાસે વિશ માગીને અમે અમદાવાદ મારા માસીને ત્યાં ગયા. ત્યાં એક નાઈટના સ્ટે પછી અમારે શ્વેતાના ઘરે કોઈક સોલા નામના એરિયામાં જવાનું હતું. ત્યારે અમે અહીં મહિનો રોકાવાના હતા એટલે ઘેટ વિઝિટ વખતે અમારી પાસે ફરવા માટે પણ સો મચ ટાઈમ હતો. એટલે અમે એમ પણ નક્કી કર્યું કે, જો શ્વેતા સાથે નક્કી થઈ ગયું તો એની સાથે નહીંતર અમે બધા અલોન વિરપુર જલારામ બાપા, સોમનાથ અને કચ્છમાં આશાપૂરી માતાના દર્શને જઈ આવીશું. અને પછી ત્યાંથી આવીને પ્લાન બી, સી અને ડી પર વર્કઆઉટ કરીશું.

બીજા દિવસે માસીને ત્યાંથી વી ઓલ શ્વેતાને ત્યાં પહોંચ્યા. ઈન્ડિયન ફિલ્મ્સમાં બતાવે એમ જ ઘરના ડ્રોઈંગ રૂમમાં એના ઘરના વડીલ્સ બેઠા હતા. અને શ્વેતા વોઝ નોટ ઘેર. આઈ થૉટ ફિલ્મોની જેમ જ એ ચ્હા અથવા બ્રેકફાસ્ટ લઈને આવશે. પણ એ નહીં આવી. એની જગ્યાએ કોઈ સર્વન્ટ આવ્યો. અમારા ફેમિલીઝ એકબીજા સાથે હસી હસીને વાતો કરી રહ્યા હતા. મારું ફેમિલી શ્વેતાના ફેમિલીને લળી લળીને વાતો કરી રહ્યું હતું. જાણે હું સાવ વંઠેલ હોઉં અથવા વર્લ્ડમાં મને બીજી કોઈ ગર્લ મળવાની જ ન હોય એમ! આઈ ડિડ નોટ લાઈક્ડ ધેટ. એટલે આઈ વૉઝ  ક્વાઈટ એન્ગ્રી ઑન માય ફેમિલી. ઓકે લિવ ઈટ.

એવામાં શ્વેતાના ડેડે શ્વેતાને ડ્રોઈંગ રૂમમાં આવવા કહ્યું. એના ડેડે હુકમ કરતા હું પણ ઘોડાની માફક ચમક્યો અને અંદરના ઓરડા તરફ સતર્ક થયો. એમાંના એક ઓરડામાંથી એ આવી. શી કેઈમ વિથ હર ભાભી. એણે વ્હાઈટ સાડી પહેરી હતી. શી વૉઝ લૂકિંગ લાઈક પ્રિન્સેસ! હું તો પહેલી જ નજરે ફિદા થઈ ગયો. ઈવન આઈ વૉઝ ઓલ્સો લૂકિંગ હેન્ડસમ. પણ તોય શ્વેતા ઘણી સુંદર હતી. ડૉક્ટરીનું ભણતા ભણતા કદાચ એને સ્પેક્સ આવી ગયા હોવા જોઈએ. જોકે રિમ લેસ સ્પેક્સમાં પણ એ ખૂબ સુંદર લાગી રહી હતી. એને જોઈને મને અમેરિકામાં ગઝલ વાંચવા આવતા ઘેટ પૉએટ શોભિત દેસાઈની ધેટ ગઝલ યાદ આવી ગઈ,

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

પછી બધાની વચ્ચે જ અમે હાઈ હલ્લો કર્યાં અને સમ ફોર્મલ વાતો કરી. અમારા બંનેના ગાલ ગુલાબી ગુલાબી થઈ ગયેલા. અમારી ફોર્મલ વાતો પછી અમારા ફેમિલી ફરી વાતોએ ચઢ્યાં. એવામાં એનો એક કઝિન આસ્ક્ડ મી કે, ‘કેનેડામાં તમારા કોઈ લફરાં-બફરાં તો નો’તાને? તમારા એનઆરઆઈઓનો ભરોસો નંઈ?’ એ ડફોળનો ક્વેશ્ન સાંભળીને મારા મોમ-ડેડ અને માસી તરત જ રેસ્ક્યુ માટે કૂદી પડ્યાં. પણ મને એ વાતનું જરા ખોટું લાગ્યું. કારણ કે શરૂઆતથી જ આઈ નોટિસ્ડ ધેટ કે, એ લોકો થોડા ડોમિનેટિંગ હતા. એટલે મેં એમને બિટ કરવાનું નક્કી કર્યું. આમ પણ હું દૂધે ધોયેલો નહોતો અને મારે જુઠ્ઠું પણ નહોતુ બોલવું. એટલે આઈ સેઈડ કે, ‘હા ઈન કૉલેજ ટાઈમ હું થોડી રિલેશનશિપ્સમાં હતો.’

મારો જવાબ સાંભળીને એમના ફેમિલી કરતા મારા ફેમિલીના લોકોના ફેસીઝ જોવા જેવા હતા. ધે સિટેડ લાઈક એમને કોઈ સાપ સ્મેલ કરી ગયો હોય! જોકે મારા ઘરના લોકો મારા પાસ્ટની રિલેશનશિપ્સથી અવેર હતા. કારણ કે કેનેડાની સોસાયટીમાં એ બધું નોર્મલ હતું. પણ એમણે એવું નહોતું ધાર્યું કે હું અહીં, શ્વેતાના ઘરે એ બધી વાતોના ધડાકા કરીશ. એના ઘરના લોકોની આઈઝના ડોળા બહાર આવી ગયા. અને એના પપ્પા રિએક્ટ લાઈક, ‘હેંએએએએ… શું બકવાસ કરે છે.’ એટલે આઈ સેઈડ, ‘આ બકવાસ નથી. આ મારા લાઈફનું ટ્રુથ છે. કેનેડામાં આ બધુ નોર્મલ છે. પણ ઈટ ડઝન્ટ મિન કે હું ભવિષ્યમાં પણ એ જ બધું કરતો રહીશ. હું શ્વેતાને હન્ડ્રેડ પર્સન્ટ વફાદાર રહીશ. પણ આઈ સેઈડ ઓલ થિંગ્સ સો તમે ઓલ અંધારામાં ન રહો.’

મેં આ વધી વાતો કરી એટલે એના ડેડ અને ભાઈઓ બ્લાસ્ટ્સ લાઈક જ્વાળામુખી. એ બધા અમને કહેવા માંડ્યાં કે, ‘આ બધુ અમને નહીં ચાલે. અમે બધા સંસ્કારી લોકો છીએ. આ છોકરો તો જુઓ, ભૂતકાળમાં કોણ જાણે કેટલી કાળી-ધોળીઓ સાથે છાનગપતિયા કરી આવ્યો હશે અને હવે શાહુકારી કરે છે.’ થોડી જ ક્ષણોમાં ત્યાંનું વાતાવરણ પચીસ ઓગસ્ટની સાંજે હાર્દિકની ધરપકડ પછીના ગુજરાત જેવું થઈ ગયું. એમની વાતો પરથી અમને એ વાતનો ખ્યાલ આવી ગયેલો કે, હવે આ લોકો નેવર અમારું સગપણ થવા નહીં દે. પણ એ લોકો એટલા સજ્જન તો હતા કે, એમણે અમને ઘરમાં ગેટ લોસ્ટ નહીં કહ્યું. ધે વર વેઈટિંગ કે, હવે અમે ત્યાંથી ક્યારે ઉઠીએ. મારા મોમ-ડેડ તો મારા પર ગુસ્સાથી લાલ લાલ થઈ ગયેલા. પણ મને એ વાતનો સંતોષ હતો કે, મેં મારી લાઈફનું ટ્રુથ કહી દીધું હતું. મારે પક્ષે હવે કંઈ હાઈડ કરવાનું ન હતું.

પછી અમે બધા ઊભા થયાં. મારા મોમ-ડેડના ફેસીસ એવા હતા કે, જાણે મેં કોઈ ગંભીર ક્રાઈમ કર્યો હોય. અમે બહાર નીકળ્યાં ત્યારે અમને કોઈએ આવજો પણ ન કર્યું કે ન કોઈ અમને ડોર સુધી મૂકવા આવ્યું. જતાં જતાં મેં શ્વેતાની આંખમાં જોયું. એની આંખો કંઈક કહી રહી હતી. આઈ નોટિસ્ડ ધેટ, કે એને આ વિચ્છેદ ગમ્યો ન હતો. પણ શી વોઝ વેરી લાચાર એટ ઘેટ ટાઈમ. પુઅર ઈન્ડિયન ગર્લ! એના ફેમિલીના આગળ એનું કશું ચાલતું જ ન હતું. અમે એના ઘરની બહાર તો નીકળી ગયા પરંતુ મેં ત્યારે જ ગાંઠ વાળી કે, આઈ વિલ ડેફિનેટલી ટ્રાય ટુ કોન્ટેક્ટ હર. જો એ તૈયાર થશે તો હું એને હાઈજેક કરી જઈશ. બસ માત્ર એ એના માટે તૈયાર હોવી જોઈએ.

માસીના ઘરે પહોંચ્યા બાદ રાબેતા મુજબ મારા પર વાવાઝોડું ત્રાટકવાનું હતું. એટલે આઈ વોઝ પ્રિપેઈડ ફોર ધેટ અને હું એની બહુ કેર પણ નહોતો કરતો. પણ ઘરે પહોંચીને મેં મારા કઝિન સાથે વાત કરી અને આઈ ટોલ્ડ હીમ કે, ‘તું ગમે એમ કરીને શ્વેતાની કોન્ટેક્ટ ડિટેઈલ્સ લઈ આવ.’ એણે પણ મને, ‘બસ થોડા સમયમાં જ એની કોન્ટેક્ટ ડિટેઈલ્સ આપું છું’ એમ કહ્યું. આઈ વોઝ જસ્ટ થિકિંગ અબાઉટ હર. હું એ ઈન્ડિયન ગર્લના પ્રેમમાં પડી જ ગયો હતો. એના ઘરે ભાંગરો વાટી આવ્યો હોવા છતાં મારા ગાલ ગુલાબી ગુલાબી થઈ રહ્યા હતા. મેં ધારી લીધું હતું કે, હું હવે શ્વેતા સાથે જ મેરેજ કરીશ.

 

(આવતા અંકે સમાપ્ત)

(શીર્ષક સૌજન્યઃ શોભિત દેસાઈ)

(કથાબીજઃ વૃષાંત પટેલ. શબ્દાંકનઃ અંકિત દેસાઈ)  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.