એક એરેન્જ્ડ લવસ્ટોરી
એક એરેન્જ્ડ લવસ્ટોરી
આમ તો અમારા એરેન્જ્ડ મેરેજ. પણ શું એરેન્જ્ડ કપલની લવ સ્ટોરી નહીં હોય? અમને તો અમારા માતા-પિતાએ જ ભેગા કરેલા, પરંતુ મળ્યાં પછી પ્રેમ ઉત્તરોત્તર વધતો જ ગયો. અમારું સગપણ નક્કી થયા પછી અમે પહેલીવાર મળેલા એ પ્રસંગ મને આજીવન યાદ છે અને એ પ્રસંગે જ અમારો પ્રેમ અત્યંત ગાઢો પણ કર્યો છે.
માતા-પિતાના સંસ્કારોને કારણે મેં નક્કી કરેલું કે હું એ છોકરા સાથે જ લગ્ન કરીશ, જેની સાથે મારા માતા-પિતા તૈયાર થશે. આખરે કોઈક સંબંધીની મદદથી રાજ એમની નજરમાં આવ્યા અને રાજ સાથે મારું સગપણ નક્કી થયું. સગપણ થયા બાદ લગ્ન પહેલા અમારું પહેલીવાર મળવાનું નક્કી થયેલું, પરંતુ આ પહેલા હું ક્યારેય કોઈ છોકરા સાથે એકલામાં ફરી નહોતી એટલે મને ખૂબ જ ગભરાટ થતો હતો.
એવામાં રાજ પાસે આમ તો કાર હતી, પરંતુ તે દિવસે એ બાઈક પર મને લેવા આવેલા. નક્કી થયા મુજબ ચોક્કસ ટાઈમે તેઓ મારા ઘરની આગળની ગલી પાસે ઊભા રહેલા. પહેલા તો એમને જોઈને મને થોડો ગભરાટ થઈ ગયેલો કે એમની સાથે હું શું વાત કરીશ અને કઈ રીતે એમને પ્રતિભાવ આપીશ. પરંતુ રાજને કદાચ આ બાબતની ખબર હતી એટલે તેઓ બાઈકને સ્ટેન્ડ પર રાખીને ઊભા રહેલા અને હું જેવી શરમાતી શરમાતી ઝૂકેલી નજરે જેવી એમની નજીક ગઈ કે, એમણે મારા હાથમાં થોડા ગુલાબ અને ચોકલેટ ધરી દીધા. અને અત્યંત કોમળ સ્વરે, ‘કેમ છે? ગભરાતી નહીં હો? આખી જિંદગી આપણે સાથે કાઢવાની છે. હું હરપળ તારી સાથે રહીશ…’
અને કોણ જાણે મારી અંદર શું બદલાઈ ગયું કે, મારી અંદરનો બધો ડર ગાયબ થઈ ગયો અને હું એમની સાથે કમ્ફર્ટ ફીલ કરવા માંડી. અલબત્ત સંબંધ નવો હતો એટલે થોડી શરમ તો હતી જ, પરંતુ એમના શબ્દોએ અને પહેલી વખત મળતી વખતે એમના એટિટ્યૂડને કારણે મને ઘણો હાશકારો થયો હતો અને એ બાબતોએ જ મારું મન પણ જીતી લીધું હતું.
એ જ સાંજે હું વધુ ઉઘડું એ માટે રાજ મારી સાથે જાતજાતની વાતો કરતા રહ્યા અને હું એમની વધુ ને વધુ નજીક પહોંચતી ગઈ. પછી તો અમે રોજ મળતા અને બને ત્યાં સુધી સાંજનું વાળુ પણ સાથે જ કરતા. જે કારણે અમે એકબીજાને વધુ ને વધુ ઓળખતા ગયા એકબીજામાં વધુમાં વધુ પરોવાતા ગયા.
છ એક મહિનાના ગાળામાં તો અમારા લગ્ન પણ થઈ ગયા અને અમે સંપૂર્ણપણે સાથે રહેવાનું શરૂ કર્યું. મને એવું હતું કે, લગ્ન પછી સાથે રહેવાનું શરૂ થશે ત્યારે કદાચ અમને એકબીજા સાથે ગોઠવાતા સહેજ વાર લાગશે. કદાચ કોઇ બાબતે ચડભડ પણ થઈ જશે! પરંતુ એમાનું કશું જ નહીં થયું અને એમણે ત્યાં પણ મારી કમ્ફર્ટનું ખૂબ ધ્યાન રાખ્યું. મને લગીરે તકલીફ ન પડે એનું એમણે સહેજ ધ્યાન રાખ્યું, જે બાબત મારા દિલને ખૂબ સ્પર્શી ગઈ.
એકબીજાની નજીક આવ્યાને હજુ તો થોડો સમય જ થયો હશે, પરંતુ એકબીજા પ્રત્યેના આદર અને એકબીજા પ્રત્યેના ઊંડા પ્રેમને કારણે અમને એવું જ લાગતું રહ્યું કે, આપણે બંને તો એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ અને એકબીજાની સાથે જ રહીએ છીએ.
છેલ્લા એક વર્ષથી સાથે ને સાથે રહેવાને કારણે હવે અમે એકબીજાથી અલગ રહી શકીએ એમ નથી. સ્થિતિ એ થઈ છે કે, છેલ્લા એક વર્ષમાં ન તો તેઓ એમના કોઈ મિત્રો સાથે આઉટિંગ કરતા કે નહીં તો મને એમનાથી વિખૂટા થઈ મારી બહેનપણીઓને મળવાનું કે મારા પિયર જવાનું મન થતું. છેલ્લા પચ્ચીસ વર્ષથી જે જિંદગી જીવ્યા હોઈએ, જે બાબતોને આપણે પ્રાયોરિટી પર રાખી હોય એ બાબતો સાથેનો નાતો એક ઝાટકામાં તૂટી જાય અને એક જ વ્યક્તિ આપણા જીવનનું કેન્દ્ર બની જાય એ શું પ્રેમ નથી? જો પ્રેમને અવકાશ જ ન હોય તો શું માણસ પોતાની બધી આદતોને એક ઝાટકે બદલીને બીજા માણસને સમર્પિત થઈ જઈ શકે ખરો?
બસ, આ જ છે અમારો પ્રેમ અને આવી જ છે અમારી લવ સ્ટોરી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર