એક નિખાલસ અને નિરંતર પ્રેમકથા
‘પ્રેમ એટલે સત્ય કહેવાની અને પોતપોતાના સત્ય સાથે જીવવાની હિંમત.’ એવું કહીને મેં અમારી વાતની શરૂઆત કરી.
તને ખબર છે?
‘Khabarchhe.com’ મેગેઝિન ‘તારી મારી લવ સ્ટોરી’ વિભાગમાં સાચી પ્રેમ કથાઓ રજૂ કરવાની તક આપી રહ્યું છે, હું પણ લખવાનો છું એમાં. થોડા દિવસો પહેલા સાથે જ ચાલવાના અમારા રોજિંદા નિયમ મુજબ અમે બહાર ફરવા નીકળેલા ત્યારે મેં એને હોંશથી કહેલું.
‘અરે વાહ, સરસ લખજે. તું તો ફાઈન લખે છે આમ પણ.’ એણે હંમેશની જેમ મારી વાતને પોતાનો મજબૂત ટેકો આપ્યો.
‘કોના વિશે લખું? આપણાં બંને વિશે જ લખું ને?’ મેં એને ચીડવવા માટે થોડી શરારત કરી.
‘ના એવું જરૂરી નથી. બીજું કોઈ હોય તો એના વિશે પણ લખી શકે છે. મને વાંધો નથી. પ્રેમ વિશે લખે છે તો એમાં પ્રણય મુખ્ય હોવો જોઈએ. વ્યક્તિ નહીં.’ એણે ગંભીરતાથી ઉતર વાળ્યો. એની નિખાલસતા અને વાકચાતુર્ય મને અત્યંત સ્પર્શી ગયા.
લગ્ન પછી ઘણી બધી બાબતો ચીલાચાલુ બની જતી હોય છે અને એ બધી પળોજણમાં પ્રણય તો સંપૂર્ણપણે બાકાત થઈ જતો હોય છે. આ કારણે લગ્ન પછી પણ અમારા પ્રણયને ટકાવવા ખુબ જ જરૂરી એવી અમારી વચ્ચેની નિખાલસતા અમે ટકાવી રાખેલી. નહીંતર ક્યાં કશું પણ કોમન હતું અમારી વચ્ચે?
હું એકદમ મસ્તીખોર અને એ સાવ શાંત. હું રેશનાલિસ્ટના લિસ્ટમાં આવું અને એ ભારોભાર આસ્તિક. અને આ બધી વિરોધિતાની વચ્ચે બધાની મરજીની વિરુદ્ધ સામા પૂરો તરીને થયેલા અમારા લગ્ન! અને નજીકના લોકો દ્વારા સતત થતી રહેલી ચડામણીઓ.
આ બધું જ હોવા છતાં એણે અમારા પ્રેમની સાથે અમારું જીવન પણ ટકાવી રાખ્યું. એટલું જ નહીં પોતાના અર્થસભર પ્રયત્નો દ્વારા એ જીવનને જીવવા લાયક પણ બનાવ્યું.
એક સમયે અમે ખખડધજ લૂના પર પણ ખુમારીથી ફરતા ત્યારે એ કહેતી. ‘તું બેસીજા પાછળ, આજે હું ચલાવીશ.’
અને આજે લોંગ ડ્રાઈવ પર જતી વખતે કારમાં વાગતા ફેવરિટ ગીતો સાંભળતા સાંભળતા હું પૂછી બેસું કે, ‘આ જ ક્ષણોની રાહ હતી ને તું?’ તો એ પળનાય વિલંબ વિના જવાબ આપે કે, ‘મારા માટે તો તું મહત્ત્વનો છો. સફરમાં તું સાથે હોય તો આપણી પોતાની કાર હોય કે લોકલ બસ હોય, મને તો બધે જ ગમે. કારણ કે મને તો તું જોઈએ છે, આ ભૌતિકતા નહીં.’
… અને ફક્ત બે પ્રશ્ન પૂછી સામા માણસનો ક્યાસ કાઢવાની મારી ટેવ મુજબ હું મનોમન હસી લઉં. હવે સમય જતાં મને મેમરી લોસ લાગુ પડ્યો હોવાથી હું કશું ભૂલી જાઉં તો એને તરત ફોન કરું અને એ યાદ અપાવે એટલે થેન્ક્સની સાથે હું સોરી પણ કહું આમ વારે વારે હેરાન કરવા માટે.
હું સોરી કહું તો એ હસીને શું કહે ખબર છે?
‘અરે, ભલે તું નાની નાની વાતો ભૂલી જતો હોય. પણ એ બહાને તારો અવાજ પણ સાંભળવા મળે છે ને જય.’ જેમ કે હમણાં જ ફોન આવ્યો અને એણે મને યાદ અપાવતા પૂછ્યું, ‘તે લખ્યું? વેલેન્ટાઈન્સ ડે સાવ નજીક છે યાદ છે ને તને?’
અને મને ખરેખર યાદ આવ્યું કે, ‘ઓહ હવે તો બહુ ઓછા દિવસો બચ્યા છે.’ અને પછી હું તરત જ લખવા બેઠો. કોના વિશે લખું? અમારા વિશે? અમારી લવ સ્ટોરી વિશે? કે જગતનું જે સૌથી શ્રેષ્ઠ તત્ત્વ છે, જે દરેક મનુષ્યની લાગણીઓને
એકબીજા સાથે જોડી રાખે છે અને જીવનને અર્થસભર બનાવે છે એવા એ પ્રેમ વિશે?’ ખબર નથી. પરંતુ એટલી ચોક્કસ ખબર છે કે, એનો ફરી ફોન આવશે અને એ પૂછશે, ‘લખાઈ ગયું જય? તે આપણા વિશે જ લખ્યું છે ને? કે પછી…?’
… અને અમે બંને ખડખડાટ હસી પડીશું. એકસાથે સ્તો.
(જય પંડ્યા, રાજકોટ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર