પ્યાર કી યે કહાની સુનો...
હું નવમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે શરૂ થયું હતું આ બધું. તે વડોદરામાં રહેતી હતી અને હું રહેતો વલસાડમાં. એ જ વર્ષના વેકેશનમાં મધ્યપ્રદેશના પન્ના તરફ અમારા સમાજની ધાર્મિક ટ્રીપ નક્કી થઈ હતી, જેમાં અમારું આખું કુટુંબ સામેલ થયું હતું. આ ટ્રીપની શરૂઆતમાં જ અમારી મિત્રતા કેળવાઈ અને અમે ધીમે ધીમે એકબીજા સાથે સમય પસાર કરતા થયાં. બસ, આ જ સમયગાળમાં તેને મારા માટે ફીલિંગ્સ જાગી. હું તો એ સમયે અત્યંત શરમાળ હતો (શરમાળ તો હજુય છું જ) અને મને ત્યારે એવી ફીલિંગ્સ વિશે કશી ખબર પણ નહોતી. હું સાવ અજાણપણે તેને ટાળતો હતો પણ પ્રવાસ દરમિયાન અમે જેમ જેમ સાથે સમય પસાર ગયા એમ એની મારા તરફની ફીલિંગ્સ વધતી જતી હતી. ટ્રીપ પૂરી થઈ ત્યાં સુધીમાં તો યાશિકા લગભગ મારા પ્રેમમાં પડી ગઈ હતી પણ હું બાઘાની જેમ આ વિષયમાં કશું સમજતો ન જ હતો એટલે મને એના માટે કશું ફીલ નહોતું થયું!
ત્યાર પછી તો ચાર વર્ષ વીતી ગયા. આપણે તો વલસાડમાં આપણી દુનિયામાં મસ્ત હતા, પણ યાશિકા આ ચાર વર્ષમાં મારા માટે જ વિચારતી રહી. એવામાં ચાર વર્ષ બાદ મારી બહેનના લગ્નમાં અમે ફરી મળ્યાં. ત્યાં સુધીમાં મારામાં પણ પરિપક્વતા તો આવી જ ગઈ હતી અને હું પહેલા જેવો ભોટ પણ નહોતો! ઘણા લાંબા સમય પછી અમે ફરી મળ્યાં, મેં એને જોઈ. તે અત્યંત સુંદર દેખાતી હતી. હું એના પર મોહી પડ્યો! અને મારામાં પણ તેના પ્રત્યેની ફીલિંગ્સ શરૂ થઈ. ત્યાર પછી ફરી અમારી ફ્રેન્ડશિપ શરૂ થઈ અને અમે ઓરકૂટ પર મિત્રો બન્યાં. (એ સમયે ભારતમાં ઓરકૂટ બહુ ચાલતું હતું.)
પછી ધીરે ધીરે ઓરકૂટથી આગળ વધીને અમે યાહુ ચેટ પર આવ્યાં અને પછી અમે મોબાઈલ નંબર્સ પણ એક્સચેન્જ કર્યા. એ રીતે અમારી ફ્રેન્ડશિપ આગળ વધતી ગઈ. ડિસેમ્બર 2009થી લઈને ઓગસ્ટ 2010 સુધી આ ફ્રેન્ડશિપ ચાલી અને આ સમય દરમિયાન અમે બધી જ વાતો એકબીજા સાથે શેર કરી લીધી.
પછી ઓગસ્ટ 201૦માં અમારી લવ સ્ટોરીમાં એક નાનો ટ્વિસ્ટ આવ્યો. ઓગસ્ટ મહિનામાં એનો જન્મ દિવસ આવે છે એટલે એના જન્મ દિવસે રાત્રે બાર વાગ્યે સૌથી પહેલો મેં એને ફોન કર્યો. અમારી વાતચીત દરમિયાન યાશિકાએ મારી પાસે ગિફ્ટની માગણી કરી અને મેં તરત જ તક ઝડપીને એને કહ્યું કે, 'તારા માટે મારી પાસે એક જ ગિફ્ટ છે. અને એ ગિફ્ટ હું પોતે જ છું.' આ રીતે મેં એને પ્રપ્રોઝ કર્યું અને યાશિકા મારી એ ઢભથી ઈમ્પ્રેસ પણ થઈ.
પણ સાથે જ યાશિકાએ એક ચોંકાવનારી વાત પણ કરી. તેણે મને જણાવ્યું કે, તેને ઓલરેડી એક બોયફ્રેન્ડ હતો. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નિકળી ગઈ. એવું લાગ્યું જાણે દુનિયામાં સૌથી છેતરાયેલો માણસ હું જ છું. અલબત્ત યાશિકાએ મને છેતર્યો નહોતો પરંતુ ત્યારે મને એમ લાગેલું કે, મારું નસીબ જ મને છેતરી રહ્યું છે. પણ મેં ખરેખર હિંમતથી કામ લીધું. આટલા મહિનામાં અમે ક્લોઝ ફ્રેન્ડ બની ગયા હતા એટલે અમે એકબીજાને સારી રીતે ઓળખતા હતા. આથી મેં એની આગળ શરત કરી કે, ‘પ્રપોઝલની ના કહીશ તો વાંધો નહીં, પણ ફ્રેન્ડશિપ તોડીશ નહીં.’ અને આ વાત પર એ પણ રાજી થઈ ગઈ.
પછી ધીરે ધીરે સમય નીકળતો ગયો. પણ મેં તેને પામવાની આશા છોડી ન હતી. પાછળથી એ મને તેના સંબંધની વાતો કરવા લાગી. તેની વાત પરથી મને જાણ થઈ કે, તેનો મિત્ર સ્વભાવે સારો નહોતો. એ તેના પર બહુ રોફ જમાવતો હતો. તેણે યાશિકા ઉપર ઘણી વખત હાથ પણ ઉપાડ્યો હતો. યાશિકાએ પણ આ સંબંધમાં બંધાવું નહોતું પણ પેલો છોકરો એને ધમકીઓ આપતો હતો, જેને કારણે તે પેલા સંબંધમાંથી બહાર નીકળી શકતી ન હતી.
પોતાની મરજી વિરુદ્ધ કોઈ પણ સંબંધમાં ગૂંગળાઈ મરવાની વાત સાથે તો હું આમ પણ સહમત ન હતો. એમાંય આ તો યાશિકા હતી એટલે મારે એને કોઈ પણ ભોગે એ નકામા સંબંધની ભૂતાવળમાંથી બહાર કાઢવી હતી. એટલે મેં એનો ઉત્સાહ વધારવાનું શરૂ કર્યું અને એક દિવસ તેણે હિંમત કરીને પેલા છોકરા સાથે બ્રેકઅપ કરી જ નાખ્યું. જોકે તેને એ તબક્કામાંથી બહાર નીકળતા ઘણો સમય નીકળી ગયો પણ આખરે એ વાતનો અંત આવ્યો અને બધું ઓકે થઈ ગયું.
આમ તો ઓગસ્ટ 2010થી, એટલે કે મેં એને પ્રપોઝ કરેલું ત્યારથી ઈન ડાયરેક્ટલી અમારી રિલેશનશીપ શરૂ થઈ જ ગઈ હતી. પણ એના આગલા સંબંધનો સુખદ અંત આવ્યાં પછી અમારા ખરો સંબંધ શરૂ થયો. ત્યારબાદ એકબીજાને સમજવામાં બહુ સમય નીકળી ગયો. તેની સાથેનો વિધિવત સંબંધ શરૂ થયો ત્યારથી એક વર્ષ સુધી તો અમે મળ્યા પણ નહોતા. આખરે એ એક લાંબા અંતરનો સંબંધ હતો એટલે વારંવાર મળવાની વાતને આમ પણ કોઈ ગુંજાઈશ ન હતી.
જોકે સંબંધમાં આટલા બધા ઉંડા ઉતર્યા પછી અમારા માટે મળવું પણ જરૂરી હતું. ત્યારે હું વલસાડમાં બીએસસીનો અભ્યાસ કરતો હતો અને એક દિવસ ઘરે જાણ કર્યાં વિના હું યાશિકાને મળવા ઠેઠ વડોદરા પહોંચી ગયો. આખરે એક વર્ષ પછી અમે મળી રહ્યા હતા. રોમાંચક મુલાકાત હતી એ અમારી! નજાકતતા હતી યાશિકામાં, યાદગાર હતી એ 'પહેલા પોતીકા એકાંત'ની ક્ષણો!
પછી ધીરે ધીરે અમારી છ મહિને મુલાકાત થતી રહેતી હતી. કોઈ વાર યાશિકા વલસાડ આવે અને કોઈવાર હું વડોદરા જાઉં. પછી મેં વધુ અભ્યાસ માટે વિદ્યાનગરમાં એડમિશન લીધું, જેથી એને દર વીકએન્ડમાં મળી શકાય. જેમ સમય પસાર થતો ગયો તેમ અમે એકબીજાને વધુ સારી રીતે ઓળખતા ગયા. અમે એકબીજાને વધુને વધુ ચાહતા ગયા. અમારી દુનિયા અમારા પૂરતી જ સંકુલ થવા માંડી, જેના બે જ બિંદુઓ હતા. એક યાશિકા અને બીજો હું!
વિદ્યાનગરમાં હું બે વર્ષ રહ્યો. એ બે વર્ષો દરમિયાન અમે વારંવાર મળ્યા અને પછી ફરી એક વિઘ્ન આવ્યું. મેં એમ.એસસી. પૂરું કરી લીધું અને છેક વાપીમાં જૉબ શરૂ કરી. એ એક વર્ષના સમયગાળા દરમિયાન ફરી અમારું મળવાનું ઓછું થઈ ગયું. પણ અમારા નસીબ સારા હતા એટલે મને વડોદરામાં જૉબ મળી ગઈ અને ફરી અમને મળતા રહેવાની, સાથે જીવવાની નવી આશા જાગી.
મને જ્યારે વડોદરામાં જૉબ મળી ત્યારે અમારા સંબંધને પાંચ વર્ષ થઈ ચૂક્યા હતા. અમે અમારા સંબંધને નવું નામ આપવા માગતા હતા. પરંતુ કેટલાક કારણોસર અમારા કુટુંબીજનોની ઈચ્છા આ સંબંધને આગળ વધારવાની નહોતી. આથી લગ્નની બાબતે ફરી અમારા ઘરમાં અમારે નાનોસો સંઘર્ષ કરવો પડ્યો. પરંતુ કેટલાક મહિના બાદ અમે અમારા કુટુંબીજનોને આ સંબંધ માટે રાજી કર્યા અને આખરે પહેલી મે 2015ના દિવસે અમારા એન્ગેજમેન્ટ થયા. હવે ફેબ્રુઆરી 2016માં અમે લગ્ન સંબંધથી જોડાઈશું. એક સુખદ પ્રેમ કહાની!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર