ઈશ્ક સચ્ચા વહી, જીન કો મિલતી નહીં મંજિલે…
વર્ષો પહેલાની વાત છે. વાત મારી, અમારી લવસ્ટોરીની છે, જે લગ્નમાં પરિણમી નથી. જેને પ્રેમ નહીં કર્યો હોય એવી વ્યક્તિ સાથે લગ્ન કરીને તમે સુખરૂપ તમારું લગ્ન જીવન પાર પાડી શકો છો અને ખૂબ સુખી સંસાર રચી શકો છો. પરંતુ દિલના એક ખૂણામાં પ્રિયજનને નહીં પામી શક્યાની એક કસક રહી જાય છે, જે છાશવારે સપાટી પર આવી જતી હોય છે. હું મારા પ્રેમી સાથે પરણી નથી શકી એટલે આ દુનિયાએ ઘડેલા માપદંડો મુજબ અમારી લવસ્ટોરી સક્સેસ કહી શકાય નહીં. પરંતુ હું એમ માનતી નથી. મહેશ ભટ્ટની એક ફિલ્મના ગીતની જેમ હું પણ માનું છું કે, ‘ઈશ્ક સચ્ચા વહી, જીન કો મિલતી નહીં મંજિલે…. મંજિલે….!’
મારી લવ સ્ટોરી મોડર્ન નથી એટલે કદાચ આજના યંગસ્ટર્સને એ પસંદ નહીં આવે. આ સ્ટોરી 1960ના દશકની છે, જ્યારે હું મુંબઈની મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતી. મને પ્રેમ થઈ ગયેલો એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરતા એક ધૂની યુવાન સાથે. અહીં એનું નામ નહીં લખું. કારણ કે અહીં હું મારું નામ પણ લખવાની નથી! અમારા નામ લખવામાં મને કોઈ ડર નથી, પરંતુ હવે જીવનની સંધ્યાએ પહોંચ્યા છીએ ત્યારે અમારે લોકોની ફાલતું ગોસીપના મુદ્દા નથી બનવું. કારણ માત્ર આટલું જ!
બોરીવલીથી સવારે અમે લોકલમાં એકસાથે બેસતા. એ પાર્લા ઉતરે અને મારે ઠેઠ ચર્ચગેટ સુધી જવાનું હોય. લોકલમાં એને જગ્યા મળી હોય તો એ મને જગ્યા કરી આપે અને મને જગ્યા મળે તો હું એને કટ મારીને બેસી શકાય એટલી જગ્યા કરી આપું! અમે યુવાન હતા, સારું ભણતર મેળવી રહ્યા હતા અને એક જ સ્ટેશન પરથી ચઢતા હતા એટલે અમારી દોસ્તી થયેલી.
પહેલા સાંજે અમારું એક જ ટ્રેનમાં જવાનું નહોતું થતું. પરંતુ પછી અમે એ પણ શરૂ કર્યું. પાર્લા પર ટ્રેન આવે એટલે હું એની જગ્યા રાખી મૂકું અને પછી સાથે બેસીને બોરીવલી સુધી જઈએ. અમને એકબીજાની મૈત્રી ગમવા માંડી, અમે એકબીજાની વધુને વધુ નજીક આવવા માંડ્યાં. પછી તો ધીમે ધીમે સાથે ફિલ્મો જોવા જવા માંડ્યાં, ક્યારેક ચોપાટી જઈને ભેલ ઝાપટી આવતા કે ક્વિન નેક્લેસ પર સાંજ વીતાવવા માંડ્યાં.
અમારા ભણતરને કારણે અમને અમારું ભવિષ્ય અત્યંત સિક્યોર્ડ લાગતું હતું. પણ અમારે અમારા પરિવારજનોની પરવાનગીનો એક ઘણો મોટો કોઠો ભેદવાનો હતો. ચાર વરર્ષના અમારા અફેરમાં ઘરમાં કોઈને અમારા પ્રેમની ગંધ સુદ્ધાં નહોતી આવી. પરંતુ એમને જાણ કરવું હવે જરૂરી બની રહ્યું હતું. અમારા પ્રેમને આડે જો કોઈ એક બાબત આવતી હોય તો એ બાબત હતી અમારી જ્ઞાતિ અને અમારો પ્રદેશ! હું ગુજરાતી હતી તો એ હતો દક્ષિણ ભારતીય!
ચાર વર્ષના અફેર બાદ મેં જ્યારે મારા પ્રેમ વિશે મારા ઘરે વાત કરી તો, મારી માતા બરાડી ઉઠેલી કે, ‘એટલે હવે અમારે મદ્રાસીઓને ભેટવા જવાનું? તારે એ મદ્રાસી સાથે પરણવું હોય તો પરણી જા. પણ એક વાત ધ્યાનમાં રાખજે કે, જે માતા તને દાક્તર બનાવવા માટે પોતાની બંગડી કાઢી આપી શકતી હોય એ જ મા આત્મહત્યા પણ કરી શકે છે. આ તને પરણતા જ વાર છે… તું જેવી પરણી કે મારી જાતને હું અગ્નિને હવાલે કરી દઈશ! અને પછી મારું પછી મોઢું જોવાય નહીં આવતી.’
માતાના શબ્દો મને થથરાવી ગયેલા. મને એ વાતે વિશ્વાસ હતો કે, જો હું પ્રેમ લગ્ન કરીશ તો મારી માતા સો ટકા આત્મહત્યા કરશે. પિતા તો મારા આમ પણ વર્ષો પહેલા મૃત્યુ પામેલા. માતાએ અમને ત્રણ ભાઈબહેનોને અત્યંત ભીડમાં મોટા કરેલા. હું એના ઋણનો આવો બદલો વાળવા નહોતી માગતી. બીજી તરફ મારા પ્રેમીના ઘરે પણ સ્થિતિ કંઈક એવી જ હતી. તેઓ પણ ગુજરાતી વહુ ઘરમાં આવે એની ખિલાફ હતા. એ સમય જ કંઈક એવો હતો, જ્યાં તમે આજની જેમ તમારા મા-બાપ સાથે બેસીને પ્રશ્નોનો હલ નહીં આણી શકતા. ત્યારે તો માતા-પિતા જે આદેશ આપે એ આમારું આખરી સત્ય બની રહેતું!
એટલે અમે બંનેએ છૂટા પડવાનું નક્કી કર્યું. ખૂબ દર્દ સાથે અમે છૂટાં પડ્યાં. શરૂઆતમાં તો મેં આજીવન લગ્ન નહીં કરવાનું નક્કી કરેલું. પરંતુ પાછળથી માતાના એવા જ એક આદેશને વશ થઈને ડૉક્ટર મુરતિયા સાથે પરણી જવું પડેલું. મારા પતિ અત્યંત ઓપન માઈન્ડેડ હતા એટલે લગ્ન બાદ થોડા જ સમયમાં મેં એમને અમારા પ્રેમ વિશે કહી દીધેલું. એમની પરવાનગી બાદ અમે મારા પ્રેમીને અમારા ઘરે ઈન્વાઈટ કરતા અને પછી અમે ત્રણેય ભેગા મળીને તાસ કે ચેસ રમતા.
મારા પતિ અને એનું ખૂબ બનતું. એણે આજીવન લગ્ન નહીં કર્યા એ નહીં જ કર્યાં. એ આજીવન અમારો ફેમિલી ફ્રેન્ડ બની રહ્યો. સારે-નબળે પ્રસંગે અમારામાં ભળતો રહ્યો. આજનો સમય જોઈને ક્યારેક સમયની ઈર્ષા થઈ આવે છે. કારણ કે હવે સોસાયટી ઘણી બ્રોડ માઈન્ડેડ છે. હવે આંતરજ્ઞાતિય કે આંતરધર્મી લગ્નોમાં બહુ નવાઈ નથી લાગતી. અરે મારી એક દીકરી તો ઓસ્ટ્રેલિયાના યુવક સાથે પરણી છે એટલે એના લગ્નને તો આંતરરાષ્ટ્રીય લગ્ન કહી શકાય!
પણ, મેડિકલના પ્રોફેશન અને જીવનની ઘટમાળમાં સમય ક્યારે પસાર થઈ ગયો એની ખબર સુદ્ધાં નહીં રહી. મારા ત્રણેય સંતાનો વિદેશમાં ઠરીઠામ થઈ ગયા છે તો મારા પતિએ પણ બે વર્ષ પહેલા આ દુનિયામાંથી વિદાઈ લીધી.
જોકે એ હજુ પણ મારા ઘરે આવે છે અથવા અમે બંને ક્યાંક બહાર ફરીએ છીએ. સાથે બેસીને વાતો કરીએ છીએ, પુસ્તકો વાંચીએ, ફિલ્મો જોઈએ કે કોઈક સાંજે મન થાય તો બિયરના ગ્લાસ ટકરાવીએ છીએ. પ્રેમી કે પતિ-પત્ની તરીકે જીવન નહીં માણી શકાયું એ વાતનો અમને બંનેને રંજ છે. પરંતુ મિત્ર તરીકે સાથે જીવન વીતાવી શક્યા અને હવે સંધ્યાકાળે એકબીજાનો વધુમાં વધુ સહવાસ માણી શક્યા એનો આનંદ પણ છે. મારા પતિ હોત તો અમને ત્રણને સાથે વર્લ્ડ ટુર કરવાની ઈચ્છા હતી. પરંતુ હવે એ શક્ય નથી. અમે ત્રણ સાથે હોત તો અમારી નવરાશનો હજુ કોઈ ઉપયોગ કરી શક્યા હોત. પણ ખૈર, અમારી નિયતિમાં એ લખાયું નહીં હોય. આ લવ સ્ટોરી ઈન્ટ્રેસ્ટિંગ નહીં હોય તોય આ લવ સ્ટોરી યુનિક તો છે જ. શું કહો છો?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર