તારી આંખનો અફીણી...

28 May, 2017
12:00 AM

PC: pinimg.com

એક અલ્લડ છોકરી, જેને મેં ખૂબ ચાહી હતી એ કોણ જાણે અત્યારે ક્યાં છે? સાવ અચાનક જ એ ક્યાંક ખોવાઈ ગઈ છે. હજુ તો હમણા જ એ આંખની સામે હતી, પતંગિયાની જેમ આમથી તેમ ઉડાઉડ કરતી હતી. વગડામાં એક ડાળ પરથી બીજી ડાળે ઉડતા પંખીની જેમ કલરવ કરતી, ખડકાળ પ્રદેશમાં નાનું ઝરણું વહે એ રીતે ખળખળ હસતી, આકાશમાં બનતા વાદળોના આકારોની થોડાથોડા સમયે સ્વભાવ બદલતી, દરિયાના મોજાની જેમ ઘૂઘવતી, પવનની જેમ સૂસવાટા મારતી અને કોઈના પગમાં બાંધેલી ઝાંઝરીની જેમ સતત રણકતી એ અલ્લડ છોકરી ક્યાં હશે અત્યારે?

મેં તો એને માત્ર એકતરફી પ્રેમ કર્યો હતો. એ છોકરી તો મને ઓળખતી પણ ક્યાં હતી? કદાચ એણે મને બરાબર જોયો પણ નહીં હોય. કૉલેજના પાર્કિંગમાં એની બહેનપણીઓ સાથે એ તો એની મસ્તીમાં જ ગુલતાન હોય આખોદિવસ. ન તો એને આજુબાજુવાળા કોઇની પડી હોય કે ન આજુબાજુમાં એનું ધ્યાન હોય. બસ હસવાનું, જોરજોરથી હસવાનું અને આસપાસના માહોલથી અજાણ રહી તાળીઓની આપલે કરવાની. એટલે બની શકે કે, એણે મને જોયો પણ નહીં હોય. પરંતુ હું એને રોજ જોતો અને એને જોઈ શકાય અને એની અલ્લડતાનો આનંદ લઈ શકાય એ માટે હું જાણીજોઈને એની આસપાસ રહેવાનું પસંદ કરતો. અલબત્ત એ મને ન જોઈ શકે એમ, સહેજ દૂર... મને એની અલ્લડતા જ ખૂબ ગમતી અને એ ધીમેધીમે હું એ અલ્લડતાના પ્રેમમાં પડી ગયેલો.

પછી તો એવું થયું કે, એ મારી આસપાસ હોય કે ન હોય, પરંતુ મને સતત એવો જ અહેસાસ થયા કરતો કે, એ ક્યાંક મારી આસપાસ જ છે. અરે, ક્યારેક તો ઉંઘમાં પણ મને દેખાતી અને આખી-આખી રાત હું એના સપનાં જોતો. ક્યારેક કોઈક ફિલ્મનું રિમેન્ટિક ગીત વાગે તો એ ગીતના શબ્દો અને લાગણીઓ સાથે હું મને અને એ અલ્લડ છોકરીને રિલેટ કરતો અને એની સાથે રહેવાનો, એની સાથે રોમાન્સ માણ્યાનો કાલ્પનિક આનંદ મેળવતો. અલબત્ત, વિચારો કાલ્પનિક હતા, પરંતુ કલ્પનામાં પણ એનું મારી સાથે હોવું મને વાસ્તવમાં પણ ખૂબ આનંદ અને શુકુન આપતું. કલાકો સુધી એ નશો મારા પર સવાર રહેતો અને હું એકદમ ખુશખુશાલ રહેતો. જ્યારે જ્યારે વરસાદ પડતો ત્યારે ભીની માટીની નહીં, પણ એની ખુશ્બુ મને તરબતર કરતી. અનેક સાંજોએ જ્યારે મને ઉદાસી ચોંટી જતી ત્યારે એની યાદો મારી ઉદાસી ખંખેરતી અને મને તાજગીનો, હકારાત્મકતાનો અહેસાસ કરાવતી. મને સતત એના વિચારોમાં ખોવાયેલા રહેવાનું ગમતું અને હું સતત એના વિચારોમાં જ ખોવાયેલો રહેતો... બસ એનામય... એની અલ્લડતામય...

પણ કોણ જાણે શું થયું એ અલ્લડ છોકરી અચાનક જ ક્યાંક ગુમ થઈ ગઈ. છેલ્લા મહિનાથી હું એ જોઉં છું કે, એ છોકરી એના નિયતક્રમ મુજબ કૉલેજ જરૂર થાય છે અને કૉલેજના પાર્કિંગમાં એની બહેનપણીઓ સાથે બેઠેલી પણ જરૂર હોય છે, પરંતુ હવે એની અલ્લડતા પહેલા જેવી નથી રહી. અરે પહેલા જેવી શું… સમૂળગી જ નથી રહી. નથી તો એ પહેલા જેવું ખડખડ હસતી કે ઉપર જે ઉપમાઓ આપી એવું જીવતી. સતત ગુમસૂમ રહે છે અને એના ચહેરાનો રંગ પણ ફીકો પડી ગયો છે.

એની અલ્લડતા જ નથી રહી તો એવું લાગે છે કે, હવે એ છોકરી પણ એ નથી. ભલે ચહેરો કે શરીર એનું એ જ હોય, પરંતુ એ ચેતના અને આનંદ નથી રહ્યા એટલે બાકી બધું ક્ષુલ્લક અને અવાસ્તવિક લાગે છે. 

બરાબર ત્યારે જ મને એ વાતનો અહેસાસ થયો કે, મેં તો ક્યારેય એ છોકરીને પ્રેમ કર્યો જ નથી. મેં તો માત્ર એની અલ્લડતાને ચાહેલી. તો જ શાંત, મીણના પૂતળા જેવી એ છોકરી મને અજાણી લાગેલી! જોકે એમ થાય છે કે, એ છોકરીને જઈને ક્યારેક મળું અને એને પૂછું કે, તારી આ ઉદાસીનું કારણ શું? આખરે આ ઝરણાનું વહેણ આમ અચાનક કેમ થંભી ગયું? ઝરણું પોતે ક્યારેય એનું વહેવાનું બંધ નહીં કરે. જરૂર કોઈએ કશી કળા કરી છે અને ઝરણા આડે કશુંક બંધન મૂકીને એને ઉદાસીની ભેટ આપી છે.

પછી એમ થાય છે કે, આમ અચાનક મારા જેવા અજાણ્યાનો આવો અંગત સવાલ સાંભળી ક્યાંક એ છોકરી વધુ ઉદાસ નહીં થઈ જાય. અને અજાણ્યાઓ આગળ પેટછૂટી વાત પણ કોણ કરે? એવું લાગે છે, જાણે એની ઉદાસી મને ઘેરી વળી છે, કારણ કે, આજકાલ હુંય કારણ વિના ઉદાસ રહ્યા કરું છું અને આસપાસનું સઘળું મને નિરર્થક લાગ્યા કરે છે. હું એ અલ્લડતાને મીસ કરું છું. એ ઊર્જાને મીસ કરું છું... કોઇ ચેતનાસભર વ્યક્તિમાં એટલી ચેતના હશે કે, એનાથી આજુબાજુના માણસોને પણ એનો ચૈતન્યનો અહેસાસ થતો હશે? અને હવે એનામાં ચૈતન્ય નથી તો બીજામાં પણ એ ચેતનાનો અભાવ જોવા મળી રહ્યો છે.

ખૈર, મારી પાસે તો હવે આશા રાખ્યા સીવાય બીજો કોઈ વિકલ્પ નથી રહ્યો. પણ મને આશા જરૂર છે કે, એ છોકરીની અલ્લડતા ફરી આવશે અને એ અલ્લડતાની સાથે એ છોકરી પણ વસંતમાં મહોરતા કોઈ છોડની જેમ તરબતર થઈ જશે. ફરી એ છોકરી હસતી-રમતી થશે તો આ વખતે તો હું એની પાસે જઈશ જ અને એક ફૂલ આપીને એનો આભાર માનીશ કે, તારું નામ શું છે? અને તું કોણ છે એની મને ખબર નથી, પણ હું તને ઓળખું છું જરૂર. હું તને નહીં, પણ તારી અલ્લડતાની પીછાણું છું… તું પરત ફરી એ બદલ તારો આભાર. કારણ કે, તારા એ ચૈતન્યએ મને ફરી પલ્લવિત કર્યો છે અને મને જાણે નવજીવન બક્ષ્યું છે. મારી તાજગીનું, મારી હકારાત્મકતાનું કારણ જ તું બની ગઈ છે...

(એ અલ્લડ છોકરીને ચાહતો છોકરો)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.