તું કીસી રેલ સી ગુજરતી હૈ…

08 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

થોડા સમય પહેલા આવેલી ‘મસાન’ ફિલ્મમાં પ્રેમમાં અનુભવાતી લાગણી દર્શાવવા માટે જે કવિતા કે શબ્દોનો ઉપયોગ થયો છે એ અત્યંત સચોટ રીતે કરાયો છે. માણસ પ્રેમમાં હોય ત્યારે અને એમાંય જ્યારે કોઈ પુરુષ પ્રેમમાં હોય ત્યારે એને આવી જ અનુભૂતિ થતી હોય છે. આ જ ગીતની હજુ એક પંક્તિ લઈએ તો,

મૈં હું પાની કે બુલબુલે જૈસા…

તુજે સોચુ તો ફૂટ જાતા હું…!’

વાહ, ક્યા બાત. બહોત બઢીયા. મૂળતઃ પુરુષનો સ્વભાવ અત્યંત અહમી હોય છે. એને ટટ્ટાર ઊભા રહેવાની, બીજા કોઈ આગળ ક્યારેય નહીં ઝૂકવાની હોંશ હોય છે. અહમમાં જીવવું એ પુરુષની હૉબી હોય છે. પણ પ્રેમ દુનિયાની એકમાત્ર એવી બાબત છે, એકમાત્ર એવી અનુભૂતિ છે, જેમાં પોતાના પૌરુષત્વના અહમથી છલોછલ પુરુષ પાણીનો પરપોટો બની જાય છે. અરે, વાત અહીં જ નથી અટકી જતી. પાછળથી તો એ પરપોટો ફૂટી પણ જાય છે! આને પ્રેમનો કરિશ્મા કહેવાય, પ્રેમનો જાદુ કહેવાય. જેને અનુભવ્યા વિના એનું વર્ણન કરવું શક્ય નથી.

આટલું વાંચીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે, આ લખનાર માણસને પ્રેમમાંથી ઘણું મળ્યું હોવું જોઈએ. તો જ એમને એક સીધી સાદી લવ સ્ટોરી લખતા પહેલા આટલી બધી ફિલોસોફી સૂઝી છે! પણ વાતમાં દમ છે. આ મારો સ્વ-અનુભવ છે. એટલે જ પ્રેમ જેવી બાબત પર આટલું બધું અને આવુ બધું લખી શક્યો છું!

સામાન્ય રીતે લોકોને જેમ પ્રેમ થઈ જાય છે એમ અમને પણ કૉલેજકાળમાં જ પ્રેમ થઈ ગયેલો. અમારી કૉલેજના કેમ્પસમાં આર્ટસ, સાયન્સ અને કોમર્સ એમ ત્રણેય પ્રવાહોની કૉલેજો ચાલે અને ત્રણેય સ્ટ્રીમના જાતજાતના અને ભાતભાતના ચહેરા અમારા કેમ્પસમાં નજરે ચઢે. સામાન્ય રીતે આ ત્રણેય પ્રવાહોના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પોર્ટ્સ કે સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી બાબતોએ ગળાકાપ સ્પર્ધા રહે. કેટલીક વાર તો વાતવારણ એટલું તંગ થઈ જાય કે, કોઈક નજીવી બાબતે આમને સામને ઠઠ્ઠા મશ્કરી થઈ જાય અને વાત મારામારી સુધી પહોંચે. ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓ વચ્ચેની ચડસાચડસીની આ પ્રથા આજકાલની નહીં પરંતુ દાયકાઓ જૂની છે. આ કારણે બધા વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રવાહનું ખેંચે અને બીજા પ્રવાહના વિદ્યાર્થીઓને કંઈક વિચિત્રતાથી જૂએ.

હું સાયન્સનો વિદ્યાર્થી અને ઋચા કોમર્સમાં અભ્યાસ કરે. અમારા પ્રવાહ અલગ હોવાને કારણે અમારી વચ્ચે પેલી દાયકાઓ જૂની ભેદરેખા પ્રવર્તે એ સ્વાભાવિક છે. એ ભેદરેખાને કારણે અમે કોરિડોરમાં અથવા કેન્ટીનમાં આમને સામને થઈ જઈએ તો પણ એકબીજાને સૂગથી જોતાં. એમાંય વળી હું અહમી માણસ એટલે કૉલેજની કોઈ પણ છોકરીઓ સામે હું એ રીતે વર્તતો કે, ‘તમે બધીઓ મારી આગળ પાણી ભરો છો. મને તમારી કશી જ પડી નથી!’

પણ એક દિવસ એક જોગાનુજોગ સર્જાયો. હું કૉલેજના બીજા વર્ષમાં હતો ત્યારે અમારી આંતરીક કસોટી શરૂ થવાને વાર હતી, પણ કોમર્સ-આર્ટ્સની પરીક્ષાઓ શરૂ થઈ ગયેલી. અમારે પણ પરીક્ષા નજીક હોવાથી વાંચવાનું વેકેશન તો પડી જ ગયેલું. પરંતુ અમને છોકરાઓને ઘર ગોઠે નહીં એટલે અમે કારણ વિના કૉલેજ પહોંચી જઈએ.

એવામાં એક બપોરે મારી કારમાં હું કૉલેજથી ઘર તરફ જતો હતો ત્યારે કૉલેજ રોડ પર મેં એક છોકરીને કૉલેજ તરફ દોડતી જોઈ. બપોરનો સમય હતો એટલે એને ઑટો મળવી મુશ્કેલ હતી અને મને એ વાતનો ખ્યાલ હતો કે કૉમર્સના વિદ્યાર્થીઓનું પેપર બપોરે અઢી વાગ્યે શરૂ થવાનું હતું. સામે જે છોકરી દોડતી દેખાતી હતી એ કૉમર્સની જ હતી, જેથી સાથે અમારા ઘણી વાર તણખા ઝર્યા હતા. મેં ઘડિયાળમાં જોયું તો અઢી વાગવામાં પાંચ-સાત મિનિટની વાર હતી અને એ છોકરી મને જ્યાં મળી હતી ત્યાંથી કૉલેજ સુધી દોડીનેય જાઓ તો અમસ્તીય દસેક મિનિટ થાય.

કૉલેજના સમયે કોણ જાણે મને શું અભિમાન હતું કે, હું છોકરીઓને કારમાં બેસાડવાની વાત તો દૂર પરંતુ પાર્કિંગમાં કેટલીક છોકરીઓ મારી કારને અડીને ઊભી રહે તો પણ હું એમને ત્યાંથી ભગાડતો. આ કારણે જ કૉલેજના બીજા છોકરાઓ કરતા ત્રણેય સ્ટ્રીમની છોકરીઓમાં હું થોડો વધુ અળખામણો હતો.

પણ એ દિવસે કોણ જાણે મારા મનમાં ક્યાંથી રામ વસ્યા અને મેં અચાનક યુ ટર્ન માર્યો. મને થયું આ છોકરી એના સમયે પરીક્ષા ખંડમાં પહોંચે એ જરૂરી છે. કારણ કે ન કરે નારાયણ અને કોઈ અવળચંડાળ પરીક્ષક આવી ગયો તો છોકરીને મોડી આવવાના કારણોસર વર્ગખંડમાં ન પણ ઘૂસવા દે!

એ દોડતી હતી અને મેં થોડે આગળ જઈને યુ ટર્ન માર્યો. એટલે મેં જ્યારે કાર એની બાજુમાં ઊભી રાખી ત્યારે એ આશ્ચર્ય પામી ગઈ. કાચ ખોલીને મેં કહ્યું, ‘ચિંતા નહીં કર. કારમાં બેસી જા. હું તને સમયસર પહોંચાડું છું.’

અમે બંને એકબીજાને થોડા થોડા ઓળખતા હતા અને છાશવારે અમે સામસામે ભટકાઈ જતાં તો અમારી આંખમાંથી તણખા પણ ઝર્યા છે. પરંતુ એ દિવસે એ વખાની મારી હતી એટલે એણે ટિપિકલ છોકરી જેવો એટિટ્યુડ નહીં દેખાડ્યો અને ફટાક દઈને કારમાં ગોઠવાઈ ગઈ. એને હાંફતી જોઈને મેં એને મારી પાસેની માઝા ઑફર કરી, પણ છોકરાઓનું ઑફર કરેલું સ્વીકારે એ બીજા, આ છોકરીઓ નહીં! એણે મને ના પાડી એની એની બેગમાંથી સાવ ટચૂકડી પાણીની બોટલ કાઢીને એ પાણી પીવા માંડી!

મેં ગાડી પુરપાટ મારી મૂકી હતી અને રસ્તો પણ ખાલી હતો એટલે અમે ત્રણથી ચાર જ મિનિટમાં કેમ્પસ પર પહોંચી ગયા. અઢી વાગવાને હજુ બે-ત્રણ મિનિટની વાર હતી એટલે અમને બંનેને હાશકારો થયો. એના માટે મેં ગાડી છેક અંદર સુધી લીધી અને એના પરીક્ષા ખંડના મકાન સુધી એને મૂકી આવ્યો પણ ઉતરતી વખતે એણે ટિપિક્લ છોકરીની અદા મારી અને મને થેંક યુ કહ્યા વિના કે એને મારી કશી પડી જ નહીં હોય એમ મારા તરફ જોયા વિના એ કારમાંથી ઉતરી પડી અને મને થપ્પડ મારતી હોય એમ મારી કારનો દરવાજો ધડામ કરીને બંધ કરીએ એણે ક્લાસરૂમ તરફ દોડ મૂકી.

એક તો મને મૂળે છોકરીઓ પ્રત્યે ચીડ અને એમાં આ માતાજી આવું કરી ગઈ એટલે મને એના પર ભયંકર ખીજ ચઢી અને મનમાંને મનમાં હું ખૂબ બબડ્યો. છોકરીઓને ક્યારેય લિફ્ટ નહીં આપવી કે એમને કોઈ મદદ નહીં કરવી એવી માન્યતા વધુ દૃઢ થઈ અને ત્યારે જ મેં નક્કી કર્યું કે, હવે તો છોકરીઓને ક્લાસના સીઆરના ઈલેક્શનમાં પણ સપોર્ટ નથી આપવો.

તો પછી અમારી વચ્ચે પ્રેમ થયો કઈ રીતે? આવું અપમાન થયાં પછી એ જ છોકરી સાથે પ્રેમમાં પડી શકાય ખરું? એ છોકરીના આવા વર્તને અપમાન ગણી શકાય ખરું? આ બધા સવાલોના જવાબ આવતા રવિવારે આપું. નહીંતર આ લેખ અમસ્તો જ લાંબો થઈ જશે અને તમે એની લેન્થ જોઈને કંટાળી જશો.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.