શું આને પ્રેમ કહી શકાય?

06 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

હમણાં હું એક જબરી અવઢવમાંથી પસાર થઈ રહ્યો છું. મારા મન અને દિલ વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. હું નક્કી નથી કરી શકતો કે, આજકાલ હું જે લાગણીઓ અનુભવી રહ્યો છું એને ચોક્કસ કહેવાય શું? અને એટલે જ મેં અહીં લખવાનું નક્કી કર્યું છે. ભગવાન કરે અને કોઈને મારી મનઃસ્થિતિ સમજાય અને મને કોઈ ઉકેલ મળે! હા, તો વાત કંઈ એમ છે કે, આજકાલ હું એક છોકરી સાથે ગાઢ સંપર્કમાં છું. વડોદરા રહેતી દિયા નામની એ છોકરી અને હું સાથે ભણીએ છીએ અને સાથે ભણવાનું કારણ જ અમારી દોસ્તીનું કારણ બન્યું છે.

અમારું ભણતર એવું છે કે, અમારે નિયમિત ક્લાસ ભરવાના નથી આવતા, નથી અમારે નિયમિત યુનિવર્સિટી જવું પડતું. જ્યારે ક્લાસ હોય ત્યારે હું વડોદરા જાઉં અને પછી લાઈબ્રેરી કે ક્લાસમાં દિવસ પસાર કરીને ફરી સાંજે સુરત આવી જાઉં. અમે બંને રિચર્સના સ્ટુડન્ટ્સ છીએ અને અમારા વ્યવસાયમાં પણ વેલ સેટ છીએ. જ્યારે ક્લાસ નહીં હોઈ ત્યારે પણ હું અને દિયા આખો દિવસ ચેટિંગ કરતા હોઇએ છીએ. શરૂઆતમાં અમે અમારા રિસર્ચને લગતી વાતો કરતા પરંતુ પાછળથી ફિલ્મો, અમારી પસંદગી કે અમને ભાવતા ફૂડ કે બીજી કોઈક બાબતને લઈને ચેટ કરતા થયાં.

દિવસે-દિવસે દોસ્તી વધતી ગઈ અને પછી તો અમને એકબીજાની જાણે આદત પડવા માંડી. એની તો મને ખબર નથી પરંતુ હું રીતસરની રાહ જોઉં છું કે, ક્યારે અમારા ક્લાસ આવે અને ક્યારે હું વડોદરા જાઉં અને ક્યારે દિયાને મળું! વળી, હજુ દોઢેક મહિના પહેલા મારો જન્મ દિવસ ગયો. બર્થ ડેના દિવસે એણે મને વિશ તો કર્યું જ પરંતુ એ દિવસે એ દિવસે બપોરે મારી ઑફિસે એક પાર્સલ આવ્યું, જેમાં એણે મને ગમતા પુસ્તકોની ભેટ આપી હતી, જેમાં એક તો લવસ્ટોરીનું પુસ્તક હતું.

તો નસીબજોગે મારા જન્મ દિવસ બાદ થોડા જ દિવસોમાં એનો જન્મ દિવસ પણ આવતો હતો. દિયાએ મને ગિફ્ટ આપી તો મને પણ એને એક ગિફટ આપવાની ઈચ્છા હતી. મારે એને વડોદરા રૂબરૂ જઈને ગિફ્ટ આપવી હતી. પણ કરમની કઠણાઈ એ હતી કે, એનો જન્મ દિવસ દિવાળીને દિવસે આવતો હતો. સપરમે દિવસે ઘર છોડીને છેક વડોદરા સુધી પણ કેમ જવાય? અને બીજી તરફ મારું દિલ મને સતત કહી રહ્યું હતું કે, મારે ત્યાં જવું જોઈએ. જોકે એમાં બીજો ભય એ હતો કે, હું તો ત્યાં પહોંચી જાઉં પણ એનાથી ઘરની બહાર નહીં નીકળાયું તો? કારણ કે, એક તરફ એનો જન્મ દિવસ અને દિવાળી હતી એટલે એના ઘરે સ્વાભાવિક રીતે જ એના ફ્રેન્ડ્સ અને સગાવાળાનો મેળાવડો હશે. અને વળી, એ દિવસે બહાર નીકળવા માટે યુનિવર્સિટીનું બહાનું પણ ન હતું.

પણ ભગવાને મને બુદ્ધિ આપી કે, હું બે દિવસ પહેલા જ વડોદરા જઈ આવું અને એને મળી આવું. મેસેજ પર વાતવાતમાં એના દિવસનો કાર્યક્રમ જાણી લીધેલો એટલે મને એટલી ખબર હતી કે, જે દિવસે હું ત્યાં જવાનો હતો એ દિવસે એ ફ્રી જ હતી. એટલે એને સરપ્રાઈઝ આપવા માટે હું એને એના ઘરની બહાર બોલાવી શકું એમ હતું. વહેલી સવારે સુરતથી નીકળેલો એટલે મને અહીંથી તો કંઈ લેવાની તક નહીં મળેલી એટલે વડોદરા પહોંચીને હું એના માટે યોગ્ય ગિફ્ટની શોધમાં હતો. સુરતથી હું મારા બે મિત્રોને પણ સાથે લઈ ગયેલો એટલે અમે ત્રણેય મિત્રોએ ભેગા મળીને નક્કી કર્યું કે, મારે પણ વધુ સ્માર્ટ બન્યા વિના એને પુસ્તકોની જ ગિફ્ટ આપવી. રખેને કંઈક બીજું આપવા ગયો અને એના દિલમાં મારા માટે ફીલિંગ્સ નહીં હોય અને એ ઉકળી ઊઠી તો લેવાના દેવા થઈ જશે.

આમ મેં એના માટે બે પુસ્તકો લીધા. પણ સાથે જ મને સૂઝ્યું કે, હું એના માટે એક સુંદર અરીસો પણ લઉં, જેની સાથે એને એક પત્રની ભેટ આપું. મારા મિત્રો અરીસા અને પત્રની બાબતે કન્વીન્સ નહોતા. એમનું માનવું હતું કે, પત્ર લખવામાં ક્યાંક હું વધુ પડતો લાગણીઓમાં વહી જઈશ અને પત્રમાં મારી લાગણીઓ સ્પષ્ટ રીતે છતી થઈ ગઈ તો વળી પાછી ઉપાધી ઊભી થશે. જોકે એમની સલાહ હું ન માન્યો એ ન જ માન્યો અને મેં દિયા માટે એક સુંદર અરીસો લીધો અને અરીસાને ફ્રેમ કરાવ્યો. સાથે જ એમએસ યુનિવર્સિટીના એક ખૂણામાં બેસીને ઉતાવળે પત્ર લખવા માંડ્યો. પત્ર લખાઈ ગયા પછી મેં એને મેસેજ કરીને મેં એને મેસેજ કર્યો કે, આજે હું કામથી અચાનક વડોદરા આવ્યો છું અને તને મળવાની ઈચ્છા છે.

બહાર મળવાની વાતને લઈને પહેલા એણે થોડી આનાકાની કરી. એણે મને એમ પણ કહ્યું કે, આ રીતે તો તું ઘણીવાર વડોદરા આવ્યો છે, પણ તે મને ક્યારેય મળવાની ઈચ્છા નથી દર્શાવી. તો આજે અચાનક મળવાનું ભૂત કેમ વળગ્યું? મને એવું લાગે છે કે, એને પણ એ વાતની ગંધ આવી ગઈ હતી કે, હું એના બર્થ ડે માટે એને મળવા આવ્યો છું! જોકે એની થોડી આનાકાની પછી મેં એને મનાવી એટલે એ ઘરની બહાર નીકળવા રાજી થઈ.

મારા મિત્રોને મેં કહ્યું કે, હું પંદર જ મિનિટમાં દિયાને આ ગિફ્ટ્સ આપીને આવું છું એટલે તમે યુનિવર્સિટી પર નાસ્તો કરો. હું થોડી જ વારમાં આવ્યો. થોડી વાર પછી એ મેં બોલાવેલી એ જગ્યાએ આવી. એ આવી એટલે તરત જ મેં એને પુસ્તકો, અરીસો અને પત્ર આપી દીધા અને કહ્યું કે, પરમ દિવસે તારો જન્મ દિવસ છે એટલે આજે તને મળવા અને ગિફ્ટ આપવા માટે સ્પેશિયલ વડોદરા સુધી આવ્યો છું. એના જન્મ દિવસ માટે સ્પેશિયલ હું ત્યાં આવ્યો છું અને એના માટે ખાસ ગિફ્ટ્સ ખરીદી છે એ જાણીને એ હતપ્રભ થઈ ગઈ. થોડી ક્ષણો માટે તો એના ચહેરા પર કંઈ વિચિત્ર પ્રકારના જ ભાવ આવ્યા. હું સમજી જ નહીં શક્યો કે, એના મનમાં શું ચાલી રહ્યું છે. અચાનક એ થોડું મોટેથી ચિલ્લાઈ, 'કૌશલ....'

(વધુ આવતા રવિવારે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.