પ્રેમ કર્યો તો ડરવું શું?

21 Feb, 2016
12:00 AM

mamta ashok

PC:

પ્રેમ વિશે નાનપણથી એક બાબત એવી મનમાં ઠસાવાયેલી કે, યુવાનીમાં યુવક અને યુવતીને પ્રેમ થઈ જાય, એ અત્યંત તુચ્છ અને હીન બાબત કહેવાય અને સામાન્ય માણસોથી પ્રેમ જેવી હરકત કરી શકાય નહીં. મનમાં ઠસાવાયેલી આ વાતને કારણે જ સ્કૂલેથી આવતા-જતાં કોઈક પ્રેમી યુગલ બેસેલું દેખાય કે બાઈક પર જતું દેખાય તો મનમાં સુગ જેવી થઈ આવતી કે, ‘હાય હાય… આ તો જુઓ, કેવું હીન કૃત્ય કરી રહ્યા છે.’ એમાંય સમાજમાં જો ઇન્ટરકાસ્ટ પ્રેમ લગ્ન વિશેનો કોઈક કિસ્સો વહેતો થાય તો હાહાકાર મચી જતો જાણે એ બે પ્રેમીઓએ કોઈ મોટો ગુનો કરી નાંખ્યો હોય. જોકે, આ તો ત્યારની વાત જ્યારે મનમાં આવી બધી બાબતો પ્રત્યેની સમજણ નહોતી. પછી તો જેમ જેમ મોટા થયાં એમ સમજ વધતી ગઈ, દૃષ્ટિકોણ કેળવાતો ગયો અને પ્રેમ વિશેની માન્યતાઓ બદલાતી ગઈ.

સમજણાં થયા પછી પ્રેમ જેવા તત્ત્વ પ્રત્યે માન તો વધ્યું પરંતુ જીવનમાં એવું ક્યારેય ધાર્યું નહોતું કે, ક્યારેક આપણને પણ પ્રેમ થઈ જશે અને આપણેય એ ખટમધુરી લાગણીઓમાં હિલ્લોળા લઈશું. પ્રેમ પ્રત્યે માન હોવા છતાં પ્રેમ નહીં કરવા પાછળનું કારણ એક જ કે, મારી સમજણ ભલે કેળવાઈ હોય, પરંતુ મારા ઘરના સભ્યો અને મારા વડીલો હજુ પણ પ્રેમને એટલા જ તિરસ્કારથી જોતા હતા અને વડીલોની ખફગી વહોરીને મારે એવું કોઈ કૃત્ય કરવું ન હતું એટલે આ બાબત માટે મેં વિચારવાનું બંધ જ કરી દીધેલું.

જોકે, આ તો પ્રેમ છે. દિલ કંઈ આપણું ધાર્યું થોડું કરે? એ તો એ જ કરે જે એણે કરવું હોય! પેલું ગીત છેને કે, ‘દિલ કા કહેના હમ સબ માને, દિલ ન કીસી કી માને…’ કંઈક એ જ રીતે મારા ઘરના લોકોની માનસિકતા મને ખબર હોવા છતાં હું પ્રેમમાં પડી ગઈ. દિલને જ્યારે પ્રેમની લાગણીઓનો અહેસાસ થવા માંડેલો ત્યારે પણ મેં દિલની ખૂબ ટોકેલું અને રોકેલું, જાતને લાખ સમજાવેલી, પણ મારું ધાર્યું ન થયું એ ન જ થયું.

હું અને અલ્પેશ એક જ ક્લાસમાં ભણતાં અને નામના મૂળાક્ષરો એકસરખા હોવાને કારણે અમારા રોલ નંબર પણ આગળ પાછળ રહેતા, જેના કારણે પરીક્ષામાં અમારે આગળ-પાછળ બેસવાનું આવતું. ફર્સ્ટ યરની પહેલી પરીક્ષા સુધી તો બધુ સમુંસૂતરું હતું, પરંતુ પહેલી પરીક્ષામાં ચાલુ પેપરે નાની-મોટી પૂછપરછ કરવાને કારણે અમારી વચ્ચે બોલચાલના સંબંધ વિકસ્યા, જે સંબંધ પાછળ જતાં મિત્રતામાં પરિણમ્યો અને એ જ સંબંધ પછી પ્રેમમાં પરિણમ્યો. કૉલેજના બીજા વર્ષમાં પ્રવેશીએ એ પહેલાં તો અમે એકબીજાના ગાઢ પ્રેમમાં પડી ગયેલા અને પછી પૂરાં બે વર્ષ અમે કૉલેજ અને અમારી લવલાઇફને એન્જોય કરી.

એ બે વર્ષ દરમિયાન અમે ખૂબ સાવચેતી પણ રાખતા કે ક્યાંક અમને કોઈ જોઈ નહીં જાય અને નાહકનો બખેડો નહીં થાય. પ્રેમ કરવાની સાથોસાથ અમે ચિંતા ને ચિંતામાં અનેક વખત જીવ પણ બાળ્યો છે કે, અમારા લગ્ન થશે કે નહીં? અને આજીવન એક રહી શકીશું કે નહીં?

અમારું ગ્રેજ્યુએશન પત્યું ત્યારે પરીક્ષાના રિઝલ્ટની ચિંતા કરવા કરતા વધુ ચિંતા અમે અમારી લાઇફની કરેલી કારણ કે ગ્રેજ્યુએશન પૂરું થઈ જવાને કારણે મારા ઘરે ‘સારા’ મૂરતિયાની શોધ શરૂ થઈ ગઈ હતી. જોકે, અલ્પેશના ઘરે આ બાબતે કોઈ તકલીફ ન હતી. તેઓ મને સ્વીકારવા પણ તૈયાર હતા.

આખરે મેં અને અલ્પેશે નક્કી કર્યું કે, અમારે ભાગીને લગ્ન કરી લેવાં, જેથી થોડા દિવસ કે મહિના સુધી તણાવ જરૂર રહેશે, પરંતુ અમારા જીવનની બાબતે અમને કાયમી શાંતિ થઈ જશે. મારા વડીલોએ મને ગળામાં મોંઘી ચેન, હાથમાં સોનાની વીંટી અને ચારેક બંગડી પહેરાવી હતી, પણ મારે મારા ઘરેથી કશું જ લઈ જવું ન હતું એટલે એક રાત્રે મેં મારા શરીર પરના એ તમામ ઘરેણાં ઉતારી લીધાં. બીજા દિવસે સવારે મારી માતાની મારા શરીર પર નજર પણ પડી, પરંતુ મેં કહ્યું, ‘આજે અમે બધાં કૉલેજ ફ્રેન્ડ્સ છેલ્લી ટ્રિપ માટે વૉટરપાર્કમાં જઈએ છીએ. પાણીમાં આ બધાં ઘરેણાંનો બહુ ત્રાસ થઈ જાય એટલે કાઢી નાંખ્યાં. સાંજે ફરી પહેરી લઈશ.’

આટલું બોલીને હું મારી માને ભેટી પડી અને મહામહેનતે મેં મારા આંસુ અને ગળે બાઝી ગયેલા ડૂમાને અટકાવ્યા. પણ આ તો મારી જનની હતી, જેણે મને જન્મ આપ્યો હતો. એને હું કંઈ નહીં કહું તોય એ સમજી જાય!

આમ રોજ તો ભેટતી નથી…? આજે કેમ અચનક ભેટી? સાચું બોલ શું કરવા જઈ રહી છે? ક્યાંક કોઈની સાથે ભાગવાનું વિચારે છે?’

માની વાત હું ટાળી ન શકી અને મેં એને ‘હા’ કહ્યું. જોકે એ પણ જાણતી હતી કે, જો એ કોઈ ઊહાપોહ મચાવશે તો મારા માથે જબરી આફત આવી પડશે અને મારે મારા જ ઘરમાં કારાવાસ ભોગવવો પડશે. એટલે એ કંઈ બોલી નહીં અને જલદીથી રસોડામાં જઈને કંકાવટી લઈ અને શુકનના પૈસા લઈ આવી. ઘરનું કોઈક જોઈ નહીં જાય એમ એણે મારા કપાળે ચાંદલો કર્યો અને શુકનના પૈસા આપીને ઘરેથી વિદાય આપી.

બીજી તરફ અલ્પેશે બધી તૈયારી કરી રાખી હતી એટલે અમે ઝડપભેર કોર્ટમાં જઈને લગ્ન કરી લીધાં અને પછી એના પરિવારજનોની હાજરીમાં મંદિરમાં ધાર્મિક વિધિથી લગ્ન કરી લીધા. રાત સુધીમાં હું ઘરે નહીં પહોંચી એટલે ઘરે હોહા પણ થઈ અને એમને ખબર પડી કે, મેં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં છે એટલે એમણે મારી સાથેના સંબંધ પણ પૂરા કર્યાં. જોકે, મા સાથે મેં વાતચીત ચાલુ રાખેલી અને વારતહેવારે હું એમને મારા ખબર અંતર આપતી રહેતી પરંતુ પાંચ વર્ષે મારા ઘરે જ્યારે મારું પારણું બંધાયું ત્યારે મારા પિતાકાકા અને ભાઈ મને લેવા આવ્યા અને અશ્રુભીની આંખે તેઓ મને મારા પિયર લઈ ગયા. અમે પરણી ગયેલા ત્યારે ભલે અમારો પ્રેમ સફળ થયો હશે પરંતુ જ્યારે મારા ઘરના લોકોએ મને મારા પ્રેમ સાથે સ્વીકારી લીધી ત્યારે મારો પ્રેમ સંપૂર્ણ બન્યો અને મને એ વાતની અનહદ ખુશી છે.

(અલ્કા પટેલ, ભાવનગર)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.