એક પ્યાર કા નગ્મા હૈ...
નાનાં હતા ત્યારથી આપણે નક્કી કરેલું કે, આપણે તો લવ મેરેજ જ કરવા છે. અને પ્રેમ નહીં થાય તો આજીવન એકલા જીવવું છે, પણ સાંજને ટાણે કોઈ ગાયને ખૂંટે બાંધી દેવાય એમ નહીં ગમતા કે ઓળખાણ વિનાના પાત્ર સાથે બંધાઈ જવું નથી. જોકે નાની હતી ત્યારે આ સમજણ ન હતી. પરંતુ જેમ જેમ વાંચતી ગઈ અને ફિલ્મો જોતી ગઈ એમ આ બાબતે હું સ્પષ્ટ થતી ગઈ કે, દેશમાં કરોડો લોકો એરેન્જ મેરેજ કરીને સુખી થયાં હોવા છતાં મારે એરેન્જ મેરેજ નથી કરવા. કારણ કે, મારે તો પ્રેમ કરવો હતો, કોઈને ભરપૂર ચાહવું હતું અને એને પૂરો જાણીને એની સાથે લગ્ન કરવા હતા.
લગ્ન બાદનો પ્રેમ મને હંમેશાં પરાણે કે નછૂટકે કરાયેલો પ્રેમ લાગ્યો છે. અને એના વિશે જ્યારે વિચારું છું ત્યારે જ મને ગૂંગળામણ થઈ આવે છે. તો અનુભવવાની તો વાત જ દૂરની! જોકે એનો અર્થ એ પણ નહીં કે, પ્રેમ કરવાની ઈચ્છા હતી એટલે કોઈ પાત્ર શોધવા માટે આમતેમ વલખા મારવા કે, રસ્તે જે રૂપાડું જડે એની સાથે પ્રેમ કરી નાંખવો. કૉલેજના વર્ષોમાં મેં એ પણ નક્કી કરેલું કે, જો સહજતાથી પ્રેમ થઈ જાય તો કોઈ વ્યક્તિને લખલૂટ પ્રેમ કરવો છે. અને જો સહજતાથી પ્રેમ નહીં થાય તો જાત સાથે બળજબરી નથી કરવી.
પણ પેલું કહેવાયુ છે ને કે, તમને કંઈક કરવાની દિલથી ઈચ્છા હોય તો તમને તમારી ગમતી પ્રવૃત્તિ કરવાની મોકળાશ આપવા બ્રહ્માંડની તમામ શક્તિઓ કામે લાગી જાય છે! તો બાપા આ તો દિલની જ વાત હતી, જેને મેં ખરા દિલથી ચાહેલી! તો મને પ્રેમ નહીં થાય એવું બને ખરું? પણ થયો… મને પ્રેમ પણ થયો અને મેં એની મજા પણ ખૂબ માણી. અને એટલે જ આજે લખી રહી છું એ કહાણી!
જોકે મને પ્રેમ કરવાની ખેવના હતી, છતાં પ્રેમની શરૂઆત મેં નહીં કરેલી એ પણ એક મોટું આશ્ચર્ય છે. જેની સાથે પ્રેમ થયો એ વ્યક્તિ દિવસો સુધી દીઠી નહોતી ગમતી. તો એની સાથે પ્રેમ તો ક્યાં કરવા જવાના? વિરલ એનું નામ. કૉલેજમાં સાથે જ ભણતો અને ભણતરની બાબતે અમારી વચ્ચે ચડભડ થઈ ગયેલી. ક્લાસમાં બેસીને ભણતા હતા ત્યારે પ્રોફેસરે કોઈક સવાલ પૂછેલો અને અમે બંનેએ જુદાં જુદાં જવાબો આપેલા. પહેલા મેં જવાબ આપેલો એ ખોટો હતો અને પછી એણે ઊભા થઈને જવાબ આપેલો એ સાચો હતો.
પ્રોફેસરે જ્યારે એના સાચા જવાબને વખાણેલો ત્યારે એ મારા તરફ જોઈને ખંધું હસેલો. એનું એ હાસ્ય મને એવું બાળી ગયેલું કે, એ ઘડીથી એ મારી સામે ફરકે કે મનમાં એનો વિચાર સુદ્ધાં આવે તો મારામાં કશુંક ચચરવા માંડતું. ઓછામાં નસીબ એટલા વાંકા કે પ્રેક્ટીકલ લેબમાં અમારા નંબર પણ આજુબાજુમાં આવેલા એટલે એ સાવ બાજુમાં ઊભો રહીને પ્રેક્ટીકલ્સ કરતો.
એને એ વાતની ખબર હતી કે, મને એના પર તિરસ્કાર છે એટલે એ જાણીજોઈને મારી બાજુમાં ઊભો રહીને એની સ્માર્ટનેસ બતાવતો અને મને વધુ ચીઢવતો. જોકે એ જે કોઈ હરકત કરે એને હું અવગણતી અને એવું બિહેવ કરતી જાણે એની હાજરીથી મને કોઈ ફરક જ નથી પડતો. કોઈક વાર એ જાણી જોઈને પ્રેક્ટીકલના સાધનો નહીં લાવતો અને પછી મારી પાસે મારા સાધનો માગીને એ પ્રેક્ટિકલ કરતો. અને હું બાઘાની જેમ એમ જ ઊભી રહેતી.
એક દિવસ એને શું ભૂત ભરાયું કે, એણે મારી પાસે મારો મોબાઈલ નંબર માગ્યો. એની આ હિંમતથી હું એના પર ભડકી ઊઠી અને વિરલને બરાબરનો લઈ કાઢ્યો. જોકે એ સમયે એણે કોઈ પ્રતિભાવ નહીં આપ્યો અને મારા તરફ જોઈને માત્રા મલકાયા કર્યું. એનું એ હાસ્ય અને મીઠી નજર એ દિવસે મને પીગળાવી ગયેલા એ વાત હું સ્વીકારું છું. કારણ કે, એ હાસ્યમાં માત્ર હાસ્ય નહીં પણ કોઈક ગજબ સંદેશ પણ હતો.
બીજા દિવસે એણે ફરી એ જ કરતૂત કરી અને મારી પાસે મારો મોબાઈલ નંબર આપ્યો. આ વખતે હું શાંત હતી એટલે મેં કહ્યું,
‘શું કરીશ નંબરનું?’
‘સોરી કહેવું છે.’ એણે કહ્યું.
‘તો એના માટે નંબરની શું જરૂર. એમ જ કહી દે.’
‘ના મારે તો ફોન પર જ મેસેજમાં સોરી કહેવું છે.’
મારે એની સાથે બહુ મગજમારી નહોતી કરવી અને આખરે એ સારા ઘરનો હોશિયાર છોકરો પણ હતો એટલે નંબર લઈને એ એનો દુરુપયોગ કરે એમાનો ન હતો. મેં એને મારો નંબર આપ્યો. એણે કહ્યું, ‘ક્યારે મેસેજ કરું?’ મેં કહ્યું, ‘હમણા જ કર અને વાત પતાવ.’
‘મારે વાત પતાવવી નથી.’ એણે કહ્યું.
‘તો?’
‘હવે તો વાત શરૂ કરવી છે. અને એ પણ કંઈક નવી નક્કોર વાત.’ એ કંઈક ગેબી હસ્યો. પણ કોણ જાણે કેમ એનું એ હાસ્ય અને એની વાત મને ખૂબ ગમી ગયા. મને જાણે એનામાં વિશ્વાસ બેસી ગયો. અને કોણ જાણે કેમ મારાથી પણ એ સમયે મલકી પડાયું.
એ દિવસે અમે ત્યાંથી છૂટાં પડ્યાં પછી થોડાથોડા સમયના અંતરે મારી નજર મારા મોબાઈલ પર જતી. સ્ક્રીન પર મેસેજ બ્લીંક થયો છે કે નહીં એ જોતી રહેતી અને ક્યારેક એ મારી સામેથી પસાર થઈ જાય તો હું શરમાઈ જતી.
લાઈફમાં અમુક બાબતે હું અત્યંત ચપળ એટલે મારી એ હલચલ જોઈને હું એ સમયે જ પામી ગયેલી કે, મને વિરલનું આકર્ષણ થવા માંડ્યું છે અને હું બીજા કોઈના નહીં, પરંતુ એના જ મેસેજની રાહ જોઈ રહી છું!
આખરે એ રાત્રે એનો મેસેજ આવ્યો, જેમાં એણે સોરી નહોતું કહ્યું, પણ મને પ્રપોઝ કર્યું હતું. અને સાથે જ એણે એ પણ લખ્યું હતું કે, એને મારા પ્રત્યે કેમ આકર્ષણ છે કે, એ મને એ કેમ આટલું બધુ ચાહે છે! એના એ લાંબાં મેસેજથી હું અત્યંત ગળગળી થઈ ગઈ અને મને વિરલ પ્રત્યે જે આકર્ષણ હતું એ આકર્ષણ એ પળથી જ પ્રેમમાં પરિવર્તિત થઈ ગયું. અને આખરે હું પ્રેમમાં પડી ગઈ!
ત્યાર પછી તો અમે એકબીજાને ખૂબ પ્રેમ કર્યો અને બને એટલો સમય સાથે રહ્યા. કૉલેજમાં તો અમે સાથે હોઈએ જ પરંતુ કૉલેજ સિવાય પણ અમે શૉપિંગ કે ફિલ્મો માટે સાથે જતાં. અમને બીજાઓનો બહુ ડર નહોતો એટલે અમે જે કરતા એ ખૂલ્લેઆમ જ કરતા અને અમારા ઘરના સભ્યોને પણ અમે એ વિશેની શરૂઆતમાં જ જાણ કરી દીધેલી, જેથી અમારા પ્રેમમાં કોઈ અડચણ નહીં આવે.
હવે, તમને એ ગુડ ન્યૂઝ પણ આપી દઉં કે આ વર્ષે જ મે મહિનામાં અમે લગ્નગ્રંથીથી બંધાવાના છીએ અને અમારા પ્રેમને લગ્નનું રૂપ આપીને બેમાંથી એક થવાના છીએ. તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓની અમને ખૂબ જરૂર છે. તો અમને શુભેચ્છા આપશોને?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર