પ્રેમ નામનો મહોત્સવ

17 Jul, 2016
12:00 AM

mamta ashok

PC:

હું અને પ્રેમ પહેલી વખત એક નાટ્ય ગૃહમાં મળેલા જ્યાં અમે બંને એકલા અમારું ગમતું નાટક જોવા ગયેલા. એ દિવસે અમારે એકલા એકલા એટલે નાટક જોવું પડેલું કે, એક તો મૂળે અમારા મિત્રોને નાટકોમાં ઓછો રસ અને એમાંય એ નાટક મેઈન સ્ટ્રીમ નાટક નહોતું એટલે અમારા મિત્રોએ અમારી સાથે આવવાની સાફ ના કહી દીધેલી અને શહેરમાં નાટકનો એક જ શૉ હતો એટલે અમે એકલા જ જવાનું નક્કી કરેલું.

આ દરમિયાન અમારો પહેલી મળવાનો જોગ ત્યારે બનેલો, જ્યારે નાટકમાં ઈન્ટરવલ પડેલો. ઈન્ટરવલ થયેલો ત્યારે મોટાભાગના લોકો એમની કંપની સાથે બહાર નીકળી ગયેલા. પરંતુ અમારી સાથે કોઈ કંપની નહોતી એટલે અમે બહાર નીકળ્યાં નહોતા. નસીબજોગે અમે બંને એક જ રૉમાં બેઠા હતા એટલે અમને મળેલી વીસેક મિનિટમાં અમે એકબીજા તરફ જોયું અને એકબીજાને સ્માઈલ આપી.

ફરી નાટક શરૂ થયું એટલે અમે ફરી નાટકમાં પરોવાઈ ગયા, પરંતુ નાટક પૂરું થયાં બાદ ફરી જોગાનુંજોગ અમે દાદર સભાગૃહના દાદર પર ભેગા થઈ ગયા. અમે ફરી એકબીજાને સ્માઈલ આપી અને પ્રેમ વાતનો દોર એમના હાથમાં લઈ લીધો. ‘તમે પણ મારી જેમ એકલા જ નાટક જોવા આવ્યા?’

‘હા’ મેં કહ્યું.

‘આવા નાટકોમાં કંપની નથી મળતી. પણ આપણને ગમતા હોય એટલે કોઇ પણ ભોગે નાટક જોવું જ પડે.’ એણે કહ્યું.

‘સાચી વાત છે. મને પણ આવા નાટકો ખૂબ ગમે છે. હું મોટેભાગે આવા નાટકો ચૂકતી નથી.’

પછી અમારી વચ્ચે બીજી થોડીઘણી વાતો પણ થઈ, જે દરમિયાન અમે એકબીજાના નામ અને વ્યવસાય તેમજ શોખ જાણી લીધા. નાટક મોડી રાત્રે પૂરું થયું હતું એટલે એણે મને ઘરે મૂકી જવા કહ્યું. હું મારું મોપેડ લાવી જ હતી, પણ એક પુરુષ સાથે હોય તો સારું એ વિચારે મેં એને હા કહ્યું અને અમે બંને સાથે વાહન હંકારતા ઘરે ગયા. એ દરમિયાન પણ અમારી વચ્ચે થોડીઘણી વાતો થઈ અને અમે એકબીજાને થોડા વધુ જાણ્યા.

જોકે એ દરમિયાન જ અમારા બંનેની અંદર કશુંક બદલાવા માંડેલું અને અમને એકબીજા પ્રત્યે આકર્ષણ થવા માંડેલું. એ મને મૂકીને ઘરે પહોંચ્યો એટલામાં જ એણે ફેસબુક પર મને શોધી કાઢી અને મને એણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. બેડમાં પડીને ઉંઘવાનો પ્રયત્ન જ કરતી હતી ત્યાં મેં ફેસબુકનું નોટિફિકેશન જોયું અને મોબાઈલમાં ફેસબુક ચેક કર્યું ત્યાંએની ફ્રેન્ડ રિક્વેસ્ટ જોઈ.

ચહેરા પર શરમના શેરડા સાથે મેં પણ એ રિક્વેસ્ટ એડ કરી અને મેસેન્જર પર એને મેસેજ કર્યો કે, ‘આખરે મને શોધી જ કાઢી એમ ને?’ એણે મને જે જવાબ આપ્યો એ જવાબ વાંચીને હું અત્યંત રોમાંચિત થઈ ગઈ અને એના એ જવાબનો સ્ક્રીનશૉટ મેં આજે પણ મારી પાસે રાખી મૂક્યો છે. એણે મને કહ્યું કે, ‘તને તો શોધી કાઢી, પણ તને શોધીને હું ક્યાંક ભૂલો પડી ગયો છું એનું શું?’

એક તો આમેય મને એના પ્રત્યે થોડું આકર્ષણ થઈ રહ્યું હતું ત્યાં હું એણે આવું લખ્યું એટલે હું એના પ્રેમમાં પડી ગઈ અને એ જ દિવસથી અમારું પ્રેમ પ્રકરણ શરૂ થઈ ગયેલું. એક તો એનું નામ પ્રેમ મને ખૂબ ગમતું હતું, વળી, એ નાટક ઉપરાંત સંગીત અને ચિત્રકળાનો ચાહક અને મારાથી વધુ જાણકાર હતો અને શહેરની જ એક કૉલેજમાં લેકચરર હતો. વળી, કોઈ પણ છોકરીને ગમી જાય એવો એ સોહામણો તો હતો જ!

અમારા લવ અફેરને હજુ વર્ષ પણ નથી થયું, પણ પ્રેમ થયાં પછી બાકીના મહિના ક્યાં પસાર થઈ ગયા એની ખબર સુદ્ધાં ન પડી. જોકે હજુ સુધી અમે અમારા ઘરે આ વાતની જાણ નથી કરી, પરંતુ અમારા બંનેના ઘરના લોકોને આ બાબતે કોઇ વાંધો નહીં જ હોય એવો અમને વિશ્વાસ છે. હાલમાં તો અમે રોજ સાંજને સમયે ચોરીછૂપીથી મળીએ છીએ અને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીને અમારા પ્રેમને માણીએ છીએ.

(આકૃતિ પંડ્યા)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.