મુક્ત જીવન, મુક્ત પ્રેમ
પ્રેમનું તો એવું છે ને એ ગમે એ ઉંમરે અને ગમે એ જગ્યાએ થાય. જેમ પ્રેમમાં પડેલી વ્યક્તિનું કોઈ ઠેકાણું નહીં હોય એમ પ્રેમનું પણ કોઈ ઠેકાણું નહીં હોય. જોકે, પ્રેમ જેવા શબ્દની વ્યાખ્યાઓ અંગે મને હંમેશાં વાંધો રહ્યો છે. કારણ કે, પ્રેમ શબ્દ અત્યંત વિશાળ અનુભૂતિ ધરાવે છે અને આપણે એને અત્યંત સંકુચિત કરી દીધો છે. પ્રેમ જેવું તત્ત્વ તો માણસ અને પ્રકૃતિ કે પ્રાણી અને માણસ વચ્ચે અથવા માણસોમાં પણ બે પુરુષો (બાપ-દીકરો અથવા બે ભાઈઓ! યુ ડર્ટી માઈન્ડ!) કે બે સ્ત્રીઓ (મા-દીકરી કે બે બહેનો વચ્ચે) પણ હોઈ શકે. પરંતુ આપણે એને સંકુચિત કરીને એક સ્ત્રી અને એક પુરુષ પૂરતો મર્યાદિત કરી દીધો! પણ ખૈર વાંધો નહીં. જોકે, આપણે આપણી જાતને એ બાબતે લકી સમજવા જોઈએ કે આપણી ભારતીય ભાષાઓ (ગુજરાતી, હિન્દી, મરાઠી, સંસ્કૃત)માં સ્ત્રી અને પુરુષ વચ્ચે આકાર લેતી કૂણી લાગણીઓને માટે પ્રણય જેવો શબ્દ છે પરંતુ અંગ્રેજી પાસે એક માત્ર લવ શબ્દ છે, જેનો ઉપયોગ તેઓ દરેક પ્રેમ માટે કરી લેતા હોય છે.
મને પ્રેમ બહુ મોડો થયો. બહુ મોડો એટલે બહુ મોડો. છેક જીવનના પાંચમે દાયકે! પચાસ વર્ષની ઉંમરના માણસ માટે અખબારો 'આધેડ' જેવો બોગસ શબ્દ વાપરે છે. પચાસેક વર્ષની ઉંમરની કોઈક વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો અખબારવાળાઓ એમની ન્યૂઝ આઇટમનું ટાઇટલ કંઈક આમ રાખશે, 'ટ્રક અને કારની અડફટમાં એક આધેડનું મોત.' આવે સમયે મને એમ પૂછવાનું મન થઈ આવે કે, ભલા તમે કઈ રીતે નક્કી કર્યું કે એની ઉંમર આધેડ વયની હતી? જોકે, આપણે તો પ્રેમ પર હતા. પ્રેમની વાતો થતી હોય ત્યાં આ બધી ભાષાની પળોજણમાં ક્યાં પડવા બેસવાના?
વિદ્યાર્થી હતો ત્યારથી હું સાથી વિદ્યાર્થીઓ કરતા પ્રમાણમાં થોડો વધુ પરિપક્વ હતો. કૉલેજમાં ગયો ત્યાર સુધીમાં તો મેં જાણે મારી દુનિયા જ અલગ કરી લીધેલી અને સતત સંગીત, પુસ્તકો અને ચિત્રોની દુનિયામાં ખોવાયેલો રહેતો. આર્ટ્સના વિદ્યાર્થી હતા એટલો કૉલેજમાં ઝાઝું જવાનું નહીં અને આખો દિવસ ઘરના મારા ઓરડાને બંધ કરીને પુસ્તકો, સંગીત ને ચિત્રોની સંગતમાં દિવસ પસાર કરવાનો. એમને એમ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી ક્યારે પૂરું થઈ ગયું એનીય ખબર નહીં પડી. સાથે જ વાચનની બાબતે પણ પન્નાલાલ પટેલ અને ચંદ્રકાંત બક્ષીની સાથોસાથ હું તોલસ્તોય અને વેલ્સ જેવાઓને ક્યારે વાંચતો થઈ ગયેલો એનીય ખબર નહીં રહી.
પેટનો ખાડો પૂરવો અને પુસ્તકોના ખર્ચાને પહોંચી વળવા માટે કમાવું અત્યંત જરૂરી હતું અને મારી જ કૉલેજના આચાર્યની એવી ઈચ્છા હતી કે હું અમારી જ કૉલેજમાં લેકચરર તરીકે જોડાઉં. આમ પણ કૉલેજનો સમય બપોર સુધીનો હતો એટલે આપણને કોઈ હરકત નહોતી. આમ તો ભણતો હતો ત્યારથી જ મેં નક્કી કરેલું કે, જીવનમાં નાહકની જવાબદારીઓ લઈને ગૂંચવાઈ નથી જવું. એના કરતાં મુક્ત રહેવું છે અને પોતાની શરતે જીવીને હરવું-ફરવું કે લખવું-દોરવું છે અને મારી આ માન્યતા હું જેમ જેમ વિકસતો ગયો એમ વધુને વધુ દૃઢ થતી ગઈ અને હું મારી મુક્તતાને માણતો ગયો. ખૂબ વાંચ્યું, ખૂબ ફર્યો, ખાધું પીધું અને પોતાની જ એક અલાયદી દુનિયામાં રાજ પણ કર્યું.
પરંતુ ટર્નિંગ પોઇન્ટ આવ્યો જીવનના પચાસમાં વર્ષે, જ્યારે અમે નમ્રતા ભટકાઈ ગઈ. નમ્રતા મને ખરા અર્થમાં માથાની મળેલી કહેવાઈ, જેણે ગણતરીના દિવસોમાં મારા બધા આયોજનો અને મારી બધી માન્યતાઓનો ભુક્કો કરી દીધેલો. મૂળે બંગાળી એવી નોમ્રતા બદલી લઈને અમારી કૉલેજમાં લેકચરર તરીકે આવેલી. બંગાળી હોવાને કારણે એને પણ સંગીત અને સાહિત્યનો ખૂબ શોખ. મારી જેમ જ વાંચે પણ ખરી અને લખે પણ ખરી અને સંગીત સાંભળે પણ ખરી અને સુંદર રીતે ગાઈ-વગાડી પણ શકે. અમારી પહેલી મુલાકાત થઈ યુનિવર્સિટી યૂથ ફેસ્ટિવલની તૈયારીઓ દરમિયાન. અમારી કૉલેજના વિદ્યાર્થીઓ યૂથ ફેસ્ટની વિવિધ કેટેગરીઓમાં ભાગ લેવાના હતા અને મારે દર વર્ષની જેમ એ વિદ્યાર્થીઓને તૈયાર કરવાના હતા.
અમારી કૉલેજ કહેવાની આર્ટ્સ કૉલેજ, જેમાં વિદ્યાર્થીઓ તો ઠીક પરંતુ વર્ષોથી સાહિત્ય ભણાવતા અધ્યાપકોને પણ કલા-સાહિત્યમાં કોઈ રસ રુચિ નહીં પરંતુ યુવાન વિદ્યાર્થીઓ દર વર્ષે ભારે ઉત્સાહભેર યુવકમહોત્સવોમાં ભાગ લે અને હું એમના ઉત્સાહમાં વધારો કરવા એમની પડખે ઊભો રહું. કૉલેજમાં નવી જોડાયેલી નમ્રતાને પણ ખબર પડી કે વિદ્યાર્થીઓએ કાવ્ય પઠન, કાવ્ય લેખન, સમૂહ નૃત્ય કે લોકનૃત્ય જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે એટલે પણ અમારી સાથે જોડાઈ અને કંઈક આ રીતે અમારી પહેલીવાર મુલાકાત થઈ. તમને થશે કે એક જ સ્ટાફમાં હોવા છતાં આ રીતે કેમ પહેલી મુલાકાત થઈ? પણ તમારી જાણ ખાતર કહી દઉં કે, લેક્ચર નહીં હોય તો હું સીધો લાઇબ્રેરીમાં જ મળું અને આ કારણે જ આચાર્યએ લાઈબ્રેરીમાં મારી બેસવાની વ્યવસ્થા ગોઠવી આપેલી.
પહેલી વાર જ્યારે એ મને મળી ત્યારે એણે મને નોમ્રતા મુખરજી એવી એની ઓળખાણ આપી. એ બંગાળી હતી એટલે આ વખતે મેં એનો લાભ લેવાનું નક્કી કર્યું અને બાળકોને બાઉલ નૃત્ય અને રવીન્દ્ર સંગીતની કૃતિઓ શીખવવાનું અમે નક્કી કર્યું. લેકચર્સ પતાવીને વિદ્યાર્થીઓ સાથે અમે બધા કૉલેજના એમ્ફી થિયેટરમાં ભેગા થઈએ અને પછી સાંજ સુધી અમે સંગીત, નૃત્ય અને ચ્હા સિગારેટના માહોલમાં જલસા કરીએ. અહીં કોઈએ એવું વિચારવાની જરૂર નથી કે, અમે બધા છોકરીઓ કે નમ્રતાની સામે સિગારેટ પીતા પરંતુ હું અને બૉય્ઝ વચ્ચે વચ્ચે ક્યાંક આઘાપાછા થઈ જઈએ અને થોડા કશ લગાવીને ફરી પરફોર્મ કરીએ.
આમને આમ લગભગ મહિના સુધી ચાલ્યું. હું અને નમ્રતા બધા વિદ્યાર્થીઓની વચ્ચે જ બેસતા અને યૂથ ફેસ્ટિવલ ઉપરાંત બંગાળી અને ગુજરાતી કલ્ચર, બંને રાજ્યોના સાહિત્ય, નાટકો અને સંગીતની ચર્ચાઓ કરતા. એનું વાંચન અને રસના વિષયો પણ ઘણા સમૃદ્ધ હોવાને કારણે થોડા જ દિવસોમાં મને એની સાથે ફાવી ગયું અને સાચુ કહું તો લગભગ ત્રણેક દાયકા પછી કોઇક સાથે મારી મિત્રતા બંધાઈ. આટલા લાંબા ગાળા સુધી કોઈની સાથે મિત્રતા નહીં બંધાવાનું કારણ માત્ર એક જ હતું કે, મને બુદ્ધિની બાબતે સક્ષમ મિત્રો જોઈતા હતા અને એ નહીં મળવાને કારણે જે મેં પુસ્તકો અને સંગીત સાથે મૈત્રી કરી.
પરંતુ નમ્રતાની બાબતે કંઈક અલગ થયું અને મને એની સાથે ખૂબ ફાવી ગયું. એ જ ગાળામાં અમારે યૂથ ફેસ્ટિવલ માટે યુનિવર્સિટી જવાનું થયું અને અમારે ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓ સાથે રહેવાનું થયું. વિદ્યાર્થીઓ તો એમની સ્પર્ધાઓમાં વ્યસ્ત હોય અને એ સમય દરમિયાન મોટા ભાગનો સમય અમારે સાથે રહેવાનું બન્યું, જેને કારણે અમે થોડા વધુ નજીક આવ્યા અને અમને એકબીજાને વધુ ઉંડાણથી જાણવાની તક મળી. કામને કારણે પણ અમે અમારા નંબર્સની આપ-લે તો કરી જ દીધી હતી પરંતુ અમારા શહેરમાં આવ્યા બાદ અમે ચ્હાની લારીઓ પર કે કૉફી શૉપમાં જઈને ચર્ચાઓ કરવાનું શરૂ કર્યું અને બાકીના સમયમાં અમે લાઇબ્રેરીમાં બેસવાનું શરૂ કર્યું. મજાની વાત એ કે, અમને બંનેને કવિતાઓમાં ઓછી અને નવલકથાઓ અને ફિલોસોફીમાં વધુ રસ હતો. આ કારણે વિશ્વ સાહિત્યમાં અમારા પ્રિય લેખકો પણ એકસરખા હતા.
અમારી વાતોમાં અમારા અંગત જીવનની વાતો ભાગ્યે જ આવતી પરંતુ વાત વાતમાં મને એટલું જરૂર જાણવા મળ્યું કે એ પણ મારી જેમ અપરિણીત જ હતી અને એણે પણ બિલકુલ મારી જેમ જ સ્વતંત્ર જીવન જીવવાનું નક્કી કરેલું. પણ અમને બંનેને હવે ખ્યાલ આવી રહ્યો હતો કે, હવે અમારી આ સ્વતંત્રતા બહુ ઝાઝી ટકવાની નથી પણ અમને પ્રેમ થયો કઈ રીતે? કોણે કર્યો પહેલી વખત એકરાર? વાત લાંબી છે, એટલે આવતા રવિવારે વાત.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર