ઝરુખેથી એકમેકના દિલથી
ગયા રવિવારે આપણે વાત કરતા હતા મારી અને સોનલની લવસ્ટોરી વિશે. સોનલ રોજ સાંજે બાલકનીમાં બેસતી અને હું એ બાલકનીની સામેની તરફ આવેલી ચ્હાની ટપરી પર ચ્હા પીવા જતો. સૌથી પહેલા મારી એના પર નજર પડેલી અને ત્યાર બાદ સોનલ પણ મને જોતી અને એમ ને એમ અમારી નજર મળી ગયેલી. અમે એકબીજાને પ્રેમ કરતા તો થઈ ગયેલા પરંતુ અમે એકબીજા સાથે ક્યારેય કોઇ વાત નહોતી કરી. અરે, અમને એકબીજાના નામ પણ નહોતા ખબર! પણ વાતની શરૂઆત કરવી કઈ રીતે? અત્યાર સુધી જેને નજરોથી નિહાળી હતી એને ઈશારો કરીને નીચે બોલાવવામાં પણ અવઢવ થઈ રહી હતી. વળી, નીચે અમને કોઈએ જોઈ લીધા તો? સોનલ તો ત્યાં જ રહેતી હતી, જો અમને કોઈ જોઈ જાય તો મોટી આફત આવી પડે અને જ્યાં વાતની શરૂઆત જ ન થઈ હોય ત્યાં એને ક્યાંક દૂર મળવા પણ કઈ રીતે બોલાવી શકાય?
આ અવઢવ ચાલતી જ હતી ત્યાં એક સાંજે સોનલે સામેથી મારી તરફ હાથ હલાવ્યો અને મને ઈશારો કરીને બતાવ્યું કે, તે એક ચીઠ્ઠી નીચે ફેંકી રહી છે. હું સમજી ગયો કે, મારે એ ચીઠ્ઠી લઈ લેવાની છે. થોડી જ ક્ષણોની આ વાત હશે, પરંતુ એટલામાં તો મારા મનમાં કંઈ કેટલાય વિચારો આવી ગયા કે સોનલે એમાં શું લખ્યું હશે?
થોડી જ ક્ષણોમાં એણે ચીઠ્ઠી નીચે ફેંકી અને કોઈ ન જુએ એમ મેં એ ચીઠ્ઠી વણી લીધી. એ ગાળામાં મેં મારા કલિગ્સને પણ અમારી ઝરુખાવાળી મૌન લવસ્ટોરી વિશે જણાવી રાખ્યું હતું, જેના કારણે ચીઠ્ઠીકાંડ વખતે મને એમનો સાથ પણ મળી રહ્યો. ચીઠ્ઠી હાથમાં લઈને મેં એને સ્માઈલ આપી અને દોસ્તો સાથે મારતે ઘોડે ઓફિસ પહોંચ્યો.
ચીઠ્ઠીમાં સોનલે માત્ર એનું નામ લખ્યું હતું અને નામની સાથે લખ્યો હતો એનો નંબર! પહેલા તો મને થોડો ખચકાટ થયો અને ડર પણ લાગ્યો કે, ક્યાંક સોનલે કોઈક ભળતો નંબર નહીં લખ્યો હોય! ક્યાંક એના પપ્પા કે ભાઈ અથવા અન્ય કોઈનો નંબર લખ્યો હોય અને એમણે મારી ભાળ મેળવવા માટે આવું કર્યું હોય તો? થોડી વારમાં કંઈ કેટલાય વિચારો આવી ગયા, પરંતુ સોનલની રોજની એ સ્માઈલ પર મને ઘણો ભરોસો હતો એટલે મેં એ નંબર પર મેસેજ કર્યો અને એ પણ મારી રાહ જોઈને જ બેઠી હોય એમ તરત એણે રિપ્લે કર્યો. એનો હાઈનો રિપ્લે આવ્યો તરત જ મેં એને પ્રપોઝ કર્યું અને દિલમાં ગભરાટ હોવા છતાં મેં એને ‘આઈ લવ યુ સોનલ’ કહી કીધું. એણે પણ એક સ્માઈલી સાથે મને ‘આઈ લવ યુ ટુ’નો મેસેજ કર્યો અને ગણતરીની મિનિટોમાં અમે એકબીજાના થઈ ગયા.
પછી અમે આખો દિવસ ચેટ કરતા અને લાગ જોઈને શહેરથી દૂર ક્યાંક એકાંતમાં મળતા પણ ખરા. છ-સાત મહિના સુધી આ રીતે અમારી લવસ્ટોરી ચાલી હશે. ત્યાં એક દિવસ સોનલે એના પપ્પાને અમારા પ્રેમ વિશેની વાતો કરી. સોનલ એના પિતાની એકની એક દીકરી હતી અને પિતાને ખૂબ લાડકી હતી એટલે માત્ર એને એટલું જ પૂછ્યું કે, તું સુખી તો રહી શકીશ ને? અને સોનલે એનો જવાબ ‘હા’માં આપતા જ એક દિવસ સારું મુહૂર્ત જોઈને એના પિતા અને કાકા અમારે ત્યાં એનો સંબંધ લઈને આવ્યા.
જોકે મેં પણ મારા ઘરે કહી રાખ્યું હતું અને અમારે ઘરે પણ લવ મેરેજ બાબતે કોઈ પ્રશ્નો કે વિવાદ નહોતો એટલે અમારે ત્યાં સોનલના પિતા અને કાકાનું ખૂબ સ્વાગત કરાયું અને અમારો સંબંધ નક્કી કરીને છએક મહિનાના ગાળામાં અમે પરણી પણ ગયા. તો આ હતી અમારી લવસ્ટોરી. મજા આવી?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર