સગપણથી સ્વજન સુધી (1)

09 Apr, 2017
12:00 AM

PC: shutterstock.com

હું અને મયૂર પ્રેમમાં પડ્યા એ સમય મારા જીવનનો કપરામાં કપરો સમય હતો. અને અમારા પ્રેમમાં પડ્યા પછી અમારું એક થવું એથી પણ મુશ્કેલ હતું. આખરે અમારી લવ સ્ટોરી જ એવી હતી, જેમાં અમારું એક થવું લગભગ અશક્ય અને અત્યંત ક્ષોભજનક હતું.

વાત વિગતે માંડું તો હું અને મયૂર બંને કઝીન માસીના સંતાનો. એટલે કે મયૂરના મમ્મી અને મારા મમ્મી સગા માસીની દીકરીઓ. એ રીતે અમારા બંને વચ્ચે પણ ભાઈ-બહેન જેવું સગપણ થયું અને નાનપણથી અમે એકબીજા સાથે ભાઈ-બહેનના સંબંધે જ રહ્યા. અલબત્ત વર્ષ દરમિયાન અમારું મળવાનું ઘણું ઓછું થતું. પરંતુ અમારા કોમન રિલેટિવ્ઝ હોય ત્યારે કે સુખ-દુઃખના પ્રસંગો હોય ત્યારે અમારું મળવાનું જરૂર થતું.

એવામાં થોડા વખતથી મારા પપ્પાની તબિયત ખરાબ થવા માંડી અને અમે ડૉક્ટર્સને મળીને રિપોર્ટ્સ કાઢ્યા તો ખબર પડી કે પપ્પાને કેન્સર છે! અને ડૉક્ટરે તો ત્યાં સુધી કહી દીધું કે, પપ્પા પાસે ખરેખર સમય ઓછો છે. મારી ઉંમર એ સમયે સત્તર વર્ષની અને મારી બહેન તો માત્ર બાર જ વર્ષની. એવામાં યુવાન કહી શકાય એવા પુરુષને બચાવવા માટે અનેક પ્રયત્નો થાય એ સ્વાભાવિક છે. અને પપ્પા કોઈ પણ રીતે બચી જાય એ માટે અત્યંત પ્રયત્નો કર્યા અને અમારાથી બનતું બધું કર્યું. પરંતુ દોઢેક વર્ષ સુધી પપ્પા નંખાતા જ ગયા, નંખાતા જ ગયા અને એક દિવસ એમણે અમને બધાને આવજો કહી દીધું.

પપ્પાની માંદગી દરમિયાન અમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એની યાદી તૈયાર કરવા બેસીએ તો ગણતા ગણાય નહીં એવી મુશ્કેલીઓ અમે વેઠી, જે દરમિયાન નાસીપાસ થઈને હારી જવાના કે જીવનમાંથી શ્રદ્ધા ગુમાવી બેસવાના પણ અનેક પ્રસંગો આવ્યા. વળી, મારી મમ્મીની નોકરી અમારા ઘરથી પચાસ કિમી દૂર અને મમ્મીની નોકરી જાય એ અમને કોઈ પણ ભોગે પરવડે એમ ન હતું. વળી, આવી લાંબી માંદગી હોય તો સગાં પણ કેટલી મદદ કરે? એટલે મમ્મી વહેલી સવારથી મોડી સાંજ સુધી નોકરીએ ગઈ હોય ત્યારે અમે બે બહેનો પપ્પાની પાસે રહીએ અને એમની ચાકરી કરીએ.

આ બધી જ મુશ્કેલીઓ દરમિયાન ક્યારેક કેટલાક સંબંધીઓ મદદે આવે અને અમારા કામમાં સહભાગી થાય. એવામાં મયૂર મારા માસી સાથે ઘરે આવતો અને પપ્પાના કપડા બદલાવવામાં કે એમની ચાદર અથવા યુરિનલ સાફ કરવામાં મદદ કરતો. છેલ્લા બે મહિના દરમિયાન, જ્યારે પપ્પાની હાલત એકદમ નાજૂક થઈ ગયેલી ત્યારે મયૂર સતત ત્યાં રહેતો. ક્યારેક તો રાત્રે પણ રોકાઈ જતો અને પપ્પાને કંઈક જરૂર પડે તો ઊઠીને એ આપતો.

એની હાજરનીને કારણે અમને ત્રણેય મા-દીકરીઓને ઘણી હૂંફ વર્તાતી અને ઘણી મદદ મળી રહેતી એ વધારાની. એ ગાળામાં અમારું સાથે રહેવાનું પણ ખૂબ બન્યું અને એકબીજાને જાણવાનું પણ ખૂબ બન્યું, જેને પગલે અમને બંનેને એકબીજા પ્રત્યે લાગણી જન્મી અને અમે બંને એકબીજાનું ખૂબ ધ્યાન રાખવા માંડ્યા. જોતજોતામાં અમને એકબીજા સાથે ક્યારે પ્રેમ થઈ ગયો એ વિશે અમે પણ જાણતા નહોતા. અને અમારો પ્રેમ અભિવ્યક્તિથી જોજનો દૂર હતો એટલે અમે બંનેએ એકબીજાને ક્યારેય પ્રપોઝ સુદ્ધાં ન કર્યું. વળી, એ સમય જ એવો હતો કે પ્રપોઝ કરવાની કે રોમાન્સ કરવાની અમારી પાસે કોઈ તક બચી નહોતી.

એવામાં એક વખત પપ્પાની તબિયત ખૂબ બગડી અને પપ્પા લગભગ કોમામાં ચાલી ગયા, જેના કારણે ઘરમાં અત્યંત તણાવનું વાતાવરણ સર્જાઈ ગયું. કારણ કે જે ઘડીને અમે છેલ્લાં દોઢ વર્ષથી ટાળતા હતા એ ઘડી આવી પહોંચી હતી. છેલ્લા દોઢ વર્ષથી ઘરના ઓટલે તંબુ તાણીને રાહ જોતું મૃત્યુ ઘરનો ઉંબર ઓળંગીને છેક પપ્પાના પલંગ સુધી આવી ગયું હતું. છેલ્લે છેલ્લે તો પપ્પા પણ જાણે પદ્ધતિસર જવા માગતા હોય એમ કોમામાંથી બહાર આવી ગયા અને થોડુંથોડું બોલીને અમારી સાથે વાત કરવા માંડ્યા. જોકે એ દરમિયાન એમને ખૂબ હાંફ ચઢતી અને વચ્ચે વચ્ચે તેઓ બેભાન પણ થઈ જતા. આખરે એ ઘડી આવી જ પહોંચી અને પપ્પાએ અંતિમ શ્વાસ લીધા અને તેઓ અમને ત્રણ સ્ત્રીઓને કોઈ પણ આધાર વિના એકલી મૂકીને જતા રહ્યા. 

પપ્પા ગયા ત્યારેય અમારા તમામ સ્વજનોમાં એક જ જણ અમારી ખૂબ નજીક હતો અને એ હતો મયૂર, જેણે અમને ખૂબ ધરપત આપી અને અમારી સાથે રહીને અમને હિંમત આપી. મેં તો પપ્પાનું શબ ઘરે હતું ત્યારે જ નક્કી કરી લીધું હતું કે, જે માણસ જીવનની સૌથી કપરી પરિસ્થિતીમાં સાથે રહ્યો છે એની સાથે જ હું જીવન પસાર કરીશ. પછી ભલે ગમે એ થાય અને દુનિયા ગમે એ કહે…  મયૂર મારો દૂરનો ભાઈ થતો એ વાત સાચી હતી, પણ સાથે એ વાત પણ એટલી જ સાચી હતી કે, એ મારું સૌથી નજીકનું સ્વજન હતું. જિંદગી વીતશે તો એની સાથે જ વીતશે એ બાબતે હું અત્યંત ક્લિયર થઈ ગઈ હતી.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.