સગપણથી સ્વજન સુધી (3)
પપ્પાને ગુજરી ગયા પછી લગભગ બે વર્ષ સુધી અમારું અફેર રહ્યું. એ દરમિયાન અમારો પ્રેમ અનેક ચઢાવ-ઉતારમાંથી પસાર થયો. અમારું મળવાનું તો બંધ થઈ જ ગયેલું. પરંતુ વચ્ચે દોઢેક મહિનાનો સમય તો એવો ગયો કે અમારા બંનેના ઘરેથી અમારા ફોન પર જપ્ત થયેલા અને મેસેજ કે ફોન પરની અમારી વાતો પણ બંધ કરી દેવાયેલી. અમારા જીવનનો કદાચ સૌથી મુશ્કેલ સમય એ હશે કે જે દરમિયાન અમે એકબીજા સાથે એકપણ શબ્દની આપલે નહોતી કરી.
જોકે એ સમય દરમિયાન લોકોએ અમારી વચ્ચે દૂરી બનાવવાનો પ્રયત્ન ભલે કર્યો હોય, પરંતુ અમારી વચ્ચેની નિકટતા વધુ ને વધુ ગાઢી થઈ રહી હતી. એ ગાળામાં કુદરતી રીતે અમારા બંનેનો ખોરાક ઓછો થઈ ગયેલો અને જીવનમાંથી જાણે અમારો રસ જ ઊડી ગયેલો, જેના કારણે અમારી તબિયત પર પણ અસર થવા માંડેલી. અલબત્ત એ સમય દરમિયાન અમે ઘરે ન તો કોઈ પ્રકારનો કંકાસ કરતા કે નહીં તો રડારોળ કરતા. કોઈ પણ જાતનો વિરોધ નોંધાવ્યા વિના કોઈ છોડ કરમાઈ રહ્યો હોય એમ મૂકપણે ભોગવી રહ્યા હતા.
એ જ ગાળામાં એકવાર મારી તબિયત એકદમ બગડી ગઈ અને હું બેભાન થઈ ગઈ. ઘરના સભ્યોએ મને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવી પડી અને મયૂર અમારા સગામાં હતો એટલે એના સુધી પણ એ વાત ઊડતી ઊડતી પહોંચી. એને આ વાતની ખબર પડી એટલે એનામાં તો જાણે કોઈ દૈવિ શક્તિનો સંચાર થયો અને એ બધા ભેદ તોડીને હોસ્પિલમાં મારી પાસે પહોંચી ગયો. હોસ્પિટલમાં કોઈ ભવાડો ન થાય એ માટે મારી મમ્મી કે મામા પણ કશું બોલ્યા નહીં, પરંતુ એમના ચહેરા પર ચીડના ભાવ તો હતા જ. પણ એ બધાની ચિંતા કરે એ મયૂર નહીં. મયૂર તો સીધો મારી પાસે જ પહોંચી ગયો અને મારા માથે હાથ પસવારીને મારા કાનમાં કહેવા માંડ્યો કે, ‘હું આવી ગયો છું… જો હું તારી પાસે જ છું… તું ચિંતા નહીં કરતી હા…’
એને જોઈને અને એના સ્પર્શને પામીને મારામાં પણ ચેતનતા આવી રહી હતી. એના ચહેરા પર મેં જોયું તો એના ચહેરા પરનું નૂર પણ ગાયબ હતું. પરંતુ મારી પાસે હોવાનો સંતોષ જરૂર હતો એના ચહેરા પર…
એ પાસે હતો એટલે કોણ જાણે કેમ મારામાં કોઈ હિંમત આવી ગઈ હતી. એટલે મેં હોસ્પિટલના બેડમાં સૂતા સૂતા જ જાહેર કર્યું કે, ‘હવે જો અમારા બેની વચ્ચે કોઈ આવ્યું અથવા અમને એકબીજાથી દૂર કર્યા તો અમારા બંનેની લાશ જ જોશો તમે. અને અમારી આત્મહત્યાના જવાબદાર માત્ર ને માત્ર તમે બધા જ હશો… હવે અમારાથી દૂર રહી શકાય એમ નથી… ભગવાનને ખાતર અમારા પ્રેમની રિસ્પેક્ટ કરો…’
આટલું બોલતામાં તો અમારી આંખમાંથી આંસુ સરી પડ્યા અને અમારા ઘરના લોકોને પણ એ વાતનો અહેસાસ થયો કે, અમારી વચ્ચેનો સંબંધ છે એ લફરું નહીં, પરંતુ શુદ્ધ પ્રેમ હતો, જે અન્ય તમામ સંબંધોથી પર હતો, અત્યંત ઉત્કટ હતો અને અત્યંત ગાઢો હતો…
અને બસ, પછી તો અમારા ઘરના સભ્યો માની ગયા એટલે અમે જાહેરમાં સાથે ફરવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં અમારી સગાઈ કરીને અમારા લગ્ન માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ. અમારા પ્રેમ સંબંધ બાબતે લોકોને હંમેશાં એવી શંકા રહેલી કે આ એક ક્ષણિક આવેગ છે, જે સમય સાથે ઓસરી પણ જશે. પરંતુ એવું કશું જ નહીં થયું અને અમે આજીવન તો શું, પરંતુ આવનારા સાત જન્મો સુધીના એકબીજાને કોલ આપેલા. આજે અમે ખૂબ આનંદથી જીવીએ છીએ અને અત્યંત સુખેથી અમારો સંસાર ચલાવીએ છીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર