સગપણથી સ્વજન સુધી (2)
(ગતાંકથી ચાલુ)
પપ્પાના અવસાન પછી અમને ગોઠવાતા અને સ્વસ્થ થતાં થોડો સમય લાગ્યો. એક તો ઘરમાં હવે કોઈ પુરુષ નહોતો રહ્યો એટલે બધા વહીવટી કામો અને સરકારી બાબતોમાં અમારે અટવાવું પડતું. તો બીજી તરફ પપ્પાનો પ્રેમ અને જીવનમાં એમની હાજરી અમે ખૂબ મિસ કરવા માંડ્યા, જેને કારણે અમે ખૂબ ભાંગી પડ્યા અને અમારો આત્મવિશ્વાસ પણ ડગી ગયો.
પપ્પાના અવસાન અને એમની વિધિઓ પતી પછી મયૂરનું ઘરે આવવાનું બંધ થયું, પરંતુ મયૂર સતત મારી સાથે વ્હોટ્સ એપ અને ફોન દ્વારા કોન્ટેક્ટમાં રહેતો અને મને સતત આશ્વાસન આપતો રહેતો. વળી, કંઈક લાવવાનું હોય અથવા નાનાંમોટા સરકારી કામો હોય ત્યારે એના લેવલે પતી જતું હોય તો એ જાતે પતાવી આવતો અથવા મને ક્યાંકથી પીક-અપ કરી મને એ લઈ જતો.
આ ગાળામાં અમે એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને એકબીજા સાથે વાત કર્યા વિના એક આખો કલાક વીતી જાય તો અમે વિહવળ બની જઈએ. પપ્પાના ગયા પછી લગભગ વરસ સુધી અમે ખૂબ ફર્યા અને અમારા પ્રેમની વાત ગુપ્ત રહી. પરંતુ અમે સાથે ફરતા હતા એટલે અમારા પ્રેમની વાતો બહાર આવ્યા વિના રહે એમ નહોતી. કારણ કે કોઈકને કોઈક અમને જોઈ જતું, જેને કારણે અમારી ચર્ચા પણ ઘણી થઈ રહી હતી.
એવામાં એક વાર મારા સગા મામાએ અમને બંનેને એક કાફેમાં સાથે જોયા એટલે એમને ભ્રમ ગયો કે, અમે બે કયા હિસાબે સાથે બેઠા હોઈશું? વળી, અમે બંને એકબીજાની આમને સામને નહીં, પણ લગોલગ બેઠા હતા. એટલે અમે એકબીજાના પ્રેમમાં હોઈશું એવું સ્વાભાવિક રીતે થાય.
મામાએ ત્યાં તો કશું કહ્યું નહીં, પરંતુ કાફેથી તેઓ સીધા અમારા ઘરે ગયા અને ત્યાં મમ્મીને મળીને બધી વાત કરી. હું ઘરે પહોંચી એટલામાં તો ઘરનું વાતાવરણ એકદમ તંગ હતું અને ઘરે પહોંચતા જ મમ્મી જોર જોરથી મારા પર ગુસ્સે થઈ. મને એમણે પૂછ્યું કે, ‘તમારી વચ્ચે શું ચાલે છે?’ તો મેં એટલું જ કહ્યું કે, ‘અમારી વચ્ચે સારી ફ્રેન્ડશીપ છે એટલું જ. બાકી અમારી વચ્ચે બીજો કોઈ સંબંધ નથી. પપ્પાની માંદગી વખતે એ અહીં હતો ત્યારથી અમને સારું બનતું અને એના કારણે જ આજે અમે મળી ગયા તો અમે કાફેમાં નાસ્તો કરવા ગયા…’
મારી એ વાતથી મમ્મી થોડી નરમ પડી અને એણે મને કહ્યું કે, ‘દીકરા એ આપણા સગામાં કહેવાય. એટલે તમારી વચ્ચે દોસ્તી હોય તો મને કોઈ વાંધો નથી. પરંતુ ક્યાંક તમારી વચ્ચે પ્રેમ હોય તો આપણા ફેમિલીનું ખરાબ દેખાય અને કોઈ આપણા વિશે પણ કહે કે, જુઓ હવે ઘરમાં કોઈ પુરુષ નથી એટલે આ બધીઓ ફાવે ત્યાં લફરાં કરી રહી છે…’
હું મમ્મીની વાત સમજી શકું કારણ કે, મમ્મી જૂના સમયમાં ઉછરેલી અને સતત ‘બીજાઓ શું કહેશે?’ અથવા ‘લોકોને કેવું લાગશે?’ એવું વિચારતી હતી. પરંતુ હું એ વર્તુળની બહારનું વિચારતી એટલે મને લોકોનો ભય સતાવતો નહોતો. પણ મમ્મીનો જીવ ન બળે એટલા સારું પણ મેં અમુક બાબતો પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું. જેમાં મેં અને મયૂરે જાહેરમાં મળવાનું બંધ કરી દીધું. મયૂર મને એટલું ચાહતો કે મને મળ્યા વિના એનાથી રહી જ નહીં શકાય. પરંતુ મારે ખાતર એણે એ પણ સ્વીકારી લીધું અને મને મળવાનું સદંતર બંધ કરી દીધું.
અલબત્ત ફોન કે મેસેજ પર અમારી વાતો ચાલું રહેતી. પરંતુ એકબીજાને ખૂબ ચાહતા અને એક જ શહેરમાં રહેતા બે લોકો માટે મળ્યાં વિના રહેવું અત્યંત મુશ્કેલ કામ હતું. નહીં મળી શકવાને કારણે મયૂર તો નહીં, પરંતુ હું પોતે જ ફ્રસ્ટ્રેટ થઈ જતી અને એને મળવા તલપાપડ થઈ.
આખરે એક દિવસ મેં નિર્ણય કર્યો કે, હું મમ્મીને સખીભાવે બધી વાત કરી દઉં કે અમારી વચ્ચે શું સંબંધ છે. મને વિશ્વાસ હતો કે, મમ્મી કદાચ થોડીઘણી આનાકાની કરશે, પરંતુ મારા પ્રેમનો અનાદર તો નહીં જ કરે. એ મને કોઈ પણ રસ્તો તો કાઢી જ આપશે! એટલે એક દિવસ તકનો લાભ લઈને મેં મમ્મીને વાત કરી કે, હું અને મયૂર પ્રેમમાં છીએ અને ત્રણેક વર્ષ પછી અમે લગ્ન કરવાનું વિચારીએ છીએ.
મારી વાત સાંભળીને થોડો વાર તો એ એકદમ બ્લેન્ક થઈ ગઈ, પણ પછી ગુસ્સો કરીને કહ્યું કે, ‘આ શક્ય બને એમ નથી. ભગવાનને ખાતર એવું કશું નહીં કરતી, જેથી મારી કે તારા મરેલા પપ્પાની આબરૂ જાય. પપ્પાના ગયા પછી મારું જીવવાનું કારણ તમે બે જ છો અને એમાં તુંય આવું કોઈક પગલું ભરીશ તો મારી પાસે જીવવાનું કોઈ કારણ નહીં બચે!’
‘પણ મમ્મી, હું ભાગી ક્યાં જવાની વાત કરું છું? કે હું કોઈક ખોટું પગલું ભરું? તું તૈયારી દાખવે પછી તારી ખુશીથી જ મારે લગ્ન કરવા છે… હું એવું કોઈ પગલું નહીં ભરું.’
પણ મમ્મી નહીં માની એ નહીં જ માની. એને એ જ વાતનો ડર રહ્યા કર્યો કે, એના પિયરમાં એટલે કે, મારા મોસાળમાં લોકો શું કહેશે અને સમાજના લોકો શું વાત કરશે. મને ખબર હતી કે, મારી મમ્મીનો આધાર બીજો કોઈ નહોતો અને મારું કોઈ પણ પગલું એને ઘણું દુઃખી કરી શકે એવું હતું. એટલે મેં આવેશમાં આવીને કોઈ પણ પગલું ભરવાનું ટાળ્યું કે નહીં તો મેં કોઈ પણ પ્રકારનો ગુસ્સો કર્યો. મેં માત્ર એક જ સ્થિતીમાં રહેવાનું નક્કી કર્યું અને એ સ્થિતી એટલે વેઈટ એન્ડ વોચની સ્થિતી… મેં તેલ જોવાનું નક્કી કર્યું અને તેલની ધાર જોવાનું નક્કી કર્યું…
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર