મોત ના આયી તેરી યાદ ક્યૂં આયી…
છેલ્લા ત્રણેક વર્ષથી આ વરસાદની મોસમ સાથે મારે વેર પડી ગયું છે. વેરનું કારણ એટલું જ કે, એક તો મારો પ્રેમી છેલ્લા ત્રણ વર્ષથી મારાથી દૂર સાત સમંદર પાર રહે છે અને એવામાં આ વરસાદ પડે ત્યારે મને એની તીવ્ર યાદ આવે છે. એનું કારણ પણ એ જ કે જ્યારે સાથે હતા ત્યારે આખું ચોમાસું અમે ભરપૂર માણતા અને ખાણી-પીણીથી લઈ બાઈક ટ્રીપ સુધીના જલસા કરતા. અને એથીય મોટી વાત તો એ કે, આવા જ એક ચોમાસામાં વરસતા વરસાદમાં એણે મને પ્રપોઝ કરેલું અને હેલીઓની સાક્ષીએ મેં એનો અને એના પ્રેમનો સ્વીકાર કરેલો.
દસેક વર્ષ પહેલાની આ વાત હશે જ્યારે અમે અગિયારમાં ધોરણમાં ભણતા. એ વર્ષે અમે બંનેએ સ્કૂલ બદલેલી, જેને કારણે સ્કૂલના શરૂઆતના દિવસોમાં રિસેસ ટાઈમમાં અમે ક્લાસમાં જ બેસી રહેતા. છોકરાઓ તો આમેય રિસેસ પડે એટલે ગ્રાઉન્ડમાં જ ભાગી જતા, પરંતુ ક્લાસની છોકરીઓ પણ પોતપોતાના ગ્રુપમાં ક્લાસની બહાર અથવા ગાર્ડનમાં જઈને બેસતી. એકમાત્ર અમે બે જ એવા હતા, જેમને કોઈ ફ્રેન્ડસ બન્યાં નહોતા એટલે અમે સ્કૂલની બંને રિસેસમાં ક્લાસમાં જ બેસી રહેતા અને ટાઈમ પાસ કરતા.
એકલા બેઠાં બેઠાં આમેય કંઈ કરવાનું ન હોય એટલે અમે આમ-તેમ તાકતા રહેતા, જેને કારણે જ ક્યારેક અમારી નજર મળી જતી અને એકબીજા તરફ જોઈને અમે મલકાઈ પડતા. ત્રણેક દિવસ આવું થયું હશે. પરંતુ સ્માઈલ આપતા રહેવાને કારણે ક્લાસના બીજા બધા કરતા એ મને થોડો પરિચિત લાગવા માંડ્યો હતો. એવામાં એક દિવસ ચાલુ ક્લાસે મારું ધ્યાન એની તરફ ગયું તો એ ભાઈ સાહેબ જરા ભોઠાં પડીને બીજી દિશામાં જોઈ ગયા અને અડધી મિનિટ ન થઈ હશે ત્યાં હું એને જોઉં છું કે નહીં એ જોવા ફરી ચોર આંખે મારી તરફ તાકવા માંડ્યા.
મને ખ્યાલ આવી ગયો કે, એ ચાલુ ક્લાસે પણ મને જ જોતો રહેતો હોય છે. પરંતુ શરૂઆતમાં મને એમ થયું કે આ એક સંયોગ જ હશે એટલે મેં એ વાતને બહુ ગંભીરતાથી ન લીધી. પરંતુ પછી હું સભાનપણે એની હરકતો પર નજર રાખવા માંડી તો મને ખ્યાલ આવ્યો કે, એનું ધ્યાન ભણવામાં ઓછું અને મારી તરફ વધું રહેતું. જોકે એવું પણ નહીં કે, એ છોકરો મને જુએ એ મને નહોતું ગમતું. કોઈક તમને તાકી રહે તો થોડું વિચિત્ર જરૂર લાગે, પરંતુ એનો ગૌરવર્ણી ચહેરો અને ખાસ તો એના ગાલના ખંજન મને ગમતા હતા એટલે દિલના કોઈક ખૂણે મનેય એવી આશા રહેતી કે એ મને જ જોતો હોય તો સારું!
રાબેતા મુજબ એક દિવસ રિસેસ પડી ત્યારે ક્લાસ ખાલી થઈ ગયેલો. સ્કૂલ શરૂ થયાને પંદરેક દિવસ જ થયા હશે અને વરસાદની મોસમ પુરબહારમાં ખીલી હતી. હજુ રિસેસ પડ્યાને પાંચેક જ મિનિટ થઈ હશે ત્યાં વરસાદનું એક જોરદાર ઝાપટું આવ્યું અને ક્લાસમાં વાંછટ આવવા માંડી. આ કારણે હું બારી બંધ કરવા માટે દોડી અને સાથે એ પણ ઝાપટાભેર મારી પાસે આવી પહોંચ્યો. કોણ જાણે એનામાં આ હિંમત ક્યાંથી આવી હશે, પણ એણે તો સીધો મારો હાથ એના હાથમાં લઈ લીધો અને મને કહ્યું, ‘થોડા દિવસોથી હું રોજ તને જોઉં છું… તું મને ગમવા માંડી છે…’ એણે આટલું જ કહ્યું હશે ત્યાં વરસાદને કારણે અમારા ક્લાસમેટ્સ ક્લાસ તરફ દોડતા આવતા સંભળાયા અને એ પણ દોડતો એની જગ્યા તરફ પહોંચ્યો. એણે આવું કર્યું એટલે શરૂઆતમાં તો હું ડઘાઈ ગઈ હતી. પરંતુ સહેજ વાર થઈ ત્યાં મને કળ વળી અને એની તરફ જોયું તો એ ત્યારે પણ મારી તરફ જ જોઈ રહ્યો હતો.
એની તરફ જોતા જ કોણ જાણે કેમ હું મલકી પડી. પણ એ મલકાટમાં જ જાણે મેં એને સ્વીકૃતિ આપી. પછી તો અમે સ્કૂલમાં અને સ્કૂલની બહાર મળતા રહ્યા અને બે વર્ષ સુધી ખૂબ જલસા કર્યા. એ પછી પણ અમે વિદ્યાનગરની જુદી જુદી કૉલેજમાં એડમિશન લીધા, પરંતુ એક જ શહેર અને ત્યાંના ચિયરફુલ વાતાવરણને કારણે ત્યાંય અમે અમારા પ્રેમના અનેક ઉતાર-ચઢાવ માણ્યા. જોકે આ બધા દરમિયાન અમારા ઘરના લોકોને અમારા પ્રેમ વિશે કશી જ ખબર નહોતી. અમે બંનેએ એ નક્કી કરેલું કે, આપણે ગ્રેજ્યુએશન પછી જ આપણા ઘરે જાણ કરીશું.
ગ્રેજ્યુએશન પત્યું એટલે તરત અમે અમારા ઘરે જાણ કરી અને ભગવાનની મહેરબાનીથી અમારા ઘરે કોઈએ અમારા પ્રેમનો વાંધો નહીં ઉઠાવ્યો. જોકે અમારા પ્રેમમાં વિઘ્ન તો આવવાનું જ હતું કારણ કે, એણે એના માસ્ટર્સ માટે ટેક્સાસ જવાનું હતું. આખરે છેલ્લા ત્રણ વર્ષથી એ એનું માસ્ટર્સ ત્યાં કરી રહ્યો છે અને આવતા વર્ષે એ ત્યાંથી આવી રહ્યો છે. અલબત્ત વચ્ચે એ એક વાર આવી ગયો, પરંતુ વર્ષોની દૂરી હોય ત્યારે મહિનાનો સહવાસ તમને અતૃપ્ત જ રાખે. અને એવી અતૃપ્તિમાં જ્યારે વરસાદ પડે ત્યારે એની યાદ ન આવે અને આભમાંથી વરસતા પાણી સાથે આંખમાંથી ટપકતાં પાણી સ્પર્ધા ન કરે એવું બને ખરું?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર