અમર પ્રેમ કહાણી
હું આમ તો નાનપણથી જ અભ્યાસમાં હોંશિયાર... ત્રીજા ધોરણમાં આવ્યો ત્યારથી જ ટ્યૂશન શરૂ થઈ ગયેલા. ટ્યૂશન + સ્કૂલ જવાનું અને એ બંનેનું લેશન કરવાનું. એટલે મારી પાસે રમવાનો સમય ઘણો ઓછો રહેતો. 12મું પાસ કર્યું ત્યાં સુધી મેં બીજી કોઈ પણ બાબતમાં વધારે ધ્યાન આપ્યું નહોતું.. ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ ઈલેક્ટ્રિક એન્જિનિયરીંગમાં આગળ વધ્યો... અમારી કૉલેજમાં ઘણાં ક્ષેત્રો માટેનો અભ્યાસ ચાલતો... આ કોલેજ મેં જોઈન્ટ કરી ત્યાં સુધી મારું બધું ધ્યાન અભ્યાસમાં જ હતું. મન થાય તો ક્યારેક ક્રિકેટ રમતો અથવા પિક્ચર જોવા જવાનું થતું. પણ મારું સૌથી વધુ ધ્યાન મારી કરિયર પર એટલે કે અભ્યાસમાં રહેતું... હું મારા અભ્યાસમાં ક્યારેય પાછળ રહેવા માગતો નહોતો...
અમારી કૉલેજ સુધી જવા-આવવા માટે કૉલેજની બસ દ્વારા સગવડ આપવામાં આવી હતી. કૉલેજમાં ઘણા બધા કોર્ષ ચાલતા હોવાને કારણે કૉલેજમાં છોકરાઓ ઉપરાંત ઘણી છોકરીઓ પણ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતી હતી. જેથી બસમાં બધા સાથે આવ-જા કરતા હતા. મારી બસમાં આવતી એક છોકરી સાથે આવતા-જતા હોવાને કારણે થોડો પરિચય થયો... એણે તો લગભગ મારી સાથે મિત્રતા જ બાંધી દીધી... એનું નામ હતું દેવયાની પણ બધા એને દિવ્યા કહેતા એટલે હું પણ એને દિવ્યા કહેતો. એ છોકરી એકદમ સાદી-સીધી દેખાતી. ક્યારેય જિન્સ-ટીશર્ટ જેવા વસ્ત્રો તો એ પહેરતી જ નહોતી. છતાં એ ઘણી સુંદર હતી. પણ મેં એની તરફ કોઈ ખાસ ધ્યાન આપ્યું નહોતું... પણ ધીમેધીમે એ મારી સાથેની મિત્રતા વધારતી જ ગઈ...
એ બસના સમયે વહેલી પહોંચી જાય, મારી રાહ જુએ, ક્યારેક મારી સીટ રોકતી... અને વળી, મારી પાસે જ બેસે... રિસેસના સમયે મારી સાથે જ લંચ કરે... નિલેશ આજે ડબ્બામાં શું લાવ્યો છે? નિલેશ કાલે વહેલો આવજે... નિલેશ આ શર્ટ તને સરસ લાગે છે... તને આ સારું નથી લગાતું.. બસ આખો દિવસ નિલેશ... નિલેશ... નિલેશ... ત્યાં સુધી મેં એકદમ નોર્મલ રિલેશન રાખ્યા હતા...
દિવ્યાની વર્ષગાંઠના દિવસે એ ખૂબ સરસ ડ્રેસ પહેરીને આવી અને એ દિવસે એ મને ખૂબ ગમી ગઈ... એ દિવસે હું પહેલીવાર એના વિશે વિચારવા લાગ્યો કે, 'આને ગિફ્ટ શું આપું...? બીજા દિવસે મેં એક ઘડિયાળ એને ગીફ્ટ આપી... એને ખૂબ ગમી એથી વિશેષ તો હું એના માટે ગિફ્ટ લાવ્યો તેની તેને વધુ ખુશી હતી.... ત્યારબાદ અમે થોડી થોડી અંગત વાતચીત કરતા થયેલા...
એક દિવસ બસમાં દિવ્યાએ મારી પાસે એક નોટ માગી અને એના છેલ્લા પાના પર લખ્યું -
નિલેશ, 'આઈ લવ યુ' - દિવ્યા.
અને તરત એ મને નોટ પાછી આપી દીધી... મેં જોયું કે, શું લખ્યું છે. મારા માટે વપરાયેલા 'આઈ લવ યુ' શબ્દ વાંચીને અને મારા માટે જીવનમાં પહેલી વાર વપરાયેલા આ પ્રકારના શબ્દોથી ઊંડા પ્રેમની લાગણીની અનુભુતિ કરવા લાગ્યો... દિવ્યાએ આ રીતે નોટમાં લખ્યું તેનાથી હું ખૂબ ખુશ થયો અને એ સંપૂર્ણપણે મારા વિચારોમાં છવાઈ ગઈ... રાત-દિવસ બસ દિવ્યાના જ વિચારો આવતા રહ્યા... હવે મારે શું કરવું જોઈએ એ વિચારના અંતે મેં પણ એક નિર્ણય કર્યો.
બીજા દિવસે સવારે કોલેજના બસ સ્ટેન્ડ પર પહોંચતા પહેલાં મેં એક ગુલાબનું ફૂલ ખરીદ્યું.. અને બેગમાં સંતાડી દીધું... બસમાં એની જ સ્ટાઈલથી મેં એની પાસે નોટ માંગી. એની નોટના છેલ્લા પાને મેં પણ લખી નાખ્યું... દિવ્યા, 'આઈ લવ યુ' - નિલેશ. અને એ નોટમાં ગુલાબનું ફૂલ મૂકી એ નોટ તેને પરત આપી દીધી... એણે તરત નોટ ખોલી ગુલાબનું ફૂલ જોયું. મેં લખેલું તે વાંચ્યું. અને એકદમ ખુશ-ખુશ થઈ ગઈ... તે સાથે જ અમે બંને પ્રેમની દુનિયામાં ખોવાઈ ગયા...
દિવ્યાએ મારી તરફના વ્યક્ત કરેલા પ્રેમથી હું ખૂશ હતો જ આજે એનો ચહેરો પણ ચમકી ઊઠ્યો. અમે બંને એકબીજાના પ્રેમને મેળવીને એકદમ ખુશખુશાલ હતા... તે દિવસની તે ક્ષણોથી અમારી વચ્ચેનો પ્રેમ વધતો જ ગયો છે. આજે અમે બંને એકબીજા વગર રહી શકતા નથી... અમે બંને ખૂબ ખુશ છીએ... આજે અમે કોલેજના છેલ્લા વર્ષમાં આવી ગયા છીએ... અમે લગ્ન કરવાનું નક્કી કર્યું છે... પણ હું અને દિવ્યા કોલેજ પૂરી કરી પોતપોતાના ક્ષેત્રમાં સેટલ થઈ જઈએ પછી...
અમારો પ્રેમ અમર છે... અમને બંનેને અમારા પ્રેમ પર પૂરો વિશ્વાસ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર