અધૂરું પણ મધુરું…..

12 Jun, 2016
12:00 AM

mamta ashok

PC:

જેને પાનખરમાં હૈયે પ્રેમ પાંગરે,

વસંત ક્યારેય કિનારે ન લાંગરે...

ક્યારેક નિરાંતે બેસીને કોયલનો ટહુકાર સાંભળજો, એ ખરેખર જિંદગી જીવંત કરશે. જે માણસ પ્રકૃતિને પ્રેમ કરે એ બધાને કરી જાણે. કારણ કે પ્રકૃતિ વળતો જવાબ નથી આપતી. મારા કહેવાનો અર્થ સમજી ગયા હશો તમે.

હા, મને પણ પ્રેમ છે. હા, હું મારા પરિવાર, મિત્રો અને સમગ્ર માણસ જાતને ચાહું છું. અને કોને ન ગમે કે એને પણ કોઈ ચાહતું હોય? પણ પ્રેમ તો કાળજે કોતરાયેલ અને દિમાગમાં વિશ્વાસ નામના સોફ્ટવેરમાં ફિટ હોવો જોઇએ... વધુ નહીં હું તમને મારી જ વાત કરું...

મારું નામ બંસી. બહુ નાની હતી ત્યારથી બધાની લાડકી. છોકરા જેવી જ… બોલવા, ચાલવા કે પહેરવાની બાબતે ટિપિકલ છોકરો જોઇ લ્યો. અને હા, પાછી છોકરાની મને એલર્જી પણ ખરી. મને સાહિત્યમાં બહુ જ રસ. કયારેક લખવાની પણ ભૂલ કરું છુ. અને કવિનું જગત તો બહુ નિરાળુ. મને યાદ છે ત્યાં સુધી એક વાર કોઇએ મને નવા કવિ ગ્રુપમાં એડ કરી. આમ તો મને કોઈની સાથે નિસ્બત નહીં, પણ કોઇની રચના સામે એવી જ રચનામાં જવાબ આપવાનો મારો અનોખો શોખ! જાણે ઈન્ડિયા-પાકિસ્તાનની વર્લ્ડકપની ફાઇનલ મેચ હોય એવું માનીને રમી નાખું.

એ ગ્રુપમાં એક ભાઇ, સૉરી ભાઇ ના કહેવાય, પણ એક છોકરો. કોઈ ખાસ પરિચય નહીં પણ હાઈકુ-હાઈકુ અમે બંને રમતા. હાઈકુમાં લખવું મને સારું ફાવે છે અને એક મજા પણ આવે છે. મજા શેની ખબર? એ મને હાઈકુમાં કંઈક પૂછે ને હાઈકુમાં જ હું એને જવાબ આપતી. બાકી મોજ પડતી. ક્યારે વર મેડન પડતી, ક્યારેક સિકસ... પણ ક્લિન બોલ્ડ ક્યારેય કોઇ ના થયું.

સમય વીતતો ગયો… અચાનક એનો એક દિવસ મારા પર ફોન આવ્યો. અમે વાત કરી. અમારી પહેલી વાત : ‘હેલ્લો, બંસી હું કાનો…’ (હું એને કાનો કહીને બોલાવું છું.) હા, એનો વાત કરવાનો અંદાજ... બાપ રે! બીજું કોઈ હોય તો ક્યારનું આઉટ થ ગયું હોત. બસ એણે મને પૂછ્યું કે, ‘આપણા ગ્રુપમાં કોઈ તકલીફ નથી ને તમને?’ પહેલી વાર થયું કે કોઈ અજાણ્યા માણસને આટલી બધી ચિંતા !

વીત્યુ આયખું

એકલા એ ક્ષિતિજે

એના વગર

આ વાક્ય બદલાતું જતું હતું. ધીમે ધીમે અમારા બંને વચ્ચે ગાઢ દોસ્તી થઇ. અને બધાને ખબર કે આ બંને એકબીજા માટે કવિતા લખે છે. આ દોસ્તીનું ઝરણું ક્યારે પ્રણયની સરિતા બની ગયું એની ખબર જ ન રહી, જેમ કણકણમાં ઈશ્વર સમાયેલો છે એમ એ મારી રુહમાં, મારા લોહીના દરેક કણમાં વહે છે. મેઘધનુષના રંગોની અદ્‍ભુત રંગોળી એણે મારાં જીવનમાં સજાવી દીધી હોય એવું લાગે. મારા ખોળિયામાં ભલે દેહ મારો હોય પણ આતમ રૂપે એ જ બિરાજેલો છે. શોરબકોર થયેલી ભીડમાં એ કલરવ બની મારી જિંદગીમાં ગૂંજી રહ્યો છે. રાતની મૂરઝાઈ ગયેલી કળી એના દીદાર માત્રથી ફરી મહેકી જાય છે, એની એક હસીથી બંસીના શણગાર સજી જાય છે. એની ચાહત મારા સેથાનું સિંદૂર છે. એની પ્રીત મારી મુસકુરાહટ છે. એને મારો ખુદા કહું તો એ પણ કોઈ અતિશયોક્તિ નથી. જીવ, હા જીવ નથી પૂર્યો મારામાં પણ એણે મને ફરી જીવંત જરૂર કરી છે.

કંઈક શમણાં જોયાં છે અમે અમારી જિંદગીના. કોઈ આકર્ષણ નથી આ.. એનો સ્વભાવ છે એવો માણસ આ દુનિયામાં બીજો ન જડે. કોઈ પણ માણસની પડખે અડધી રાતે ઊભો રહી જાય એવી માણસાઈ એનામાં પડેલી છે, એના આ સ્વભાવ પાછળ મારું જીવન ન્યોછાવર. પ્રેમનો અહેસાસ શબ્દોથી નથી વર્ણવી શકાતો. ઈશ્વરને સાક્ષી રાખી કહું છું કે હોઠ ફફડે એ પહેલાં ખબર પડી જાય મને કે શું કહેશે. અમે બંને 160 Km દૂર છીએ તો પણ ખબર પડી જાય કે કંઈક તકલીફમાં છે.

અમે બંને બહુ સરખા છીએ. હું એને બહુ ચાહું છું. પણ એ મને મારાં કરતા થોડુંક વધુ ચાહે છે એવું કહ્યા કરે. મારા કરતા નાનો છે પણ બહુ સાચવે છે મને. બહુ તોફાની અને બહુ મસ્તીખોર છે. જે હાથમાં આવ્યા એ ગયા સમજો. ભાગ્યશાળી છું હું કે કાનો મારી જિંદગીમાં જીવ બનીને આવ્યો છે. અમને ખબર નથી કે અમારું ભવિષ્ય શું હશે? પણ હા, અત્યારે પ્રેમની વસંતને માણી રહ્યા છીએ.

પણ એક વાત કહેવી છે કાનાની મહાનતાની. મને ગાયનેક પ્રોબ્લેમ હોવાના કારણે હું ક્યારેય મા નહી શકું. મને કોઈ ક્યારેય મમ્મી કહીને નહી બોલાવે... આ વાત એને ખબર હોવા છતાં પણ મને એની હમસફર બનાવવા તડપી રહ્યો છે. હવે તમે શું કહેશો? માનશો ને કે આ પરિપક્વ પ્રેમ છે, અમે કોઈ ચમકતા ચહેરાને પસંદ નથી કર્યો. એકબીજાના દિલની પૂજા કરી છે.

મારાં બંનેના શમણાં અમારી પ્રીત અમારા જ બંનેના સંવાદમાં જ દેખાશે.

બંસી : મારે તારી દુલ્હન બનવું છે, તારી જિંદગીને મારાં પ્રેમથી સજાવી છે. મારો હાથ ઝાલીને તું મને આપણા ઘેર લઈ જઈશ? આપણા કિચનમાં તારા માટે ચ્હા બનાવી છે, આપણી પથારીમાં તને પ્રેમ પીરસવો છે, તારી હૂંફથી મારો સંસાર સજાવો છે. તારી આંખોમાં રહેલાં પ્રેમ સમંદરમાં ક્ષિતિજને જોવાની મજા લેવી છે. હું તમારી રાહ જોઈશ! તમે લેવા આવશોને મને?

અને આનો જવાબ એણે કંઈક આવો આપ્યો મને.

કાનો : હાલી, તારા આ શબ્દો, તારો આ પ્રેમ હંમેશાં મને મૌન બનાવી દે છે. તારી આ ચાહત સામે મારા શબ્દો હંમેશાં પાંગળા સાબિત થાય છે. કારણ કે તું જે મને કહે છે, જે લખે છે એ આંખોથી સીધું જ હૈયામાં ઉતરી જાય છે અને હૈયે ઉપડેલી એ તીવ્ર ઝણઝણાટીના તરંગો મારા મગજ સુધી પહોંચીને એને શૂન્ય બનાવી દે છે. અને રહી વાત તને દુલ્હન બનાવાની તો હા વહાલી, હું પણ તને મારી અર્ધાંગિની બનાવવા તત્પર છું. સાચું કહું ??? મારે તારી સાથે ઘરડું થાવુ છે, હા એ એકબીજાના ડગુમગુ થતા પગલાને સંભાળવાની મારે મજા લેવી છે, અર્થાત મારે મારું જીવન તારી સાથે જ વીતાવવું છે, અને અંતે જીવનના અંતિમ ક્ષણ, અંતિમ શ્વાસ બસ તારા જ ખોળામાં હોય એવી મારી અંતિમ ઇચ્છા છે. હું બહુ જ જલદી તને લઈ જઈશ મારી રાણી. આપણે આપણો સંસાર બહુ જલદી માંડીશું, બહુ જલદી મારી વહાલી. ❤❤❤❤❤❤❤❤

આ અમારી ચેટ છે. એમાં એક પણ અક્ષર સાથે છેડછાડ નથી કરી. અમને ખબર છે કે સાથે રહેવું સરળ નહીં હોય, બની શકે કે સાથે રહેવાનું ના પણ થાય. અમે નક્કી કર્યું છે કે દૂર થઈને પણ અમે પ્રેમ નિભાવીશું. કેમ કે અમારા બંનેના લીધે ત્રીજી વ્યક્તિ હેરાન થાય એવો નીચે ગયેલો પ્રેમ અમારો નથી, આ જન્મ માટે નહીં તો કંઈ નહી પણ આવતા જન્મ માટે..

આ જન્મ જિંદગીનું મોત થશે ને કાના,

ત્યારે નવું ખોળિયુ હું તારા માટે પ્રાર્થીશ.

- બંસી પિનલ સતાપરા 'જ્ન્નત'

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.