અધૂરું પરિવર્તન

10 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

અનાહિતા નામ જ એવું સુંદર છે કે એકવાર એ નામ કાને પડે તો અમસ્તા જ એ નામ વિશે વિચારવાનું મન થઈ જાય. અને આ નામ તો જેનું છે એ વ્યક્તિ પણ એવી જ છે, જેને જોયા બાદ ઘણા સમય સુધી એ ચહેરો આંખ આગળથી ઓઝલ થવાનું નામ ન લે. ઊંચી અને નમણી કાયા તેમજ ચહેરા પર અખંડ નિડરતા. વળી, એના ચહેરા પર હંમેશ માટે એક સ્મિત રમતું હોય. ચહેરા પર રમતું એ સ્મિત જ એને ટોળામાંના સૌથી અલગ પાડે. કોકની નજરે જો એ સ્મિત નજરે ચડે તો એ બિચારું પોતાના બધા કામો પડતા મૂકીને એ સ્મિતને જ નિરખ્યા કરે.

અનાહિતાને કૉમ્પ્યૂટર પર આંગળીઓ નચાવવાની કળા હાથવગી છે. એમસીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી 22 વર્ષની અનાહિતા પાસે જીવાયેલી વર્ષો કરતાં વધુ અનુભવની મૂડી છે. ‘જે વ્યક્તિને હું રૂબરૂ મળી છું અથવા જેને હું ઓળખું છું એવી જાણીતી વ્યક્તિઓ સાથે જ હું વાત કરું.’ એવું કહેતી અનાહિતા આજે એવી વ્યક્તિના પ્રેમમાં છે, જેને એ ક્યારેય મળી નથી કે ન તો એણે એનો અવાજ સાંભળ્યો હતો. પરંતુ એ વ્યક્તિની તસવીરો જોઈને જ અનાહિતા એના પ્રેમમાં પડેલી. આ પ્રેમને ખાતર જ પેલી નિડર અનાહિતાના ચહેરા પર આજે ડરની આભાઓએ છાવણી નાખી છે. જે પોતાનું નથી એને ખોઈ બેસવાનો ડર એના દિલમાં હંમેશાં થડકાર મચાવે છે.

‘ડ્વોયન... ડ્વોયન... ડ્વોયન...’ આ નામ અનાહિતાના મોંની કોલર ટ્યૂન બની ગયું છે. ડ્વોયન જ્હોનસનનું આ નામ કંઈક આ રીતે એની જીભે ચઢી ગયેલું. આઠેક મહિના પહેલાં એપ્રિલની એક સવારે દશેક વાગ્યાની આસપાસ એની બહેનપણીઓ સાથે ટોળામાં એકલી બેસેલી અનાહિતા એના લેપટોપ પર કશુંક સર્ફિંગ કરી રહી હતી. સર્ફિંગ કરતા અચાનક જ એની નજર એક તસવીર પર પડી. એ તસવીરે અનાહિતાના મનમાં એવું તો આકર્ષણ જમાવ્યું કે એનું પ્રોફાઈલ ચેક કરતાં અને પ્રોફાઈલમાંની તમામ તસવીરો જોતાં અનાહિતાએ છ કલાક ક્યાં ગાળી નાખ્યા એની એને ખબર સુદ્ધાં ન રહી.

થોડા દિવસ બાદ ડ્વોયનના મેસેજ બોક્ષમાં અનાહિતાનું નામ ઝબકવા માંડેલું. ડ્વોયનને હીરો માની ચૂકેલી અનાહિતાને એ વાતનો ખ્યાલ પણ નહોતો કે માઈલો દૂર બેઠેલી એક અજાણી વ્યક્તિ તેના જીવનમાં ધરખમ પરિવર્તનો આણશે.

ડ્વોયન કોઈપણ છોકરીને ગમી જાય એવો ડેન્ડમસ. અત્યંત દેખાવડો અને મજબૂત બાંધાનો, અદ્દલ ચલચિત્રોમાં દર્શાવવામાં આવે એવો, અભિનેતા જેવો. ઉંમરમાં અનાહિતાથી 9 વર્ષ મોટો હોવા છતાં એણે અનાહિતાને એવી તો ઘેલી કરી હતી કે ડ્વોયનને કારણે અનાહિતા તેના નજીકના મિત્રો અને સંબંધીઓમાં અજાણી બની ગઈ હતી.

હંમેશાં પોતાનું ધાર્યું કરનારી અનાહિતા આજે ડ્વોયનને પૂછ્યા વિના પાણી પણ નથી પીતી. ડ્વોયન સાથેના એના સંબંધને કારણે ક્યારેક અનાહિતા વિચલીત થઈ જાય છે અને ઘણી વાર એ પોતાની જાતને સવાલ કરી ઊઠે છે કે, તું આ શું કરી રહી છે? આવું કેમ થઈ રહ્યું છે? એ જે કરી રહી છે તે બરાબર છે? શું એ સાચું છે? કે ક્યાંક એ ખોટી દિશામાં તણાઈ રહી છે? આવા ગૂંચવણભર્યા પ્રશ્નાર્થવાળા ચહેરા સાથે જ્યારે અનાહિતા કાચમાં જુએ છે ત્યારે એ શરમાઈ જાય છે. એ જે મહેસૂસ કરે છે, જે લાગણીઓથી એ સતત ભીંજાઈ રહી છે કે જે લાગણીઓને કારણે એના મનમાં અવઢવ ઊભી થઈ છે, એ બીજું કંઈ નહીં પરંતુ પ્રેમ છે. પણ અફસોસ, અનાહિતાને એ પ્રેમની રજૂઆત કરતા નથી આવડતું. અને એની જે અવઢવ છે એ અહેસાસ અને રજૂઆત વચ્ચેની મીઠી અવઢવ છે.

સ્વભાવથી મજબૂર અનાહિતા થોડાક દિવસોમાં ડ્વોયનને જણાવી પણ દે છે કે, ‘ડ્વોયન, હું તને પ્રેમ કરું છું, મને ખબર નથી કે તારા પ્રત્યેનું આ આકર્ષણ પ્રેમ છે કે ઘેલછા છે, પરંતુ હું તારાથી દૂર નથી રહી શકતી. મારા મન અને હૃદય વચ્ચે ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે કે, આ જે છે તે પ્રેમ છે કે આકર્ષણ? જે વ્યક્તિને હું મળી જ નથી છતાં હું એની દિવાની બનીને રખડું છું, પણ હવે સહન નથી થતું, મારા માટે તો આ પ્રેમ જ છે, તારા પ્રેમને કારણે હું અનાહિતામાંથી અનાહિતા ડ્વોયન જ્હોન્સન બનીને જીવવા લાગી છું.

ડ્વોયનના જવાબની રાહ જોતું અનાહિતાનું હૃદય અત્યંત ઝડપથી ધબકતું હતું. એને લાગતું હતું કે આ ક્ષણે એનું હૃદય એના હાથમાં આવી જશે. અંતે ડ્વોયને પણ એની ધારણા મુજબનો જવાબ આપ્યો, ‘મને માફ કરજે, પણ હું તારો જીવનસાથી નહીં બની શકું.’ કોઈપણ વિરોધ વગર અનાહિતાએ તે જવાબ સ્વીકારી લીધો પણ તેના હૃદયને આ જવાબ મંજૂર નહોતો. એનું હૃદય વારંવાર સવાલ કરતું હતું કે, કેમ? ડ્વોયને કેમ ના પાડી? પણ અનાહિતાને એવું પૂછવાની હિંમત નહીં ચાલી.

એ પછી અનાહિતાએ ડ્વોયનને ક્યારેય પણ એ સવાલો ન પૂછ્યા જે સવાલો એને એનું હૃદય રોજેરોજ પૂછતું હતું. જોકે અનાહિતા મૂકપણે એ જાણવાનો પ્રયત્ન જરૂર કરતી કે ડ્વોયને આખરે એને ના કેમ પાડેલી. હવે તો ડ્વોયન અનાહિતાના મેસેજ વાંચતો પરંતુ એને જવાબ નહીં આપતો.

કારણ વગર કોઈની પણ માફી નહીં માંગતી અનાહિતા ડ્વોયનની હજારો વખત માફી માંગતી. અને ડ્વોયન એ માફીના મેસેજ વાંચતો, પણ એને કોઈ જવાબ નહીં આપતો. અનાહિતાને ઘણી વખત ડ્વોયન સાથેના એના વર્તન પ્રત્યે પસ્તાવો પણ થતો, એણે ડ્વોયનને કહેવામાં આટલી બધી ઉતાવળ શા માટે કરી? જોકે સામે છેડે તો આ બધાની કોઈ અસર જ નહોતી. એ બધું તો માત્ર અનાહિતા પૂરતું જ, એનો પ્રેમ, પસ્તાવો, અફસોસ અને આંસુ ક્યારેય ડ્વોયન સુધી પહોંચતા જ નહોતા.

એક દિવસે અનાહિતાને ખબર પડી કે, ડ્વોયન એના શહેરમાં જ છે, આ ખબર સાંભળીને અનાહિતાની ખુશીની સીમા ન રહી. કારણ વગર જ આખો દિવસ એ મરક-મરક થતી રહી. એ મોટે મોટેથી બોલીને બધાને જણાવવા માંગતી હતી, બધાને કહેવા માંગતી હતી કે એનો ડ્વોયન એના જ શહેરમાં છે. એનાથી નજીક છે, પણ બીજી તરફ ડ્વોયન અનાહિતાથી ખુશીથી અજાણ હતો, કદાચ એ અજાણ રહેવા માગતો હતો.

જોકે ડ્વોયન એના શહેરમાં જ હોવા છતાં અનાહિતા એને મળી ન શકી. એ રોજ સવારે ઊઠતી ત્યારે મનમાં વિચાર કરતી કે આજે એને ડ્વોયનને મળવા મળશે, એનો અવાજ સાંભળવા મળશે. એક તરફ અનાહિતા ડ્વોયનને મળવું તો ક્યારે મળવું? અને કેમ મળવુંની પળોજણમાં હતી તો બીજી તરફ ડ્વોયને આ બાબતે સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકી દીધું હતું. એ સ્પષ્ટ હતો કે એણે અનાહિતાને મળવું નથી.

એક દિવસ અનાહિતાએ ડ્વોયનને પૂછ્યું કે, હું તને મળી શકું? તો ડ્વોયને ખંધુ હસીને કહ્યું ‘હું આજે જ જઈ રહ્યો છું, ચાર કલાક પછી મારી ફ્લાઈટ છે.’ આ વાત સાંભળીને અનાહિતાની હાલત તો મરી રહેલી વ્યક્તિ માટે એમ્બ્યુલન્સની રાહ જોવાતી હોય એવી થઈ ગઈ. ડ્વોયનને મળવાના કોઈ સંજોગો હોવાનું નહીં જણાતા અનાહિતા સાવ બાવરી બની ગઈ. અનાહિતાની બહેનથી એની આ હાલત જોવાતી ન હતી, એટલે એણે ડ્વોયનને એની હાલત વિશે જણાવ્યું. પરંતુ ડ્વોયને તો એવું ફરમાન જાહેર કર્યું કે એણે અનાહિતા સાથે ક્યારેય વાત નથી કરવી. અનાહિતા માટે તો જાણે એ કાળાપાણીની સજા હતી.

સમય વિત્યો અને ડ્વોયનનો જન્મદિવસ આવ્યો. એ જન્મદિવસ માટે અનાહિતાએ મહિનાઓ અગાઉ તૈયારી કરી હતી. આખરે એ દિવસ આવ્યો ત્યારે અનાહિતાએ ડ્વોયનને મેસેજ કર્યો અને ડ્વોયને એનો આભાર પણ વ્યક્ત કર્યો. ડ્વોયનનો આભાર વાંચીને અનાહિતાને તો જાણે એમ લાગ્યું કે એની કાળાપાણીની સજા પૂરી થઈ. અનાહિતા ખુશીથી એવી ઊછળી પડી કે જાણે ડ્વોયન પોતે જ એને મળવા આવી ગયો હોય. ત્યાર પછી પણ અનાહિતાએ ડ્વોયનને અનેક મેસેજ કર્યા પરંતુ ડ્વોયને એના કોઈ જવાબ નહીં આપ્યા.

અનાહિતા આજે પણ ડ્વોયનના જવાબની રાહ જુએ છે, આજે પણ સવારે તે એક આશા સાથે જાગે છે કે, કોઈક દિવસ એની ડ્વોયન સાથે મુલાકાત થશે. શું પ્રેમ આવો ગાંડો હોઈ શકે? શું ડ્વોયન પણ અનાહિતા વિશે વિચાર કરતો હશે? કોઈને તમે પ્રેમ કરો છો એ વાત નિખાલસતાથી કહ્યા પછી સંબંધોમાં આવો બદલાવ કેમ? શું પ્રેમ એટલો બધો ભયાનક હોય છે કે લોકો એનાથી દૂર ભાગે છે? ડ્વોયન અને અનાહિતા એક થશે?

(અશ્રુતા પટેલ)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.