મિત્રતાથી પરિણય સુધી
આજકાલ મારા બધા સગાઓ ભેગા થયા. ઘણાં મને સમજાવી રહ્યા છે, ઘણાં નાકનું ટેરવું ચઢાવીને વાતો કરે છે, ઘણા મારી સાથે સહમત છે.... વાત એવી છે કે, મેં મનથી નક્કી કર્યું છે કે, હું લગ્ન કરીશ તો નિકુંજ સાથે જ કરીશ નહીં તો નહીં કરું. અને એમાં ખોટું પણ કાંઈ જ નથી. હું ઘણી સમજણી છું અને મારી સમજણ મુજબ મને મારો જીવનસાથી પસંદ કરવાનો પૂરો અધિકાર છે.
હું દસમાં ધોરણમાં હતી ત્યારથી મારી ખાસ ફ્રેન્ડ સેજલ, જે અમારા ઘરથી નજીકમાં જ રહે છે, એને ત્યાં જતી. સેજલ મારા ઘરે આવ-જા કરે અને હું એના ઘરે આવ-જા કરું એ વાત અમારી ડેઈલ રૂટિન હતી. હું કોલેજના પહેલા વર્ષમાં આવી ત્યારે સેજલનો ભાઈ મારી સાથે કોલેજમાં હતો. એ પણ અવારનવાર મને મળતો રહેતો. હું અને સેજલ પહેલા વર્ષમાં હતા ત્યારે નિકુંજ બીજા વર્ષમાં હતો. ઘણીવાર હું સેજલ અને તેનો ભાઈ નિકુંજ સાથે જ કોલેજ કેન્ટીનમાં નાસ્તો કરવા જતા અને લેક્ચર્સ બંક કરીને કૉલેજ લાઈફની મજા પણ લેતા.
અમે પહેલા વર્ષમાં હતા ત્યારે સેજલને ટાઈફોઈડ થયો અને એ લગભગ દસેક દિવસ સુધી આવી નહોતી. મારે તો કૉલેજમાં કોઈની સાથે દોસ્તી હતી નહીં એટલે તે દરમિયાન કોલેજમાં સેજલનો ભાઈ મને મળતો હતો. તે દરમિયાન મારી અને નિકુંજની મિત્રતા એકદમ ગાઢ બની ગઈ અને અમે રોજ કોલેજ કેન્ટીનમાં સાથે જ જતા. કોલેજ શરૂ થતા પહેલાં અને છૂટ્યા પછી પણ અમે સાથે જ હોઈએ અને અમારા ભણતરની અને અમારા જીવનની વાતો શેર કરીએ. મને એનો સાથ એટલો ગમવા લાગ્યો કે, રોજ હું બીજા દિવસની રાહ જોતી હતી કે, ક્યારે સવાર પડે ને કોલેજ વહેલી પહોંચી જાઉં...
અમે બંને એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા. એ સમયે અમે સ્વીકારતા નહોતા પણ અમારો પરસ્પરનો વ્યવહાર એકબીજાને પ્રેમ કરતા હોઈએ એવો જ હતો. અમારી પાસે દિવસો પણ થોડા હતા. કારણ કે, સેજલ ક્યારથી કોલેજ આવવાનું શરૂ કરી દે એ નક્કી નહોતું.
એક દિવસ નિકુંજે મને કહ્યું કે, 'કાલે વહેલી આવજે... મારે એક કામ છે...' જોકે એણે એ બાબતે વધુ કંઈ કીધું નહીં એટલે હું તો વિચારી વિચારીને જ ગાંડી થઈ ગયેલી કે એને એવું તે શું કામ હશે?
રોજના કરતાં કોલેજ વહેલી પહોંચી ગઈ. મારી ઉત્સુકતાનો પાર નહોતો. સવારનો સમય હતો એટલે હજુ વિદ્યાર્થીઓ આવ્યા નહોતા અને કોલેજ કેમ્પસમાં નિકુંજ એકલો જ ઊભો હતો. હું પહોંચી કે તરત એણે મને કહ્યું, 'ચાલ...' એટલે હું એની સાથે ચાલવા લાગી અને કેમ્પસમાંથી બહાર નીકળી રસ્તા ઉપર થોડે દૂર જઈને એણે મને ફૂલ આપીને કહ્યું 'પ્રિયલ આઈ લવ યુ...' આ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો. મેં પણ એના પ્રણયનો સ્વીકાર કરીને તરત જ કહ્યું 'આઈ લવ યુ... નિકુંજ.'
ત્યાર પછી અમે એવું નક્કી કરેલું કે દરરોજ દિવસમાં એકવાર તો 'આઈ લવ યુ...' કહેવું. સેજલે કોલેજ આવવાનું શરૂ કર્યું ત્યારે તો પહેલા તેનાથી સાચવીને હું નિકુંજને મળતી હતી. એ મારા વિશે શું વિચારશે એવું વિચારીને જ હું એનાથી સાચવતી હતી. આશરે ત્રણેક મહિના પછી સેજલને ખ્યાલ આવી ગયેલો કે પ્રિયલ અને નિકુંજ એકબીજાને પ્રેમ કરે છે... ત્યાર પછી સેજલે જાણે અમારા સંબંધને સાચવવાની જવાબદારી લઈ લીધી હોય તેમ એ અમને સાચવતી રહી. સાથોસાથ અમને બંનેને એ સૂચના પણ આપતી રહી. અમારા બંનેના કુટુંબમાં લગ્નની વાતની શરૂઆત પણ એણે જ કરી હતી...
અમારી જ્ઞાતિ તો એક જ છે, પરંતુ પેટાજ્ઞાતિ અલગ હોવાને કારણે કેટલાક સગા-સંબંધીઓ થોડા ખચકાટ અનુભવતા હતા. નિકુંજના કુટુંબમાં એવો કોઈ પ્રશ્ન નહોતો. કારણ કે ત્યાં તો સેજલ હતી... છેલ્લે મારા કુટુંબના વડીલોની વાતચીતમાં જોડાવા માટે સેજલને બોલાવવી પડી અને અમારા લગ્ન નક્કી થયા...
આમ જોવા જઈએ તો મારી પાસે બેવડી ખુશી છે. પહેલું તો નિકુંજ સાથે મારા લગ્ન થયા અને બીજું કે મારી ખાસ ફ્રેન્ડ સેજલ મારી નણંદ છે. તો કંઈક આવી છે અમારી લવ સ્ટોરી છે.
(પ્રિયલ પટેલ, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર