મુસાફરી એક પ્રેમની...

15 Jan, 2017
12:00 AM

PC: getbg.net

એકની એક વ્યક્તિ વારંવાર અનાયાસે જ તમારી સામે આવતી રહે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની તરફ આપણું ધ્યાન ખેંચાય છે. એવી જ રીતે હું - પિયુષ અને અંજના પણ છેલ્લા એક અઠવાડિયામાં લગભગ દરરોજ જ અનાયાસે એકબીજાની સામે આવી જતા હતા. તેથી બંનેનું ધ્યાન એકબીજા તરફ ખેંચાયું.

અંજના મારા જ વિસ્તારમાં રહેતી હોવાથી કંપનીની સ્ટાફ બસમાં એ મારી બસમાં હોય એ સ્વાભાવિક હતું, પણ અમારા બંનેના ડિપાર્ટમેન્ટ અલગ હોવા છતાં અમે કંપનીમાં પણ લગભગ દરરોજ એકબીજાની સામે આવી જતા હતા. ત્યારબાદ એનામાં મને એક ફેર દેખાયો. તે એ કે રોજ સવારે અમારી બસ 7.00 વાગ્યે ઉપડે.. એ પહેલાં એના પપ્પા એને મૂકવા અમારા કંપનીના બસ સ્ટેન્ડ પર આવે... પહેલાં અમારા બંનેનું ધ્યાન નહોતું. પણ હવે એના પપ્પા એને બસ સ્ટેન્ડ પર મૂકીને જાય કે થોડી વારમાં એ મારી તરફ જુએ અને સ્માઈલ આપે. મને એની એ વર્તણૂક ખૂબ ગમે. અને હું પણ એની સામે જ જોતો હોઉં...

બસમાં પણ લેડીઝ પહેલા ચઢે અને ત્યારબાદ જેન્ટસ ચઢે. અમારા બંનેની સીટ અલગ હતી છતાં હું જ્યારે બસમાં ચઢું ત્યારે એ મારી સામે જ જોતી હોય... અને હું પણ તેને જ જોતો હોઉં... આમ લગભગ ચારેક મહિના ચાલ્યું... ત્યાં સુધી અમને એકબીજાના નામ પણ ખબર નહોતાં. અમે બસ નજરનો પ્રેમ માણી રહ્યા હતા.

કંપનીમાં એની જૉબ ઓફિસમાં હતી અને મારી જૉબ વર્કશોપમાં હતી. એક દિવસ કંપનીમાં કોઈક કામ અંગે મને ઓફિસમાં બોલાવવામાં આવ્યો. તે દિવસે મેં પહેલી વાર એની સાથે વાત કરી... ઓફિસને લગતી વાતચીત કરી પણ મને એટલું તો લાગ્યું કે તેણે મારી સાથે ઘણી સારી રીતે વાત કરી... અને હું મનોમન ખુશ થયો... બીજા દિવસે મારે મારા પેપર્સ આપવા ફરી એની ઓફિસમાં જવાનું થયું.. ત્યારે મેં એનું નામ પૂછ્યું. તો તેણે કહ્યું અંજના.. મને હતું કે તે મારું નામ પૂછશે, પણ મારા પેપર્સ ઉપર મારું નામ હતું તેથી તેને પૂછવાનું યોગ્ય લાગ્યું નહીં હોય. ત્યારે હું એને ફક્ત એટલું જ કહી શક્યો કે, આપણે એક જ બસમાં આવીએ છીએ.. પણ વાતચીત પહેલી જ વાર થઈ... અને એણે સરસ સ્માઈલ આપી...

તે દિવસથી અમે રોજ બસમાં એકબીજાને સ્માઈલ આપતા થઈ ગયા... પણ કોઈ વાત આગળ વધતી નહોતી... પણ હું એના વિચારોમાં વારંવાર ખોવાઈ જતો હતો...

એક દિવસ સ્ટાફના સભ્યો સવારે બસની રાહ જોતાં ઊભા હતા, અને અચાનક વરસાદ શરૂ થયો. અમે બધા જ ત્યાં બાજુમાં આવેલા શોપિંગસેન્ટરના ઓટલા પર ચઢી ગયા.. ત્યારે એ બીલકુલ મારી પાસે આવીને ઊભી રહી ગઈ.. મારા હૃદયના ધબકારા ખરેખર તે દિવસે વધી ગયા હતા... પણ હિંમત કરીને પહેલાં ઓફિસની વાત કરી.. પહેલાં મેં મારા ઘરનું એડ્રેસ બતાવ્યું... પછી એણે પણ એનું એડ્રેસ બતાવ્યું અને અમારી વચ્ચે થોડી મિત્રતા જેવું થયું... હું તો એની સાથે એકદમ ધીમી ગતિએ આગળ વધતા સંબંધોથી ખૂબ ખુશ હતો. અને એ મને ખૂબ ગમતી હતી... ત્યારબાદ ધીરે ધીરે અમે બસસ્ટેન્ડ પર સાથે જ ઊભા રહીને બસની રાહ જોતા થયા. અમારી વચ્ચેની વાતચીતો વધતી ગઈ... થોડી હળવી મજાકમસ્તી પણ થતી રહી... અમે મોબાઈલ અને વૉટ્સએપ પર વાતચીત કરતા થયા... આમ અમે ત્યાં સુધી પહોંચી શક્યા કે, અમને બંનેને એકબીજા સાથે ઘણું ફાવવા લાગ્યું....

અમે બંને એકબીજાને પ્રેમ તો કરતા હતાં પણ વ્યક્ત કરી શકતા નહોતા.. એટલે સામાન્ય વાતચીતનો દોર ચાલતો રહ્યો... એક દિવસ અંજનાએ મને કહ્યું કે, કાલે મારો બર્થડે છે. હું એના માટે નાનો બૂકે લઈ આવ્યો. અને સવારે 7.00 વાગ્યે એ બૂકે આપીને હું "હેપ્પી બર્થ ડે ટુ યુ એન્ડ આઈ લવ યુ" - એમ બંને એક સાથે જ બોલી ગયો. સાચું કહું તો, રાત્રે ગોખી જ રાખ્યું હતું... એની સામે એણે મને ફક્ત "થેંક્યુ" જ કહ્યું. પણ એની સ્માઈલ અને હાવભાવ પરથી મને લાગ્યું કે, મારી વાતથી એ ઘણી ખુશ હતી.

એના બીજા જ દિવસે જ એણે મને એક ફૂલ આપ્યું મને "આઈ લવ યુ...." કહી દીધું... મારા આનંદનો પાર ન રહ્યો... અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા... પછી તો ધીરે ધીરે અમારી અંગત મુલાકાતો થતી રહી... રજાના દિવસે બહાર પણ મળતા થયા... આખી સ્ટાફ બસમાં બધાને ખબર પડી ગઈ કે, પિયુષ અને અંજના તો સાથે જ બેસશે. એટલે અમારી સીટ ફિક્સ કરી દીધેલી.

આ રીતે મારા પ્રેમની શરૂઆત થયેલી.... આ વાત પાંચેક વર્ષ જૂની છે.... ત્યારબાદ ત્રણ વર્ષ પછી અમે લગ્ન કર્યા.. આજે અમારા ઘરે એક વર્ષની એક દીકરી છે... અમારા બંનેનાં ઘરો નજીક-નજીક છે, અને બંનેના ઘરે વડીલો છે. એટલે મારી દીકરી સ્વિટીને રાખવાની ચિંતા નથી...

હજી પણ એ જ બસ છે... એ જ સ્ટાફ છે... એ જ ફ્રેન્ડસર્કલ છે... એ જ કંપની છે... પણ હવે અમે પતિ-પત્ની તરીકે સાથે જઈએ છીએ... અને એ જ સીટ પર બેસીએ છીએ...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.