જત જણાવવાનું કે આઈ લવ યુ

22 Jan, 2017
12:00 AM

PC: all4desktop.com

અમારી આ સ્ટોરીને લવસ્ટોરી કહેવી કે કેમ એ તો તમે જ નક્કી કરજો, પણ અમે બંને તો અમારા લગ્નને લવ મેરેજ જ માનીએ છીએ. વાત એમ બનેલી કે, અમારા લગ્નની ઉંમર થવા માંડી એટલે અમારા બંનેના ઘરે અમારા લગ્નની વાતો શરૂ થઈ ગયેલી અને બંને પક્ષે યોગ્ય પાત્ર શોધવા માટે તજવીજ શરૂ થઈ ગયેલી. એ દરમિયાન અમારા ફેમિલીના એક કોમન ફ્રેન્ડે બંને તરફ વાતો કરી જોયેલી. જોકે એ વાતો એકદમ ઉપરછલ્લી અને ઢંગધડા વિનાની હતી. પરંતુ ફેસબુકના જમાનામાં છોકરા અને છોકરીના કાને કોઈ વાત પડે તો એ બંને પણ પોતપોતાની રીતે એકબીજાને સર્ચ તો કરવાના જ! કંઈક એ જ રીતે અમે બંને જણે એટલે કે, મેં અને રિદ્ધિએ એકબીજાને ફેસબુક પર સર્ચ કરેલા. 

જોકે અમારા બંનેમાં ફ્રેન્ડરિક્વેસ્ટ મોકલવાની શરૂઆત મેં કરેલી! મારી ફ્રેન્ડ રિક્વેસ્ટ પહોંચી એટલે તરત જ રિદ્ધિએ એ એક્સેપ્ટ કરી દીધેલી અને એનો લાભ લઈને મેં એની સાથે ચેટિંગ શરૂ કરેલું. વાતચીત શરૂ થતાં જ થોડા સમયમાં મેં રિદ્ધિને આ વાત જણાવી કે, 'તને ખ્યાલ હશે જ કે, આપણા બંનેના ઘરે ફલાણા સગાએ આપણા દાણો દાબેલો છે.' એણે પણ એ વાતે સહમતિ દર્શાવી એટલે મેં એને કહ્યું કે, 'હું આ બાબતે પોઝિટિવ છું પણ મને એવી ઈચ્છા છે કે, ઘરવાળા વચ્ચે પડે એ પહેલા આપણે એકબીજાને મળીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ. જો આપણો સ્વભાવ એકબીજા સાથે મેચ થાય તો આપણે ઘરે કહીશું નહીંતર આપણે એકબીજાના દોસ્ત બનીને એક નવી દોસ્તીની શરૂઆત કરીશું.'

મારી આવી વિચિત્ર કહી શકાય એવી દરખાસ્ત સાથે એ પણ સહમત થઈ અને અમે બીજે દિવસે એક કાફેમાં મળવાનું નક્કી કર્યું. નક્કી કરેલા સમયે અમે એકબીજાને મળ્યા પણ અને મિત્રો તરીકે અમે વાતો કરી અને બે-અઢી કલાકનો સમય પસાર કર્યો. એ ગાળામાં અમને એકબીજાનો સહવાસ અને સ્વભાવ પસંદ તો આવ્યો જ, પરંતુ અમે એકબીજાના મોબાઈલ નંબર્સ પણ એક્સેન્જ કરી લીધા. 

નંબર્સની આપ-લે થઈ એટલે તરત જ અમે ચેટ કરવાનું પણ શરૂ કર્યું. અમારી ચેટિંગ શરૂ થયાં પછી અમે એકબીજાને બને એટલા વધુ જાણવાનું શરૂ કર્યું. અમારા ઘરના લોકો તો અમારા સગપણ વિશેની વાતો ભૂલી જ ગયેલા અને એમણે અમારા માટે બીજે ક્યાંક શોધવાનું પણ શરૂ કરી દીધેલું, પરંતુ પંદરેક દિવસના ગાળામાં અમે એકબીજાની ખૂબ ક્લોઝ આવી ગયા. જોકે એ ગાળામાં અમે એકબીજાને એમ નહીં કહ્યું કે, આપણે એકબીજાના પ્રેમમાં છીએ, પરંતુ જ્યારે રિદ્ધિના ઘરે એક બીજા છોકરા માટે વાતો શરૂ થઈ અને એમણે ચક્રો ગતિમાન કરી દીધા ત્યારે અમને એ વાતનો અહેસાસ થયો કે, અમે બંને એકબીજાના પ્રેમમાં છીએ અને એકબીજાને ઉંડાણથી જાણી લીધા બાદ અમારા માટે એકબીજા વિના રહેવું મુશ્કેલ હતું.

આના ઉકેલને ખાતર અમે બંનેએ અમારા ઘરે વાત કરી દીધી અને જે કંઈ હતું એ એકદમ સ્પષ્ટ જણાવી દીધું. અમને હતું કે કદાચ અમારા ઘરના લોકો અમારી પસંદગીને નકારી કાઢશે, પરંતુ એવું કશું નહીં થયું અને એમણે તો સહર્ષ એ સ્વીકારી લીધું. જેનો ફાયદો એ થયો કે, થોડા જ દિવસોમાં સત્તાવાર રીતે અમારી વાતો શરૂ થઈ અને અમે બંને એકબીજા સાથે પરણી ગયા. હવે તો અમે અમારા સંસારમાં ખૂબ ખુશ છીએ અને આવનારા થોડા જ દિવસોમાં અમારા પ્રેમનું પ્રતીકસમું અમારું સંતાન પણ આ ધરતી પર આવવાનું છે. હવે તમે જ નક્કી કરો કે, અમારા લગ્નને લવ મેરેજ કહેવા કે અરેન્જ્ડ મેરેજ કહેવા?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.