દિલ હૈ છોટા સા છોટી સી આશા...
હું ધોરણ 12 પરીક્ષા આપીને અમદાવાદથી મારા મામાના ઘરે રહેવા સુરત આવી. મામાની દીકરી એટલે સ્નેહા. તે મારાથી એકાદ વર્ષ જ નાની એટલે એની સાથે મારે બહેનપણી જેવા સંબંધો. એટલે હું રજા પડે કે સીધી મામાને ત્યાં આવી પહોંચું. મામા-મામીનો સ્વભાવ પણ ખૂબ સારો અને સ્નેહા વેકેશનમાં એકલી પડે એટલે મારો સાથ એને ગમે. મારી સ્કૂલના તમામ વેકેશન મેં એની સાથે જ ઉજવ્યા છે.
આમ તો હું વર્ષોથી મામાને ત્યાં આવતી જતી રહેતી, પણ આ વખતે મને કંઈક નવો જ અનુભવ થયો. મારા મામા એપાર્ટમેન્ટમાં બીજે માળે રહેતા હતા, એટલે મારે અને સ્નેહાને હરવા-ફરવા અને કંઈક નાની-નાની ખરીદી માટે દિવસમાં કેટલીયે વાર લિફ્ટ દ્વારા ઉપર-નીચે ઉતરવું પડે. ઉપરાંત રોજ સાંજે એપાર્ટમેન્ટની નીચે આવેલા ગાર્ડનમાં લટાર તો મારવાની જ. અને રાત્રે પાછા જમીને સોડા પીવાની અને ટહેલવા જવાનું. વેકેશન દરમિયાન આ રીતે અમે ખૂબ જલસા કરીએ, એકદમ હળવાશથી દિવસ પસાર કરીએ અને બંને પોતપોતાની મસ્તીમાં જીવીએ.
એ જ એપાર્ટમેન્ટના ચોથા માળે એક છોકરો રહેતો, જેણે ધોરણ 12ની પરીક્ષા આપી દીધી હતી. એટલે એ પણ એકદમ રિલેક્સ હતો. રોજ સાંજે હું અને સ્નેહા ગાર્ડનમાં ફરવા જઈએ ત્યારે એ છોકરો પણ ત્યાં જ હોય. અને મારી સામે વારંવાર જોતો રહે. પહેલા તો મને લાગ્યું કે, એ બીજે ક્યાંક જોતો હશે, એટલે મેં એને ઈગ્નોર કર્યો. પરંતુ ત્રણ-ચાર દિવસમાં મને ખ્યાલ આવી ગયો કે આ છોકરો બીજા કોઈ તરફ નહીં, પણ મારી સામે જ જોયા કરે છે. મેં એની સાથે મસ્તી કરવાનું નક્કી કર્યું એટલે હું પણ એની સામે જોવા લાગી. જોકે આવું કરતા ખબર નહીં કેમ, પણ એ છોકરો મને ગમવા લાગ્યો. પછી તો હું એપાર્ટમેન્ટમાં આવતાં-જતાં જાણે એને જ જોયા કરતી અને મારા મનમાં સતત એવી ઈચ્છા રહેતી કે, એ ક્યાંક મળી જાય.
રોજની જેમ એક સાંજે ગાર્ડનમાં ફરતાં એ છોકરો મારી સામે જોતો હતો ત્યારે મેં સ્નેહાને ઈશારાથી બતાવીને પૂછ્યું. 'પેલો છોકરો મારી સામે વારેવારે જોયા કરે છે.' સ્નેહાએ પણ એ વાત તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું. આમને આમ બીજું એક અઠવાડિયું વીતી ગયું અને અમે એકબીજાને જોઈને મલકાતા રહ્યા. તે દરમિયાન મેં સ્નેહાને પૂછી લીધું કે એનું નામ શું છે. જવાબ મળ્યો - વિશાલ અને હમણાં જ એણે ધોરણ 12ની પરીક્ષા આપી છે.
સહજ રીતે જ અમે બંને પોતાના દેખાવ પ્રત્યે સજાગ બની ગયા હતા. બંને એકબીજાની સામે જોતા રહેતા અને એવામાં એક સમયે અમારા બંનેની આંખો મળી ગઈ. અમને એવું લાગતું હતું કે, દુનિયામાં બીજું કશું જોવા જેવું છે જ નહીં, એટલે અમે એકબીજાની આંખોમાં જ જોતાં રહ્યા. પછી તો અમે એકબીજા તરફ સ્માઈલ પણ કરવાનું શરૂ કર્યું, પણ જો એકબીજાની સામે ભેટો થઈ જાય તો વાતચીત શું કરવી અને ક્યાંથી શરૂ કરવી એની બંનેમાંથી કોઈને સમજ પડતી નહોતી.
એક દિવસ અમે સવારે કંઈક લેવા ગયા અને ત્યાંથી પરત ફરતા વિશાલ લિફ્ટમાં અમારી સાથે થઈ ગયો. અને અમને કેડબરીઝ આપીને કહ્યું કે, 'આજે મારો બર્થડે છે. મેં અને સ્નેહાએ વિશાલને જન્મ દિવસની શુભકામનાઓ આપેલી.' એ દિવસે તો જાણે મારો પોતાનો જ બર્થ ડે હોય એમ મને લાગ્યા કરેલું! પછી એક વાર દુકાને કંઈક ખરીદવા ગયા ત્યારે પણ એ અમારી સાથે થઈ ગયેલો અને ત્યારે પણ અમે એકબીજાને 'ગુડ મોર્નિંગ...' કરેલું.
પછી આવી નાની-નાની મુલાકાતો થતી રહી. એ દરમિયાન વિશાલે સ્નેહાને પૂછી લીધું કે, આ કોણ છે...? શું કરે છે...? ક્યાં રહે છે...? એનું નામ શું છે...? અને સ્નેહાને તો વિશાલ સારી રીતે ઓળખતો હોવાથી સ્નેહાએ એના દરેક પ્રશ્નોના જવાબ સરસ રીતે આપી દીધેલા. ત્યારબાદ એકાદ અઠવાડિયા પછી સ્નેહાએ એક કાગળ મને સંતાડીને આપ્યો અને કહ્યું કે, 'આ વિશાલે આપ્યો છે...' અને મેં ગભરાતા ગભરાતા એ વાંચ્યો - લખ્યું હતું - 'પલ્લવી, આઈ લવ યુ.'
એ ક્ષણનો મારો અનુભવ હુ વર્ણવી શકું એમ નથી. ત્યારે હું ગભરાઈ ગયેલી અને એટલી તો ખુશ હતી કે ન પૂછો વાત. અને ત્યાર પછી તો વિશાલ પ્રત્યેની મારી દૃષ્ટિ એકદમ જ અલગ થઈ ગઈ. અને મારી ખુશીનો પાર ન રહ્યો.. અને એ વેકેશનમાં જવાના ચારેક દિવસ પહેલા મેં પણ એક કાગળ પર લખી નાખ્યું - 'વિશાલ, આઈ લવ યુ ટુ.'
ત્યારબાદ અમારી મુલાકાતો વધતી ગઈ. પછી તો ચોક્કસ જગ્યા પર ઊભા રહીને વાતો કરતા રહ્યા અને આ બધામાં સૌથી સહાયરૂપ બની મારા મામાની દીકરી સ્નેહા.
વેકેશન પુરું કરીને પરત અમદાવાદ આવી ત્યારે તો એક એક યાદો અને એક એક દિવસ યાદ કરીને કરીને ફરી ક્યારે રજા આવે ને ક્યારે હું સુરત ભાગી જાઉં. એની રાહમાં જ દિવસો પસાર કરવા લાગી. એના વિના ગમતું નહોતું અને બીજી તરફ એનો સંપર્ક પણ સરળતાથી થઈ શકતો નહોતો.
ત્યારબાદ એકાદ વર્ષમાં અમારા બંને પાસે મોબાઈલ આવી ગયેલા. એટલે મોબાઈલ પર અમારી વાતો થયા કરતી. અમારી વચ્ચેના પ્રેમ-લાગણીઓ અને નિખાલસતા ભર્યા વ્યવહારને લીધે જ અમે બંનેએ એક સાથે નક્કી કરેલું કે આપણે લગ્ન કરીશું. અમારા લગ્ન નક્કી કરવામાં સ્નેહાનો હાથ સૌથી મોટો રહ્યો છે. નસિબજોગો અમારા બંનેના ઘરે અમારા લગ્નને લઈને કોઈ વાંધા આવ્યા નહીં. અને આ વર્ષમાં અમારા લગ્ન લેવાઈ જશે.
અહીં એક વાત કહેવાનું ભૂલી શકાય તેમ નથી, અમારા લગ્ન થઈ રહ્યા છે એ માટે મારી બહેન સ્નેહાનો અમે બંને હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
(પલ્લવી પટેલ, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર