પ્રેમ અને ઘર્ષણ
માન્યતાઓની દૃષ્ટિએ આપણો દેશ એટલો બધો પછાત છે કે, સમાજ તરીકે આપણે પ્રેમ જેવી મજાની બાબતને પણ સ્વીકારી શક્યા નથી અને જાતિવાદ, ધર્મ કે આર્થિક ધારાધોરણોને વચ્ચે લાવીને આપણે પ્રેમની વચ્ચે રોડાં નાંખતા રહ્યા છીએ. આ કારણે જ અનેક લોકો ચાહીને પણ પ્રેમ નથી કરી શક્યા અને જેમણે કોઇને પ્રેમ કર્યો હોય તો તેઓ એમના પ્રિયજનને પામી નથી શક્યા. પ્રેમની બાબતે માણસે આટલો બધો સંઘર્ષ કેમ કરવો પડતો હશે? માણસને એનું પ્રિય પાત્ર પસંદ કરવાની પરવાનગીય નહીં મળે? આખરે જિંદગી તો એની પોતાની છે તો પોતાના નિર્ણયો લેવાની આઝાદી માણસની પોતાની કેમ નહીં?
પ્રેમની બાબતે મેં પણ જીવનમાં સંઘર્ષ વેઠ્યો છે. ખૂબ વેઠ્યું છે અને લડવું પડ્યું છે પ્રેમ કરીને! લડવું એટલે જ પડ્યું કે મનમાં એક ખૂમારી હતી કે, માણસને એનું પ્રિય પાત્ર પસંદ કરવાનો અધિકાર કેમ નહીં? કોઇની અપેક્ષા કે કોઇના અહમના ખપ્પરમાં અમારે શું કામ હોમાતા રહેવાનું? મારે અહીં મારું કે મારા પ્રેમીનું નામ નથી આપવું. નહીંતર જેઓ અમારી વિરુદ્ધ પડ્યાં છે એમનો ખોટો ફજેતો થશે.
હું અને મારા પતિ એક જ સોસાયટીમાં રહીએ અને આજુબાજુના મકાનોમાં અમારા ઘર. હું જ્ઞાતિની રાજપુત અને મારા પતિ મહારાષ્ટ્રીયન. નાનપણથી અમે એકબીજાને જોતા રહેતા, ક્યારેક સાથે રમતા તો સોસાયટીના મિત્રોની કોઇ સહિયારી પાર્ટી કે પ્રવાસોમાં એકબીજાને મળતા રહેતા. હું સ્વભાવે સાવ અલ્લડ અને બળવાખોર અને એ ભયંકર શાંત અને ડાહ્યો. એના આવા ગુણને કારણે એ મને ખૂબ ગમતો અને પાછો દેખાતો પણ ઘણો ક્યૂટ!
અમે સાથે હોઈએ ત્યારે અથવા અમે આમને-સામને થઈએ ત્યારે હું એને ઘણા ઈશારા કરતી. ક્યારેક એ શરમાઈ જતો તો ક્યારેક કોઇક એની સાથે હોય તો એ મને ઈગ્નોર કરી જતો. મને એ વાતની જાણ થઈ ગયેલી કે, એ મને ક્યારેય સામેથી એની લાગણી વિશે કહેવાનો નથી. કારણ કે, એનો સ્વભાવ મૂળે ગભરું અને સામેથી મારી છાપ લાઉડ પર્સન તરીકેની. એટલે મેં જ એક દિવસ એને આંતરીને મારી લાગણીઓ કહી દીધી અને એની પાસે જાણે રીતસરની ઉઘરાણી કરી કે, હવે તારે મને પ્રેમ કરવો જ પડશે!
જોકે એને પણ મારા માટે ફીલિંગ્સ હતી જ એટલે અમારું લવ અફેર શરૂ થયું અને શહેરમાં સાથે ફરવાનું કે છૂપાઈછૂપાઈને મળવાનું શરૂ કર્યું. ફોન અને મેસેજ પર પણ ખૂબ વાત કરતા! મળતી વખતે એ ખૂબ સાવચેતી રાખતો, પણ હું એવી અલ્લડ કે ક્યારેક સરેઆમ એના હાથમાં હાથ નાંખીને ફરતી! આને કારણે જ થોડા સમયમાં અમારો પ્રેમ પણ સરેઆમ થઈ ગયો અને અમારા બંનેના ઘર સુધી અમારા પ્રેમની(એમના માટે લફરું!) વાત પહોંચી ગઈ.
મારે ઘરે ખબર પડતાં જ મારા માતા-પિતા અને ભાઈઓએ આ બાબતની ખરાઈ કરવા મને બે-પાંચ સવાલો પૂછ્યાં. ત્યારે હું અસત્ય બોલીને થોડા સમય માટે મામલો ઠંડો પાડી શકી હોત. પણ મને થયું ક્યારેક તો આ બાબતનો સામનો કરવો જ પડશે એટલે મેં જે કંઈ હતું એ સાચું કહી દીધું. જેને કારણે અમારા ઘરમાં યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ. મારા પિતા અને ભાઈઓએ તો એ દિવસે મને થપ્પડ પણ લગાવેલી અને એમણે મારા પ્રેમીને પણ મારવાનું આયોજન કરેલું.
મેં સમય સૂચકતા વાપરીને મારા પ્રેમીને આખી ઘટનાની જાણ કરી કરી દીધી અને એને પણ ઘરમાંથી બહાર નીકળવાની ના પાડી દીધી. મને ખબર હતી કે, ઝાઝો તમાશો નહીં થાય એની બીકમાં મારા ઘરના લોકો સોસાયટીમાં કોઇ હોહા કરવાના નહોતા. એ લોકો મારા પ્રેમીને બહાર જ ક્યાંક પકડતે અને એને મારતે!
આ બાબતને લઈને થોડા દિવસો ઘરમાં ખૂબ રમખાણ ચાલ્યું અને એમણે મને આ પ્રેમીને છોડી દેવા ખૂબ ધમકાવી. તેઓ સતત કહેતા રહ્યા કે, પ્રેમીનું કુટુંબ નીચી જ્ઞાતિનું છે, આપણે ઉંચા કહેવાઈએ… સમાજમાં આપણું સારું નહીં લાગે! આવું બધું સાંભળી સાંભળીને જ મારું મગજ વધુ ફરેલું કે, આ લોકો માણસને માણસ તરીકે કેમ નથી જોતા? અને આપણે ઉંચા અને તેઓ નીચા એનું ધોરણ કોણે નક્કી કર્યું? આપણે પોતે જ ને?
વળી, ઘરના લોકોએ મારે માટે સમાજમાં છોકરા શોધવાનું પણ શરૂ કરી દીધેલું. એમણે મને ઘરમાં જરૂર ગોંધી રાખેલી, પણ મારો મોબાઈલ મારી પાસે લેવાનું તેઓ ભૂલી ગયેલા, જેનો ફાયદો મને મળી રહેતો. કારણ કે, દિવસમાં ત્રણ-ચાર કલાકનો એવો સમય રહેતો જ કે, જેમાં હું મારા પ્રેમીનો સંપર્ક કરી શકતી અને એને મારી જાણ કરી શકતી. એવામાં એક દિવસ અમે ભાગી છૂટવાનું નક્કી કર્યું, કારણ કે અમારા ઘરના લોકોને સમજાવી શકાય એમ તો હતું જ નહીં!
એટલે એક દિવસ નિયત સમયે હું ઘરમાંથી કશુંક લેવાને બહાને બહાર નીકળી અને તકનો લાભ લઈને મારા પ્રેમી સાથે ભાગી છૂટી અને એ જ દિવસે અમે કોર્ટમાં લગ્ન કરી લીધા, જેથી કોઇ અમને હેરાન નહીં કરી શકે. મારા ઘરેથી નીકળતી વખતે મેં મારી સાથે કશું જ નહીં લીધું. માત્ર બે જોડી કપડાં સાથે રાખેલા, બાકી કાનમાંની બૂટ્ટીથી લઈને ગળામાંની ચેઈન કે સોનાની બંગડીઓ સુધીનું બધું જ ઘરે મૂકી દીધેલું, જેથી કોઇ એમ નહીં કહે કે, આ બાઈ અમને લૂંટી ગઈ!
લગ્ન કરી લીધા બાદ મેં ઘરે ફોન કર્યો અને એમને જાણ કરી તો એમણે મને છેલ્લામાં છેલ્લી કટની ગાળો દીધી અને કહ્યું કે, અમારી સાથે કોઇ સંબંધ રાખતી નહીં અને જો સામે મળી તો કાપી નાંખીશું તને! આમ તો મારું સાસરું ત્યાંથી નજીક હતું, પણ ત્યાં તો અમારાથી રહેવા નહીં જ અવાય એટલે અમે શહેરથી થોડે દૂર એક નાનકડી ઓરડીમાં અમારો સંસાર વસાવ્યો અને નવું જીવન શરૂ કર્યું.
આજે ત્રણ વર્ષ થવા આવ્યા છે અમારા લગ્નના, પણ મારા ઘરના લોકોએ મારી સાથે કોઇ સંબંધ નથી રાખ્યો. થોડા સમય પહેલા મારા કાકાનું અવસાન થયું તો એમણે મને જાણ કરવાની પણ તસદી નહીં લીધી. જોકે મારા સાસરાના લોકો ઘણા સારા છે, જેઓ નિયમિત અમને મળવા આવે છે, અમને સમયાંતરે થોડી આર્થિક સહાય પણ કરતા રહે છે. પણ શું જીવનમાં માણસે પોતાના પ્રેમ સાથે રહેવા માટે આટલો બધો સંઘર્ષ કરવાનો હોય? માણસ તરીકે આપણે છેક આવા? જો આને સમાજ કહેવાતો હોય તો આવો કુંઠિત સમાજ ક્યારેય સ્વીકાર્ય નથી મને.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર