પ્રેમ અને પરીક્ષા
અમારા બંનેના પ્રેમ માટે પરીક્ષાઓએ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એટલે જ મારે આ લેખના શિર્ષકમાં પણ પરીક્ષાનો ખાસ ઉલ્લેખ કરવો પડ્યો. હવે એ વિશેની વાત માંડીને કરું તો મેં અને મયૂરે અમારા ગ્રેજ્યુએશન સુધી એકબીજાના ચહેરા સપનેય નહોતા જોયા. આમ તો અમે બંને એક જ શહેરમાં રહેતા, પરંતુ બંનેની કૉલેજો જુદી જુદી અને અમે રહીએ એ વિસ્તારો પણ જુદા જુદા એટલે મોટા શહેરમાં અમારું એકબીજાને મળવાનું અશક્ય હતું. પરંતુ અમે મળી શક્યા એ પાછળ સૌથી મોટો ભાગ ભજવ્યો અમારા ગ્રેજ્યુએશને. કદાચ હજુય તમને થોડી અવઢવ હશે કે, આમાં કવિ શું કહેવા માગે છે? તો વાત જાણે એમ બનેલી કે, અમે બંને એક જ વર્ષે ગ્રેજ્યુએટ થયા હતા અને ગ્રેજ્યુએટ થઈને અમે તરત વિવિધ કમ્પિટિટિવ એક્ઝામ્સ આપતા હતા. અમને બંનેને સરકારી નોકરીની તલાશ હતી એટલે સરકારના વિવિધ વિભાગની તમામ પરીક્ષાઓ અમે આપતા.
અધૂરામાં એનું નામ મયૂર પટેલ અને મારું નામ મયૂરી પટેલ એટલે એક્ઝામમાં ક્યાં તો અમારો નંબર આગળ-પાછળ આવે અથવા અમે આજુબાજુમાં હોઈએ! શરૂઆતમાં એક-બે વખત તો અમે એકબીજા તરફ ઝાઝું ધ્યાન નહીં આપ્યું. અલબત્ત અમને એ વાતનો ખ્યાલ હતો અમે અગાઉ પણ સાથે પરીક્ષા આપી ચૂક્યા છીએ, પરંતુ શરૂઆતમાં અમારી વચ્ચે કોઈ જ કોમ્યુનિકેશન નહોતું. પરંતુ પછી ત્રીજી કે ચોથી વખત પણ સાથે થઈ ગયા પછી અમે એકબીજાને સ્માઈલ આપવાનું શરૂ કર્યું. પેપર શરૂ થયેલું ત્યારે અમે એકબીજાને સ્માઈલ આપેલી. તો પેપર પૂરું થયું પછી અમે એકબીજાને પૂછ્યું કે પેપર કેવું ગયું. આ તો ઠીક અમે એકબીજા સાથે બેસીને થોડા પ્રશ્નો પણ સોલ્વ કરેલા.
લગભગ એ પરીક્ષા સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાની હતી. તો ત્યાર પછીના બીજા જ રવિવારે બીજી એક સ્પર્ધાત્મક પરીક્ષા હતી અને જોગાનુજોગ એ પરીક્ષા પણ અમે બંને આપવાના હતા. એટલે એ પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવાની એ બાબતની ચર્ચા પણ કરી. જોકે એ અમારી પહેલી મુલાકાત હતી એટલે અમે ન તો એકબીજાથી ઝાઝા ઈમ્પ્રેસ થયેલા કે નહીં તો અમને એવો ખ્યાલ સુદ્ધાં હતો કે આજની આ મુલાકાતથી થયેલી શરૂઆત અમને પરિણય સુધી દોરી જશે. ત્યાર પછીની પરીક્ષામાં પણ અમે એકબીજાને હળવી સ્માઈલ આપેલી અને થોડી વાતો પણ કરેલી. પરંતુ ત્યારે અમે એકબીજાના નંબર્સ લઈ લીધેલા કે હવે પછી કોઈ બીજી પરીક્ષા હશે તો એનું અથવા આગળ આપેલી પરીક્ષાઓનું કંઈ અપડેટ હશે તો અમે એ શેર કરતા રહીશું.
એ બાબત જ અમારા પ્રેમમાં મહત્ત્વની બાબત બની ગઈ. કારણ કે, એકબીજાના નંબર્સ શેર કર્યા પછી વાયા ફોરવર્ડ્સ અમે એકબીજા સાથે ચેટ શરૂ કરી દીધેલી. ચેટિંગ દરમિયાન અમે એકબીજાને થોડા વધુ જાણતા થયા અને એ બધી પ્રક્રિયા દરમિયાન અમે એકબીજાની નજીક ક્યારે આવી ગયા એની અમને જાણ સુદ્ધાં નહીં રહી. આમ તો શરૂઆતમાં જ અમને એ વાતનો ખ્યાલ આવી ગયેલો કે, અમને બંનેને એકબીજા સાથે ઘણું ફાવે છે અને એકબીજાની સાથે જાતને મહેફૂઝ પણ ફીલ કરીએ છીએ. છએક મહિના અમે આ રીતે એકબીજા સાથે ચેટ કરી હશે અને ક્યારેક પ્રસંગોપાત મળ્યા પણ હોઈશું, પણ એ છ મહિનામાં અમે બંને રાહ જોતા રહ્યા કે, સામેનું પાત્ર અમને પ્રપોઝ કરે! મજાની વાત એ હતી કે, અમે બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા એટલે સામેનું પાત્ર પ્રપોઝ નહોતું કરતું એટલે અકળામણ પણ ખૂબ થતી. પરંતુ કોણ જાણે કેમ એ સમયે અમારા બંનેમાં ખૂબ ધીરજ આવી ગયેલી અને અમે બસ રાહ જ જોતા રહ્યા.
મયૂર આમ ખૂબ ચબરાક અને તેજ-તર્રાર, પણ પ્રેમ કે લાગણીઓની બાબતે એ એકદમ ભોળો. એટલે હું એ બાબતે આશા ખોઈ બેઠી હતી કે, એ મને પ્રપોઝ કરશે અથવા સામેથી પહેલ કરશે. પણ એકવાર અમારી વચ્ચે કોઈક વાતે ચર્ચા ચાલી રહી હતી ત્યારે વાતવાતમાં મેં એને કહેલું કે પ્રેમ હોય કે કમાવાની બાબત હોય. એમાં પહેલ પુરુષે કરવાની હોય. સ્ત્રી તમને ચાહતી હોય તોય એ તમને સામેથી પ્રપોઝ નહીં કરે. એ ધીરજ રાખશે અને વર્ષો, સદીઓ, યુગો સુધી પ્રતીક્ષા કરતી રહેશે.
આ વાતની એના પર અસર થઈ હશે કે, શું એ નથી ખબર, પણ એ ચર્ચા ચાલેલી એ જ રાત્રે એણે મને ગભરાતા ગભરાતા મેસેજ કરેલો કે, ‘તારી મને ખબર નથી, પણ હું તને ખૂબ ચાહુ છું… જો તને મારા તરફ કોઈ જ લાગણી નહીં હોય તો પ્લીઝ આ બાબત ભૂલી જજે. અને ખોટું નહીં લગાડતી. આપણે મિત્રો તો છીએ જ…’
એનો મેસેજ વાંચીને મને ખૂબ આનંદ થયો. અને મેં તરત જ એને રિપ્લે વાળ્યો કે ‘તે કયા હિસાબે ધારી લીધું કે મને તારા માટે કોઈ લાગણી નહીં હોય…? મને પણ તારા માટે લાગણીઓ છે અને હું તને ખૂબ ચાહું છું… બસ રાહ જોઈને બેઠી હતી તારી…’
….અને બસ આ રીતે અમે ઑફિસિયલી એકબીજાની નજીક આવ્યા અને અમારા ઘરે એ વાતની જાણ કરીને છ જ મહિનાના ગાળામાં અમે પરણી ગયા. વચ્ચેના છ મહિનામાં નવાજૂની માત્ર એટલી જ થઈ કે અમને બંનેને નોકરી મળી ગઈ. એને સ્ટેટ બેંકમાં નોકરી મળી ગયેલી અને મને સેલ્સ ટેક્સ વિભાગમાં નોકરી મળી ગયેલી. જેના કારણે અમારો આનંદ બેવડાઈ ગયેલો અને અમે ખૂબ જલસાથી લગ્ન કરેલા. કંઈક આવી હતી અમારી લવ સ્ટોરી… કેવી લાગી?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર