એમ શરતે ન થાય કદી પ્રેમ

20 Nov, 2016
12:00 AM

PC: hdwallpapershdpics.com

પ્રેમ વિશે આપણે ત્યાં બે વાક્યો અત્યંત પ્રચલિત છે. 'પ્રેમમાં પડવું'અને 'પ્રેમમાં ગળાડૂબ' હોવું! જોકે મને પ્રેમ થયો ત્યાર પછી આ વાક્યોમાં મને થોડું કરેક્શન કરવાનું થાય છે. પહેલા વાક્ય માટે એમ કહી શકાય કે, માણસ પ્રેમમાં હોય ત્યારે એ પ્રેમમાં પડતો નથી. પરંતુ માણસ પ્રેમમાં હોય ત્યારે એ ઊડે છે! એ પ્રેમના અનંત આકાશમાં ઉડાન ભરતો હોય છે. તો બીજા વાક્યમાં જોઈએ તો ગળાડૂબ હોવું એટલે ગળા સુધી ડૂબેલા હોવું. પરંતુ મારા અનુભવ પછી હું કહું છું કે, પ્રેમમાં હોય ત્યારે માણસ ગળાડૂબ નથી હોતો પરંતુ એ તરતો હોય છે! એ અત્યંત હળવાશ અનુભવતો હોય છે.

હું દૃઢપણે માનું છું કે, બીજા કોઈની મરજી કે સૂચનથી ખૂંટે બંધાઈ જવા કરતા, માણસે જીવનમાં એક વાર પ્રેમ કરવો જોઈએ, પોતાની મરજી મુજબના, પોતાને ગમતા પાત્ર સાથે જીવન ગુજરાવું જોઈએ. ખરા અર્થમાં સાહચર્ય માણવું જોઈએ. અને સાહચર્યને લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી. અહીં હું લગ્ન પ્રથાનો વિરોધ નથી કરતી કે લગ્નને હું અવગણતી પણ નથી. પરંતુ હું એટલું જરૂર માનું છું કે, એક સ્ત્રી અને પુરુષને એકબીજાને પ્રેમ કરવા માટે કે, એકબીજાની સાથે રહેવા માટે લગ્ન નામના સોશિયલ સર્ટિફિકેટની કે સામજિક સ્વીકૃતિની કોઈ જરૂર નથી હોતી.

એટલે જ મને, અમને પ્રેમ થયો ત્યારે અમે નક્કી કરી લીધું કે, આપણે લગ્ન નથી કરવા. બસ, એકબીજાની સાથે રહેવું છે, એકબીજાનો સહવાસ માણવો છે અને એકબીજાને ભરપૂર પ્રેમ કરીને સાહચર્ય જેવા શબ્દને સાર્થક કરવો છે. હવે આવીએ અમારી લવ સ્ટોરી પર. અમે બંને બેંગ્લુરુની એક મલ્ટીનેશનલમાં નોકરી કરીએ છીએ. નોકરી માટે હું વડોદરાથી બેંગ્લુરુ પહોંચેલી અને ટી. રમણ તામિલનાડુથી ત્યાં આવેલો. જોકે નોકરી અને ઉંમરની બાબતે હું એના કરતા બે વર્ષ આગળ કહેવાઉં. ઓફિસમાં એ જુનિયર તરીકે આવેલો અને મારે ભાગે એને ટ્રેનિંગ આપવાનું આવેલું.

એની નોકરી શરૂ થયેલી ત્યારે શરૂઆતના સમયમાં તો અમારી વચ્ચે 'મૈડમજી' અને 'રમનજી' જ ચાલેલું. ટ્રેનિંગના ભાગરૂપે લગભગ એક મહિનો અમે સાથે રહેલા. એ દરમિયાન એકાદ અઠવાડિયાની ફોર્માલિટીઝ પછી અમે સાથે કોફી પીતા થયાં અને અમારો ટેમ્પો મેચ થતાં અમારી વચ્ચે દોસ્તી જેવું શરૂ થયું. અમારી વાતચીતમાં અમને ખ્યાલ આવતો ગયો કે અમારા મોટાભાગના રસના વિષયો એક સરખા છે. અમને બંનેને દક્ષિણની મસાલા ફિલ્મો જોવાની બહુ ગમે, અમને બંનેને હાર્ડકોર લિટરેચર નહીં પચે, પરંતુ અમને ચેતન ભગત કે રવીન્દર સિંઘ જેવા લેખકોની નવલકથાઓ વાંચવાનું ખૂબ ગમે. અમને બંનેને 'બડવાઈઝર' બિયર ફાવે, તો રજાના દિવસે બપોરે એક વાગ્યા સુધી અમને ઉંઘવા જોઈએ!

આ બધી સામ્યતાઓને કારણે અમે એકબીજાની વધુ નજીક આવ્યા અને રમણની ટ્રેનિંગ શરૂ થઈ એના એકાદ મહિનાના ગાળામાં અમે સાંજે ઓફિસેથી છૂટીને સાથે રખડતા પણ થઈ ગયા. જોકે અમારી વચ્ચે વિષમતાઓ પણ ઘણી છે. અમારી ત્વચાના રંગો જુદા છે. હું ઘણી ફેર છું તો એ ઘણો શ્યામ છે! હું થોડી લાંબી છું તો એ થોડો ઠીંગણો છે. મને તીખુ ભાવે છે તો એને તીખુ જરાય નથી ભાવતું. હું પાણીપૂરીની આશિક છું તો એને સ્વાભાવિક જ ઈડલી પ્રત્યે સોફ્ટકોર્નર છે! પણ અમે અમારી વિષમતાઓ એન્જોય કરીએ છીએ. ઓફિસથી છૂટીને જ્યારે અમે બેંગ્લુરુના જેપી નગરમાં લટાર મારીએ ત્યારે એ ક્યારેક પાણીપૂરી ટ્રાય કરી લે છે. તો ક્યારેક સવારે ઓફિસ કેન્ટીનમાં નાસ્તામાં અમે 'ઈડલી-સાંબર' ઝાપટીએ.

અમારી વચ્ચે બીજી અને સૌથી મોટી સામ્યતા એ હતી કે, અમને બંનેને અત્યંત લિમિટેડ સોશિયલ સર્કલ હતું. અને જે વર્તુળ હતું એમાં પણ અમને બહુ રસ ન હતો. બીજી બાજુ બેંગ્લુરુમાં અમને બંનેને ઝાઝા મિત્રો ન હતા અને અમને એકબીજા સાથે ફાવવા માંડ્યું હતું, એટલે અમે એકબીજાની સાથે બને એટલો વધુ સમય પસાર કરતા. ઓફિસ ટાઈમમાં અમે સિનિયર-જુનિયર હોઈએ. તો એ સિવાયના સમયમાં અમે એકબીજાના મિત્રો તરીકે સાથે રહીએ.

અહીં એક સ્પષ્ટતા કરી લઉં કે એક વર્ષ સુધી આમને આમ ચાલ્યું તોય અમને બંનેને એ વાતની ગંધ નહોતી આવી કે, અમારી વચ્ચે જે બોન્ડિંગ અથવા અટેચમેન્ટ છે એને પ્રેમ, લવ, ઈશ્ક કે મહોબત કહેવાય છે. અમને તો એમ જ કે, આ તો દોસ્તી જ છે વળી. પ્રેમ-બ્રેમ કંઈ આપણને થોડું થાય? અમે તો બસ એકબીજાની સાથે રહેતા, હરતા-ફરતા, ખાતા-પીતા અને અજાણ્યા શહેરમાં મજેથી રહેતા. વળી, ફ્લર્ટિંગ પણ અમારા સ્વભાવમાં નહીં! એટલે જ્યારે પણ મળીએ કે સાથે હોઈએ ત્યારે, 'ઓહ... હાઉ કેરીંગ' કે 'યુ આર સો સ્વીટ' જેવા પોલા શબ્દોની ક્યારેય આપ-લે પણ નહીં કરીએ!

પણ મોકાણ ત્યારે પડી, જ્યારે હું એક વર્ષના ગાળા બાદ ઉતરાયણ માટે વડોદરા આવી. ઘરે રહેવું છે અને આરામ કરવો છે એમ નક્કી કરીને પંદરેક દિવસની રજા લઈને મેં તો વડોદરાની ફ્લાઈટ પકડી અને તહેવારનો દિવસ મજેથી ઉજવ્યો. પરંતુ ઉતરાયણ પતી કે તરત મને બેચેની થવા માંડી. હું મારા ઘરે, મારા મમ્મી-પપ્પાની સાથે હતી છતાં મને રહી રહીને બેંગ્લુરુ સાંભરી રહ્યું હતું. અહીં કશું ગમતું ન હતું અને સતત રમણને મેસેજ કરવાનું કે એની સાથે વાત કરવાનું મન થતું હતું. ઓફિસ ટાઈમમાં હું એને વ્હોટ્સ એપ પર મેસેજ કરું અને તે એનો 'ttyl'માં જવાબ વાળે, તો એનો જવાબ વાંચીને મને એના પર ઔર ગુસ્સો ચઢે.

જોકે સામેની તરફ, સાંજ પડ્યે ઓફિસમાંથી છૂટે એટલે રમણ પણ સૌથી પહેલા મને મેસેજ કરે અથવા સાંજે અમે જ્યાં કોફી પીતા એ કાફેનો એક ફોટોગ્રાફ્સ મોકલે, જેમાં એની સામેની ખુરશી ખાલી હોય અને એ બે કપ ફોફી લઈને બેઠો હોય! પછી તો લગભગ અડધી રાત સુધી અમે ચેટ કરીએ અને બને એટલો સમય સાથે વીતાવવાનો પ્રયત્ન કરીએ.

એ ગાળામાં અમને એ બાબત સમજાઈ ગયેલી કે, અમને બંનેને એકબીજાની આદત પડી ગઈ છે અને અમે બંને એકબીજાના પ્રેમમાં ઉડવા માંડ્યાં છીએ! બેંગ્લુરુ પહોંચતા જ અમે એકબીજાને ભેટી પડ્યાં અને તરત જ એ વાતનો સ્વીકાર કર્યો કે, 'હા, એકબીજાની ગેરહાજરીમાં અમને જે બેચેની વર્તાતી હતી એ બેચેની બીજું કંઈ નહીં, પણ પ્રેમ છે!' આ સ્વીકાર બાદ અમે બંને એકબીજાની વધુ નજીક આવ્યા અને અમને એવું લાગ્યું કે હવે અમે બે નહીં, પરંતુ અમે એક જ છીએ!

પછી તો થોડાં જ સમયમાં અમે નક્કી કર્યું કે, હવે જુદાં નહીં, પરંતુ અમારે સાથે રહેવું છે. અમને બંનેને લગ્ન કરવામાં બહુ રસ ન હતો, કારણ કે અમને એકબીજાને વચનો આપવામાં રસ નહોતો. એનો મતલબ એ પણ નહીં થાય કે, અમને એકબીજાની કિંમત નથી. પરંતુ અમને બંધન પસંદ નથી અને એટલે જ અમે ખોટા બંધનમાં બંધાવાનું ટાળ્યું. અમારા ઘરે જાણ કરીને થોડા જ દિવસોમાં અમે એક ફ્લેટમાં સાથે રહેવાનું શરૂ કર્યું. આધુનિક સમાજે અમારા સંબંધને લિવ ઈન રિલેશનશીપ નામ આપ્યું છે. પણ અમે અમારા સબંધને લિવ ઈન નહીં, પરંતુ દોસ્તી, મૈત્રી, સાહચર્ય નામ આપ્યું છે! લગ્નના ફેરા ફરીને અમે એકબીજાને કોઈ વચન નથી આપ્યું. વચન માત્ર અમારી જાતને આપ્યું છે કે, સામેની વ્યક્તિને એના ગુણ-અવગુણ સાથે સ્વીકારી લેવી, એને એની મરજીથી, એની શરતે જીવવા દેવી અને કોઈ પણ સ્વાર્થ વિના એ વ્યક્તિને ભરપૂર ચાહવી!

બસ આવી જ કંઈક છે અમારી લવ સ્ટોરી. અમારી વચ્ચે માત્રને માત્ર પ્રેમ જ છે, બીજું કંઈ જ નહીં!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.