અડધા આકાશનો પ્રેમ

01 May, 2016
12:00 AM

mamta ashok

PC:

લવનું તો ભઈ એવું ને કે એ તો થાય ત્યારે જ થાય. લવ નહીં થવાનો હોય ત્યારે તમે લાખ વલખા મારો તો પણ તમારો મેળ નહીં પડે અને ક્યારેક તમે સપનેય નહીં વિચાર્યું હોય એવા સમયે તમે લવમાં પડી જાઓ અથવા સ્લીપ મારી જાઓ. આ બધી વાત હું કંઈ અમસ્તી નથી કરતો પણ વર્ષોના અનુભવ બાદ લવ વિશેનું આ જ્ઞાન લાધ્યું છે એટલે જ અહીં આ વાત આલેખું છું.

હું કૉલેજમાં ભણતો ત્યારે લગભગ મારા તમામ મિત્રોને એક એક ગર્લફ્રેન્ડ હતી. કેટલાકને તો બે પણ હતી અને એથીય આગળ વધીએ તો કેટલાક ટ્રેનની મુસાફરી દરમિયાન જુદી, કૉલેજ દરમિયાન જુદી અને પોતાના શહેરમાં જુદી એમ ત્રણ ત્રણ ગર્લફ્રેન્ડ લઈને ફરતા. જોકે એ બધા માર ખાવાના જ ધંધા કરતા હતા કારણ કે, જેમણે પણ એકથી વધુ છોકરીઓ સાથે ચક્કર ચલાવ્યા છે એમના ભાંડા વહેલામોડા ફૂટ્યાં જ છે અને એમણે ગાળ પણ ખાધી છે અને માર પણ ખાધો છે!

આ કારણે મારે એકથી વધુ છોકરીઓ સાથે ચક્કર ચલાવવું ન હતું અને માત્ર એક જ છોકરી સાથે પ્રેમ કરીને મારી જીવનસાથી બનાવવી હતી. પરંતુ મૂઆ મારા નસીબ એટલા વાંકા હતા કે, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન એમ કુલ પાંચ વર્ષ સુધી લાગલગાટ કૉલેજ કરી પરંતુ મને મારો પ્રેમ ન મળ્યો એ ન જ મળ્યો. આ માટે મેં ખરા દિલથી પ્રયત્નો પણ કર્યાં અને ગમતી છોકરીઓ સાથે દોસ્તી કેળવવાનો પણ પ્રયત્ન કર્યો, પણ એમાં મને ક્યારેય સફળતા ન મળી અને એ બધી છોકરીઓ સાથે કાફેમાં બેઠા હોવા છતાં કે, ઘણી બધી ફિલ્મોના પૈસા ખર્ચયા છતાં મને ભાઈ કે દોસ્ત બનાવીને એમની દુનિયામાં ખોવાઈ ગઈ! દુખની વાત તો એ હતી કે, કેટલીકે એમના પ્રેમીઓ સુધી પહોંચવા માટે મારો મેસેન્જર તરીકે ઉપયોગ કર્યો હતો!

મને થયું ચાલો નસીબમાં પ્રેમ કરવાનું નહીં લખ્યું હોય અને એરેન્જ મેરેજ જ લખ્યાં હશે એટલે જ હજુ સુધી લાખ પ્રયત્ન કરવા છતાંય મને મારો પ્રેમ મળ્યો નથી. એટલે આપણે તો નોકરીએ વળગી ગયા અને કરિયરની ચિંતામાં કામમાં ગળાડૂબ થઈ ગયા. નોકરી માટે હું મુંબઈ સેટલ થયો અને મુંબઈની લાઇફ અને કરિયરની મથામણને કારણે એ સમય એવો હતો કે, આ સમય દરમિયાન માણસને સ્વાભાવિક જ પ્રેમ જેવી બાબત માટે વિચાર કરવાની તક મળે.

પણ આપણું નસીબ હંમેશાં આપણા વિચારોથી અવળું ચાલતું હોય છે એટલે મોટાભાગે આપણે જે વિચારતા હોઈએ એનાથી વિપરિત જ બનતું હોય છે. બન્યું એવું કે, શીતલ સાથે મારો સાવ અચાનક ભેટો થઈ ગયો અને પહેલી જ નજરમાં અમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. પાછા અમે મળ્યાં પણ ક્યાં? તો કે જમીન હજારો ફૂટ ઉંચે આકાશમાં! એટલે કે, વિમાનમાં અમારી પહેલી મુલાકાત થયેલી!

હું મારી ઓફિસના સેમિનાર માટે મુંબઈથી દિલ્હી જઈ રહ્યો હતો તો એ એના કોઇ મિત્રને મળવા માટે દિલ્હી જઈ રહી હતી. નસીબજોગે અમારી જગ્યા એકદમ બાજુમાં આવી ગઈ. મારી જગ્યા બારી પાસે આવી હતી તો એને ત્યાર પછીની સીટ મળી હતી. મુંબઈથી ફ્લાઈટ ટેકઑફ થઈ એટલામાં જ આપણે તો ઉંઘવાની તૈયારી કરી અને આંખો બંધ કરીને આપણે સહેજ લંબાવ્યું.

હજુ તો મેં જસ્ટ આંખો બંધ કરી જ હતી કે, એણે મને કહ્યું કે, ‘હેય, તમે ઉંઘી જ જવાના હોય તો પ્લીઝ મને વિન્ડો સીટ આપશો?’ મને થયું આને એ કઈ રીતે ખબર પડી હશે કે હું ગુજરાતી છું? પણ પછી ખ્યાલ આવ્યો કે, મારા હાથમાં એક ગુજરાતી મેગેઝિન પણ પડ્યું છે એટલે એણે એના હિસાબે જ મને ગુજરાતી ધાર્યો હશે.

વહેલી સવારની ફ્લાઈટ હતી અને આમેય મારે તો ઉંઘવું હતું એટલે મેં એને મારી જગ્યાએ બેસવા દીધી અને હું એની જગ્યાએ બેસીને ઉંઘી ગયો. હજુ માંડ વીસેક મિનિટની ઉંઘ આવી હશે ત્યાં મારી ઉંઘ ઉડી અને હું ફરી મેગેઝિન વાંચવામાં વ્યસ્ત થયો. મેં એને જોઈ તો એ સતત બહાર જોઈ રહી અને કોણ જાણે ધુમ્મ્સ જોઈને એને શું આનંદ આવતો હશે કે એ લગાતાર હસી રહી હતી. થોડા સમય સુધી તો મેં એનો ખેલ જોયા કર્યો, પણ પછી મારાથી રહેવાયું નહીં એટલે મેં એને પૂછ્યું, ‘શું જુઓ છો આમ તમે?’ એટલે એણે જવાબ આપ્યો કે, ‘મને ધુમ્મસ ખૂબ ગમે છે. અને એથીય વધુ એની સફેદી ગમે છે.’

એનો જવાબ મારા જેવા કોમર્સના માણસને બહુ પલ્લે નહીં પડ્યો, પણ હું એટલું જરૂર સમજી ગયો કે, આ બેન જરૂર આર્ટ્સના હોવા જોઈએ. એટલે મેં એને લાગલું જ પૂછ્યું, ‘તમે આર્ટ્સના વિદ્યાર્થી છો?’ તો એણે કહ્યું, ‘ના હું આર્ટ્સની પ્રોફેસર છું.’ ત્યારબાદ અમારી વચ્ચે ઘણી વાતચીત થઈ અને મને જાણવા મળ્યું કે, એ મુંબઈની એક આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીની પ્રોફેસર હતી અને સલમાન રશ્દી અને તસલીમા નસરીનની નવલકથાઓ પર P.hD કરી રહી હતી.

દિલ્હી આવ્યું ત્યાં સુધી અમારી વાતચીત સતત ચાલું રહી અને અમે એકબીજાથી ઘણા ઈમ્પ્રેશ થયાં હતા. પહેલી જ મુલાકાતમાં કોણ જાણે શું જાદુ થયું હતું કે, અમે એકબીજાના નંબર્સની આપલે પણ કરી.

પહેલા દિવસે તો હું મારા સેમિનારમાં અત્યંત વ્યસ્ત હતો. પણ સાંજે મને સમય મળતાં મેં એને વ્હોટ્સ એપ કર્યો અને એ દિલ્હીમાં ક્યાં છે અને શું કરે છે ની જાણકારી મેળવી. આમ તો એ એના દોસ્તને મળવા ગઈ હતી, પરંતુ મેં એને ડિનર માટે બોલાવી તો એ આવી અને અમે બંને અમારા ફેવરિટ કનોટ પ્લેસ પર ડિનર માટે ગયા. એને જાણ થઈ કે, કનોટ પ્લેસથી થોડે દૂર આવેલા ‘નેશલ સ્કૂલ ઑફ ડ્રામા’ ખાતે કોઇ અંગ્રેજી નાટક ભજવાઈ રહ્યું છે એટલે એ મને ત્યાં ખેંચી ગઈ અને જીવનમાં પહેલી વખત મેં નાટક જોયું! એ પણ પાછું એક છોકરી સાથે!

સવારે સાથે ગાળેલો એક કલાક અને સાંજના ચાર-પાંચ કલાક અમારા જીવન માટે અત્યંત નિર્ણયાત્મક સાબિત થયાં અને એ કલાકોમાં અમે એકબીજાને પસંદ કરવા માંડ્યા હતા. નાટક પૂરું થયું ત્યાં સુધીમાં અમે બંને એકબીજા સાથે એવા ભળી ગયા હતા કે, નાટક પૂરું થયું ત્યારે અમે એકબીજાના હાથમાં હાથ નાંખીને બહાર નીકળેલા, જે અમારી વચ્ચે ઉદભવેલા પ્રેમની નિશાની હતી. અને બસ, કંઈક આ રીતે અમે પ્રેમમાં પડી ગયા અને કંઈક આ રીતે શરૂ થઈ મારી અને એની લવ સ્ટોરી…  

(આકાશ પંડ્યા, મુંબઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.