દિવ્યાંગનું દિવ્ય મિલન

04 Sep, 2016
12:00 AM

PC: marketwallpapers.com

આપણે જેમ મહેમાનોને અતિથિ કહીએ એમ પ્રેમને પણ અતિથિ કહેવો જોઈએ. કારણ કે જ્યારે આપણી અંદર પ્રેમનું ઝરણું ફૂટે છે ત્યારે એ નથી તો સમય જોતું કે નથી તિથિ જોતું. બસ, એની મેળે જ, એની ઈચ્છાએ આપણી અંદર ખળખળ વહેવા માંડે અને એની ભીની, ઠંડી છાલકોથી આપણને પ્રફુલ્લિત, આનંદિત કરતો રહે! મને ક્યારેય ખબર નહોતી કે, હું ક્યારેય પ્રેમ કરી શકીશ કે મારા જેવીનેય કોઈ ચાહશે! પરંતુ કુદરતે એવી કમાલ કરી કે, મનેય પ્રેમ થયો અને આવડી મોટી દુનિયામાં એક જણ મને પણ ચાહનારું નીકળ્યું.

મને પણ કોઈ ચાહનારું નીકળ્યું…’ એવું લખવાની જરૂર એટલે પડી કે, હું પોલિયોગ્રસ્ત છું અને મારો એક પગ જરાય કામ નથી કરતો એટલે મારે વોકરને સહારે ચાલવું પડે છે. આ કારણે મારે કૉલેજ જવાથી લઈને ટ્રેનમાં જતી વખતે કે જાહેર રસ્તાઓ પર ચાલતી વખતે ખૂબ મહેનત કરવી પડે અને શારીરિક અને ક્યારેક માનસિક રીતે ખૂબ વેઠવું પડે. નાની હતી ત્યારથી હું મારી આ લાચારી પ્રત્યે અત્યંત સભાન હતી અને ત્યારથી મેં ગાંઠ વાળેલી કે, કોઈની પાસે સહાનુભૂતિથી ભીખ માગીને મારી લાચારીનો ફાયદો નથી ઉઠાવવો અને બને ત્યાં સુધી કોઈની મદદ લીધા વિના પોતાનું કામ પોતે જ કરવું, જેથી કોઈના પર આપણો ભાર ન રહે અને ગર્વપૂર્વક જીવી શકાય. આખરે મારો પગ જ અપંગ હતો, મારું મગજ કે મારી ખૂમારી નહીં! એ ખૂમારી દ્વારા જ દુનિયાને જીતી શકાય છે એ મને ઘણી વહેલી ખબર પડી ગયેલી.

બારમાં ધોરણ બાદ મેં મેડિકલમાં એડમિશન લીધું. (એક ચોખવટ કરી લઉં કે, મારા પરફોર્મન્સના આધારે મેં જનરલ કેટેગરીમાં એડમિશન લીધું હતું. વિકલાંગ કે અનામત કોટામાં નહીં!) ઘરથી કૉલેજ સીત્તેર કિમી જેટલી દૂર હતી, જ્યાં ટ્રેન દ્વારા અપડાઉન થઈ શકે એમ હતું એટલે મેં હોસ્ટેલમાં નહીં રહેતા ઘરે રહીને અભ્યાસ શરૂ કર્યો, જેમાં મારા માટે રોજ એક જ પડકાર સૌથી મોટો રહેતોઃ રોજ સવારે અને સાંજે ટ્રેનમાં વિકલાંગોના ડબ્બામાં ચઢવાનું અને અમારા નાના અમસ્તા ડબ્બામાં પણ ચઢી બેસીને ભીડ કરનારા શરીરે સ્વસ્થ માનસિક વિકલાંગોને ઊઠાડીને જગ્યા મેળવવાની!

અમારી જ કૉલેજમાં સેકન્ડ યરમાં એક યુવાન પણ ભણતો હતો, જે મારા પહેલાના એક સ્ટેશનથી ચઢીને મારી જ ટ્રેનમાં અપડાઉન કરતો, જેની સાથે અમે ઑટોમાં ઘણી વખત સાથે થઈ જતાં. આ કારણે અમારો પરિચય હતો અને એક દિવસ એને વિકલાંગોના ડબ્બાની મારી રોજની રામાયણ વિશે ખબર પડી એટલે એણે મને કહ્યું કે, હું એની સાથે એના ડબ્બામાં અપડાઉન કરું, જ્યાં પાસ હોલ્ડર્સનો ડબ્બો હોઈ, મને આસાનીથી જગ્યા મળી રહેશે અને રોજની માથાકૂટથી શાંતિ મળશે. જડસુઓ સાથે મગજ ઘસીને હું પણ કંટાળી હતી એટલે હું એના પ્રસ્તાવ પર તુરંત તૈયાર થઈ ગઈ.

બીજા જ દિવસથી મેં ઋષિના ડબ્બામાં જવાનું શરૂ કર્યું, ત્યાં મિત્રોનું મોટું ગ્રુપ હતું, જેમણે મને પ્રેમપૂર્વક આવકારીને બેસવાની જગ્યા પણ આપી. સવારે ટ્રેનમાં ચઢું ત્યારથી કૉલેજ કેમ્પસમાં જઈ મારા ક્લાસમાં એન્ટ્રી મારું ત્યાં સુધી ઋષિ મારી સાથે હોય એટલે મને માનસિક રીતે થોડી રાહત રહેતી કારણ કે, તમે તમારા શહેરમાં ક્યાંક ફરતા હો ત્યારની વાત જુદી હોય, પણ ઘરથી દૂર સીત્તેર કિલોમીટર દૂર હો અને એ પણ અપંગ હો ત્યારે મનમાં થોડી ચિંતા તો હોય જ છે! અલબત્ત, ઋષિ મને બીજી કોઈ મદદ નહોતો કરતો, પણ એ સાથે હોય એની જ ઘણી મોટી હૂંફ રહેતી.

લગભગ શરૂઆતમાં જ અમને બંનેને ખૂબ ફાવી ગયેલું અને અમે એકબીજાની સાથે ઘણો ટાઈમ સ્પેન્ડ કરતા. આમ તો એ મારો સિનિયર હતો એટલે અમારા લેક્ચર્સ પ્રેક્ટિકલ્સ જુદા જુદા સમયે રહેતા, પરંતુ એ સિવાય જ્યારે પણ અમને સમય મળતો ત્યારે અમે સાથે રહેતા. અમારી દોસ્તી એટલી બધી જામી ગઈ કે અમે કૉલેજ સિવાયના સમયમાં પણ ખૂબ ચેટ કરતા અને મને ભણતરની બાબતે કોઈ તકલીફ પડે તો હું એને પૂછતી.

અમારી આ નિકટતાને મેં માત્ર મૈત્રી તરીકે જોઈ હતી, કારણ કે, એક તરફ હું પગથી અપંગ હતી અને નાની નાની વાતોએ મારે પડકારોનો સામનો કરવો પડતો તો બીજી તરફ ઋષિ ઘણો ફેર અને હેન્ડસમ હતો, જે ભવિષ્યમાં ડૉક્ટર બનવાનો હતો. એટલે સ્વાભાવિક જ એવી કોઈ વ્યક્તિ પોતાના જીવન સાથી તરીકે કોઈ અપંગને પસંદ નહીં કરે!

પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે એક દિવસ ઋષિએ મને પ્રપોઝ કર્યું. મને સાંજ સુધી એવું હતું કે, ઋષિ મજાક કરે છે. કારણ કે, અમારી દોસ્તી એટલી ગાઢી થઈ ગયેલી કે અમે એકબીજા સાથે ખૂબ ભયંકર મજાક કરતા. પરંતુ પ્રપોઝ કર્યું એ સાંજે એણે મને ફરી મેસેજ કરીને પૂછ્યું કે, મેં એની પ્રપોઝલ એક્સેપ્ટ કરી કે નહીં? ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઋષિ સિરિયસ છે.

ઋષિ મારો દોસ્ત હતો અને મને એના ભવિષ્યની ચિંતા હતી એટલે મેં એને બીજા દિવસે રૂબરૂમાં મળીને આપણે વાતો કરીશું એમ કહ્યું અને એટ અ ટાઈમ જવાબ આપવાનું ટાળ્યું. બીજા દિવસે મળીને મેં એને સમજાવ્યો કે, એની સામે અનેક તકો ઊભી છે અને એના ભણતર અને દેખાવને હિસાબે એને ઘણી સુંદર અને સ્માર્ટ છોકરી મળી શકે એમ છે. એક અપંગને જીવનસાથી બનાવવું એટલે રોજિંદા જીવનમાં કેટલી મુશ્કેલીઓને નોતરવી એ વિશે પણ માહિતગાર કર્યો!

જોકે એ એકનો બે ન થયો અને એની વાત પર અડગ રહ્યો. મને એવું લાગ્યું કે, આ એનો ક્ષણિક આવેગ છે અને ધીમેધીમે એ આવેગ ઓસરી જશે. એમ માની મેં એને દિવસો સુધી જવાબ આપવાનું ટાળ્યું અને મજાક મજાકમાં કૉલેજની બીજી સુંદર છોકરીઓ એને બતાવવાનું શરૂ કર્યું. જોકે દિવસોના મહિના થયાં પછી પણ એ એની વાત પર અડગ રહ્યો અને એ સતત મારી કેર કરતો રહેતો કે મારી આસપાસ રહેતો એટલે આખરે હું ઓગળી ગઈ અને મેં એના પ્રેમનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો.

 

અને બસ આ રીતે અમે મિત્રોમાંથી પ્રેમી બન્યાં અને અમારી લવ સ્ટોરી શરૂ થઈ. આજે અમારા પ્રેમને લગભગ ત્રણ વર્ષ થવા આવ્યા છે અને હવે મારું ગ્રેજ્યુએશન પણ પૂરું થશે. ઋષિએ એનું પોસ્ટગ્રેજ્યુએશન શરૂ કર્યું છે અને મારે પણ પોસ્ટગ્રેજ્યુએશન કરવું છે. ભવિષ્યમાં અમારું આયોજન છે કે, પરણીને અમારે અમારી એક હોસ્પિટલ શરૂ કરવી છે, જેમાં દિવ્યાંગોની રાહતદરે સેવા કરવી છે, જે માટે અમારા ઘરના સભ્યો પણ રાજી થયાં છે

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.