એક અનામી પ્રેમકથા
પ્રેમ નામની અનુભૂતિ જ મજાની હોય છે. સાલું, આ અનુભૂતિ જ એવી છે કે, આપણને સતત કોઈક રોમાંચ રહ્યા કરે અને આપણે કારણ વગર જ હસ્યાં કરીએ. પહેલા હું કોઇ પ્રેમીઓને જોતી અને કે અખબારમાં કોઇક પ્રેમીઓના ગાંડપણ વિશેના સમાચારો સાંભળતી તો મને એમ થતું કે, આ બધા આટલું બધું ગાંડપણ કેમ કરતા હશે? આખરે એમને આવી બધી હિંમત ક્યાંથી આવતી હશે અને એમને આવું બધું કરવાનું ગમતું કેમ હશે? જોકે ત્યારે મને પ્રેમીઓની બાબતે આશ્ચર્ય એટલે થતું કે, ત્યારે મને પ્રેમ નહોતો થયો. પરંતુ જ્યારથી હું પ્રેમમાં પડી છું ત્યારથી મને આ બાબતનું કોઈ આશ્ચર્ય જ નથી. બલકે એમ લાગે છે કે, આ બધુ તો મારા માટે રોજિંદું છે. સાથે જ એ પણ સમજાયું કે, હિંમત તો પ્રેમ કરવા માટે જોઈતી હોય છે. એકવાર પ્રેમ કરવાની હિંમત થઈ જાય પછી જગતની કોઇ પણ મુશ્કેલી આવી પડે તો એની સામે લડવા માટે હિંમત કરવાની જરૂર પડતી નથી.
મને યશેષ પહેલેથી ખૂબ ગમતો. એક જ સોસાયટીમાં અમે રહીએ અને સોસાયટીના કોઇક ફંક્શનના જમણ કે નવરાત્રિ વખતે અમારું અલપઝલપ મળવાનું થતું. જોકે એ થોડો પુસ્તકીયો કીડો ખરો એટલે સોસાયટીના બધા છોકરાની જેમ એના નિયમિત દર્શન નહીં થતાં પરંતુ એના આવવા જવાના ટાઈમિંગ્સની મને ખબર રહેતી એટલે હું કોઇને કોઇ બહાના શોધીને એને સામેથી ભટકાઈ જતી કે, એની સાથે લિફ્ટમાં ઉપર ચઢતી.
એ બધા છોકરાઓ જેવો રખડું અને ડફોળ નહોતો એટલે જ એ મને ખૂબ ગમતો. વળી, એનો ગૌરવર્ણો નાગર ચહેરો એટલો બધો આકર્ષક હતો કે, એની આગળપાછળ અમસ્તીય પાંચ-સાત છોકરીઓ મંડરાતી હોય! બીજી તરફ મારો સ્વભાવ સાવ અલ્લડ. હું ભણવામાં હોશિયાર ખરી પણ સાથે રખડું પણ એટલી જ અને સોસાયટીના કે કૉલેજના બધા છોકરાઓ સાથે આપણને ઉઠવા બેસવાના સંબંધ! આ કારણે મને સતત એ વાતનો ડર રહેતો કે, યશેષની નજરમાં ક્યાંક મારી ઈમેજ ખરાબ નહીં હોય!
અધૂરામાં મને પાછી એ ચિંતા પણ સતાવે કે, યશેષને ક્યાંક બીજી છોકરી સાથે પ્રેમ નહીં થઈ જાય! આ કારણે કેટલાક દિવસથી મારા મનમાં એવું થતું રહેતું કે, માતે યશેષને પ્રપોઝ કરી જ દેવું જોઈએ, જેથી યશેષને મારી ફીલિંગ્સ વિશેની જાણ તો થાય! એક દિવસ હું રાબેતા મુજબ યશેષની રાહ જોતી બિલ્ડિંગની નીચે ઊભી હતી અને લિફ્ટમાં એની સાથે ઉપર જવાની રાહ જોતી હતી. એવામાં યશેષ આવ્યો અને હું પણ જાણે હમણાં જ બહારથી આવી હોઉં એવું નાટક કરવા માંડી અને મારા એક્ટિવાની ડીકી ખોલીને લિફ્ટ તરફ ગઈ. જોગાનુજોગ લિફ્ટમાં પણ માત્ર અમે બે જ હતા એટલે મેં તકનો લાભ લાઈ લીધો અને એને સીધુંસટ કહી દીધું કે, 'યશેષ તું મારા માટે શું વિચારશે કે તું શું વિચારે છે એની મને ખબર નથી, પણ મને તારા માટે થોડી ફીલિંગ્સ છે.'
આટલું બોલતા બોલતા તો મને પસીનો વળી ગયો અને મારું હ્રદય કોઈ પૂરપાટ દોડતી ટ્રેનના એન્જિનની જેમ હાંફી રહ્યું હતું. એ કંઈ બોલે એ વચ્ચે જે બે-ત્રણ મિનિટ પસાર થઈ એ દરમિયાન પણ મને તો એમ જ લાગ્યું કે, જાણે બે-ત્રણ સદી પસાર થઈ ગઈ. જોકે થોડી જ સેકેન્ડમાં એ બોલ્યો અને જે બોલ્યો એ સાંભળીને મારા પણ મોતીયા મરી ગયા.
એ ભાઈએ તો સીધુ જ કહી દીધું કે, 'બસ થોડી જ ફીલિંગ્સ છે? છી... તું તો કેટલી સ્વાર્થી છોકરી છે.'
મેં કહ્યું, 'શું? સ્વાર્થી એટલે?'
'અરે ડોબી, હું તો તને પ્રેમ કરતો હતો. તારા અલ્લડપણાને ખૂબ ચાહતો હતો. પણ તને તો મારા પ્રત્યે માત્ર થોડી જ ફીલિંગ્સ છે.'
'.....' એનો જવાબ સાંભળીને હું ખરેખર કંઈ બોલી નહીં શકી. મારી નજર શરમથી ઝૂકી ગયેલી અને એવું લાગતું હતું કે આ તો મને પાંખો આવી છે અને હું ઊડી રહી છું!
'પણ હવે જવા દે... એવી છોકરીને પ્રેમ જ કોણ કરે, જેને તમારા પ્રત્યે માત્ર થોડી જ ફીલિંગ્સ હોય... જવાદે હવે તને કોણ પ્રેમ કરવાનું? તને જ મુબારક તારી થોડી ફીલિંગ્સ...'
આ વાક્ય એ પૂરું કરે એટલામાં જ હું એને ભેટી પડી અને મને એવું લાગ્યું કે, હું જનમ જનમથી જેને શોધી રહી છું એ આ જ છે અને આજ મારું જીવન છે. તો કંઈક આમ જ શરૂ થયેલી અમારી લવસ્ટોરી અને હમણા તો અમે ખૂબ એન્જોય કરી રહ્યા છે એને. તમે જાણો છો? આખી વાતમાં મેં યશેષનું નામ બદલ્યું છે અને હું મારું નામ પણ કહેવાની નથી. ખબર છે કેમ? જો હું અહીં અમારા સાચા નામ લખવા જઈશ તો બહુ મોટો ભવાડો થશે અને અમારા પ્રેમ પર આફત આવી શકે છે. તો બસ તમે પણ એ જ પ્રાર્થના કરો કે અમારા જીવનમાં બધુ સુખરૂપ પતી જાય અને અમારા પણ લગ્ન થઈ જાય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર