શું એ પણ મારી જેમ વિચારતી હશે?

13 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

તો આપણે ક્યાં હતા? તમને યાદ તો હશે જ ને? દિયાના જન્મ દિવસના બે દિવસ પહેલા એને મળવા હું વડોદરા ગયેલો અને એના માટે પુસ્તકો, અરિસો અને પત્ર લઈ ગયેલો. જ્યારે મેં એને આ ગિફ્ટ્સ આપી ત્યારે પહેલા તો એ હતપ્રભ થઈ ગયેલી અને વિચિત્ર હાવભાવ સાથે એ ચિલ્લાયેલી કે, 'કૌશલ....'

એના આવા રિએક્શનથી થોડા સમય માટે તો હું ગભરાઈ ગયેલો કે, નક્કી આ છોકરી મારા પર ઉકળી ઉઠી છે. જોકે એણે એવું નહીં કર્યું અને એના બંને હાથ મોઢા પર રાખીને એમ બોલી કે, 'મારા માટે આટલું બધુ કર્યું? આઈ એમ સો બ્લેસ્ડ! થેંક યુ કૌશલ.' એની આવી વાત સાંભળ્યા બાદ મને હાશકારો થયો અને મેં રાહતનો શ્વાસ લઈને થોડું પાણી પીધું. ત્યાર બાદ એ તરત જ મેં આપેલી ગિફ્ટસ ખોલવા ગઈ. પરંતુ મેં એને કહ્યું કે, આજે તારો બર્થ ડે નથી એટલે ગિફ્ટ્સ પણ તારે આજે નથી ખોલવાની. મારી વાત સાંભળીને પહેલા તો એણે છોકરીઓનો ટિપિકલ વિરોધ કર્યો. પરંતુ મેં પ્રોમિસ માગ્યું એટલે એણે તે દિવસે ગિફ્ટ્સ ખોલવાની એની ઈચ્છા માંડી વાળી. ત્યાર બાદ અમે થોડો સમય વાતો કરી અને સાથે બેસીને અમે થોડો નાસ્તો કર્યો. જોકે આ બધામાં દોઢેક કલાકનો ગાળો કયાં નીકળી ગયો એની અમને જાણ સુદ્ધાં ન રહી.

બીજી તરફ મારા બે મિત્રો, જેમને હું એમ.એસ યુનિવર્સિટી પર મૂકી આવેલો અને એમને એમ કહેલું કે, 'હું પંદર મિનિટમાં આવું છું.' તેઓ યુનિવર્સિટી પર ઊભા ઊભા મને ભયંકર ગાળો દઈ રહ્યા હતા. મને ગાળો દેવાનું મહત્ત્વનું કારણ એ જ કે, તેઓ મને સતત ફોન કરી રહ્યા અને દર વખતે હું એમના કૉલ્સ કટ કરી રહ્યા હતો! જોકે પછી તો દિયાએ પણ એના ઘરે જવાનું હતું એટલે દોઢ-પોણા બે કલાક પછી અમે છૂટા પડ્યા અને હું મને ગાળો દેતા મારા દોસ્તો પાસે પહોંચ્યો. દોસ્તો પાસે જ્યારે હું પહોંચ્યો ત્યારે સ્વાભાવિક જ એમણે મને મારવાનો બાકી રાખ્યો. પરંતુ આખરે દોસ્ત દોસ્ત હોતે હૈ, એટલે તેઓ સમજી ગયા અને અમે બધાએ સુરત તરફ કાર ભગાવી.

સુરત પહોંચ્યા પછી પણ બે દિવસ સુધી અમે મોડી રાત સુધી ચેટ કરતા. મેં એને ગિફ્ટ્સ નહોતી ખોલવા દીધી એટલે એ મારા પર મીઠો ગુસ્સો કરી રહી હતી. સામે હું પણ એને થોડી ચિડવી લેતો. એ મને રહી રહીને પૂછી રહી હતી કે, 'ગિફ્ટ્સમાં શું છે?' એટલે હું એને ફરી થોડું ચિડવતો. આમ ને આમ એનો બર્થ ડે આવી ગયો અને બરાબર રાત્રે બાર વાગવામાં એક મિનિટ બાકી હતી ત્યારે મેં એને ફોન કર્યો. બર્થ ડે વિશ કરી અને મેં એને ગિફ્ટ ખોલવા કહ્યું.

અરિસો અને બુક્સ જોઈને એ ખુશ તો થઈ પરંતુ પત્ર જોઈને એ સૌથી વધુ પ્રભાવિત થઈ. એને પત્ર લખ્યાં પછી મેં થોડી અક્કલ વાપરીને મોબાઈલમાં પત્રનો ફોટોગ્રાફ લઈ લીધો હતો. એટલે મેં એને કહ્યું કે, ‘તું પત્ર વાંચતી નહીં. પત્ર હું વાચું છું અને તું એ પત્રના એક એક શબ્દ પર ધીમે ધીમે નજર ફેરવતી જજે.’ આમ હું ધીમે ધીમે પત્ર વાંચતો ગયો, જેમાં મેં માત્રને માત્ર એના સ્વભાવ અને પર્સનાલિટી વિશે જ લખેલું. બીજી કોઈ જ એવી વાત નહોતી લખી, જેથી એને એવો કોઈ ભ્રમ જાય કે, હું એની સાથે ફ્લર્ટ કરી રહ્યો છું.

પત્રમાં લખેલી વાતોથી એ ખૂબ પ્રભાવિત થઈ અને એણે બીજા દિવસે સાંજ સુધી થોડી થોડી વારે મને, ‘થેંક યુ કૌશલ… થેંક યુ કૌશલ લખ્યા કીધું…’ પછી તો દિવાળી પછી અમારા ક્લાસ પણ શરૂ થયા અને અમે સાથે મળીને ‘તમશા’ અને ‘છેલ્લો દિવસ’ જેવી ફિલ્મો જોઈ.

પણ મોકાણ એ વાતનું છું કે, હું દિયાને લઈને અવઢવમાં છું. સૌથી પહેલી અવઢવ તો એ જ કે એના પ્રત્યેનું મારું આ આકર્ષણ એના પ્રત્યેનો પ્રેમ હશે? અને બીજું એ કે, મને તો એના પ્રત્યે પ્રેમ છે. પરંતુ શું એ પણ મારા જેવું જ અનુભવતી હશે? કારણ કે, અમારી વાતચીત દરમિયાન એ મારી સાથે સારી રીતે વાત તો કરે છે અને અમારી મોટાભાગની વ્હોટ્સ એપ ચેટિંગમાં એ જ મને સામેથી મેસેજ કરે છે અને પછી અમે લાંબી વાતો કરીએ છીએ. મને એ સામેથી મેસેજ કરે છે એટલે એ વાત તો નક્કી કે, એને મારી કંપની ગમે છે. પરંતુ મોટો સવાલ એ છે કે, એક કમ્પેનિયન તરીકે એ મને પસંદ કરતી હશે?

આવા બધા પ્રશ્નોને કારણે છેલ્લા કેટલાય દિવસોથી મારી ઉંઘ હરામ થઈ ગઈ છે. હું નક્કી જ નથી કરી શકતો કે, મને એના પ્રત્યે પ્રેમ છે કે નહીં. અને મારા પ્રેમની વાત તો ઠીક છે. પરંતુ શું એ પણ આવું જ કંઈક અનુભવતી હશે? જેવું હું એના માટે અનુભવુ છું?  આખરે કરવું તો કરવું શું? આને પ્રેમ કહેવાતો હશે? અને શું આને જ લવ સ્ટોરી કહેવાતી હશે?   

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.