રાધાનું નામ તમે વાંસળીના સૂર મહી વહેતુ ના મેલો ઘનશ્યામ

31 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

ગયા રવિવારે વાત અધૂરી રહેલી. જો કોઈનું વાંચવાનું બાકી હોય તો નીચે જ ગયા રવિવારનો લેખ વાંચી શકાશે. પહેલા એ વાંચો અને પછી અહીં આવો નહીંતર આ લેખ સાથે કનેક્ટ નહીં થઈ શકો. ગયા રવિવારે કહેલું એમ યુથફેસ્ટિવલ પછી હું અને નમ્રતા નિયમિત મળતા થઈ ગયેલા. કૉલેજમાં હોઈએ તો આખો દિવસ લાઈબ્રેરીમાં હોઈએ, તો કૉલેજ છૂટે પછી કોઈક કોફી શૉપ અથવા અમારા બેમાંથી કોઈક એકના ઘરે સાંજની કોફી પીએ. પછી તો અમારા પુસ્તકો ખરીદવા પણ સાથે જ જવાનું કરેલું.

બેએક મહિનાના ગાળામાં અમે બંને એકબીજાને પસંદ કરવા માંડેલા. અમને એકબીજાની બુદ્ધિપ્રતિભા પર તો માન હતું જ પરંતુ અમને એકબીજાની કંપની પણ ગમતી. એ ગાળામાં અમારો રોમાન્સ પણ અત્યંત બૌદ્ધિક કક્ષાનો રહેતો, જ્યાં અમે ઈધર-ઉધર કી વાતો કરવાની જગ્યાએ સાત્ર અને ટાગોર કે બક્ષી કે મહાશ્વેતા દેવીના સાહિત્યની ચર્ચામાં કલાકો કાઢતા. વળી, ભેગા મળીને એવું નક્કી કરેલું અમારે બંનેએ હિન્દી અને અંગ્રેજીનું કોઈ પણ એક પુસ્તક સાથે વાંચવું અને પછી એ વાંચીને એના પર ચર્ચા કરવી.

તો કોઈક વાર અમે હાર્મોનિયમ પર હળવા સૂરો રેલાવતા હોઈએ કે એ ગાતી હોય અને હું વાંસળી વગાડું. એવામાં એકવાર એને કોઈ ગુજરાતી કૃષ્ણગીત સાંભળવાનું મન થયું અને એણે ગુજરાતી કૃષ્ણગીતની ફરમાઈશ કરી. તાત્કાલિક તો મને કોઈ ગીત યાદ નહીં આવ્યું પરંતુ થોડું યાદ કર્યું ત્યાં મને કવિ સુરેશ દલાલનું ‘રાધાનું નામ તમે વાંસળીના સૂર મહી વહેતું ના મેલો ઘનશ્યામ’ યાદ આવ્યું અને મેં એ ગીત હાર્મોનિયમની સાથે રેલાવ્યું.

હું જ્યારે ગીત ગાઈ રહ્યો હતો એને ગુજરાતી શબ્દોમાં સમજણ તો કશી નહોતી પડતી, પરંતુ ગીતના સૂર અને કવિતાની અસર એવી જાદુઈ હતી કે મારાથી થોડે દૂર બેઠેલી એ અચાનક મારી નજીક આવીને બેસી ગઈ અને જાણે મારા ગાયેલા એક એક શબ્દને સમજતી હોય એમ એ ગીતમાં મગ્ન થઈ ગઈ.

મારું ગીત સમાપ્ત થયું ત્યાં એણે મારા હાથ પર એનો હાથ મૂકી દીધો. એ અમારો પહેલો સ્પર્શ હતો! પાંચ દાયકાના આયખામાં પહેલીવાર કોઈ સ્ત્રીએ મને આ રીતે સ્પર્શ કર્યો હતો. ત્યારે જે લાગણી થયેલી અને જે અનુભૂતિ થયેલી એ લાગણીને હું શબ્દોમાં તો કેમ કરીને આલેખું? ત્યારે જ એવો અહેસાસ પણ થયો કે, દરેક પુરુષને એક સ્ત્રી સાથીની, એક કોમળ સ્પર્શની અત્યંત જરૂર હોય છે.

અમારો એ સ્પર્શ જ અમારો એકરાર હતો. અમારી વચ્ચેનો મૂક એકરાર! જેના માટે ન તો કોઈ શબ્દની જરૂર હતી કે ન તો કોઈને કશું કહેવાની જરૂર હતી. આમ પણ પ્રેમ તો મૌનની જ ભાષા કહેવાયને? એમાં કંઈ પ્રપોઝ કરવાનું થોડું હોય? આમ, થોડા મહિનાઓના પરિચય પછી અમારો સંબંધ પ્રેમમાં પરિણમ્યો.

અમારા મૂક એકરાર પછી અમે બંનેએ સાથે રહેવાનું તો નક્કી કર્યું, પરંતુ સાથે જ એ પણ નક્કી કર્યું કે અમારે લગ્ન કરીને એકબીજા સાથે બંધાઈ નથી જવું. જીવનના કોઈક તબ્બકે સંબંધ ભારરૂપ કે કંટાળાજનક લાગે તો કકળાટ કરીને સમય નહીં બગાડવાનો, પરંતુ હસતા મોઢે સમજૂતીથી છૂટા થઈ જવાનું! કારણ કે, જીવનના પાંચ પાંચ દાયકા કોઈ માણસે એકલા રહેવામાં કાઢી નાંખ્યા હોય તો સ્વાભાવિક છે કે, એને સતત બીજાની સાથે રહેતા કે એની બંધાઈ જવામાં તકલીફ થાય. આફ્ટરઑલ કોઈને પ્રેમ કરવામાં અને કોઈક સાથે બંધાઈ જવામાં ઘણો ફરક હોય છે.

આમ થોડા સમય પછી અને લીવ ઈન રિલેશનશીપમાં સાથે રહેવાનું શરૂ કર્યું. કૉલેજના ટાઈમિંગ્સ સરખા હોવાને કારણે રોજ સાથે કૉલેજ જઈએ તો સાંજે ઘરે પણ સાથે જ આવીએ. સાંજની કૉફીનો નિયમ અમે એવો બનાવેલો કે અનિવાર્ય સંજોગો હોય તો જ સાથે કૉફી નહીં પીવી, નહીંતર સાંજના સુરજને ઢળતો જોતાંજોતાં કૉફી સાથે જ પીવી.

સાથે રહેતા પહેલા અમને એવો ડર હતો કે, લાંબા સમયના એકલવાયા જીવન અને જુદી જુદી સંસ્કૃતિ (ગુજરાતી-બંગાળી)ને કારણે અમારી વચ્ચે ખોરાક અને લાઈફ સ્ટાઈલ બાબતે થોડીઘણી તકલીફો થશે. પરંતુ નસિબજોગે અમારી વચ્ચે એવું કશું નહીં થયું અને અમે અત્યંત સારી રીતે સેટ થઈ ગયા.

એનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે, અમે બંનેએ એક વાતે ગાંઠ વાળી હતી કે, સામેની વ્યક્તિને એની આવડત-અણઆવડત અને ગમા-અણગમા સાથે, જેમની-તેમ સ્વીકારવી અને પોતાને ગમે એ રીતના એનામાં બદલાવ લાવવાના કોઈ નકામા પ્રયત્નો નહીં કરવાના. સ્વીકારની આ ભાવનાને કારણે જ અમારી વચ્ચે કોઈ બાબતે ઘર્ષણ નહીં થયું અને અમને એકબીજા સાથે રહેવામાં કોઈ તકલીફ નહીં નડી. બાકી સંગીત, નાટકો અને સાહિત્યનો શોખ તો અમારો એકસરખો, જેના સહારે અમે એકબીજા સાથે ખાસ્સો સમય પસાર કરીએ અને દુનિયા આખીની વાતો કરીને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ.

જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે, જીવનના એક પડાવ પર નમ્રતા જેવી મિત્ર કે એના જેવી સાથી જડી જશે, જે જીવનને કંઈક જુદા જ રંગથી રંગશે અને જીવનને હર્યુભર્યુ કરશે. પણ નમ્રતા મળી અને એ સાથીને કારણે જીવન ખરેખર અર્થસભર પણ બન્યું. વિધિના લેખ ખરેખર જ કોઈ જાણી શક્યું નથી.

(પરિમલ પંડ્યા)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.