પૂજા અને અંકિતમાંથી પૂજાંકિત સુધીની સફર
વાત કંઈક આ રીતે શરૂ થયેલી. અમે બંને KBS કોલેજમાં બી.કૉમ.માં ભણતા હતા. હું સ્વાભાવે ગરમમિજાજી અને કામમાં મને પરફેક્શન જોઈએ. બીજી તરફ અંકિત કામની બાબતે 'હોતી હૈ, ચલતી હૈ'વાળો અને સ્વભાવે અત્યંત શાંત. મરતાને મર સુદ્ધાં નહીં કહે એવો ભોળો. હું ભારે બોલકણી અને અને અંકિત એની દુનિયામાં ગુલતાન રહે. જોકે કોલેજના બે વર્ષો સુધી અમારી વચ્ચે કંઈ જ ન હતું. બલ્કે મને તો એ પણ નહોતી ખબર કે, મારી કોલેજમાં અંકિત દોશી નામધારી કોઈ યુવાન ભણે છે.
જોકે અંકિતના કહ્યા મુજબ એણે મને કોલેજના ફર્સ્ટ યરમાં જ જોયેલી. એણે મારી આગળ રજૂ કરેલા દસ્તાવેજ મુજબ તો એણે પહેલી વાર જ્યારે મને જોયેલી ત્યારે હું ઓરેન્જ કુર્તી અને વ્હાઈટ લેગીન્સમાં સુસજ્જ હતી અને એ પહેલી નજરથી જ હું એને ગમતી હતી! મારા પર સતત નજર રાખતા અંકિતને પાછળથી તો એ પણ ખબર પડી ગઈ હતી કે, હું તુંડમિજાજી છું પરંતુ મારા સ્વભાવની વિચિત્રતા જાણવા છતાં એ મારા તરફ આકર્ષાતો રહ્યો. મારા ગરમ સ્વભાવને કારણે કોલેજના પહેલા બે વર્ષ સુધી એ મારી નજીક સુદ્ધાં નહીં આવ્યો અને મને દૂરથી જ જોઈને અમારા પ્રેમના દિવાસ્વપ્નો જોતો રહ્યો.
પણ થર્ડ યરમાં આવી ત્યારે કોલેજના શરૂઆતના દિવસોમાં જ ફ્રેન્ડશીપ ડે નામનો જોગ આવ્યો, જે અમારી મુલાકાત અને મિલન માટેનું કારણ બન્યું. કોલેજના છેલ્લા ફ્રેન્ડશીપ ડેને અમે સારી રીતે ઉજવવાનું નક્કી કર્યું, જેથી અમે કોઈ યાદગાર સંભારણા લઈને છૂટા પડી શકીએ. આ માટે અમે 15-20 મિત્રોએ ભેગામળીને અતુલ પાસેના પારનેરા ડુંગર પર જઈને જમીનથી કંઈક ઉપર આસમાનથી થોડાં નીચે અમારી દોસ્તીને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. તે દિવસે અંકિત પણ એમાં સામેલ થયો. ત્રણ વર્ષમાં પહેલી વાર મેં એને જોયો.
આમ 5મી ઓગષ્ટ 2010ના દિવસે અમારી પહેલી મુલાકાત થઈ અને એ મુલાકાતે અમારા જીવનની સમૂળગી દિશા બદલી નાંખી હતી. અલબત્ત પહેલી મુલાકાતમાં મને એનામાં કશું ખાસ નજરે ચઢ્યું ન હતું. મને માત્ર એટલી જ ખબર પડી કે હું અને અંકિત બંને એક જ ગ્રુપના સભ્યો છીએ. ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટમાં આવે અને આ મહિનો એટલો ગાંડાતૂર વરસાદનો મહિનો. એ દિવસે પણ ઝરમર ઝરમર વરસાદ હતો અને અમે ડુંગર પર ઘેરા વાદળો અને ઘટાટોપ લીલોતરીની વચ્ચે જલસા કરતા હતા. અંકિતની નજર વારેવારે મારા પર આવીને ઠરતી હતી અને હું જેવી એના તરફ જોઊં કે એ તરત જ આમતેમ જોઈ જાય.
આખરે તે દિવસે અમારા છૂટા પડવાનો વારો આવ્યો અને જોગ એવો સર્જાયો કે, મારે અંકિતની કારમાં બેસવાનું આવ્યું. એ મને હાઈવે સુધી મૂકી જવાનો હતો અને ત્યાંથી મારે ઑટોમાં જવાનું હતું. એવામાં મારાથી બોલાઈ ગયું કે, 'યાર, આ તો સખત વરસાદ છે. આમાં ઑટોમાં કઈ રીતે બેસીસ? ભીંજાઈ જવાની હું તો.' એટલે તકનો લાભ લઈને તરત અંકિત બોલ્યો કે, 'મારે તારા ઘર તરફ કામ છે એટલે હું ત્યાં જ જાઉં છું. એટલે હું ત્યાં સુધી તને મૂકી શકું એમ છું.' મેં એ વાતને નોર્મલી લીધી અને એને કહ્યું કે, 'ઓકે, ચાલો એમ રાખીએ.' એણે મને મારા ઘરથી થોડે દૂર મૂકી અને પછી મેં જોયું તો એણે ગાડી રિવર્સ કરીને એના શહેર તરફ ગાડી મારી મૂકી. પણ મને થયું કે હશે, હું ભીંજાઉં નહીં એ વાતનું ધ્યાન રાખવા માટે એણે કદાચ આવું કર્યું હશે.
અમારા છૂટાં પડવાની ક્ષણે એણે મને કહ્યું કે, 'મારે બેન્કિંગમાં પ્રોજેક્ટ સર્વે કરવાનો છે. તારા પપ્પા મેનેજર છે...' આટલું જ કહેતા જ મેં કહ્યું, 'લાવ તારી ક્વેશ્નરી આપી દે. હું ભરાવી લાવીશ.' આ કારણસર અમે મોબાઈલ નંબર્સ એક્સચેન્જ કર્યાં. મેં પપ્પા પાસે એનું કામ કરાવી આપ્યું એટલે પછી એના થેંક યુના મેસેજ ચાલુ થયા. પછી ફોરવર્ડ મેસેજ પણ ચાલુ થયા. એ દાયરામાં ટેક્ટ્સ મેસેજમાં ખાલી જગ્યાઓ ભરવાના મેસેજ ટ્રેન્ડમાં હતા. એટલે કે તમારું ફેવરિટ ફૂડ કયું? તમારું ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન કયું અને એવું બધું. મેં પણ એના મેસેજના રિપ્લે આપવાના શરૂ કર્યાં અને આ રીતે અમારી ફ્રેન્ડશીપ ચાલુ થઈ.
આ પાર્ટ-વન પત્યો. હવે, પાર્ટ-ટુ.
અમારા બંનેની કોલેજ કોઈ ત્રીજા જ શહેરમાં હતી. એટલે અમારે ટ્રાવેલ કરીને કોલેજ જવું પડે. અંકિત ટ્રેનમાં કોલેજ પહોંચે અને હું મારા મોપેડ પર જતી. અન્ય શહેરમાં કોલેજ હોવાથી અમે બંને તે શહેરના લોકલ વિદ્યાર્થીઓ કરતા કોલેજમાં વહેલા પહોંચી જતાં. એમાંય અંકિત મારાથીય વહેલો કોલેજ પહોંચતો. હું કોલેજની લોબીમાં પહોંચું એટલે એ ત્યાં ઊભેલો જ હોય. હવે ફેઈસ-ટુ-ફેઈસ હાઈ-હલ્લો ચાલુ થયું. અન્ય ક્લાસમેટ્સ આવે એટલો સમય અમે મારા ક્લાસમાં બેસતા ગપ્પા મારતા. રોજ લગભગ 20-25 મિનિટ સુધી માત્ર અમે બંને જ હોઈએ. આમ લગભગ 2 મહિના સુધી ચાલ્યું.
ઓગસ્ટથી શરૂ થયેલી અમારી દોસ્તી ઓક્ટોબર'10 સુધીમાં ઘણી ગાઢી થઈ ગઈ હતી. કોલેજ સિવાયના સમયમાં પણ અમે આખો દિવસ મેસેજ-ચેટ કરતા. એકબીજાનું ધ્યાન રાખતા. એકસરખા રંગના કપડા પહેરતા અને આવા તો જાતજાતના ગતકડાં કરતા રહેતા, જેથી અમે વધુમાં વધુ સમય સાથે રહી શકીએ.
એક વાર વાતવાતમાં મેં એને પૂછ્યું કે, 'મારી કઈ ક્વોલિટી તને ગમે?' ત્યારે અંકિતનો જવાબ હતો. ‘તારો ગુસ્સો’. આ એનો ઈમ્પ્રેસિવ જવાબ હતો. ત્યારબાદ એકવાર વાતવાતમાં એણે ઈનડાયરેક્ટલી કહ્યું કે, એ મને પસંદ કરે છે. અને એ રાત્રે આખરે એણે મેસેજમાં લખ્યું હતું : 'ગુસ્સો નહીં કરે તો એક વાત કહું.' મેં કહ્યું, 'બોલ.' મને પણ ખ્યાલ હતો કે એ શું કહેવાનો છે. ત્યારબાદ એનો મેસેજ આવ્યો ‘આઈ લવ યુ માય બેબી...’ સ્વભાવ પ્રમાણે પહેલા તો મને ગુસ્સો આવ્યો. પણ શાંતિથી વિચારીને મેં એને રિપ્લે આપ્યો, 'આપણે પહેલા ભણવાનું પતાવીએ, પછી વિચારીશું. ત્યાં સુધી આપણે મિત્રો તો રહીશું જ.' એણે જવાબ આપ્યો, 'ઓ.કે.' પણ હવે અમારી વાત કરવાની, મળવાની અને એકબીજાને જોવાની બધી રીતભાતમાં બદલાવ હતો! હું ખરેખર અંકિતના પ્રેમમાં ડૂબેલી જ હતી, પણ મને એ બાબતનો અહેસાસ ન હતો.
પછી તો અંકિત ઘણી વાર કાર લઈને આવતો અને અમે કોલેજ જવાની જગ્યાએ લોંગ ડ્રાઈવ પર ગાડી મારી મૂકતા. ગુજરાતથી છેક મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા દહાણુ સુધી જઈ આવતા. મને શિયાળાનું ધુમ્મસ જોવાનું ખૂબ ગમે એટલે અમે શિયાળામાં ડ્રાઈવ પર જતા. ત્યારે હું કારની બહારના દૃશ્યો જોવામાં વ્યસ્ત રહેતી અને અંકિત મને જોવામાં! જ્યારે હું એને કંઈક પૂછું તો એનું ધ્યાન મને જોવામાં હોય, મારી વાતમાં નહીં. લોંગ ડ્રાઈવને કારણે અમે એકબીજાની ઘણા નજીક આવ્યા અને અમે એકબીજાને ઉંડાણપૂર્વક સમજી પણ શક્યાં.
પછી તો અમે મોડી રાતથી વહેલી સવાર સુધી ચેટ કરતા કે ફોન પર વાતો કરતા રહેતા. એ ચેટ દરમિયાન અંકિત કોઈક વાર ઉંઘી જતો અને ગાંડાની જેમ હું એને ફોન પર ફોન કર્યાં કરતી. એકવાર તો અંકિતના ઉંઘી ગયા પછી મેં એને સોથી વધુ ફોન કરેલા. અંકિતે સવારે ઉઠીને જોયું તો સ્ક્રીન પર મારા 153 મિસકોલ્સ હતા. સવારે એનો મારા પર ફોન આવ્યો પરંતુ હું એના પર એટલી ગુસ્સે હતી કે, મેં ન તો એના ફોન રિસીવ કર્યાં કે ન કોલેજમાં એની સાથે કંઈ બોલી. ત્યારે અમને કોલેજમાં છેલ્લા દસ દિવસો જ બાકી હતા અને મારી બધી હેન્ડ રિટર્ન બુક્સ એની પાસે જ હતી.
આમ તો હુકમનો એક્કો એની પાસે હતો એટલે એ ચાહતે તો મારા ફોનની રાહ જોઈ શક્યો હોત અને મારી સાથે રમત રમી શક્યો હોત. પરંતુ એણે એવું ન કરતા મારી મમ્મીના ફોન પર ફોન કરીને એ બુક્સ આપવા આવે છે એમ કહ્યું. બુક્સ લેવા માટે મારે રેલવે સ્ટેશન સુધી જવાનું હતું પરંતુ ગરમમિજાજી હું સ્ટેશને ન ગઈ એ ન જ ગઈ. આખરે એનો ફોન આવ્યો કે, એ મારા ઘરની નીચે ઊભો છે. એટલે સોસાયટીમાં કોઈક બખેડો નહીં થાય એનું ધ્યાન રાખીને હું નીચે નોટ્સ લેવા ગઈ. એણે મને કહ્યું કે, 'જરા એટીએમ સેન્ટરમાં ચાલને.' એટલે અમે મારા ઘર નજીકના એક એટીએમમાં ગયા. અને અંદર જતાં જ અંકિત ઘૂંટણીએ બેસી પડ્યો અને એણે એક પીળુ ગુલાબ કાઢીને મને પ્રપોઝ કર્યું કે, 'તું મારી સાથે લગ્ન કરીશ?' એ પીળુ ગુલાબ એટલે લાવેલો કે મને પીળુ ગુલાબ અત્યંત પસંદ હતું.
પ્રપોઝ કરવાની એની આ સ્ટાઈલ જોઈને હું તો રાજીની રેડ થઈ ગઈ અને સાથે જ ધ્રાસ્કો પણ પેઠો કે, કોઈક અહીં આવી નહીં જાય તો સારું નહીંતર મારા તો રામ રમી જશે. અને ત્યાર પછી હું તો જણે હવામાં અધ્ધર ચાલવા માંડી અને મારી ખુશીનો કોઈ પાર ન હતો. તે દિવસે અંકિતે મને આખા દિવસમાં કુલ 517 રોમેન્ટિક મેસેજ કરેલા! એ મેસેજને કારણે જ મેં મારો એ મોબાઈલ હજુ સાચવી રાખ્યો છે. ક્યારેક નિરાંત મળે તો વાંચી લઉં છું એ મેસેજ અને જીવી લઉં છું એ સમય ફરી!
ત્યાર પછી તો અમે એમબીએ પણ સાથે કર્યું. અમે ઘણીવાર સાથે સ્ટડી કરતા એ કારણે અમારા ઘરે પણ એટલી ખબર તો હતી જ કે અમારી વચ્ચે સારી મિત્રતા છે. જોકે ત્રણ વર્ષના પ્રેમ પછી અમારે અમારા ઘરના લોકોને જણાવવું તો પડવાનું હતું. અંકિતે તો એના ઘરે બધું કહી દીધેલું અને એના ઘરના લોકો રાજી પણ થઈ ગયેલા પરંતુ મારા ઘરે મેં કશું કીધું ન હતું. ઓછામાં પૂરું હું મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન એટલે મારી પાસે એમની અપેક્ષા વધુ પડતી હોય એ પણ સ્વાભાવિક છે. કદાચ એમ પણ બને કે તેઓ આ રીતનો ઈન્ટરકાસ્ટ સંબંધ મંજૂર ન પણ કરે.
પરંતુ એક દિવસ હું પપ્પાને આંટો મારવાને બહાને બહાર લઈ ગઈ. હું પપ્પાની ખૂબ લાડકી અને મમ્મી કરતા એમનાથી વધુ નજીક પણ ખરી. એટલે મેં પપ્પાને અમારા પ્રેમ સંબંધ વિશે વાત કરી. પપ્પા જરા વાર તો કશું નહીં બોલ્યાં. એમણે માત્ર એટલું જ કહ્યું છે છોકરો ડાહ્યો તો છે. પણ હું થોડી તપાસ કરાવી લઉં પછી બધી વાત. જોકે વાંધો તો મમ્મીનો જ હતો કારણ કે મમ્મીને જ્ઞાતિ અને રૂપનો થોડો અભરખો હતો. અને અંકિત અન્ય જ્ઞાતિનો તો હતો જ પરંતુ રંગે પણ શ્યામ હતો. એટલે મમ્મી બાબતે મને ઘણો ડર હતો. ઘરે આવીને પપ્પાએ આંખના ઈશારે મને કહ્યું કે, મમ્મીને આજે જ કહી દે. મને ઈશારો કરીને પપ્પા તરત જ અંદર ચાલ્યાં ગયા અને હું મમ્મી સાથે બેઠી. મેં એક જ ધડાકે મમ્મીને બધી વાત કરી દીધી. વાત સાંભળીને મમ્મીએ તો એવો ચહેરો બનાવ્યો, જાણે અમારા ઘરમાં કોઈનું અવસાન થયું હોય. જોકે થોડા સ્વસ્થ થયાં પછી એ માત્ર એટલું જ બોલી કે, 'દીકરા તું તો કેટલી હોશિયાર છે. તને તો આપણી જ્ઞાતિમાં કોઈ પણ મોઢે માગીને લઈ જશે.'
જોકે મેં મમ્મીને વચન આપ્યું કે, એ છોકરો મને ખુશ રાખશે અને તમે મને પરવાનગી આપશો તો જ અમે લગ્ન કરીશું નહીંતર નહીં કરીએ. આટલું કહેતા જ મમ્મી થોડી રિલેક્સ થઈ અને તેણે કહ્યું કે, 'ચાલો પહેલા ભણવાનું તો પૂરું કરો. પછીનું પછી જોવાયું જશે. અમે તો બધા તો બેઠેલા જ છીએને.' મમ્મીની આ વાત સાંભળીને મને ત્યારે જ ધરપત મળી ગયેલી કે, મમ્મીનો જવાબ પણ હામાં જ છે.
આમ, અમારું માસ્ટર્સનું ભણવાનું ચાલતું જ હતું ત્યાં વર્ષ 2013માં અમારી સગાઈ થઈ અને મને તો જાણે અંકિત સાથે જીવવાનું ઓફિસિયલ લાઈસન્સ મળી ગયું. એક વર્ષ જેટલા ગાળાની સગાઈ રાખ્યાં બાદ અમે વર્ષ 2014માં લગનગ્રંથી પણ જોડાયાં. આમ આ રીતે અમારી લવ સ્ટોરી સફળ રહી અને હું અને અંકિત વિના કોઈ વિઘ્ને એકબીજાને પામી શક્યા. લોકો કહે છે કે લગ્ન પછી પ્રેમ ઘટી જાય છે અને બધા પ્રેમીઓ સામાન્ય પતિ-પત્ની જ રહી જાય છે. પરંતુ હજુ સુધીમાં મને એવો કોઈ અનુભવ થયો નથી. અમારો પ્રેમ દિવસેને દિવસે વધતો જ જાય છે અને સાથે જ અમારી વચ્ચેની સમજણ અને પરસ્પરનો આદર પણ વધતો જાય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર