તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ
પ્રેમ અત્યંત અદ્દભુત પદાર્થ છે. હવે એને પદાર્થ કહેવો કે તત્ત્વ કહેવું એ તો સાહિત્યકારો અને ચિંતકોનું કામ. પણ અમારું કામ હતું પ્રેમ કરવાનું એટલે અમે તો પ્રેમ કર્યો અને પ્રેમ નામના એ અદ્દભુત પદાર્થની અદમ્ય અનુભૂતિ પણ કરી! અમે કૉલેજમાં ભણતા ત્યારની જ આ વાત છે. હું ફર્સ્ટ યર બી.એમાં હતી ત્યારે મેં પહેલી વાર મિહિરને મારા ક્લાસમાં જોયેલો અને ત્યારથી એ મને ગમી ગયેલો. એમ કહોને પહેલી નજરમાં જ મને પ્રેમ થઈ ગયેલો!
આર્ટ્સના અભ્યાસને મોટેભાગે કોઈ સિરિયસલી નથી લેતું એટલે આર્ટ્સમાં ભણતા મોટાભાગના લોકો કૉલેજમાં ક્લાસ ભરતા નથી અને ક્લાસની બહારની રખડપટ્ટી કરીને કૉલેજ જીવનને ભરપૂર માણતા હોય છે. પરંતુ મિહિર એના અભ્યાસને સિરિયસલી લેતો અને બધા નહીં પણ મોટાભાગના લેક્ચર એ એટેન્ડ કરતો. એટલે એ મને બહું ગમતો. એવું પણ નહોતું કે એ બહું ડાહ્યો છોકરો હતો એટલે ક્લાસમાં બેસતો. શરૂઆતમાં જ મેં નોંધેલું કે, ચાલું ક્લાસે મોબાઈલ પર ચેટિંગ કરવાથી લઈને એના મિત્રો સાથે મસ્તી કરવા સુધીના કામોમાં એ પાવરધો હતો. પરંતુ લેક્ચરર જ્યારે પણ કોઈ નવલકથા કે, કવિતાની ચર્ચા શરૂ કરે ત્યારે એ જાણે કોઈક જુદી જ દુનિયામાં ખોવાઈ જતો અને અત્યંત રસપૂર્વક લેક્ચરરની વાતો સાંભળતો.
એ ખરા અર્થમાં સાહિત્યનો જીવ હતો અને એને સાહિત્ય અત્યંત પસંદ હતું. એને ક્લાસમાં બેઠેલો જોઈને હું એના તરફ અત્યંત આકર્ષાતી અને ક્યારેક તો મને ક્લાસ ભરવાનો અત્યંત કંટાળો આવતો હોવા છતાં હું માત્ર એના આકર્ષણને કારણે ક્લાસમાં બેસતી! કૉલેજના સમયથી જ એની ડ્રેસિંગ સેન્સ ગજબની હતી. સાહિત્ય ઉપરાંત એને બાઈકિંગનો પણ ભારે શોખ હતો એટલે એણે એક બુલેટ ઉપરાંત એક સ્પોર્ટ્સ બાઈક પણ વસાવેલું. નેરો બ્લ્યુ જીન્સ, એના ગૌરવર્ણ પર શોભે એવું બ્લ્યુ, યલો કે રેડ ટિ-શર્ટ, છએક ફૂટની હાઈટ અને જમણા હાથમાં પંજાબીઓ પહેરે એવું કડું! કૉલેજના પાર્કિંગમાં બાઈક પાર્ક કરીને એ માથેથી હેલમેટ ઉતારે ત્યારે કોઈ એમ નહીં કહી શકે કે, આ માણસ આર્ટ્સના ક્લાસમાં જઈને બેસી જશે!
કારણ કે, આવી ફેશન મોટેભાગે એન્જિનિયરિંગ અથવા આઈટી ફિલ્ડમાં ભણતા યુવકો જ કરતા હોય. અમારા આર્ટ્સવાળા મોટે ભાગે ઝભ્ભા-કુર્તામાં જ સજ્જ હોય! એ ક્લાસમાં બેસે ત્યારથી મારી નજર લેક્ચરરની વાતો કરતા એના તરફ વધુ હોય. મિહિરને જોઈ શકાય એ માટે હું મારી જગ્યા પણ વ્યવસ્થિત પસંદ કરતી, જેથી એને એની બધી હરકતો કરતો નિહાળી શકાય! એવામાં એક વાર એની બાજુમાં બેઠેલા એના એક મિત્રએ નોંધ્યું કે, હું સતત મિહિર તરફ જ જોતી હોઉં છું.
એનો મિત્ર મને જોઈ રહ્યો છે એ વાતથી હું સાવ બેખબર હતી અને એણે પણ મિહિરને કંઈ કહેવા પહેલા બે દિવસ મને ઑબ્ઝર્વ કરીને કન્ફર્મ કર્યું કે, હું ખરેખર મિહિરને જ જોઉં છું કે નહીં. બીજા દિવસે એના મિત્રએ ચાલું ક્લાસે જ મિહિરના કાનમાં કહ્યું કે, ‘પેલી છોકરીની નજર લેક્ચર કરતા તારામાં વધુ હોય છે.’ મસ્તીખોર મિહિરને આ વાતની ખબર પડતા એણે તો ચાલું ક્લાસે જ મસ્તી શરૂ કરી દીધી અને જાણીજોઈને મારી તરફ વળી વળીને જોવા માંડ્યો. એ પાછળ વળીને જોતો એટલે આખા ક્લાસને એની જાણ થતી અને પછી આખો ક્લાસ એની મસ્તીની મજા લેતો. કોઈક તો વળી મારી તરફ જોઈને દાંત કાઢતું! એના કારણે હું ભોંઠી પડી ગયેલી અને શરમથી પાણી પાણી થઈ ગયેલી.
તે દિવસે મને ચીડવવા એ ભયંકર મસ્તીએ ચઢેલો. એણે જાણીજોઈને મને બધા વચ્ચે છોભીલી પાડી અને મને એના પર ભારે ગુસ્સો ચઢ્યો. બીજા દિવસથી ક્લાસમાં મેં એની તરફ જોવાનું બંધ કરી દીધું અને મારી ઈચ્છા ન હોવા છતાં હું પરાણે પુસ્તક અથવા લેક્ચરમાં મન પરોવતી. એણે તે દિવસે નોટિસ કર્યું કે, મારો ચહેરો ઉતરેલો છે અને હું એની તરફ નજર સુદ્ધાં નથી કરતી. એ લેક્ચર પૂરો થયાં બાદ મારે બીજો લેક્ચર નહોતો ભરવો એટલે હું ક્લાસની બહાર નીકળી ગઈ. કૉલેજના એ શરૂઆતના દિવસો હતા, કૉલેજ શરૂ થયાંને માંડ વીસેક જ દિવસ થયેલા એટલે ‘હાઈહેલ્લો’ના ફ્રેન્ડ્સ સિવાય મારા કોઈ બેસ્ટ ફ્રેન્ડ્સ નહોતા કે, જેમની સાથે હું કેન્ટીન કે ગાર્ડનમાં બેસી શકું.
ક્લાસમાંથી બહાર નીકળીને ક્યાં જવું એ વિશે હું શ્યોર ન હતી. મેં લાઈબ્રેરી તરફ આંટો મારી આવવાનું વિચાર્યું. હું લાઈબ્રેરી તરફ જતી હતી એટલામાં પાછળથી એક અવાજ આવ્યો, ‘એય છોકરી.’ એ અવાજ સાવ અજાણ્યો હતો. મેં અવાજની દિશામાં પાછળ જોયું તો મારું હ્રદય જાણે થડકાર ચૂકી ગયું કારણ કે, પાછળ સાક્ષાત મિહિર ઊભો હતો. એને જોઈને મને પસીનો છૂટી ગયો. હું એકદમ મૂક બનીને એની તરફ જોઈ રહી. ત્યારે તો મને એના નામની પણ ખબર નહોતી. છેલ્લા કેટલાક દિવસોથી મને જે યુવક પ્રત્યે આકર્ષણ હતું એ યુવકે મારો પીછો કરીને મને ‘એય છોકરી’ કહીને બૂમ પાડી હતી.
એણે પણ એ વાત નોંધી હતી કે, મને એનું આકર્ષણ છે. પણ એણે એ વાતને મજાક સમજીને ક્લાસમાં મને ચીડવી હતી. આ કારણે એ દિવસથી મેં એની તરફ નહીં તરફ નહીં જોવાનું નક્કી કરીને એને મારા મનમાંથી કાઢી નાખવાનું નક્કી કરેલું. જે તમારી લાગણીઓની પણ કદર નહીં કરી શકતા હોય એમનો મનમાં વિચાર સુદ્ધાં નહીં કરવો એવી ગાંઠ બાંધી હતી. આ કારણે એ દિવસે મેં બીજી વાતોમાં મન પરોવ્યું હતું.
પરંતુ હવે તો એ જ સામે ઊભો હતો, જેણે મારું અપમાન કરેલું, જેના કારણે મારે બધાની વચ્ચે ભોંઠપ અનુભવવી પડેલી. તો શું એવા યુવક સાથે મારે બોલવું પણ જોઈએ? એને ગણકારવો પણ જોઈએ? શું કામ ગણકારવો જોઈએ?
(ક્રમશઃ)
(શીર્ષક પંકતિઃ સુરેશ દલાલ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર